Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Anthony Perriam
ચેતવણી: આ અહેવાલની કેટલીક તસવીર, અમુક વાચકોને વિચલિત કરી શકે છે. વાચકનો વિવેક અપેક્ષિત
ઍન્થની પેરિયમે ક્યારેય નહોતું વિચાર્યું કે તેમના જડબા નીચે થયેલી નાની ગાંઠ તેમના માટે મોટી સમસ્યારૂપ બની જશે.
ઍન્થનીને જ્યારે ગાંઠ જેવું જણાયું, એટલે જરા પણ ઢીલ કર્યા વગર તેઓ ડૉક્ટર પાસે ધસી ગયા. તેમનાં પરીક્ષણ કરવામાં આવ્યાં અને થોડા દિવસો પછી તેમને માથા અને ડોકના ભાગમાં એચપીવી (હ્યુમન પૅપિલોમાવાઇરસ) કૅન્સર થયું હોવાનું બહાર આવ્યું હતું.
ઍન્થનીએ આને કારણે એક તબક્કે જીભ ગુમાવવી પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી.
એચપીવીએ ચામડીને અસર કરતો સર્વસામાન્ય પ્રકારનો વાઇરસ છે, જે મોટાભાગના લોકોને અસર નથી કરતો, છતાં કેટલાક લોકોમાં કૅન્સર કે ગુપ્તભાગે ગાંઠોનું સર્જન કરી શકે છે.
કાર્ડિફમાં રહેતા ઍન્થનીના કહેવા પ્રમાણે, “મેં માત્ર સર્વાઇકલ કૅન્સર સંદર્ભે એચપીવી વિશે સાંભળ્યું હતું, પરંતુ તેના કારણે આવી રીતે પુરુષોને પણ કૅન્સર થઈ શકે છે, તેના વિશે જાણતો ન હતો.”
ઍન્થની ઉમેરે છે, “હું મારી જાતને નસીબદાર માનું છું કે હું જમી શકું છું અને વાત કરી શકું છું, પરંતુ જો મેં ઢીલ કરી હોત તો મેં જીભ ગુમાવી હોત કે મૃત્યુ પામ્યો હોત.”
NHSનું શું કહેવું છે?
ઇમેજ સ્રોત, Anthony Perriam
આપણું શરીર એચપીવી વાઇરસના ચેપને કાઢી નાખે છે, છતાં કેટલીક વાર પ્રાઇવેટ પાર્ટસમાં ગાંઠ જેવું થઈ જાય છે અથવા કૅન્સર થઈ શકે છે. પુરુષોમાં માથા અને ડોકના ભાગે કૅન્સર થઈ શકે છે તથા મહિલાઓમાં તેના કારણે સર્વાઇકલ કૅન્સર થાય છે.
બ્રિટનના આરોગ્ય મંત્રાલય દ્વારા 12થી 13 વર્ષનાં બાળકોને રસી આપવા માટે સૂચન કરવામાં આવે છે, જેથી કરીને ભવિષ્યનાં જોખમને ટાળી શકાય.
ઍન્થની એક સલાહ આપે છે, “જો તમને શરીરમાં ક્યાંય પણ ગાંઠ જેવું દેખાય, ચાહે તે દુઃખતી ન હોય, તો પણ તપાસ કરાવો.”
તેઓ કહે છે, “આ પ્રકારના કૅન્સર વિશે ખાસ ચર્ચા નથી થતી. વિશેષ કરીને પુરુષોમાં. જો વહેલાસર પગલાં ભરવામાં આવે તો જિંદગી બચી શકે છે.”
ઍન્થનીનાં શરીરમાં કૅન્સર જેવાં કોઈ લક્ષણ દેખાતાં ન હતાં.
છતાં માર્ચ-2023માં સિટી સ્કૅન, બાયૉપ્સી તથા એમઆરઆઈ કરવામાં આવ્યા, જેમાં તેમને કૅન્સર થયું હોવાનું માલૂમ પડ્યું હતું.
આજે 41 વર્ષીય ઍન્થની કહે છે, “એ સમયે મારાં બાળકો ખૂબ જ નાનાં હતાં. એકની ઉંમર ત્રણ વર્ષ તથા બીજાની ઉંમર છ વર્ષની હતી.”
“જ્યારે મને ખબર પડી કે મને કૅન્સર છે, ત્યારે હું મારા કરતાં એમના વિશે વધુ ચિંતિત હતો. ભવિષ્ય વિશે વિચાર કરીને હું હચમચી ગયો હતો.”
તબીબોએ ઍન્થનીના ગળામાંથી 44 ગાંઠો કાઢી. જીભનાં મૂળમાંથી કૅન્સરને કાઢવા માટે રૉબોટની મદદથી સર્જરી કરવામાં આવી હતી.
ઍન્થની કહે છે, “તબીબોએ મને કહ્યું હતું કે સમયસર રોગ પકડાય ગયો હતો. મારી ડોકમાં રહેલી ગાંઠ ફાટવાની અણી ઉપર હતી.”
“જો હું મોડો પડ્યો હોત, તો કૅન્સર મારા આખા શરીરમાં ફેલાઈ ગયું હોત.”
જોકે, ઍન્થની માટે રેડિયો થૅરપી તથા કિમોથૅરપી ટ્રીટમેન્ટ ખૂબ જ દર્દનાક હતી. આ ગાળામાં ઍન્થનીએ 22 કિલોગ્રામ વજન ગુમાવ્યું.
ઍન્થની કહે છે, “મારા મોઢામાંથી લાળ બિલકુલ સૂકાઈ ગઈ હતી. કંઈ પણ પીવાનું કપરું થઈ ગયું હતું. તે મોઢામાં જતાંની સાથે જ ભુક્કો થઈ જતું.”
“હું એટલો અશક્ત થઈ ગયો હતો કે મને હરફર કરવા માટે વ્હીલચેરની જરૂર પડતી.”
ઍન્થની ઉમેરે છે, “જ્યારે મને રેડિયોથૅરપી માટે વ્હીલચૅર ઉપર બેસાડીને લઈ જવામાં આવતો, ત્યારે (હૉસ્પિટલના) કૉરિડોરમાંથી પસાર થવું મારા માટે ખૂબ જ તણાવજનક હતું.”
“જોકે મને મારા પરિવારે આ બધું પાર કરવા માટે પ્રેરણા આપી. જેથી હું મારો 40મો જન્મદિવસ ઊજવી શક્યો.”
એચપીવી શું છે?
ઇમેજ સ્રોત, Anthony Perriam
એચપીએ શરીરની ચામડીને અસર કરતો વાઇરસ છે. તેના 100થી વધુ પ્રકાર છે. તે શારીરિક સંસર્ગ કે સ્કિન-ટુ-સ્કિન સંપર્કથી ફેલાય છે.
બ્રિટનના વૅલ્સ સહિત વિશ્વના કેટલાક દેશોમાં બાળકોને 12થી 13 વર્ષની ઉંમરે તેની રસી આપવામાં આવે છે, કારણ કે તેને સૌથી વધુ અસરકારક ઉંમર માનવામાં આવે છે.
યુનિવર્સિટી હૉસ્પિટલ વૅલ્સના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2008માં રસી અપાવવાની શરૂઆત કરવામાં આવી હતી.
હવે 20થી 30 વર્ષની ઉંમરની મહિલાઓમાં સર્વાઇકલ કૅન્સરના કેસોમાં 90 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
કાર્ડિફસ્થિત માથા અને ગળાના સર્જન ડૉ. સંદીપ બેરી દર્દીઓને આગ્રહ કરે છે કે તેઓ પોતાનાં બાળકોને વૅક્સિન અપાવે.
તેઓ કહે છે કે એચપીવીની વૅક્સિન વર્ષોથી વિશ્વભરમાં ઉપલબ્ધ છે. તે સંપૂર્ણપણે અસરકારક અને સલામત છે.
છોકરા અને છોકરીઓને સ્વસ્થ રાખવામાં તથા ભવિષ્યમાં થનાર કૅન્સરનાં જોખમથી બચાવવામાં વૅક્સિન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
બેરી કહે છે કે આઠમા વર્ષની ઉંમરથી બાળકોને આ વૅક્સિન આપવી જોઈએ, ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ સૌથી વધુ સક્રિય હોય છે અને જાતીય પ્રવૃત્તિઓ હજુ શરૂ નથી થઈ હોતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



