Source : BBC NEWS
ઇમેજ સ્રોત, ANI
અપડેટેડ 6 કલાક પહેલા
વાંચવાનો સમય: 6 મિનિટ
સીબીઆઈએ નીટ પેપરલીક મામલામાં પુણેથી એક આરોપી મનીષા માંઢરેની ધરપકડ કરી છે. પેપરલીક મામલામાં અત્યાર સુધીમાં કુલ નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મનીષા માંઢરે નીટ-યુજી 2026ની પરીક્ષા પ્રક્રિયા સાથે જોડાયેલાં હતાં. તેમને નૅશનલ ટેસ્ટિંગ ઍજન્સીએ ઍક્સપર્ટ તરીકે નિયુક્ત કર્યાં હતાં.
તપાસમાં ખ્યાલ આવ્યો છે કે તેમને બૉટની અને ઝૂલૉજીનાં પ્રશ્નપત્રોનું સંપૂર્ણ ઍક્સેસ આપવામાં આવેલું હતું.
તેઓ પુણેની એક પ્રતિષ્ઠિત કૉલેજમાં પ્રોફેસર તરીકે કામ કરી રહ્યાં છે.
જોકે, આ મામલામાં હજુ સુધી મનીષા માંઢરે કે તેમના વકીલો તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પ્રતિક્રિયા આવતાં જ આ સમાચારને અપડેટ કરવામાં આવશે.
આ પહેલાં લાતૂરના રહેવાસી પીવી કુલકર્ણીની પણ પુણેથી ધરપકડ કરવામાં આવી હતી,
સીબીઆઈએ કુલકર્ણીને ‘માસ્ટરમાઇન્ડ’ ગણાવ્યા છે.
સીબીઆઈએ કહ્યું છે કે ઊંડાણપૂર્વક પૂછપરછ કર્યા પછી તેમની ઘરપકડ કરવામાં આવી છે.
કોણ છે મનીષા માંઢરે?
ઇમેજ સ્રોત, Getty Images
મનીષા માંઢરે પુણેની એક પ્રખ્યાત કૉલેજમાં પ્રોફેસર છે અને તેઓ બૉટનીનાં સિનિયર પ્રોફેસર તરીકે સેવા આપે છે.
આ કેસમાં તેમનું નામ સામે આવ્યાં બાદ, સીબીઆઈએ સંપૂર્ણ તપાસ હાથ ધરી અને પછી દિલ્હીમાં તેમની ધરપકડ કરી હતી.
તપાસ મુજબ એપ્રિલ 2026 દરમિયાન મનીષા માંઢરેએ મનીષા વાઘમારે મારફતે પુણેમાં સંભવિત નીટ ઉમેદવારોને ભેગા કર્યા અને તેમના ઘરે ખાસ કોચિંગ ક્લાસ ચલાવ્યા.
મનીષા વાઘમારેની પણ 14 મે, 2026ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
આ ક્લાસીસમાં મનીષા માંઢરેએ બૉટની અને ઝૂલૉજીનાં ઘણા પ્રશ્નો સમજાવ્યા હતા અને તેમના વિશે માહિતી આપી.
વિદ્યાર્થીઓને આ પ્રશ્નો તેમની નોટબુકમાં લખવા અને તેમના પુસ્તકોમાં ચિહ્નિત કરવા કહેવામાં આવ્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું કે આમાંના મોટાભાગના પ્રશ્નો 3 મે, 2026 ના રોજ લેવાયેલા નીટ-યુજી 2026ના પ્રશ્નપત્રમાં આપેલા પ્રશ્નો જેવા જ હતા.
અહીં ઉલ્લેખનીય છે કે પેપરલીક કેસમાં સીબીઆઈએ છ સ્થળોએ દરોડા પાડ્યા છે અને ઘણા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો, લૅપટૉપ, બૅન્ક સ્ટેટમેન્ટ અને મોબાઇલ ફૉન પણ જપ્ત કર્યાં છે.
અત્યાર સુધીમાં, આ કેસમાં દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરમાંથી કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આમાંથી પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને સાત દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
કૉલેજનાં પ્રિન્સિપાલે શું કહ્યું?
મનીષા માંઢરે જે કૉલેજમાં પ્રોફેસર છે તે કૉલેજનાં પ્રિન્સિપાલ ડૉ. નિવેદિતા એકબોટેએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે તેમને આ બાબતની જાણ મીડિયા દ્વારા થઈ.
તેમણે કહ્યું, “અમને જાણવા મળ્યું છે કે સિનિયર પ્રોફેસર મનીષા માંઢરેની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેઓ છેલ્લાં 24 વર્ષથી અહીં કામ કરી રહ્યાં હતાં અને ગુપ્ત શરતો હેઠળ એનટીએ સાથે સંકળાયેલાં હતાં.”
તેમણે કહ્યું કે સર્વિસ રેકૉર્ડ મુજબ, મનીષા માંઢરે સાત મહિના પછી નિવૃત્ત થવાનાં હતાં.
ડૉ. એકબોટેએ કહ્યું, “અમારી પાસે એનટીએ, નીટ પરીક્ષા અને પ્રશ્નપત્ર સેટ કરવાની પ્રક્રિયા વિશે કોઈ માહિતી નથી. સંબંધિત અધિકારીઓ પાસેથી સત્તાવાર માહિતી મળ્યા પછી, અમે કાયદા મુજબ કાર્યવાહી કરીશું.”
સરકારની મંજૂરી બાદ નૅશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ 2026 ની પુનઃપરીક્ષા 21 જૂને લેવાનો નિર્ણય લીધો છે.
મનીષા માંઢરે સિવાય ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓ કોણ છે?
શુભમ ખૈરનાર
ઇમેજ સ્રોત, PRAVEEN THACKREY
પેપરલીક કેસમાં સીબીઆઈએ કેસ નોંધીને તપાસ શરૂ કરી તેના એક દિવસ પહેલાં જ આ નામ પ્રકાશમાં આવ્યું અને મહારાષ્ટ્રમાં તેના કારણે હલચલ થઈ ગઈ.
આ પેપરલીક કેસમાં જે નામ સામે આવ્યું તે નાસિકના 30 વર્ષીય શુભમ ખૈરનારનું હતું.
પોલીસે સૂચના આપી હતી કે કે નીટ પરીક્ષાનું પ્રશ્નપત્ર નાસિકના એક ટેલિગ્રામ ગ્રૂપમાં મોકલવામાં આવ્યું હતું.
આ માહિતીના આધારે, નાસિક પોલીસે 12 મે, 2026 ના રોજ શુભમની ધરપકડ કરી અને તેને સીબીઆઈને સોંપી દીધા.
સીબીઆઈએ જણાવ્યું હતું કે શુભમ ખૈરનારે 29 એપ્રિલ, 2026 ના રોજ ધનંજય લોખંડે પાસેથી મળેલાં પ્રશ્નપત્રની પીડીએફ યશ યાદવને આપી હતી.
શુભમ ખેરનારે માંગીલાલ ખટીક, વિકાસ બિવલ અને દિનેશ બિવલને પણ આ પેપરો આપ્યાં હોવાનું બહાર આવ્યું હતું.
શુભમ ખૈરનાર નાસિકના એક વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં એસઆર ઍજ્યુકેશન કન્સલ્ટન્સી નામનો પોતાનો વ્યવસાય ચલાવતા હતા.
શંકાસ્પદના પિતાએ દાવો કર્યો હતો કે “શુભમ ત્રીજા વર્ષનો મેડિકલ વિદ્યાર્થી છે અને નાસિકમાં પ્રૅક્ટિસ કરે છે.”
દરમિયાન, બીબીસી મરાઠીએ એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે શંકાસ્પદ વ્યક્તિ ખરેખર બીએએમએસનો વિદ્યાર્થી છે કે પછી ફક્ત ‘ડૉક્ટર’ છે. કારણ કે તેણે તેના બોર્ડ પર ડૉક્ટર લખેલું છે.
સત્ય સાંઈ યુનિવર્સિટી, સિહોરના વહીવટીતંત્રે બીબીસી મરાઠીને જણાવ્યું હતું કે, “શુભમે કૉલેજમાં પ્રવેશ લીધો હતો, પરંતુ તેણે અભ્યાસનું કોઈ વર્ષ પૂર્ણ કર્યું ન હતું.”
પી.વી. કુલકર્ણી
ઇમેજ સ્રોત, UGC
15 મે, 2026ના રોજ વ્યાપક પૂછપરછ પછી, સીબીઆઈએ પુણેથી પ્રહલાદ વિઠ્ઠલરાવ કુલકર્ણી ઉર્ફે પીવી કુલકર્ણીની ધરપકડ કરી.
સીબીઆઈએ પીવી કુલકર્ણીને પેપરલીક કેસનો ‘માસ્ટરમાઇન્ડ’ ગણાવ્યો છે.
મૂળ લાતુરના પી.વી. કુલકર્ણી લાતુરની દયાનંદ કૉલેજમાં રસાયણશાસ્ત્ર ભણાવતા હતા.
27 વર્ષની સેવા બાદ તેઓ 2022માં નિવૃત્ત થયા અને બાદમાં પુણેમાં સ્થાયી થયા.
દયાનંદ કૉલેજના પ્રિન્સિપાલ સિદ્ધેશ્વર બેલાલેએ જણાવ્યું હતું કે પીવી કુલકર્ણીની નિવૃત્તિ પછી કૉલેજ સાથે કોઈ સંપર્ક રહ્યો નથી.
કૉલેજમાં શિક્ષણ આપ્યા પછી, તેમણે લાતુરમાં પોતાના વર્ગો શરૂ કર્યા.
કુલકર્ણીનું નામ પુણે સ્થિત એક સંસ્થા સાથે પણ જોડાયેલું છે જે નીટ, જેઈઈ, જેઈઈ મેઇન્સ અને એમચેટી-સેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મૉક ટેસ્ટ, ક્વેશ્ચન સેટ અને માર્ગદર્શન પૂરું પાડતી હતી.
સીબીઆઈએ કહ્યું છે કે એપ્રિલ 2026 ના છેલ્લાં અઠવાડિયામાં, પુણે સ્થિત તેના ઘરે કેટલાક વિદ્યાર્થીઓ માટે ખાસ કોચિંગ સત્રો યોજવામાં આવ્યાં હતાં.
વધુમાં, સ્થાનિક ફરિયાદો હતી કે કુલકર્ણીએ પૈસાના બદલામાં કેટલાક વિદ્યાર્થીઓને ‘ગૅસ પેપર’ પૂરાં પાડ્યાં હતાં. સીબીઆઈએ લાતુરમાં તેમની ટ્યુશન સંસ્થાઓ અને સંબંધિત શિક્ષકોની પૂછપરછ કરી છે.
કુલકર્ણીના વકીલે કહ્યું, “સીબીઆઈના મતે, પીવી કુલકર્ણી એનટીએ વતી પરીક્ષાનાં પ્રશ્નપત્રો તૈયાર કરવાની પ્રક્રિયામાં સામેલ હતા અને તેમની પાસે પ્રશ્નપત્રો હતાં. મને ખબર નથી કે મારા ક્લાયન્ટ (પીવી કુલકર્ણી) દ્વારા તૈયાર કરાયેલાં પ્રશ્નપત્રો એનટીએ દ્વારા લેવામાં આવ્યાં હતા કે નહીં. ઘણા શિક્ષકો પ્રશ્નપત્રો તૈયાર કરે છે. મારા ક્લાયન્ટની કોઈપણ પુરાવા વિના ધરપકડ કરવામાં આવી છે.”
મનીષા વાઘમારે
ઇમેજ સ્રોત, ANI
મનીષા વાઘમારેની 14મે, 2026ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
મનીષા વાઘમારે પણ પીવી કુલકર્ણી સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે, જેમને સીબીઆઈએ ‘મુખ્ય કાવતરાખોર’ ગણાવ્યા છે.
સીબીઆઈએ કહ્યું છે કે મનીષા વાઘમારે પીવી કુલકર્ણીને મનીષા માંઢરે થકી ઓળખતાં હતાં.
મનીષા વાઘમારેના વકીલોએ દાવો કર્યો હતો કે તેમના અસીલ વિરુદ્ધ કોઈ સીધા પુરાવા મળ્યા નથી.
તેમના પર ફક્ત એટલા માટે આરોપ મૂકવામાં આવ્યો છે કારણ કે તેઓ ધનંજય લોખંડેના સંપર્કમાં હતાં.
ધનંજય લોખંડે
નીટ પેપરલીક કેસમાં બીજું નામ ધનંજય લોખંડેનું છે, જેની સીબીઆઈ દ્વારા મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી.
સીબીઆઈની માહિતી અનુસાર, ધનંજય લોખંડેએ મનીષા વાઘમારે પાસેથી નીટ પરીક્ષાનું પેપર મેળવ્યું હતું અને શુભમ ખૈરનારને આપ્યું હતું.
શુભમ ખૈરનાર અને ધનંજય લોખંડે એકબીજાને ઓળખે છે.
બાદમાં શુભમે ધનંજય લોખંડે પાસેથી મળેલાં પૅપર્સ અન્ય લોકોને આપ્યાં હતાં.
જોકે, મહારાષ્ટ્રના પાંચ આરોપીઓમાંથી કેટલાકે હજુ સુધી તેમના વકીલોને જવાબ આપ્યો નથી.
કોઈપણ માહિતી મળતાંની સાથે જ તે અહીં અપડેટ કરવામાં આવશે.
માંગીલાલ બિવાલ
જયપુરના જામવરમગઢના રહેવાસી માંગીલાલ બિવાલની લીક થયેલ પ્રશ્નપત્ર મેળવવા અને તેનું વિતરણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
માંગીલાલ બિવાલનો પુત્ર વિકાસ બિવલ સવાઈ માધોપુરની મેડિકલ કૉલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.
એવા પણ આરોપ છે કે માંગીલાલ બિવાલે હરિયાણાના યશ યાદવ દ્વારા નીટ 2025 પરીક્ષાનું પેપર ખરીદ્યું હતું. માંગીલાલ બિવાલેના પરિવારનાં પાંચ બાળકો આ જ પરીક્ષામાં પસંદ થયાં હતાં.
વિકાસ બિવાલ-દિનેશ બિવાલ
દિનેશ બિવાલ એ માંગીલાલ બિવાલના ભાઈ છે, જ્યારે વિકાસ બિવાલ તેમના પુત્ર છે.
દિનેશ બિવાલની જયપુરમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આ લીક પાછળના નાણાકીય વ્યવહારો સાથે સીધી કડી હોવાનો આરોપ છે.
યશ યાદવ
નીટ-યુજી પેપરલીક કેસમાં ધરપકડ કરાયેલ ગુરુગ્રામનો રહેવાસી યશ યાદવ ઉત્તરકાશીથી BAMSનો અભ્યાસ કરી રહ્યો હતો.
સીબીઆઈ ટીમે આ કેસમાં યશ યાદવની સાથે અન્ય ઘણા લોકોની પણ ધરપકડ કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



