Home તાજા સમાચાર gujrati પોતાને જ ગરમ ચીપિયાથી ડામ દેનાર રાજગુરુની કહાણી, જેમને સુખદેવ અને ભગતસિંહ...

પોતાને જ ગરમ ચીપિયાથી ડામ દેનાર રાજગુરુની કહાણી, જેમને સુખદેવ અને ભગતસિંહ સાથે ફાંસી અપાઈ હતી

36
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભગતસિંહ, શહીદદિન, રાજગુરુ, સુખદેવ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, NATIONAL BOOK TRUST

શિવરામ હરિ રાજગુરુને બાળપણથી જ તરવાનો, તીરંદાજી અને કુસ્તીનો શોખ હતો. ગિલોલનું તેમનું નિશાન પણ પાકું હતું. પછીથી તેમણે પિસ્તોલ ચલાવવાનું પણ શીખી લીધું હતું અને કહેવાય છે કે સ્વતંત્રતા સેનાનીઓમાં ચંદ્રશેખર આઝાદ પછી રાજગુરુનું નિશાન સૌથી સારું હતું.

સંજોગે બનારસમાં તેમની મુલાકાત સ્વતંત્રતા સેનાની વિશ્વનાથ વૈશમ્પાયન સાથે થઈ. તેમણે કાનપુરમાં ચંદ્રશેખર આઝાદ સાથે રાજગુરુની મુલાકાત કરાવી.

અનિલ વર્મા પોતાના પુસ્તક ‘રાજગુરુ ધ ઇનવિઝિબલ રિવૉલ્યૂશનરી’માં આ મુલાકાતનું રસપ્રદ વર્ણન કરતાં લખે છે, “આઝાદે રાજગુરુને પૂછ્યું, ‘તો તમે ક્રાંતિકારી બનવા માગો છો?'”

રાજગુરુએ જવાબ આપ્યો, “હા જી. હું એ દિશામાં ઘણી કોશિશ કરતો રહ્યો છું.”

આઝાદે કહ્યું, “તેનું પરિણામ ગોળીઓથી ચારણી થયેલું શરીર, દેશવટો કે ફાંસી પણ હોઈ શકે છે, તેમ છતાં?”

રાજગુરુનો જવાબ હતો, “મને તેનો ખ્યાલ છે, પરંતુ હું તેનાથી ગભરાતો નથી.”

આઝાદે ફરી સવાલ કર્યો, “તમારામાં કયા કયા ગુણ છે?”

રાજગુરુએ કહ્યું, “હું માનું છું, શારીરિક રીતે હું મજબૂત છું. હથિયાર વગરની લડાઈમાં પારંગત છું અને સોંપાયેલું કોઈ પણ કામ કરી શકું છું. હું ત્રણ-ચાર દિવસ સુધી ખાધાપીધા વગર રહી શકું છું.”

આ સાંભળીને આઝાદ બોલ્યા, “હવે તમારા અવગુણો વિશે જણાવો.”

રાજગુરુનો જવાબ હતો, “મારામાં એક જ ખામી છે. હું ખૂબ જ ઊંઘું છું. એટલે સુધી કે હું ચાલતાં-ચાલતાં અને ઊભાં-ઊભાં પણ સૂઈ શકું છું.”

ચંદ્રશેખર આઝાદ રાજગુરુથી ખૂબ પ્રભાવિત થયા અને તેમણે તેમને સ્વતંત્રતા સેનાનીઓના દળમાં સામેલ કરી લીધા. તેમને ‘રઘુનાથ’ કોડનેમ આપવામાં આવ્યું.

કહાની જાણીતી છે કે ચંદ્રશેખર આઝાદે ઓરછામાં ખલિયાધાનાનાં જંગલોમાં રાજગુરુને પિસ્તોલ ચલાવવાની ટ્રેનિંગ આપી હતી.

રાજગુરુની સૂવાની ટેવ ચર્ચામાં રહેતી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભગતસિંહ, શહીદદિન, રાજગુરુ, સુખદેવ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Rajkamal Prakashan

રાજગુરુની ઊંઘના ઘણા કિસ્સા જાણીતા છે. એક વખત રાજગુરુ, ભગતસિંહ અને શિવ વર્મા સરકારી ખજાનો લૂંટવાના ઇરાદાથી ગોરખપુર ગયા હતા.

તેમણે એક દુકાન ભાડે રાખી હતી. જ્યાં તે બધા રાત્રે સૂતા હતા.

શિવ વર્મા પોતાના પુસ્તક ‘રેમિનિસેન્સસ ઑફ ફેલો રિવોલ્યૂશનરીઝ’માં લખે છે, “પહેલી જ રાતે અમે લોકો જમીન પર ગાદલાં પાથરીને સૂતા હતા.”

“અચાનક રાત્રે 1 વાગ્યે ફૂંફાડાના અવાજથી મારી આંખ ખૂલી ગઈ. મેં ટૉર્ચ ચાલુ કરી અને જોયું તો રાજગુરુના માથાથી બે ફૂટ દૂર એક સાપ ફેણ ચડાવીને બેઠો હતો. મેં ભગતસિંહને જગાડ્યા.”

“ભગતસિંહે રાજગુરુના પગ પકડીને ખેંચ્યા અને બૂમ પાડી, ‘ઊઠો, તમારા માથા પાસે સાપ બેઠો છે.’ જેવો સાપે પ્રકાશ જોયો, તે સરકીને બીજા રૂમમાં ચાલ્યો ગયો. રાજગુરુએ પડખું ફેરવીને કહ્યું, ‘મને હેરાન ન કરો.’ અને તેઓ ફરી સૂઈ ગયા.”

સ્કૉટને મારવા ટીમ પોલીસ મુખ્યાલય પહોંચી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભગતસિંહ, શહીદદિન, રાજગુરુ, સુખદેવ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Unistar

જ્યારે એક લાઠીચાર્જમાં લાલા લાજપતરાયનું મૃત્યુ થયું, ત્યારે આઝાદના નેતૃત્વમાં સ્વતંત્રતા સેનાનીઓએ આ લાઠીચાર્જનો આદેશ આપનાર લાહોરના વરિષ્ઠ પોલીસ અધીક્ષક જેસી સ્કૉટની હત્યાની યોજના બનાવી.

સુખદેવને આ મિશનના સંયોજક બનાવવામાં આવ્યા. ત્યાર પછી સુખદેવે પોતાની ટીમ પસંદ કરી, જેમાં ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ અને જય ગોપાલ સામેલ હતા. રાજગુરુને તેમના અચૂક નિશાનના કારણે પસંદ કરવામાં આવ્યા હતા.

આઝાદે પિસ્તોલ પોતાની પાસે રાખી. રાજગુરુને રિવૉલ્વર અને ભગતસિંહને ઑટોમૅટિક પિસ્તોલ આપી.

રાજગુરુ પોલીસ કાર્યાલય સુધી ચાલતા પહોંચ્યા, જ્યારે ભગતસિંહ, સુખદેવ અને જય ગોપાલ સાઇકલ પર ત્યાં પહોંચ્યા.

જય ગોપાલે ફેલ્ટ કૅપ પહેરેલા એક અંગ્રેજ પોલીસ અધિકારીને લાલ રંગની મોટરસાઇકલ ચાલુ કરતા જોયા.

ગોપાલને લાગ્યું કે તે સ્કૉટ છે, જ્યારે તે જૉન સૉન્ડર્સ હતા. તેમણે રાજગુરુને ઇશારો કર્યો.

રાજગુરુએ સાઉંડર્સ પર ગોળી ચલાવી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભગતસિંહ, શહીદદિન, રાજગુરુ, સુખદેવ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Indian Post

અનિલ વર્મા લખે છે, “સૉન્ડર્સે મોટરસાઇકલ પર ધીમે-ધીમે મુખ્ય ગેટની તરફ આગળ વધવાનું શરૂ કર્યું ત્યારે જ રાજગુરુએ તેમના પર ગોળી છોડી. નિશાન અચૂક હતું.”

“સૉન્ડર્સ જમીન પર પડી ગયા અને તેમનો એક પગ ચાલુ મોટરસાઇકલમાં ભરાઈ ગયો.”

“ભગતસિંહને એ જ સમયે અંદાજ આવી ગયો કે તેમણે ખોટી વ્યક્તિ પર ગોળી છોડી છે, પરંતુ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.”

“તેમણે સૉન્ડર્સનું મૃત્યુ સુનિશ્ચિત કરવા માટે તેમના પર બીજી ઘણી ગોળીઓ છોડી.”

ત્યાર પછી ભગતસિંહ અને રાજગુરુ ડીએવી કૉલેજ તરફ કોર્ટ સ્ટ્રીટ પર દોડવા લાગ્યા. એટલામાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર ડબ્લ્યૂજે ફીમ અને હેડ કૉન્સ્ટેબલ ચાનનસિંહે તેમનો પીછો કરવાનું શરૂ કર્યું.

વર્મા લખે છે, “રાજગુરુએ તેમના પર ગોળી છોડી, પરંતુ તેઓ નિશાન ચૂકી ગયા. ફીમ એક નાળામાં પડી ગયા પરંતુ ચાનનસિંહે તેમનો પીછો કરવાનું ચાલુ રાખ્યું.”

“બંને દોડતાં-દોડતાં ડીએવી કૉલેજના પ્રાંગણમાં પહોંચી ગયા. આઝાદ પહેલાંથી જ ત્યાં હાજર હતા.”

“તેમણે ચાનનસિંહને પીછો ન કરવા માટે ચેતવ્યા, પરંતુ ચાનને તેમની એકે વાત ન સાંભળી.”

“આઝાદે ગોળી છોડી, જે ચાનનસિંહની જાંઘમાં વાગી.”

“બીજી ગોળી વાગતાં જ ચાનન જમીન પર પડી ગયા. એક કલાક પછી હૉસ્પિટલમાં તેમનું મૃત્યુ થઈ ગયું.”

લાહોરની દીવાલો પર ગુલાબી રંગનાં પોસ્ટર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભગતસિંહ, શહીદદિન, રાજગુરુ, સુખદેવ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, National Book Trust

ભગતસિંહ, રાજગુરુ અને આઝાદ દીવાલ કૂદીને હૉસ્ટેલમાં ઘૂસી ગયા. તેઓ થોડા સમય સુધી ધાબા પર રહ્યા, જેથી એ ખાતરી કરી શકે કે કોઈ તેમનો પીછો તો નથી કરતું ને! પોલીસે આખા વિસ્તારની ઘેરાબંધી કરી દીધી હતી.

દીપાકાંત રક્ષે પોતાના પુસ્તક ‘હુતાત્મા શિવરામ રાજગુરુ’માં લખે છે, “તે એક વિડંબના જ કહેવાશે કે અંગ્રેજ સરકારને હચમચાવી દેનારી આ ઘટના પાર પાડનારની પાસે તે રાત્રે ખાવા માટેના પણ પૈસા નહોતા.”

“જય ગોપાલે કોઈક રીતે પોતાના મિત્ર બંસીલાલ પાસેથી 10 રૂપિયા ઉધાર લીધા ત્યારે ખાવાની વ્યવસ્થા થઈ શકી.”

25 વર્ષીય સૉન્ડર્સ ભારતીય પોલીસ સેવાના અધિકારી હતા અને તે સમયના પંજાબના ગવર્નરના પીએના જમાઈ હતા.

બીજા દિવસે શહેરની ઘણી દીવાલો પર હાથથી લખેલાં ગુલાબી રંગનાં પોસ્ટર ચોંટાડેલાં જોવા મળ્યાં.

તેનું શીર્ષક હતું, ‘સૉન્ડર્સ મૃત્યુ પામ્યા છે. લાલાજીની હત્યાનો બદલો લેવાઈ ગયો છે.’ તેના પર હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન આર્મીના કમાન્ડર ઇન ચીફ બલરાજની સહી હતી.

રાજગુરુએ ભગતસિંહના નોકરનો વેશ ધારણ કર્યો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભગતસિંહ, શહીદદિન, રાજગુરુ, સુખદેવ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Chaman Lal

હવે સૌથી મોટી સમસ્યા એ હતી કે સૉન્ડર્સની હત્યા કરનારા લોકોને લાહોરમાંથી સુરક્ષિત બહાર કઈ રીતે કાઢવામાં આવે.

સુખદેવે ક્રાંતિકારી ભગવતીચરણનાં પત્નીને પૂછ્યું કે શું તેઓ કોઈનાં પત્ની બનીને લાહોરમાંથી બહાર જઈ શકે છે? તેઓ તે માટે તૈયાર થઈ ગયાં.

તેમને બધા દુર્ગાભાભી કહેતા હતા. રાજગુરુ નોકરના વેશમાં તેમની સાથે જવા માટે તૈયાર થયા.

પછીથી દુર્ગાભાભીએ યાદ કર્યું, “રાજગુરુએ નોકરના વેશમાં ગંદાં કપડાં પહેર્યાં હતાં. તેઓ ચટાઈ પાથરીને ઘરની બહાર જ સૂઈ ગયા.”

“એ સમયે રાજગુરુ પ્રત્યે દાખવવામાં આવેલી અસભ્યતા માટે હું ક્યારેય મારી જાતને માફ નહીં કરું.”

“ભગતસિંહ અને સુખદેવે તો મારું બનાવેલું ભોજન ખાધું, પરંતુ રાજગુરુને એક પ્લેટમાં ખાવાનું બહાર મોકલી દેવાયું, જેથી તેઓ નોકર છે તેવો ભ્રમ જળવાઈ રહે.”

“તે સમયે મારું મગજ એટલું ચકરાવે ચડેલું હતું કે મને ધ્યાન જ ન રહ્યું કે તેઓ પણ અમારા પોતાના છે. પરંતુ રાજગુરુને તેનું ખોટું ન લાગ્યું અને મને એક શબ્દ પણ ન કહ્યો.”

રાજગુરુ થર્ડ ક્લાસ ડબામાં બેઠા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભગતસિંહ, શહીદદિન, રાજગુરુ, સુખદેવ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, National Book Trust

20 ડિસેમ્બરની સવારે ઓવરકોટ પહેરેલા ભગતસિંહ અને તેમનાં પત્ની બનેલાં દુર્ગાભાભી એક ઘોડાગાડીમાં લાહોર સ્ટેશને જવા માટે રવાના થયાં. ભગતસિંહે પોતાના ઓવરકોટનો કૉલર ઊંચો રાખ્યો હતો જેથી તેમને કોઈ ઓળખી ન શકે.

તેમનો જમણો હાથ કોટના ખિસ્સામાં હતો અને ડાબા હાથે તેમણે દુર્ગાભાભીના પુત્ર શચિને પકડી રાખ્યો હતો.

દુર્ગાભાભીએ હાઈ હીલનાં સૅન્ડલ અને કીમતી સાડી પહેર્યાં હતાં અને તેઓ એક અધિકારીનાં પત્ની લાગતાં હતાં.

રાજગુરુએ પાયજામાની ઉપર ફાટેલો જૂનો કોટ પહેર્યો હતો.

તેમના માથા પર પાઘડી હતી અને કમરમાં દુપટ્ટો બાંધેલો હતો.

તેઓ આ બંનેની પાછળ નોકરની જેમ એક બૅગ લઈને ચાલતા હતા.

