Source : BBC NEWS

ઇમેજ સ્રોત, DAXESH SHAH
2 કલાક પહેલા
ગુજરાતના દાહોદના ભાટીવાડામાં નિર્માણાધીન NTPC સોલર પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. 70 મેગાવૉટનો આ સોલર પ્લાન્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ મનાય છે. આ આગ સોમવારે રાત્રે લગભગ નવ વાગ્યે લાગી હતી.
બીબીસી સહયોગી દક્ષેશ શાહના જણાવ્યા પ્રમાણે આ આગમાં સોલર પ્લાન્ટ માટે બનાવાયેલ 400 કરોડ રૂપિયાથી વધુની સાધન-સામગ્રીનો નાશ થયાનો અંદાજે છે.
તેમણે જણાવ્યું કે આ આગમાં મોટા ભાગની સોલર પૅનલ્સ, ટ્રાન્સફૉર્મર, કેબલ્સ અને જીઆઈ સ્ટ્રક્ચર્સનો સમાવેશ થાય છે.
આ મામલે પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
દક્ષેશ શાહના જણાવ્યા પ્રમાણે આ આગ કોઈ અસામાજિક તત્ત્વો દ્વારા લગાડવામાં આવી હોય તેવી આશંકા છે તેથી આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
દક્ષેશ શાહના જણાવ્યા પ્રમાણે ગઈ રાતે આ પ્લાન્ટ પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં કંપનીના એક કર્મચારીને ઈજા થઈ છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કેટલાક સમયથી આ પ્લાન્ટની સામે કેટલાક લોકો વિરોધ કરતા હતા અને તેના ચાલુ થવા સામે વારંવાર અવરોધ ઊભો કરતા હતા.
આગને ઓલવવા માટે દાહોદ ફાયરબ્રિગેડ પહોંચ્યું છે. આગ હોલવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ઘટનાની તપાસ માટે જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલા, ડીવાયએસપી જગદીશ ભંડારી અને અન્ય પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
અરવલ્લીના 40 જેટલા પ્રવાસીઓ પણ જમ્મુ-કાશ્મીરમાં ફસાયા

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN
પાલનપુર અને ગાંધીનગરના 50 જેટલા પ્રવાસીઓ ફસાયાના સમાચાર મળ્યા બાદ હવે અરવલ્લી જિલ્લાના 40 જેટલા પ્રવાસીઓ પણ જમ્મુ-કાશ્મીરમાં ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
અરવલ્લી ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી અંકિત ચૌહાણે આપેલી માહિતી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયેલા 40 જેટલા પ્રવાસીઓ સોફિયાન જિલ્લાના હીરપોરા ખાતે ફસાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં જમ્મુથી શ્રીનગરને જોડતા રોડ પર રામબનની આસપાસ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સેંકડો વાહનો અટવાઈ ગયાં છે અને ઘણા પ્રવાસીઓ ફસાઈ ગયા છે તે પૈકી કેટલાક ગુજરાતી પ્રવાસીઓ પણ છે.
અંકિત ચૌહાણના જણાવ્યા અનુસાર આ પ્રવાસીઓ માલપુર અને ધનસુરા તાલુકાના છે.
અરવલ્લીના કલેક્ટર પ્રશસ્તિ પારીકે અંકિત ચૌહાણ સાથે વાતચીત કર્યા પ્રમાણે તેમણે સોફિયાન જિલ્લાના કલેક્ટર સાથે વાતચીત કરી છે અને આ ફસાયેલા પ્રવાસીઓની રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી છે.
પ્રશસ્તિ પારીકે કહ્યું હતું, “હાલ અમે આ બાબતની જાણ ગુજરાત સરકારના ઇમરજન્સી ઑપરેશન વિભાગને કરી છે. હાલ નાનાં વાહનો આગળ વધી રહ્યાં છે અને બસોને રોકવામાં આવી છે. આ પ્રવાસીઓના જમવાની અને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે.
આ પ્રવાસીઓ શ્રીનગર, પહેલગામ અને વૈષ્ણોદેવીના પ્રવાસે ગયા હતા.
બીજી તરફ બનાસકાંઠાના બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયારના જણાવ્યા અનુસાર ગાંધીનગર અને પાલનપુરના ફસાયેલા પ્રવાસીઓને હાલ આર્મી કૅમ્પમાં લઈ જવાયા છે અને તેઓ તમામ સુરક્ષિત છે. પરિસ્થિતિ અનુકૂળ થયા બાદ તેમને ત્યાંથી બસ મારફતે રવાના કરવામાં આવશે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ રાહત કમિશનરને આ પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટેની વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા હોવાનું માહિતી વિભાગની એક પ્રેસનોટમાં જણાવાયું છે.
આ માટે ગુજરાત સરકારે ઇમરજન્સી નંબર પણ જારી કર્યો છે. આ નંબર છે 079-23251900. ગુજરાત સરકારના રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જારી કરેલી એક પ્રેસનોટ પ્રમાણે આ તમામ પ્રવાસીઓની આર્મી કૅમ્પમાં રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
પોપનું મૃત્યુ કેવી રીતે થયું, વેટિકને આપી આ જાણકારી

ઇમેજ સ્રોત, Getty Images
સોમવારે કૅથલિક સમુદાયના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું નિધન થયું હતું. વેટિકને પોતાના નિવેદનમાં તેમના નિધનનું કારણ આપતા કહ્યું છે કે સ્ટ્રૉક આવ્યા બાદ તેમના હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા.
પોપ ફ્રાન્સિસે પોતાની વસિયતમાં તેમની કબરને પૉલીન ચૅપલ અને સ્ફો-જા ચૅપલની વચ્ચેની દીવાલમાં બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
તેમણે લખ્યું છે, “મારા જીવનમાં પાદરી અને ધર્મગુરુના રૂપે સેવા કરતા મેં હંમેશાં પોતાને પ્રભુ ઈશુનાં માતા, વર્જિન મરિયમને સમર્પિત કર્યા. તેથી હું ઇચ્છું છું કે મારા પાર્થિવ શરીરને સૅન્ટ મૅરી મેજર નામના ચર્ચ (બેસિલિકા)માં દફન કરવામાં આવે.”
“હું ઇચ્છું છું કે મારી આ કબર એ જગ્યાએ હોય જ્યાં પૉલીન ચૅપલ અને સ્ફો-જા ચૅપલની વચ્ચેની દીવાલમાં છે, જે નકશામાં દેખાડાઈ છે.”
તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની કબર કોઈ વિશેષ સજાવટ વગરની અને સાધારણ હોય.
પીએમ મોદી અને જેડી વેંસ વચ્ચે મુલાકાત, બંને નેતાઓએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, @narendramodi
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ ચાર દિવસના ભારત પ્રવાસે છે. તેમણે સોમવારે સાંજે વડા પ્રધાનના નિવાસસ્થાને પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.
મુલાકાત બાદ જેડી વેંસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની સાંજે થયેલી મુલાકાત મારા માટે ગૌરવ વધારનારી છે. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં ભારતના લોકો સાથે અમારી મિત્રતા અને સહકાર વધારવા આતુર છું.”
સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા પ્રમાણે બંને નેતાઓ વચ્ચે થયેલી મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ભાર મુકાયો હતો.
આ વિશે પીએમ મોદીએ ઍક્સ પર લખ્યું, “નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ અને તેમના પરિવારનું સ્વાગત કરીને આનંદ થયો. અમે અમેરિકાની મારી મુલાકાત અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની મુલાકાત પછી થયેલી પ્રગતિની સમીક્ષા કરી. અમે વેપાર, ટેકનોલૉજી, સંરક્ષણ, ઊર્જા તથા પરસ્પર સહયોગ માટે પ્રતિબદ્ધ છીએ. ભારત અને અમેરિકા વચ્ચેની વ્યાપક, વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારી આપણા લોકો અને વિશ્વના સારા ભવિષ્ય માટે 21મી સદીની એક નિર્ણાયક ભાગીદારી હશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS