Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
દમાસ્કસના પશ્ચિમી પર્વતોના વાદી અલ-બરદા વિસ્તારમાં 1599માં ઑટ્ટોમન યુગ દરમિયાન બાંધવામાં આવેલી પયગંબર અબેલની મસ્જિદની બાજુમાં લીલા રેશમી કફનમાં લપેટાયેલો સાત મીટર લાંબો એક મકબરો છે.
સ્થાનિક પરંપરા અનુસાર, આ મકબરો ઇસ્લામમાં ઉલ્લેખિત પૃથ્વી પરની પ્રથમ હત્યાનું પ્રતીક છે.
તેનો ઉલ્લેખ ઇસ્લામ, યહૂદી અને ખ્રિસ્તી ધર્મની ધાર્મિક પરંપરાઓમાં થોડી ભિન્નતા સાથે જોવા મળે છે.
ઑલ્ડ ટેસ્ટામેન્ટ (જૂનો કરાર)
ઑલ્ડ ટેસ્ટામેન્ટમાં જણાવ્યા અનુસાર, આદમ અને ઈવનો બીજો પુત્ર હાબેલ હતો. તેની હત્યા તેના મોટાભાઈ કેને કરી હતી.
આ સંગ્રહમાં સમાવિષ્ટ ઉત્પત્તિના પુસ્તકનો ચોથો અધ્યાય ઇઝરાયલીઓના નેતા મુસાને પ્રગટ કરાયેલા તોરાહ અને ઈસુ પહેલાંનાં શાસ્ત્રો પર આધારિત છે.
તેમાં જણાવવામાં આવ્યું છે કે હાબેલ એક પશુપાલક હતા, જ્યારે કેન એક ખેડૂત હતા.
થોડા સમય પછી માનવ ઇતિહાસમાં બલિદાનનો પહેલો અવસર આવ્યો હતો.
ઉત્પત્તિના પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે “કેને પોતાના ખેતરનાં ફળો યહોવાને ભેટ તરીકે અર્પણ કર્યાં હતાં અને હાબેલે તેનાં ઘેટાં-બકરાના પહેલા બચ્ચાં તથા તેની ચરબી ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. યહોવાએ હાબેલ તથા તેની ભેટ પર કૃપાદૃષ્ટિ કરી, પરંતુ કેન તથા તેની ભેટ પર કૃપાદૃષ્ટિ કરી ન હતી.”
“એ જોઈને કેન બહુ ગુસ્સે થયો હતો અને તેનો ચહેરો ઝંખવાઈ ગયો હતો.”
એ વખતે પ્રભુએ કેનને પૂછ્યું, “તું ગુસ્સે કેમ થયો છે? તારો ચહેરો કેમ ઝંખવાઈ ગયો છે?”
“તું સારું કર્મ કરીશ તો તેનો સ્વીકાર નહીં કરવામાં આવે? જો તું સારું કર્મ નહીં કરે તો દરવાજે પાપ ઘાત લગાવીને બેઠું છે. તેની ઇચ્છા તને વશ કરવાની છે, પરંતુ તારે તેના પર વિજય પ્રાપ્ત કરવો પડશે.”
આ પુસ્તકમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કેને ઈર્ષ્યા અને અત્યંત ક્રોધિત થઈને હાબેલની હત્યા કરી નાખી હતી.
“તે પ્રભુની સામેથી નીકળીને ભાગેડુ બની ગયો અને એડનની પૂર્વમાં આવેલા નોદ નામના દેશમાં સ્થાયી થયો. તેના ભાઈનું નિર્દોષ લોહી તેના માટે શાપ બની ગયું.”
સંશોધક એમી ટિકાનનના જણાવ્યા અનુસાર, ઉત્પત્તિનું પુસ્તક એક એવા સમાજનું ચિત્રણ કરે છે, જ્યાં મૂલ્યો માટે ટક્કર થતી હતી અને આ ટક્કર એ હકીકતને ઉજાગર કરે છે કે દૈવીય સત્તા આત્મસંયમ તથા ભાઈચારાનું સમર્થન કરે છે તેમજ ઈર્ષ્યા અને હિંસાની નિંદા કરે છે. “કેન પાપને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યો અને પાપ તેના પર સવાર થઈ ગયું.”
નવા કરારમાં, ખ્રિસ્તી ધાર્મિક પુસ્તકોના સંગ્રહમાં ચાર ગોસ્પેલ્સ, પ્રેરિતોનાં કાર્યો, પત્રો અને પ્રકાશિતવાક્યોનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં હાબેલના રક્તને નિષ્પાપ નિર્દોષતાના પ્રાયશ્ચિતના ઉદાહરણ તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. (મેથ્યુ 23:35; લ્યુક 11:51)
મેથ્યુના ગોસ્પેલમાં એક સમયે ઈસુએ ભવિષ્યવાણી કરી હતી કે “આ રીતે પૃથ્વી પર વહેવડાવવામાં આવેલું બધું રક્ત તમારા પર પડશે.”
“ન્યાયી હાબેલના રક્તથી માંડીને બકરિયાના પુત્ર ઝકરિયા સુધીના રક્ત સુધી, જેમની તમે મંદિર અને વેદી વચ્ચે હત્યા કરી હતી.”
ઈસવીની પહેલી શતાબ્દીમાં ગોસ્પેલ ગ્રંથો લખવામાં આવ્યા ત્યારે એવું માનવામાં આવતું હતું કે ઇઝરાયલીઓએ તમામ ભવિષ્યવક્તાઓની હત્યા કરી હતી.
હિબ્રૂઓના નવા કરાર પુસ્તકમાં ઈસુના બલિદાનની તુલના હાબેલના બલિદાન સાથે કરવામાં આવી છે.
તેમાં જણાવ્યા મુજબ, હાબેલ અને ઈસુ બન્નેની ઈશ્વરમાં આસ્થાની ધારણા સમાન હતી, જ્યારે કેનમાં એવી આસ્થાનો અભાવ હતો. (હિબ્રૂ 12:24)
ઇમેજ સ્રોત, Getty Images
હિબ્રૂઓના પુસ્તકમાં લખ્યું છે કે “હાબેલે કેન કરતાં ઈશ્વરને વધુ સ્વીકાર્ય બલિદાન શ્રદ્ધાથી આપ્યું હતું, જેનાથી તેને ધાર્મિકતા પ્રાપ્ત થઈ. ઈશ્વરે તેના દાનની સાક્ષી આપી. તે ભલે મૃત્યુ પામ્યો, પણ શ્રદ્ધાથી હજુ પણ જીવંત છે.”
એ જ રીતે યોહાનના પહેલા પત્રમાં કેનને દુષ્ટતાના ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યો છે.
પીટર્સબર્ગ યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્રનાં પ્રોફેસર એમિરેટ્સ રેબેકા આઈ. ડિનોવા લખે છે કે કેનની હિંસા આગલી પેઢીને વારસામાં મળે છે.
તેમણે લખ્યું છે કે ઉત્પત્તિ પાંચમાં આદમના વંશજોની બીજી યાદી આપવામાં આવી છે, જે તેના ત્રીજા પુત્ર સેથના જન્મ સાથે આગળ વધે છે. આ ક્રમ છેલ્લે નૂહના પરિચય સાથે સમાપ્ત થાય છે. નૂહને ભગવાનની નજરમાં ન્યાયી ઘોષિત કરવામાં આવ્યા હતા અને તેઓ આદમના આ ન્યાયી વંશના હતા.
બાઇબલના કેટલાક વિવેચકો માને છે કે કેનની જનજાતિ ખરેખર ‘સેનાઈટ્સ’માંથી આકાર પામી હતી. એ વિચરતી જાતિનો ધાતુકર્મી હતો અને તેમણે ઈસવી પૂર્વે તેરમી સદીથી માંડીને નવમી સદી સુધી ગાલીલ સમુદ્રની આસપાસ પ્રવાસ કર્યો હતો.
પવિત્ર કુરાન
ઇમેજ સ્રોત, Getty Images
મુસલમાનોનો પવિત્ર ગ્રંથ કુરાન કોઈનું નામ લીધા વિના “આદમના પુત્રો”ની ઘટનાના માધ્યમથી એવો બોધપાઠ આપે છે કે અન્યાયપૂર્ણ હત્યા એક ગંભીર અપરાધ છે અને તેનું પરિણામ મૃત્યુ તથા અપમાન છે.
સૂરહ અલ-મૈદા (આયત 27-31)માં કહેવામાં આવ્યું છે કે “(હે પયગંબર, હવે તેઓ તમારી સામે ઉપદ્રવની તૈયારી કરી રહ્યા છે) તેમને આદમના બે પુત્રોની એ વાર્તા સંભળાવો કે જેમાં બંનેએ કુરબાની આપી ત્યારે એકની કુરબાનીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને બીજાની કુરબાનીનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.”
“(એ વખતે, તેની કુરબાનીનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો) તેણે કહ્યું- હું તને મારી નાખીશ.”
“બીજાએ જવાબ આપ્યોઃ અલ્લાહ તેના એ બંદાઓની કુરબાની જ સ્વીકારે છે, જેને તેમનો ડર હોય છે.”
“જો તું મને મારવા માટે હાથ ઉઠાવીશ તો હું તને મારવા માટે તારા પર હાથ ઉઠાવીશ નહીં. હું અલ્લાહથી, જે આખી દુનિયાના માલિક છે તેનાથી, ડરું છું.”
“મારી એકમાત્ર ઈચ્છા છે કે (જો તેં મને મારી નાખવાનો નિર્ણય કર્યો હોય તો) તું તારા પોતાના તથા મારા પાપનો બોજ ઉઠાવ અને નરકનો કેદી બની જા. આવા ગુનેગારોને એ જ સજા છે.”
“(એ ત્યાં અટક્યો નહીં અને) આખરે તેના અંતરાત્માએ તેને તેના ભાઈની હત્યાની પ્રેરણા આપી અને તેની હત્યા કરીને તે પણ પરાજિતો પૈકીનો એક બન્યો.”
પછી અલ્લાહે એક કાગડાને મોકલ્યો. એ જમીન ખોદવા લાગ્યો, જેથી એ તેને તેના ભાઈના મૃતદેહને છુપાવાનું શીખવી શકે. (એ જોઈને) તેણે કહ્યું- હે મારા દુર્ભાગ્ય, હું મારા ભાઈને શબને છુપાવતા કાગડા જેવો બની શકતો નથી. તેથી તેને પસ્તાવો થયો.
‘એક નિર્દોષની હત્યા, આખી માનવ જાતની હત્યા છે’
હાબેલ અને કેનની કથા બાદ આયત 32—32માં કહેવામાં આવ્યું છે કે “આ (માણસની અવજ્ઞા) કારણે જ અમે ઇઝરાયલનાં સંતાનોને (અમે મૂસાને કાયદો આપ્યો ત્યારે) આદેશ આપ્યો હતો કે હત્યા કે અથવા દેશમાં ભ્રષ્ટાચાર કરવા માટે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિની હત્યા કરે છે ત્યારે તે આખી માનવજાતની હત્યા કરે છે. જે વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિનો જીવ બચાવે છે તે આખી માનવજાતનો જીવ બચાવે છે.”
અમેરિકાના ડલ્લાસસ્થિત ગમિદી સેન્ટર ઑફ ઇસ્લામિક લર્નિંગ સાથે સંકળાયેલા સંશોધક નઈમ અહમદ બલોચના મતાનુસાર, કેન દ્વારા હાબેલની હત્યા એ માત્ર માનવ ઇતિહાસની પહેલી હત્યા જ નથી, પરંતુ માનવ આત્મા, નૈતિક કટોકટી અને હિંસા માટેની આંતરિક પ્રેરણાનું પહેલું અને સૌથી મૂળભૂત પ્રતીક પણ છે.
પવિત્ર કુરાનમાં સ્વીકૃતિ કે અસ્વીકારનો આધાર કર્મનું સ્વરૂપ નથી, પરંતુ ધર્મનિષ્ઠા છે. સ્વીકૃતિના અસ્વીકારથી કેનને ઈર્ષ્યા થાય છે અને તે ગુસ્સે થાય છે, જે આખરે હત્યા તરફ દોરી જાય છે. ઉત્પત્તિનું પુસ્તક કેન અને હાબેલની કથા મનોવૈજ્ઞાનિક અને નૈતિક સ્વરૂપે જણાવે છે. અહીં પણ, બંને બલિદાન આપે છે. એકનું બલિદાન સ્વીકારવામાં આવે છે, જ્યારે બીજાને નકારવામાં આવે છે.
નઈમ અહમદ બલોચ જણાવે છે કે બાઈબલમાં કાગડા કે દફનવિધિનો ઉલ્લેખ નથી. તેમ છતાં કેનના દેશનિકાલ અને આંતરિક ઊથલપાથલ સાથેની સજા સ્પષ્ટ કરે છે કે ગુના માટેની સાચી સજા વ્યક્તિની અંદરથી જ ઉદ્ભવે છે. મૂળ પાઠમાં લગ્ન અથવા ભાઈ-બહેનની દુશ્મનાવટ હત્યાનું કારણ હોવાનું જણાવવામાં આવ્યું નથી. આ તત્ત્વ પાછળથી યહૂદી અર્થઘટનાત્મક પરંપરા (મિદ્રાશ)માં સામેલ કરવામાં આવ્યાં હતાં અને તેના પ્રભાવ હેઠળ કેટલાક મુસ્લિમ અર્થઘટનમાં પણ સમાવવામાં આવ્યાં હતા. આ સૂચવે છે કે ઑલ્ડ ટેસ્ટામેન્ટમાં હત્યાનું મૂળ જાતીય કે આર્થિક દુશ્મનાવટમાં નહીં, પરંતુ ઈર્ષ્યા અને નૈતિક પતનમાં છે.
આધુનિક અપરાધશાસ્ત્ર સામાન્ય રીતે ગુનાનાં કારણોને અભાવ, સત્તાની લાલસા અને સંસાધનોના અધિગ્રહણ જેવાં બાહ્ય પરિબળોમાં શોધે છે, પરંતુ ધાર્મિક કથાઓ આ યાદીમાં એક મૂળભૂત તત્ત્વ ઉમેરે છેઃ ઈર્ષ્યા અને ઘાયલ અહંકાર. કેન વંચિત પણ ન હતો કે ઉત્પીડિત પણ ન હતો. તેમ છતાં તેણે હત્યા કરી હતી. આ હકીકત ધર્મને એવા તારણ પર લઈ જાય છે કે ગુનાના મૂળ માત્ર સંજોગોમાં જ નહીં, પરંતુ વ્યક્તિની અંદર પણ હોય છે.
નઈમ અહમદ બલોચનું વિશ્લેષણ એ છે કે પહેલી માનવ વસ્તી વિકસિત હતી એવું આ ઘટના દર્શાવે છે.
“ધર્મ હતો, પશુપાલન હતું, ખેતી હતી. એટલે કે માણસો પશુઓની જેમ જીવતા ન હતા. જોકે, એ પહેલી માનવ હત્યા હતી તથા પહેલીવાર મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો અને એ સમયગાળો દસ હજાર વર્ષથી વધુ જૂનો નથી.” ?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