ભગતસિંહે 14 ડાઉન દેહરાદૂન ઍક્સ્પ્રેસની બે ફર્સ્ટ ક્લાસ અને એક થર્ડ ક્લાસની ટિકિટ ખરીદી.

તેઓ સામાન્ય ઝડપે ચાલતાં પ્રથમ શ્રેણીના ડબામાં બેઠાં, જ્યારે રાજગુરુ ત્રીજા વર્ગના ડબા તરફ આગળ ચાલ્યા.

લખનૌ સ્ટેશને રાજગુરુ ભગતસિંહ અને દુર્ગાભાભીથી છૂટા પડ્યા અને કાનપુર અને આગરા થઈને બનારસ પહોંચી ગયા.

ત્યાં તેમણે નાગરી પ્રચારણી સભાની સામે એક વ્યાયામશાળામાં યુવકોને કસરત કરાવવાનું શરૂ કરી દીધું.

રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ વચ્ચે દલીલ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભગતસિંહ, શહીદદિન, રાજગુરુ, સુખદેવ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, amritmahotsav.in

થોડા દિવસ પછી આગરા ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું.

ત્યાં તેમણે હિંગ કી મંડી અને ન્યાય કી મંડીમાં બે ઘર ભાડેથી લીધાં.

એક દિવસ રાજગુરુ એક કૅલેન્ડર લઈ આવ્યા, જેના પર એક સુંદર મહિલાનું ચિત્ર બનાવેલું હતું. તેમણે તેને દીવાલ પર ટિંગાડી દીધું.

અનિલ વર્મા લખે છે, “જ્યારે ચંદ્રશેખર આઝાદ રૂમમાં આવ્યા ત્યારે તેમણે એ કૅલેન્ડર ખેંચીને તેના ટુકડેટુકડા કરીને કચરાપેટીમાં ફેંકી દીધું.”

“જ્યારે રાજગુરુ પાછા આવ્યા ત્યારે તેમણે રૂમનું દૃશ્ય જોઈને બૂમ પાડીને કહ્યું, ‘આ કૅલેન્ડર કોણે ફાડ્યું છે?’ આઝાદે એટલા જ ઊંચા અવાજમાં જવાબ આપ્યો, ‘મેં’.”

“રાજગુરુએ તેમને પૂછ્યું, ‘તમે આવું કેમ કર્યું? મને તે ખૂબ ગમતું હતું.’ આઝાદે નારાજ થઈને કહ્યું, ‘એ તસવીર સાથે તમારે શો સંબંધ છે?’ રાજગુરુએ જવાબ આપ્યો, ‘તે સુંદર તસવીર હતી. શું તમે દરેક સુંદર તસવીરને નષ્ટ કરી દેશો?’ આઝાદે કહ્યું, ‘મારું ચાલે, તો હા.’ ત્યારે રાજગુરુએ તેમને કહ્યું, ‘તો જાઓ, તાજમહેલને પણ નષ્ટ કરી દો.'”

પછી આઝાદે રાજગુરુને સમજાવ્યા, “આપણે આપણા પરિવાર છોડીને માત્ર એક હેતુથી અહીં આવ્યા છીએ.”

“તે છે આપણા દેશને આઝાદ કરાવવો. મારી ઇચ્છા છે કે આપણે બધા તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ.”

“મને ડર છે કે સુંદરતા તરફનો તમારો પ્રેમ ક્યાંક આપણને આપણા માર્ગેથી ભટકાવી ન દે અને તે આપણી કમજોરી ન બની જાય. આ સાંભળીને રાજગુરુ ઠંડા પડી ગયા.”

ગરમ ચીપિયાથી પેટે ડામ દીધા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભગતસિંહ, શહીદદિન, રાજગુરુ, સુખદેવ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Unistar

ચંદ્રશેખર આઝાદ હંમેશાં પોતાના સાથીઓને કહેતા હતા કે પૂરી કોશિશ કરવામાં આવે કે તેઓ પોલીસના હાથમાં ન આવે. પરંતુ જો કોઈ એવી પરિસ્થિતિ આવી જાય, તો તેઓ લડીને પોતાનો જીવ આપી દે.

આઝાદની આ વાત સાંભળીને રાજગુરુ વિચારવા લાગ્યા કે જો તેમની સાથે આવું થાય, તો તેઓ શું કરશે.

અનિલ વર્મા લખે છે, “તેમણે એક ચીપિયો ઉપાડ્યો અને તેને આગમાં ગરમ કર્યો. જ્યારે તે ગરમ થઈને લાલ થઈ ગયો ત્યારે તેમણે તેને પોતાની છાતીને અડાડ્યો.”

“તેમને ખૂબ પીડા થઈ અને તેમની આખી ચામડી બળી ગઈ. આવું તેમણે સાત વખત કર્યું.”

“તેઓ પોતાની સહનશક્તિની પરીક્ષા કરતા હતા. રાત્રે તેઓ જ્યારે સૂતા હતા, ત્યારે પીડાથી કણસી રહ્યા હતા.”

“આઝાદ તેમની બાજુમાં સૂતા હતા. કણસવાનો અવાજ સાંભળીને તેઓ જાગી ગયા.”

“તેમણે રાજગુરુને કણસવાનું કારણ પૂછ્યું. રાજગુરુએ પહેલાં ટાળવાની કોશિશ કરી, પરંતુ આઝાદે જીદ કરતાં તેમણે બધી વાત કહેવી પડી.”

“આઝાદે રાજગુરુનું શર્ટ ઊતરાવ્યું. મીણબત્તીના અજવાળામાં આઝાદ એ જોઈને દિગ્મૂઢ બની ગયા કે રાજગુરુની છાતી પર ફોડલા પડી ગયા હતા.”

“આઝાદની આંખમાં આંસુ આવી ગયાં.”

વર્માએ લખ્યું છે કે જ્યારે રાજગુરુને ફાંસી અપાવાની હતી, ત્યારે સ્વતંત્રતા સેનાની સુશીલાદીદી તેમને મળવા લાહોર જેલ ગયાં.

એ ઘટનાને યાદ કરતાં તેમણે રાજગુરુને વિનંતી કરી કે શું તેઓ તેમની છાતી પરના બળી ગયાના ડાઘ તેમને બતાવી શકે છે?

રાજગુરુએ હસીને પોતાના શર્ટનાં બટન ખોલી નાખ્યાં. સુશીલાદીદીએ એક સાચા દેશભક્તના દૃઢ નિશ્ચયને પોતાની આંખે જોયો.

રાજગુરુ અને ભગતસિંહ વચ્ચે હરીફાઈ

રાજગુરુ ભગતસિંહને એક રીતે પોતાના હરીફ માનતા હતા.

આ બંનેની વચ્ચે એ વાતે હરીફાઈ હતી કે દેશ માટે કોણ પહેલાં પોતાનો જીવ આપે છે.

પાર્ટી પાસે તેમની એ જ માગણી રહેતી હતી કે તેમને સૌથી પહેલાં ગોળી છોડવાની તક આપવામાં આવે.

શિવ વર્મા લખે છે, “જ્યારે કેન્દ્રીય ઍસેમ્બ્લીમાં બૉમ્બ ફેંકવાની વાત આવી, ત્યારે રાજગુરુએ એ વાતની જીદ કરી કે ભગતસિંહની સાથે ન તો બટુકેશ્વર દત્તને મોકલવામાં આવે અને ન તો કોઈ બીજાને. આ કામ તેઓ પોતે કરવા માગશે.”

“ત્યારે ચંદ્રશેખર આઝાદે દલીલ કરી કે, તમે પકડાઈ જશો તો અદાલતમાં નિવેદન આપવું પડશે અને તમને અંગ્રેજી નથી આવડતું.”

“જો તમે યોગ્ય નિવેદન નહીં આપી શકો, તો આ કામનો રાજકીય ઉદ્દેશ પૂરો નહીં થઈ શકે અને કરાયેલાં બધાં કામ પર પાણી ફરી વળશે.”

“ત્યારે રાજગુરુએ કહ્યું, ભગતસિંહને કહો કે તેઓ મારા માટે અંગ્રેજીમાં નિવેદન તૈયાર કરે.”

“હું તેને રટી લઈશ. તેમ છતાં જ્યારે આઝાદે રાજગુરુની વાત ન માની ત્યારે તેઓ નારાજ થઈને પુણે જતા રહ્યા.”

કોર્ટે સંભળાવી મોતની સજા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભગતસિંહ, શહીદદિન, રાજગુરુ, સુખદેવ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Harper Collins

સૉન્ડર્સની હત્યાના ઘણા દિવસો પછી રાજગુરુની પુણેથી ધરપકડ કરવામાં આવી.

તેમની પાસેથી ટિનનો એક ડબો મળી આવ્યો, જેમાં એક રિવૉલ્વર અને 14 ગોળીઓ હતી.

તેમને ટ્રેન દ્વારા લાહોર લઈ જવાયા. ટ્રેન જે જે સ્ટેશનો પરથી પસાર થઈ, હજારો લોકો તેમને જોવા માટે ઊમટી પડ્યા.

ગ્વાલિયર પાસે અશોકનગર રેલવે સ્ટેશને રાજગુરુએ જ્યારે પોતાનું માથું ટ્રેનની બારીમાંથી બહાર કાઢ્યું ત્યારે એક અંગ્રેજ અધિકારીએ તેમને લાઠી ફટકારી.

અનિલ વર્મા લખે છે, “આ દૃશ્ય જોઈને ત્યાં હાજર એક 12 વર્ષના છોકરાને એટલો બધો ગુસ્સો આવ્યો કે તેણે એ અધિકારીને એક પથ્થર મારી દીધો.”

“પોલીસે એ છોકરાને ફટકારવાનું શરૂ કરી દીધું. એ છોકરાનું નામ કૃષ્ણ સરલ હતું.”

“મોટા થઈને તેણે ભારતના ક્રાંતિકારીઓ પર ઘણાં પુસ્તકો લખ્યાં.”

19 ઑક્ટોબરે નેતાજી સુભાષચંદ્ર બોઝ સૉન્ડર્સની હત્યામાં ધરપકડ કરાયેલા લોકોને મળવા માટે લાહોર જેલ આવ્યા.

કદમા દરમિયાન મોતીલાલ નહેરુ, રફી અહમદ કિદવઈ અને મોહનલાલ સક્સેના ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનું મનોબળ વધારવા અદાલતમાં પહોંચ્યા.

અદાલતે આ ત્રણેયને મૃત્યુની સજા સંભળાવી. મદનમોહન માલવીયએ વાઇસરૉયને તાર મોકલીને આ ત્રણેયના મૃત્યુદંડને આજીવન જેલની સજામાં બદલવાની અપીલ કરી, પરંતુ વાઇસરૉયે તેમની આ વિનંતી ફગાવી દીધી.

સમય પહેલાં ફાંસી આપવાનો નિર્ણય

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભગતસિંહ, શહીદદિન, રાજગુરુ, સુખદેવ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Getty Images

નક્કી થયું કે, 24 માર્ચ 1931એ આ ત્રણેને ફાંસીએ ચઢાવી દેવાશે. 23 માર્ચે તેમના વકીલ પ્રાણનાથ મહેતા રાજગુરુને મળવા જેલ ગયા.

તેઓ એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે રાજગુરુના ચહેરા પર ચિંતાની એક પણ રેખા નહોતી.

ચાર વાગ્યે જેલના નાઈ બરકતે કેદીઓને સૌથી પહેલાં સમાચાર આપ્યા કે આ ત્રણેને 11 કલાક પહેલાં જ ફાંસી અપાઈ રહી છે.

કુલદીપ નૈયર પોતાના પુસ્તક ‘વિધાઉટ ફિયર’માં લખે છે, “જેલના બધા કેદીઓને ચાર વાગ્યે જ પોતપોતાની બૅરેક્સમાં જવાનું કહી દેવાયું.”

“ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ અંતિમ સ્નાન કર્યું અને કાળા રંગનાં કપડાં પહેર્યાં. ડૉક્ટરે તેમનું વજન માપ્યું.”

“તેમણે માગ કરી કે તેમને હાથકડી પહેરાવવામાં ન આવે. તેમની એ માગ સ્વીકારી લેવાઈ.”

“ત્રણે સિંહ પોતપોતાની ઓરડીમાંથી બહાર આવ્યા અને એકબીજાને ભેટ્યા. ભગતસિંહ વચ્ચે ચાલતા હતા.”

“સુખદેવ તેમની ડાબી તરફ હતા અને રાજગુરુ તેમની જમણી બાજુ. ત્રણેય પોતાના ખભા અડાડીને ચાલતા હતા.”

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભગતસિંહ, શહીદદિન, રાજગુરુ, સુખદેવ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Harper Collins

એવામાં અચાનક ભગતસિંહે ગાવાનું શરૂ કરી દીધું – ‘દિલ સે ન નિકલેગી ન મર કર વતન કી ઉલ્ફત / મેરી મિટ્ટી સે ભી ખુશબૂ-એ-વતન આયેગી.’

અંગ્રેજ ડેપ્યુટી કમિશનર આશ્ચર્યથી આ દૃશ્ય જોઈ રહ્યા હતા. ત્યારે જ ભગતસિંહે તેમની તરફ ફરીને કહ્યું, “તમે નસીબદાર છો કે તમે જોઈ શકો છો કે ભારતીય ક્રાંતિકારી કઈ રીતે ખુશીથી મોતને ભેટે છે.” ત્રણેએ પગથિયાં ચડવાનું શરૂ કર્યું અને ફાંસીના માંચડા પાસે પહોંચી ગયા.

અનિલ વર્મા લખે છે, “ત્યાં બધાએ સૂત્ર પોકાર્યું, ‘ઇન્કલાબ, ઝિંદાબાદ.’ જલ્લાદે ધ્રૂજતા હાથે તેમના પગ અને હાથ બાંધ્યા અને તેમના ચહેરાને કાળાં કપડાંથી ઢાંકી દીધા.”

“એની પહેલાં તેમણે ફાંસીના ફંદાને ચુંબન કર્યું. બરાબર 7 વાગ્યા ને 33 મિનિટે મેજિસ્ટ્રેટે પોતાની ઘડિયાળ તરફ જોઈને પોતાનો હાથ હલાવ્યો.”

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભગતસિંહ, શહીદદિન, રાજગુરુ, સુખદેવ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, The Tribune

થોડીક જ ક્ષણોમાં તેમના શરીરે જીવ છોડી દીધો. ડૉક્ટરે તેમની તપાસ કરીને તેમને મૃત જાહેર કર્યા.

જેલમાં એવું વાતાવરણ હતું કે એક ભારતીય અધિકારીએ મૃત લોકોનાં શરીરને ઓળખવાનો ઇનકાર કરી દીધો.

તેમને તત્કાલ નોકરીમાંથી કાઢી મૂકીને અટકાયતમાં લઈ લેવાયા. ભારત જ્યારે આઝાદ થયું ત્યારે જેસી સ્કૉટ, જેમને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ મારવા માગતા હતા, લાહોર રેન્જના ડીઆઇજીના પદ પર હતા.

તેમણે વિનંતી કરી કે તેમને ભારતમાં પોતાની સેવાઓ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ, ભારત સરકારે તેમના જૂના રેકૉર્ડને ધ્યાનમાં લઈને તેમની વિનંતી ફગાવી દીધી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS