Home તાજા સમાચાર gujrati પુતિનના વિરોધી નેતાને મારવા માટે કથિત રીતે વપરાયેલું દેડકાનું ઝેર કેટલું ખતરનાક...

પુતિનના વિરોધી નેતાને મારવા માટે કથિત રીતે વપરાયેલું દેડકાનું ઝેર કેટલું ખતરનાક છે?

8
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી રશિયા વ્લાદિમીર પુતિન એલેક્સી નવેલની હત્યા ડાર્ટ ફ્રૉગ ઝેર દેડકા ટૉક્સિન એપિબેસિડિન

ઇમેજ સ્રોત, AFP via Getty Images

બ્રિટન અને તેના યુરોપિયન સાથી દેશોએ દાવો કર્યો છે કે રશિયાના વિરોધપક્ષના નેતા ઍલેક્સી નવેલનીની હત્યા ડાર્ટ ફ્રૉગના ઝેરમાંથી વિકસાવાયેલા એક ટૉક્સિન દ્વારા કરવામાં આવી હતી.

નવેલનીનું મોત સાઇબેરિયાની એક દંડ કૉલોનીમાં થયું હતું. તેનાં બે વર્ષ પછી બ્રિટન અને સહયોગીઓએ તેમના શરીરમાંથી મળેલા સૅમ્પલના વિશ્લેષણના આધારે રશિયાને જવાબદાર ગણાવ્યું છે.

મ્યુનિક ખાતે સુરક્ષા સંમેલનમાં બ્રિટનના વિદેશમંત્રી યવેટ કૂપરે કહ્યું કે જેલમાં પૂરાયેલા નવેલની સામે આ ઝેરનો ઉપયોગ કરવા માટે માત્ર “રશિયન સરકાર પાસે સાધન, ઇરાદો અને તક” હતાં.

તાસ સમાચાર એજન્સી મુજબ મૉસ્કોએ આ પરિણામોને ‘દુષ્પ્રચાર અભિયાન’ કહીને નકારી કાઢ્યાં છે.

જોકે, કૂપરે કહ્યું કે નવેલનીના શરીરમાં ઍપિબેસિડિન નામના ટૉક્સિક મળી આવવાના કોઈ સ્પષ્ટ કારણો જાણવા નથી મળ્યાં.

કૂપરની આ જાહેરાત સાથે જ બ્રિટન, સ્વીડન, ફ્રાન્સ, જર્મની અને નેધરલૅન્ડ્સે એક સંયુક્ત નિવેદન જારી કર્યું છે.

કૂપરે સપ્તાહના અંતમાં યોજાયેલા સંમેલનમાં નવેલનીનાં પત્ની યૂલિયા નવેલની સાથે પણ મુલાકાત કરી હતી.

કૂપરે કહ્યું કે “રશિયા નવેલનીને એક ખતરા તરીકે જોતું હતું. આ પ્રકારના ઝેરનો ઉપયોગ કરીને રશિયન સરકારે દેખાડ્યું કે તેની પાસે કેટલાં ઘૃણાસ્પદ સાધન છે અને તે રાજકીય વિપક્ષથી કેટલું ભયભીત છે.”

ઍલેક્સી નવેલની સાઇબેરિયામાં કેદ હતા

બીબીસી ગુજરાતી રશિયા વ્લાદિમીર પુતિન એલેક્સી નવેલની હત્યા ડાર્ટ ફ્રૉગ ઝેર દેડકા ટૉક્સિન એપિબેસિડિન

ઇમેજ સ્રોત, Getty Images

સહયોગી દેશોએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે “નવેલની રશિયાની સાઇબેરિયાસ્થિત જેલમાં હતા ત્યારે તેમને નિશાન બનાવવા માટે ઘાતક ટૉક્સિનનો ઉપયોગ કરવાનાં સાધન, ઇરાદો અને તક માત્ર રશિયન સ્ટેટ પાસે હતાં. અમે તેમના મોત માટે તેને (રશિયાને) જ જવાબદાર ગણીએ છીએ.”

નિવેદન મુજબ “ઍપિબેડિટિન સ્વભાવિક રીતે સાઉથ અમેરિકાના જંગલી ડાર્ટ ફ્રૉગમાં મળી આવે છે. કેદમાં પાળવામાં આવેલા ડાર્ટ ફ્રૉગ આ ટૉક્સિન નથી બનાવતા અને રશિયામાં પણ તે કુદરતી રીતે નથી મળી આવતા.”

નવેલનીના “અસાધારણ સાહસ”ને બિરદાવતા બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે કહ્યું કે, “સત્યને બહાર લાવવાના તેમના સંકલ્પે એક કાયમી વારસો છોડ્યો છે.”

ફ્રાન્સના વિદેશમંત્રી જિન-નૉએલ બેરોએ પણ કહ્યું કે તેમનો દેશ નવેલનીને શ્રદ્ધાંજલિ આપે છે, જેમને “એક સ્વતંત્ર અને લોકતાંત્રિક રશિયાના પક્ષમાં સંઘર્ષ બદલ મારી નાખવામાં આવ્યા.”

ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવતા અને રશિયાના મુખ્ય વિરોધપક્ષના નેતા નવેલનીનું 16 ફેબ્રુઆરી, 2024ના રોજ 47 વર્ષની વયે જેલમાં અચાનક મૃત્યુ થયું હતું.

2020માં તેમને નૉવિચોક નર્વ એજન્ટથી ઝેર અપાયું હતું. જર્મનીમાં તેમની સારવાર થઈ હતી અને રશિયા પરત ફરતી વખતે ઍરપૉર્ટ પર જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

દેડકાનું આ ‘અત્યંત દુર્લભ ઝેર’

બીબીસી ગુજરાતી રશિયા વ્લાદિમીર પુતિન એલેક્સી નવેલની હત્યા ડાર્ટ ફ્રૉગ ઝેર દેડકા ટૉક્સિન એપિબેસિડિન

ઇમેજ સ્રોત, AFP via Getty Images

બ્રિટન અને યુરોપિયન સહયોગીઓએ ઍપિબેટિડિન તરીકે ઓળખાતા જે ઝેરના ઉપયોગનો દાવો કર્યો છે, તે સૌથી પહેલાં ઉત્તર દક્ષિણ અમેરિકાના ઝેરીલા ડાર્ટ ફ્રૉગના એક જૂથમાંથી મળી આવ્યું હતું.

ઍપિબેટિડિનને પીડાશામક અને ફેફસાંના સોજાની તકલીફમાં રાહત આપતા પદાર્થ તરીકે શોધવામાં આવ્યું હતું. પરંતુ તેને મેડિકલ ઉપયોગ માટે અત્યંત ઝેરી માનવામાં આવ્યું હતું.

બીબીસી રશિયા સાથે વાત કરતાં ટૉક્સિન વિજ્ઞાનના નિષ્ણાત જિલ જૉન્સને જણાવ્યું કે તે “મૉર્ફિન કરતાં 200 ગણું વધારે શક્તિશાળી” છે.

તેમણે કહ્યું કે તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના રિસેપ્ટર પર અસર કરે છે અને તે “માંસપેશીઓમાં ઝાટકા લાગવા અને લકવો, સ્ટ્રોક, હૃદયની ગતિ ધીમી પડવી, શ્વસન ફૅલ્યર અને અંતમાં મૃત્યુ”નું કારણ બની શકે છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે આ અત્યંત દુર્લભ ન્યૂરૉટૉક્સિન માત્ર એક જંગલી દેડકાની પ્રજાતિમાં વધતા-થોડા પ્રમાણમાં જોવા મળે છે. દેડકા એક વિશેષ આહાર લે ત્યારે જ તે પેદા થાય છે.

સંશોધનકર્તાઓનું માનવું છે કે દેડકા તેને પોતાના આહારમાંથી મેળવે છે કારણ કે અલગ અલગ જગ્યાએ રહેતા પ્રાણીમાં ટૉક્સિનનો સતર અલગ-અલગ જોવા મળે છે. કેદમાં ઉછરેલા દેડકાઓમાં તે જોવા નથી મળતું.

જૉન્સને આને “કોઈ વ્યક્તિને ઝેર આપવાની એકદમ દુર્લભ રીત” તરીકે ગણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, “યોગ્ય જગ્યા પર આવા દેડકા શોધવા જે ઍલ્કલૉઇડ બની શકે તેવો યોગ્ય આહાર લેતા હોય, તે લગભગ અશક્ય છે.”

ઍલેક્સી નવેલનીનાં પત્ની યૂલિયાએ શું દાવો કર્યો?

બીબીસી ગુજરાતી રશિયા વ્લાદિમીર પુતિન એલેક્સી નવેલની હત્યા ડાર્ટ ફ્રૉગ ઝેર દેડકા ટૉક્સિન એપિબેસિડિન

ઇમેજ સ્રોત, German Federal Foreign Office via Getty Images

શનિવારે આ જાહેરાત થઈ તે અગાઉથી નવેલનીનાં પત્ની યૂલિયા નવેલનાયા સતત કહેતાં હતાં કે 2024માં આર્કટિક દંડ કૉલોનીમાં સજા કાપતી વખતે તેમના પતિને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યૂલિયાએ જણાવ્યું હતું કે બંને દેશોની પ્રયોગશાળાઓમાં તસ્કરી કરીને લઈ જવાયેલા જૈવિક સૅમ્પલના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે તેમના પતિની “હત્યા કરવામાં આવી હતી.”

તેમણે કથિત ઝેર, સૅમ્પલ અથવા વિશ્લેષણ વિશે માહિતી નહોતી આપી, પરંતુ બંને લૅબોરેટરી પોતાનાં પરિણામો જાહેર કરે તેવી ચૅલેન્જ આપી હતી.

જાહેરાત પર પ્રતિક્રિયા આપતાં યૂલિયા નવાલનાયાએ કહ્યું કે “પહેલા દિવસથી જ મને ખાતરી હતી કે મારા પતિને ઝેર આપવામાં આવ્યું છે, પરંતુ હવે પુરાવા છે.”

“હું બે વર્ષ સુધી સાવધાનીપૂર્વક કરવામાં કામ અને સત્યને ઉજાગર કરવા બદલ યુરોપિયન દેશોની આભારી છું.”

સરકારી સમાચાર એજન્સી ‘તાસ’ મુજબ ક્રેમલિનનાં પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે, “આ તમામ નિવેદનો પશ્ચિમની ગંભીર સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવા માટે ચલાવવામાં આવતું માહિતી અભિયાન છે.”

નવેલની જીવિત હતા ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમનું નામ લેવાનું ટાળ્યું હતું, પરંતુ નવેલનીના મોતના એક મહિના પછી પુતિને સંક્ષેપમાં જણાવ્યું કે કોઈ વ્યક્તિનું નિધન “હંમેશા દુ:ખદ ઘટના” હોય છે.

નવેલનીનું મૃત્યુ થયું ત્યારે તેઓ ત્રણ વર્ષથી જેલમાં હતા. તેમને કથિત રીતે ઉપજાવી કઢાયેલા આરોપોના આધારે સજા આપવામાં આવી હતી અને તાજેતરમાં જ તેમને દંડ કૉલોનીમાં ખસેડવામાં આવ્યા હતા.

રશિયાના કહેવા પ્રમાણે 47 વર્ષીય નવેલનીને સાઇબેરિયાની દંડ કૉલોનીમાં ટહેલતી વખતે અસ્વસ્થતા અનુભવાઈ હતી, તેઓ પડી ગયા અને પછી ક્યારેય ભાનમાં આવ્યા ન હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS