Home તાજા સમાચાર gujrati પરવેઝ મુશર્રફે જ્યારે એક ફોન કૉલ કર્યો અને સૌરવ ગાંગુલી ડરી ગયા

પરવેઝ મુશર્રફે જ્યારે એક ફોન કૉલ કર્યો અને સૌરવ ગાંગુલી ડરી ગયા

13
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રિકેટ, સૌરવ ગાંગુલી, પરવેઝ મુશર્રફ, પાકિસ્તાન, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને 1992 વર્લ્ડકપ વિજેતા ટીમના કપ્તાન ઇમરાન ખાન હાલ જેલમાં છે. જેલમાં તેમની દૃષ્ટિને અસર થયાના સમાચારે ક્રિકેટજગતમાં ઘણાના મનમાં ચિંતા જન્માવી છે.

ઇમરાન ખાનને સારી સારવાર માટે અવાજ ઉઠાવનાર લોકોમાં ક્રિકેટજગતના 14 ભૂતપૂર્વ કપ્તાનો પણ સામેલ છે, જેમાં ભારતના ભૂતપૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કર, કપિલ દેવ પણ સામેલ છે. આ અવાજ ઉઠાવનાર પૈકી મોટા ભાગના ઇમરાન ખાન સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે.

ગાવસ્કર અને કપિલ દેવના ઇમરાન ખાન સાથે ગાઢ સંબંધો છે. આ સિવાય અન્ય એક ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલીનો પણ ઇમરાન ખાન સાથે ખાસ નાતો છે.

ગાંગુલીએ ક્રિકેટના મેદાનમાં ક્યારેય ઇમરાન ખાનનો સામનો નથી કર્યો, છતાં તેમના મનમાં ખાન માટે આદરભાવ છે. આ જ કારણે તેમણે પણ ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ઇમરાન ખાન માટે જેલમાં શ્રેષ્ઠ ઇલાજ અંગે વાત કરતા ગાંગુલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો છે.

ગાંગુલીએ કહ્યું હતું, “તેઓ પાકિસ્તાનના વડા પ્રધાન હતા, એક કપ્તાન, જેણે પાકિસ્તાન ક્રિકેટને વિશ્વના નકશા પર લાવી.”

જીવન બદલી નાખનારી એ મુલાકાત

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રિકેટ, સૌરવ ગાંગુલી, પરવેઝ મુશર્રફ, પાકિસ્તાન, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

ગાંગુલીએ ઇમરાન ખાન સાથેની એ મુલાકાત અને એ દરમિયાન તેમણે આપેલી કિંમતી સલાહ અંગે પોતાના પુસ્તક “અ સૅન્ચુરી ઇઝ નોટ ઇનફ”માં વિગતવાર લખ્યું છે.

તેમાં તેમણે લખ્યું છે, “મેં ઇડન ગાર્ડન્સ ખાતે ઇમરાન ખાનને બૉલિંગ કરતા જોયા છે. હું ટીવી તેમની મૅચો ખૂબ ધ્યાનથી જોઉં છું; તેમના વિશે શક્ય હોય એ બધું વાંચું છું. 1997માં લંડનમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત પાર્ટીમાં મને તેમને રૂબરૂ મળવાની તક મળી. હું ખૂબ ઉત્સાહિત હતો.”

ગાંગુલીના જીવનમાં એ ખૂબ કપરો સમય હતો. તેઓ ટોરન્ટો સિરીઝ માટે ટીમમાંથી ડ્રોપ થયા બાદ ખૂબ વ્યાકુળ હતા. એ બાદ ગુયાના ટેસ્ટમાંથી તેમને બહાર રખાતાં તેમની ઈજા સાથે જાણે અપમાન ભળી ગયું હતું.

બાર્બડોઝને બાદ કરતાં વેસ્ટ ઇન્ડીઝમાં સારું પ્રદર્શન કરવા છતાં તેમને ટીમમાં ઍક્સ્ટ્રા બૉલરને સામેલ કરવા માટે ડ્રોપ કરાયા હતા. ગાંગુલી માનતા હતા કે તેઓ બૅટિંગ અને બૉલિંગ બંનેમાં ઉપયોગી છે.

ગાંગુલી લખે છે કે ટીમમાંથી ડ્રોપ કરાયાનો એ નિર્ણય પચાવવો ખૂબ અઘરો હતો. આનું કારણ કદાચ એ હોઈ શકે કે એ સમયે તેઓ નવા અને બિનઅનુભવી ક્રિકેટર હતા. પરંતુ ઇમરાન ખાન સાથેની મુલાકાત અને વાતચીતે તેમના વિચાર જ બદલી નાખ્યા.

ગાંગુલી લખે છે, “ઇમરાનનું વાત ખૂબ જ નિષ્ઠાવાન અને મૈત્રીપૂર્ણ હતી. તેમણે મને કહ્યું, ‘મેં તારી બૅટિંગ જોઈ, તું સારું રમી રહ્યો છે.’ એ માયાળુ શબ્દોએ મારા અંદરનો ખચકાટ દૂર કરી દીધો. મેં ખૂબ જ ધ્યાનપૂર્ક તેમની વાત સાંભળી. તેમણે જે કહ્યું એ હું ક્યારેય નહીં ભૂલું.”

ગાંગુલી પ્રમાણે, ઇમરાન ખાને તેમને કહ્યું, “તારે ઊંચી ઉડાણ ભરવાની છે. જો એ દરમિયાન તને કાળાં વાદળ દેખાય તો તેનું એક જ સમાધાન છે, હજુ વધુ ઊંચા ઊડો. હું પણ ટીમની બહાર થયો છું. તેથી મને ખબર છે કે એ સમયે કેવું લાગે છે. તારે એટલું ઊંચું ઊડવાનું છે કે તારા પ્રતિસ્પર્ધી પાછળ છૂટી જાય. એ જ તારી સમસ્યાનું સમાધાન છે.”

ગાંગુલી લખે છે કે ઇમરાન ખાનના શબ્દો અને તેનો અર્થ ખૂબ જ સરળ હતો, પણ તેમણે આ વિચાર ખૂબ જ આત્મવિશ્વાસ સાથે રજૂ કર્યા. ગાંગુલી લખે છે કે તેઓ ઇમરાન ખાનના આ શબ્દોથી ખૂબ પ્રભાવિત થયા અને તેનાથી તેમનામાં નવચેતના આવી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રિકેટ, સૌરવ ગાંગુલી, પરવેઝ મુશર્રફ, પાકિસ્તાન, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

અમુક મહિના બાદ ગાંગુલી જાણે દેશના હીરો બની ગયા. તેમણે એ સિરીઝમાં 222 રન બનાવ્યા અને સાથે જ 15 વિકેટ પણ ઝડપી. ભારતની ટીમે એ સિરીઝ ઇમરાન ખાનના પોતાના દેશ પાકિસ્તાન સામે 4-1 ના અંતરથી જીતવામાં સફળતા મેળવી હતી.

એ સિરીઝમાં, ગાંગુલીને સતત ચાર વનડે મૅચમાં ‘પ્લેયર ઑફ ધ મૅચ’નો ખિતાબ મળ્યો. ગાંગુલી સિવાય અન્ય કોઈ ખેલાડીએ વનડે મૅચમાં આ કારનામું નથી કરી બતાવ્યું.

એ જ સિરીઝની ત્રીજી વનડે મૅચમાં ગાંગુલીએ દસ ઓવરમાં 16 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. પાકિસ્તાન સામેની વનડે મૅચમાં કોઈ પણ ભારતીય બૉલરનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે.

ગાંગુલી તેમના પુસ્તકમાં લખે છે કે ઇમરાન ખાનના શબ્દો ખરેખર જાદુઈ હતા અને તેમણે મનોમન એના માટે ખાનનો આભાર માન્યો.

એક યુવાન ક્રિકેટર જેઓ અનિશ્ચિતતા સામે ઝઝૂમી રહ્યા હતા, તેમને ન માત્ર ક્રિકેટ, પરંતુ જીવનમાં પણ એક નવું પરિપ્રેક્ષ્ય મળી ગયું.

ગાંગુલી સાથે ઇમરાન ખાનની બીજી મુલાકાત વર્ષ 2004માં ભારતીય ટીમના પાકિસ્તાન પ્રવાસ વખતે થઈ હતી. ઇમરાન ખાને એ સમયે તેમને પોતાના ઘરે ડિનર માટે આમંત્રિત કર્યા હતા અને ગાંગુલી તેમની મહેમાનગતિથી ખૂબ પ્રભાવિત થયા હતા.

ગાંગુલીની ક્રિકેટ કારકિર્દીમાં વર્ષ 2005નો સમય કાળો અધ્યાય હતો. તેઓ ખરાબ ફૉર્મને કારણે પોતાનું કપ્તાનપદ અને ટીમમાં પોતાનું સ્થાન ગુમાવી ચૂક્યા હતા. પાકિસ્તાની ક્રિકેટ ઝહીર અબ્બાસે ટીમ ઇન્ડિયામાં તેમની વાપસીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી.

ઝહીર અબ્બાસે કરી મદદ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રિકેટ, સૌરવ ગાંગુલી, પરવેઝ મુશર્રફ, પાકિસ્તાન, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

ગાંગુલી 2006માં નૉર્ધનમ્પટનશાયર માટે કાઉન્ટી ક્રિકેટ રમતા હતા. એ સમયે, તેઓ તેમની બૅટિંગ તકનીક અંગે થોડી મુશ્કેલી અનુભવી રહ્યા હતા, જેના કારણે તેમના માટે ફાસ્ટ બૉલરોનો સામનો કરવાનું મુશ્કેલ થઈ ગયું હતું.

આ દરમિયાન તેઓ બીજી વખત ઝહીર અબ્બાસને મળ્યા, જેમને તેઓ માનપૂર્વક ‘ઝી ભાઈ’ કહીને સંબોધતા.

“ઝી ભાઈએ તેમના વ્યાપક અનુભવથી મારી મુશ્કેલી દૂર કરી. તેમણે મને ફાસ્ટ બૉલરો સામે સીધા ઊભા રહેવાની સલાહ આપી. તેમણે મને મારી છાતી સીધી રાખીને ઊભા રહેવા કહ્યું. તેનાથી મારી ગ્રિપ પણ આપમેળે બદલાઈ ગઈ.”

ગાંગુલીએ પુસ્તકમાં લખ્યું, “બદલાયેલી બૅટિંગ પૉઝિશન મુજબ ઢળવું મુશ્કેલ હતું, પરંતુ જેમ જેમ સમય પસાર થયો, હું વધુ નિરાંત અનુભવવા લાગ્યો. મને ફાસ્ટ બૉલરોનો સામનો કરવા માટે ઘણો સમય મળ્યો, અને એ બાદ મારા જીવનના શ્રેષ્ઠ દિવસો શરૂ થયા, અને મેં એ માટે ઝી ભાઈનો આભાર માન્યો.”

સલીમ મલિકની ધમકી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રિકેટ, સૌરવ ગાંગુલી, પરવેઝ મુશર્રફ, પાકિસ્તાન, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

ભારત-પાકિસ્તાનની મૅચો હંમેશાં ચર્ચાનું કેન્દ્ર રહે છે. મેદાનની બહાર મિત્રતાપૂર્ણ અને ખુશીની પળો જોવા મળે છે, પરંતુ કોઈનેય મેદાનમાં વિરોધી ટીમના વર્ચસ્વને જોવું ગમતું નથી. મેદાન પર આક્રમક સ્લેજિંગ થાય છે.

ટોરન્ટો વનડે સિરીઝમાં મોઇન ખાન વિકેટકીપિંગ કરતાં કરતાં સ્લેજિંગ કરી રહ્યા હતા; સલીમ મલિક તેનાથી એક ડગલું આગળ નીકળી ગયા.

બીજી મૅચમાં, ગાંગુલીએ સલીમ મલિકને આઉટ કર્યા. ત્રીજી મૅચમાં ગાંગુલી બૅટિંગ કરવા આવ્યા ત્યારે સલીમ મલિક તેમની પાસે આવ્યા અને ધમકીભર્યા અંદાજમાં બોલ્યા, “આજે હું તારી બૉલિંગમાં ફટકાબાજી કરીશ. તું આશ્ચર્યચકિત થઈ જશે.” જોકે, ગાંગુલીએ સલીમ મલિકને એ મૅચમાંય આઉટ કર્યા.

ગાંગુલીએ કહ્યું, “હું એ સમયે એક યુવાન ખેલાડી હતો, સલીમ મલિક પાકિસ્તાનનો સ્ટાર બૅટ્સમૅન હતો – મારામાં તેને જવાબ આપવાની હિંમત નહોતી.”

એ સિરીઝમાં ગાંગુલીએ પાકિસ્તાનના તત્કાલીન કૅપ્ટન રમીઝ રાજાને પણ આઉટ કર્યા. રમીઝ રાજાએ હળવાશપૂર્વક ગાંગુલીને કહ્યું, “મારા પાકિસ્તાની ટીમમાંથી ડ્રોપ થવા પાછળ તું કારણભૂત છે.”

ગાંગુલી મુશર્રફના ફોનથી કેમ ગભરાયા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રિકેટ, સૌરવ ગાંગુલી, પરવેઝ મુશર્રફ, પાકિસ્તાન, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2004માં ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે હી, તેમને સઘન સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. ગાંગુલી લખે છે કે લાહોર હોટલ કિલ્લામાં પલટી દેવાઈ હતી.

પરંતુ શું આવી સ્થિતિમાં કોઈ એ વાત વિચારી શકે ખરો કે ભારતીય ટીમના કપ્તાન તેમના મિત્રો સાથે રાત્રિ દરમિયાન ઍડ્વેન્ચર પર ઊપડ્યા હતા?

પરંતુ સૌરવ ગાંગુલીએ બરાબર એવું જ કર્યું. તેઓ સલામતીના નિયમોનો ભંગ કરી રહ્યા હોવાનું જાણવા છતાં તેમણે આવું કર્યું. તેઓ એ વાતાવરણથી દૂર રહેવા માગતા હતા.

ગાંગુલીએ લખ્યું, “હું વનડે સિરીઝમાં ઐતિહાસિક જીતથી ખૂબ પ્રસન્ન હતો. કૅચ કરવાનો પ્રયાસ કરતી વખતે હું ઈજાગ્રસ્ત પણ થયો. ડૉક્ટરે મને ત્રણ અઠવાડિયાં સુધી આરામ કરવાનું કહ્યું. પણ મારો મૂડ સારો હતો. હું કોલકાતાથી આવેલા મારા મિત્રોને જોઈને ખૂબ ખુશ હતો.”

તેઓ લખે છે, “એક રાત્રે મેં મિત્રો સાથે બહાર જવાનું ઠરાવ્યું. મેં સુરક્ષાકર્મીને ન કહ્યું કે અમે બહાર જઈ રહ્યા છીએ, કારણ કે જો મેં એવું કર્યું હોત, તો તેમણે મને બહાર ન જવા દીધો હોત. મેં માત્ર ટીમ મૅનેજર રત્નાકર શેટ્ટીને કહ્યું અને હું જતો રહ્યો. હું ચૂપચાપ પાછળના દરવાજેથી ગયો. હું બહાર નીકળ્યો, ટોપી પહેરી અને મારો ચહેરો છુપાવી લીધો, જેથી કોઈ મને ઓળખી ન શકે.”

ગાંગુલી લખ્યું, “અમારું ડેસ્ટિનેશન ગ્વાલિયર મંડીની ખ્યાત ફૂડ સ્ટ્રીટ હતું. કબાબ અને તંદૂરી અમારી રાહ જોઈ રહ્યાં હતાં. પરંતુ ખુલ્લામાં ઓળખાઈ જવાની બીક પણ હતી. એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને પૂછ્યું, “શું તમે સૌરવ ગાંગુલી છો?” મેં એમને ના પાડી દીધી. એ વ્યક્તિએ હતાશ થઈ કહ્યું, “પણ તમે સૌરવ ગાંગુલી જેવા દેખાઓ છો!””

તેઓ આગળ લખે છે કે, “અમે બધા મુશ્કેલીથી પોતાનું હાસ્ય રોકી શક્યા. એ દરમિયાન જ બીજી વ્યક્તિ આવી અને કહ્યું, ‘સર, તમે અહીં છો? તમારી ટીમે શું શાનદાર પ્રદર્શન કર્યું છે.’ મેં તેને અવગણ્યો, પણ તેણે માથું હલાવ્યું અને ત્યાંથી જતો રહ્યો.”

“અમે ભોજન કરીને પરવારી ગયા ત્યારે જ પત્રકાર રાજદીપ સરદેસાઈએ મને ઓળખી લીધો. તેઓ ત્યાં ભારતીય મંત્રી રવિશંકરપ્રસાદ સાથે આવ્યા હતા. જ્યારે તેમણે મને જોયો, તેમણે બૂમો પાડવાનું શરૂ કર્યું, “સૌરવ! સૌરવ!” મને સમજાઈ ગયું કે હું મુશ્કેલીમાં છું. બધાને ખબર પડી ગઈ કે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન ‘ફૂડ સ્ટ્રીટ’ પર છે.”

“ચારે તરફથી લોકો આવવા મંડ્યા. હું મારો છેલ્લો કબાબ ખાઈ રહ્યો હતો અને આટલી ઝડપથી સ્થિતિ બદલાઈ જશે, એ મેં નહોતું વિચાર્યું. મેં પૈસા ચૂકવી અને સ્થળ છોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ દુકાનદારે પૈસા લેવાની ના પાડી દીધી.”

“એક પોલીસવાળો અમને અમારી કાર સુધી લઈ ગયો. હોટલ પાછા જતી વખતે, એક બાઇક ઝડપભેર અમારો પીછો કરવા લાગી. ચાલકે મને બારીનો કાચ નીચે કરવા કહ્યું. પણ મારા સાથીદારોએ ના પાડી. જોકે, મેં મારી બારીનો કાચ નીચો કર્યો ખરો. એ વ્યક્તિએ હાથ લંબાવ્યો અને કહ્યું, ‘ફૂડ સ્ટ્રીટ પર મારી દુકાન છે, હું તમારો મોટો પ્રશંસક છું!'”

બીજા દિવસે સવારે, ગાંગુલીએ શું બન્યું એ બધી વાત પોતાના ટીમ મૅનેજરને કહી બતાવી. પરંતુ બાદમાં જે થયું તેનાથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

“જ્યારે હું રૂમમાં પાછો ફર્યો, ત્યારે મારો ફોન વાગ્યો. મેં ફોન ઉપાડ્યો – એ કૉલ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના કાર્યાલયમાંથી આવ્યો હતો! તેમણે કહ્યું રાષ્ટ્રપતિ મારી સાથે વાત કરવા માગે છે. હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. મને ખ્યાલ નહોતો કે કેમ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મારી સાથે વાત કરવા માગી રહ્યા હતા.”

“મુશર્રફે શાંતિથી અને સ્પષ્ટપણે વાત કરી: ‘બીજી વખત જ્યારે તમારે બહાર જવું હોય ત્યારે સુરક્ષાકર્મીને કહી દેજો. અમે બધી ગોઠવણ કરી દઈશું. પણ કૃપા કરીને આવું સાહસ ન કરતા.’ મને થોડી મૂંઝવણ અનુભવાઈ. મુશર્રફના કૉલે મને વસીમ અકરમના સ્વિંગ બૉલ કરતાં વધુ ડરાવી દીધો.”

સૌરવ ગાંગુલીની આગેવાનીમાં પાકિસ્તાનના પ્રવાસે 15 વર્ષ બાદ આવેલી ભારતીય ટીમે વનડે અને ટેસ્ટ એમ બંને સિરીઝમાં સારું પ્રદર્શન કર્યું. ભારતીય ટીમે 3-2થી વનડે અને 2-1થી ટેસ્ટ સિરીઝ પોતાને નામ કરી હતી.

થોડાં વર્ષ પહેલાં ભારતની એક ખાનગી ન્યૂઝ ચૅનલના પ્રોગ્રામમાં તેમણે 2004ની સિરીઝની મીઠી યાદો અને પાકિસ્તાનના ભૂતપૂર્વ કપ્તાન ઇંઝમામ-ઉલ-હક સાથેની તેમની મિત્રતા અંગે વાત કરી હતી.

તેમણે લખ્યું. “એક ક્રિકેટર તરીકે હું ઇંઝમામ-ઉલ-હકનો પ્રશંસક હોવા છતાં હું તેમના ગુણોનો વધુ ચાહક છું.”

ઇંઝમામે પણે ગાંગુલી સાથેની પોતાની યાદો જણાવી, “2005ની સિરીઝ પહેલાં હું પ્રમોશન માટે કોલકાતા ગયો હતો. હું આ પ્રવાસ દરમિયાન હોટલમાં જ રહ્યો હતો. પરંતુ મને ભોજન ગાંગુલીના ઘરેથી મળતું.”

2007માં ગાંગુલીએ પોતાની કારકિર્દીના અંતિમ તબક્કામાં પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝમાં સારું પ્રદર્શન કર્યું.

તેમણે ત્રણ ટેસ્ટમાં 89ની સરેરાશ સાથે 534 રન કર્યા. એ સિરીઝમાં ગાંગુલી સૌથી વધુ રન બનાવનારા બૅટ્સમૅન રહ્યા. તેમણે પોતાની કારકિર્દીની એકમાત્ર ડબલ સૅન્ચુરી (239) પાકિસ્તાન સામે એ જ સિરીઝમાં ફટકારી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS