Home તાજા સમાચાર gujrati ત્રણ ભાઈઓએ દરિયામાં 132 દિવસ સુધી હોડી ચલાવીને 15,000 કિમીની સફર કેવી...

ત્રણ ભાઈઓએ દરિયામાં 132 દિવસ સુધી હોડી ચલાવીને 15,000 કિમીની સફર કેવી રીતે પૂરી કરી?

11
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ત્રણ ભાઈઓ, જેમણે પેરુથી ઓસ્ટ્રેલિયા સુધી 15,000 કિમી રોઇંગ કરવાની સિદ્ધિ

ઇમેજ સ્રોત, Maclean Brothers

જેમી, ઈવાન અને લેચલાન મેક્લીને વિશાળ પ્રશાંત મહાસાગરમાં 7,400 કિલોમીટરથી વધુનું અંતર નૌકા ચલાવીને પાર કરી લીધું ત્યાં સુધી, જે નસીબ તેમને સાથ આપી રહ્યું હતું તેણે અચાનક હાથતાળી આપી હતી.

જેમીએ બીબીસી વર્લ્ડ સર્વિસના આઉટલુક કાર્યક્રમમાં કહ્યું હતું, “એક ઍન્ટીસાઇક્લોન (ઓછા વાયુમંડળીય દબાણવાળું ક્ષેત્ર) અમારી તરફ આગળ વધી રહ્યું છે અને તેની અમારી સાથે ટક્કર થશે તે નક્કી છે, એવું અમને જણાવવામાં આવ્યું હતું.”

“અમે ત્રણેય જણે તે અત્યંત ખરાબ પરિસ્થિતિનો સામનો કર્યો હતો. અમે સાતથી નવ મીટર ઊંચા મોજાં સાથે વાત કરતા હતા.”

“અમારી નૌકા સંપૂર્ણપણે પલટી તો ન હતી, પરંતુ નૌકા 90 ડિગ્રી સુધી ઝૂકી ગઈ હોય તેવી પરિસ્થિતિ બે વખત સર્જાઈ હતી.”

એ પૈકીના એક મોજાએ સૌથી ખરાબ સંભવિત પરિસ્થિતિને હકીકતમાં પલટાવી દીધી હતી. એ મોજાએ લેચલાનને અડધી રાતે પાણીમાં ફંગોળી દીધા હતા.

આઉટલુક સાથેની વાતચીત દરમિયાન લેચલાને એ ઘટનાને યાદ કરતાં કહ્યું હતું, “ઉપર શું છે અને નીચે શું છે તે મને સમજાતું ન હતું. હું ઘનઘોર અંધારામાં ડૂબેલો હતો.”

આ ત્રણેય ભાઈઓ આખરે ઑસ્ટ્રેલિયાના કેર્ન્સ બંદરે પહોંચ્યા ત્યારે તેમણે કોઈની મદદ વિના પ્રશાંત મહાસાગર પાર કરવાનો અગાઉનો રેકૉર્ડ તોડવાનું પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું હતું.

તેમણે 132 દિવસ, પાંચ કલાક અને બાવન મિનિટમાં વિશાળ પ્રશાંત મહાસાગરમાં 14,484 કિલોમીટરનો પ્રવાસ કરીને આ સિદ્ધિ મેળવી હતી.

અગાઉનો રેકૉર્ડ તોડવા ઉપરાંત આ ભાઈઓએ એક અન્ય લક્ષ્ય પણ હાંસલ કર્યું હતું.

તેમણે માડાગાસ્કરમાં પીવાના પાણીની યોજનાઓ માટે દસ લાખ અમેરિકન ડૉલરથી વધુ નાણાં પણ એકઠાં કર્યાં હતાં.

આ બધાની શરૂઆત સ્કૉટલૅન્ડના ઠંડા કિનારાથી થઈ હતી.

એ જ કિનારા પરથી આ ત્રણ મેકલીન ભાઈઓએ હોમમેડ નૌકામાં બેસીને મેકેરલ માછલી પકડવા માટે સમુદ્રમાં ડગલાં માંડ્યા હતાં. એ વેળાએ તેમની વય માત્ર 11, 10 અને પાંચ વર્ષની હતી.

રોઝ પરિવાર કોણ છે

બીબીસી ગુજરાતી ત્રણ ભાઈઓ, જેમણે પેરુથી ઓસ્ટ્રેલિયા સુધી 15,000 કિમી રોઇંગ કરવાની સિદ્ધિ

ઇમેજ સ્રોત, Maclean Brothers

મેકલીન ભાઈઓનો ઉછેર એડિનબર્ગમાં થયો હતો, પરંતુ તેમણે ઉત્તર-પશ્ચિમ સ્કૉટલૅન્ડના એસિન્ટમાં લાંબો સમય પસાર કર્યો હતો. એસિન્ટમાં સમુદ્રના કિનારે તેમના પરિવારનું એક નાનકડું ઘર છે. ત્રણેય ભાઈઓ ત્યાં જ નૌકા ચલાવતા શીખ્યા હતા.

તેમની પહેલી નૌકા એક કામચલાઉ હોડી હતી, જે તેમણે બાળપણમાં જાતે બનાવી હતી અને પોતપોતાના અનુભવને આધારે તેઓ એકમેક પર આંધળો વિશ્વાસ કરવાનું શીખ્યા હતા.

જેમીએ આઉટલુક કાર્યક્રમમાં કહ્યું હતું, “હું સમુદ્રને કાયમ પ્રેમ કરતો રહ્યો છું. મને લાગે છે કે અમારું સાહસ તેનો સ્વાભાવિક વિસ્તરણ હતું.”

વર્ષો પસાર થવાની સાથે તેમનો શોખ એક પડકારમાં બદલાઈ ગયો હતો અને 2020માં આ ત્રણેય ભાઈ ઍટલાન્ટિક મહાસાગર નૌકામાં બેસીને પાર કરવાનો એક રેકૉર્ડ તોડવા માટે નીકળી પડ્યા હતા.

તેમણે કેનેરી આઇલૅન્ડ્સ પરથી પ્રવાસ શરૂ કર્યો હતો અને 35 દિવસ પછી 4,800 કિલોમીટર દૂર બાર્બૂડા પહોંચ્યા હતા.

જોકે, એ સિદ્ધિ મેળવ્યા પછી તરત જ એક મોટા પડકારની જરૂરિયાત અનુભવાઈ હતી અને એ માટે સૌથી દેખીતો વિકલ્પ પ્રશાંત મહાસાગર હતો.

લેચલાને કહ્યું હતું, “દક્ષિણ અમેરિકાથી ઑસ્ટ્રેલિયા સુધી ક્યાંય રોકાયા વિના અને બહારની કોઈ મદદ વિના એકેય ટીમે આવો પ્રવાસ ક્યારેય કર્યો ન હોવાની ખબર અમને પડી હતી.”

” એ વિચાર થોડા સમય માટે અભરાઈ પર ચડાવી દીધો હતો, કારણ કે અગાઉ કોઈ ટીમે એવું કર્યું ન હતું.”

“તેથી અમને થયું કે અમે પૂરતું ભોજન સાથે નહીં લઈ જઈ શકીએ કે પછી તેમાં શારીરિક મર્યાદા પણ આડી આવશે.”

“જોકે, આ વિચાર મારા મનમાં એક કાંકરાની જેમ અટકી ગયો હતો.”

બહેનની યાદમાં બોટને નામ આપ્યું

બીબીસી ગુજરાતી ત્રણ ભાઈઓ, જેમણે પેરુથી ઓસ્ટ્રેલિયા સુધી 15,000 કિમી રોઇંગ કરવાની સિદ્ધિ

ઇમેજ સ્રોત, Maclean Brothers

એ વખતે તેમણે એક એવી વ્યક્તિનો સંપર્ક કર્યો હતો, જે તેમના માટે નૌકા બનાવવાનો હતો. એ મુલાકાત પછી તેમણે તેમના સાહસિક પ્રવાસ માટેની યોજના બનાવવાનું શરૂ કર્યુ હતું.

જેમીએ કહ્યું હતું, “એ પળથી જ અમે અમારા પ્રિયજનો સાથે આ બાબતે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું, કારણ કે આવી બાબત માટે વાત કરવાનું દેખીતી રીતે બહુ મુશ્કેલ હોય છે.”

લેચલાનને યાદ છે કે તેમની તેમનાં માતા સાથે થયેલી વાતચીત અનોખી હતી. “અમે તેમના એપાર્ટમેન્ટમાં હતા અને રાતનું ભોજન બનાવી રહ્યા હતા. હું ડુંગળી સમારતો હતો.”

“ત્યારે મેં તેમને પૂછ્યું હતું કે મમ્મી, વધુ એક મોટી રોઈંગ યાત્રા કરવા વિશે તમે શું માનો છો?”

“અમારી અગાઉની ઍટલાન્ટિક મહાસાગર પાર કરવાની યાત્રા મારાં માતા માટે બહુ મુશ્કેલ રહી હતી. તેથી નવી યાત્રાથી મારાં માતાને કેટલો માનસિક ત્રાસ થશે, તેની અમને બધાને બહુ ચિંતા હતી.”

“સાચું કહું તો તેમને બહુ આશ્ચર્ય થયું ન હતું. મારા પિતાજીની માફક માતાને પણ કદાચ અંદાજ હતો તે આગળ શું થવાનું છે.”

મેકલીન ભાઈઓએ માતા-પિતાને આદર આપવા માટે પોતાની બોટનું નામ ‘રોઝ એમિલી’ રાખ્યું હતું. રોઝ એ બાળકીનું નામ હતું, જેને તેમણે 1996માં તેના જન્મ પહેલાં જ ગુમાવી દીધી હતી.

“ખાસ કરીને મારાં મમ્મી માટે એ બહુ ભાવસભર ક્ષણ હતી, કારણ કે આધ્યાત્મિક રીતે તેમને એવી અનુભૂતિ થઈ હતી કે રોઝ એમિલી પ્રશાંત મહાસાગરની પેલે પાર તેના ભાઈઓની રક્ષા કરી રહી છે.”

એ પળથી કોઈ વિક્ષેપ કે બહારી મદદ વિનાની, કોઈ ટીમ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી સૌથી લાંબી યાત્રા માટે જરૂરી તૈયારી બે વર્ષ પહેલાં શરૂ થઈ હતી.

રાતનો સાથી એકમાત્ર ચંદ્ર

બીબીસી ગુજરાતી ત્રણ ભાઈઓ, જેમણે પેરુથી ઓસ્ટ્રેલિયા સુધી 15,000 કિમી રોઇંગ કરવાની સિદ્ધિ

ઇમેજ સ્રોત, Maclean Brothers

આટલી મોટી સફર દરમિયાન સર્જાનારી બધી અણધારી ઘટનાઓને ધ્યાનમાં લેવી અશક્ય હોય છે, પરંતુ જેમી જણાવે છે કે તેમણે કેટલીક મુખ્ય બાબતો માટે તૈયારી કરી હતી.

જેમીએ આઉટલૂકને કહ્યું હતું, “તેનું એક સારું ઉદાહરણ, ખાસ કરીને રાતે કોઈ નાવિકનું હોડીમાંથી પડી જવું છે. અમને ત્રણેયને તેનો બહુ ડર હતો.”

“તેથી અમે ટ્રેનિંગ માટે જતા હતા. 6, 8 અથવા 12 કલાક હોડી ચલાવવાની પ્રેક્ટિસ કરતા હતા. રાતે થાકીએ ત્યારે તરવાની આદત પાડવા માટે પાણીમાં કૂદી પડતા હતા અને અંધારામાં હોડી પર પાછા ફરતા હતા.”

“અમે તેનાથી ટેવાઈ જવા ઈચ્છતા હતા, જેથી એવી પરિસ્થિતિ અમને ઓછી અજાણી લાગે.”

પ્રવાસનો પ્રારંભ પેરુથી થયો હતો. તેથી ભાઈઓએ જરૂરી તમામ સંસાધનો ત્યાં મોકલવા પડ્યા હતા. તેમાં બોટ અને ફ્રોઝન ફૂડના 1,000 પેકેટ્સનો સમાવેશ થતો હતો.

લેચલાને કહ્યું હતું, “અમે આખરે પેરુ પહોંચ્યા ત્યારે અમારી હોડી કસ્ટમ્સ પાર કરવામાં અટવાઈ ગઈ હતી. ફૂડ પેકેટ્સ આવવામાં પણ વિલંબ થયો હતો. એવા કારણોસર અમારી સફર લગભગ બે સપ્તાહ મોડી શરૂ થઈ હતી.”

શરૂઆતમાં જ તકલીફો શરૂ

બીબીસી ગુજરાતી ત્રણ ભાઈઓ, જેમણે પેરુથી ઓસ્ટ્રેલિયા સુધી 15,000 કિમી રોઇંગ કરવાની સિદ્ધિ

ઇમેજ સ્રોત, Maclean Brothers

પેસિફિક પાર કરવાના સંકલ્પના બે વર્ષ અને બે સપ્તાહ પછી મેકલીન ભાઈઓએ આખરે 2025ની 12 એપ્રિલે લીમાથી સફરની શરૂઆત નેવલ ઍકૅડેમી માર્ચિંગ બેન્ડના સંગીત સાથે કરી હતી. એ બૅન્ડ તેમને શુભેચ્છા આપવા આવ્યું હતું.

જોકે, શરૂઆતથી જ મુશ્કેલી સર્જાઈ હતી.

જેમીએ કહ્યું હતું, “પહેલા 10 કે 14 દિવસ સુધી ઈવાન અને મને મોશન સિકનેસની તકલીફ થઈ હતી. ખોરાક મારા પેટમાં રહેતો ન હતો. મને બહુ ત્રાસ થતો હતો.”

એ સમસ્યા આસમાનમાં સતત તપતા સૂરજના પ્રકાશ હેઠળ 16થી 18 કલાકની રોઇંગ શિફ્ટ ઉપરાંતની હતી. હોડીમાં રક્ષણ માટે બે નાના ક્યુબિકલ્સ હતા, પરંતુ તેમાં બેસીને જ પ્રવેશી શકાતું હતું.

લેચલાને જણાવ્યું હતું કે સમુદ્રની મધ્યમાં સમય અને દિશા બાબતે બહુ આસાનીથી ભૂલ થઈ શકે છે.

“ખાસ કરીને પહેલાં 6,500 કિલોમીટરમાં, કારણ કે અમે કોઈ ટાપુ પાસેથી પસાર થયા ન હતા અને પરિસ્થિતિ વ્યવહારિક રીતે એકસમાન હતી.”

લેચલાને એ દિવસોને યાદ કરતાં કહ્યું હતું, “મારી નાઇટ શિફ્ટ હતી. સૂર્યોદય અને સૂર્યાસ્ત દરેક દિવસનો શ્રેષ્ઠ હિસ્સો બની રહ્યા હતા. આકાશ અદ્ભુત હતું. આકાશમાં લીલો, નારંગી, વાદળી એવા અદ્ભુત રંગો હતા.”

સાત-સાત મીટર ઊંચાં મોજાંએ થપાટ મારી

બીબીસી ગુજરાતી ત્રણ ભાઈઓ, જેમણે પેરુથી ઓસ્ટ્રેલિયા સુધી 15,000 કિમી રોઇંગ કરવાની સિદ્ધિ

ઇમેજ સ્રોત, Maclean Brothers

રાતે, ખાસ કરીને લેચલાન માટે એકમાત્ર ચંદ્ર તેમનો સાથી હતો.

“અમને નવા ચંદ્રથી પૂર્ણ ચંદ્ર સુધીની ચાર કે પાંચ સંપૂર્ણ લુનાર સાયકલ્સ જોવા મળી હતી. રાત્રે જે ફરક દેખાય છે તે અદ્ભુત હોય છે.”

“તમે તમારી આસપાસ સમુદ્ર અને મોજાને ખરેખર જોઈ શકો છો. નાઇટ શિફ્ટ તમારા અનુભવને સંપૂર્ણપણે બદલી નાખે છે. એ તમને જાગૃત પણ રાખે છે.”

“મને ખરેખર લાગ્યું હતું કે ચંદ્ર અમારો દોસ્ત હતો. ખાસ કરીને પરિસ્થિતિ મુશ્કેલ બની ત્યારે ચંદ્ર અમારા માટે એક ભરોસાપાત્ર ચહેરો બની રહ્યો હતો.”

મેકલીન ભાઈઓને ફોન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ ઍન્ટિસાયક્લોન તરફ આગળ વધી રહ્યા છે અને એ બાબતે કશું કરી શકાય તેમ નથી. આ જાણકારીને પગલે તેઓ વધારે સતર્ક થઈ ગયા હતા.

એવી પરિસ્થિતિમાં બે દિવસ ઝીંક ઝીલી શકાય તેવી તૈયારી તેમણે કરી હતી.

રાત પડતાંની સાથે જ ઈવાનને નાઇટ ડ્યુટી સોંપીને લેચલાન હોડીના પાછળના ભાગ તરફ આગળ વધ્યા હતા.

લેચલાને કહ્યું હતું, “અમારી મુખ્ય ચિંતા પૈકીની એક હોડીને બે અલગ અલગ બિંદુઓ પર ક્લાઇમ્બિંગ હાર્નેસ વડે સલામત બનાવવાની હતી, જેથી એકમાં સમસ્યા થાય તો બીજું કામ આવે.”

“હું કેબિનમાં જવા માટે મારો બેલ્ટ ખોલવાનો હતો, મોજામાં ગાબડું પડે તેની રાહ જોઈ રહ્યો હતો ત્યારે જ સાત મીટરનું વિશાળ મોજું આવ્યું, પાણીની દીવાલ મારા શરીર સાથે અથડાઈ અને હું પડી ગયો.”

લેચલાન ગડમથલમાં હતા. તેમને એવું લાગ્યું કે મોજાંને કારણે તેમની નૌકા પલટી ગઈ છે, પરંતુ હલ પર પ્રકાશ ફેંકવામાં સફળ થયા ત્યારે તેમને એ અંધારામાં તેમની બહેનનું નામ બહાર નીકળતું જોવા મળ્યું હતું.

“મારાં માતાએ તેમના હાથે લખેલા રોઝ એમિલી શબ્દો મેં જોયા ત્યારે મને સમજાયું હતું કે હું નૌકામાંથી પડી ગયો છું.”

અનેક સંકટો પછી લક્ષ્ય દેખાયું

બીબીસી ગુજરાતી ત્રણ ભાઈઓ, જેમણે પેરુથી ઓસ્ટ્રેલિયા સુધી 15,000 કિમી રોઇંગ કરવાની સિદ્ધિ

ઇમેજ સ્રોત, Maclean Brothers

તેઓ એક દોરડા વડે નૌકા સાથે બંધાયેલા હતા. તેમણે એ દોરડાને પકડી લીધું અને નૌકા પર પાછા ચડવાના પ્રયાસ શરૂ કર્યા.

“ઈવાનનો પ્રતિભાવ ઝડપી હતો. મેં અંધારામાં એક હાથ જોયો અને તેને પકડી લીધો હતો, પરંતુ એ વેળાએ જ એક મોજાએ મને ફરીથી પાછો પાણીમાં ખેંચી લીધો હતો. પછી તરત જ બીજા મોજાના મોમેન્ટમનો ઉપયોગ કરીને હું નૌકા પર પાછો ચડી ગયો હતો.”

લેચલેને જણાવ્યું હતું કે તેઓ આરામ કરવા કેબિનમાં પહોંચ્યા ત્યારે ખરેખર ભયભીત થઈ ગયા હતા.

“મને એ વાતની ચિંતા થતી હતી કે એ પરિસ્થિતિમાં હું નૌકાથી અલગ ફંટાઈ ગયો હોત તો શું થાત? હૂક વડે બંધાયેલો ન હોત અને એ જ વખતે મોજા મારી સાથે ટકરાયાં હોત તો શું થાત? હું સમુદ્રમાં ખોવાઈ ગયો હતો. એ વેળાએ મારા પર ભય સવાર થઈ ગયો હતો.”

હવામાનની આવી મુશ્કેલ પરિસ્થિતિને કારણે મેકલીન ભાઈઓએ તેમનું લક્ષ્ય સ્થાન બદલવું પડ્યું હતું. ચક્રવાતના જોખમને કારણે તેઓ સિડની પહોંચી શક્યા ન હતા અને બ્રિસ્બેન તરફ આગળ વધ્યા હતા.

જોકે, હવામાં પરિવર્તનને કારણે તેમણે ફરી એકવાર ઉત્તર તરફ તેમનો માર્ગ બદલવો પડ્યો હતો અને તેઓ કેર્ન્સ બંદર તરફ આગળ વધ્યા હતા.

આખરે તેમને લક્ષ્યસ્થાન દેખાયું.

રસ્તામાં સર્જાયેલી પરિસ્થિતિ અને પ્રવાસના કાર્યક્રમમાં થયેલા ફેરફારની માઠી અસર મેકલીન ભાઈઓ પર થવા લાગી હતી.

તેઓ પ્રશાંત મહાસાગરમાં 139 દિવસ, પાંચ કલાક અને બાવન મિનિટ સુધી નૌકા ચલાવી ચૂક્યા હતા. એ સમયે ક્ષિતિજ પર કશુંક દેખાવા લાગ્યું હતું.

જેમીએ કહ્યું હતું, “તમને ક્ષિતિજ પર કશુંક ધૂંધળું દેખાવા લાગે છે. શરૂઆતમાં તમે તેને વાદળ માની લો છો. તમે તમારા રોજિંદા કામ કરતા રહો છો અને ફરી એ તરફ નજર કરો છો ત્યારે ઘૂંધળી ચીજ વધારે સ્પષ્ટ દેખાવા લાગે છે.”

આખરે એ અવિસ્મરણીય ક્ષણ આવી

બીબીસી ગુજરાતી ત્રણ ભાઈઓ, જેમણે પેરુથી ઓસ્ટ્રેલિયા સુધી 15,000 કિમી રોઇંગ કરવાની સિદ્ધિ

ઇમેજ સ્રોત, Maclean Brothers

“એ વેળાએ તમને સમજાય છે કે એ દરિયાકિનારો છે. પ્રસ્તુત કિસ્સામાં, ઑસ્ટ્રેલિયાનો દરિયાકિનારો.”

સમુદ્રમાં સાડા ચાર મહિના પસાર કર્યા પછી આખરે, મેકલીન ભાઈઓ તેમનું લક્ષ્ય જોઈ રહ્યા હતા અને તેમણે હજુ પણ આખો દિવસ પ્રવાસ કરવાનો હતો.

“વાસ્તવમાં અમે રાતે કેર્ન્સ પહોંચ્યા હતા. અમને સૌથી પહેલાં લૅમ્પપોસ્ટનો પ્રકાશ દેખાયો હતો. એ પ્રકાશ અમે મહિનાઓથી જોયો ન હતો.”

“અમારા ચાર દોસ્તો પ્રવાસ કરીને અમને મળવા ત્યાં આવ્યા હતા. તેઓ તેમનું બૅગપાઇપર બજાવી રહ્યા હતા.”

“બૅગપાઇપરનો હવામાં ગૂંજતો અવાજ એકદમ સ્પષ્ટ સંભળાતો હતો.”

માત્ર તેમના દોસ્તો જ નહીં, પરંતુ બીજા સેંકડો લોકો તેમનું સ્વાગત કરવા માટે આવ્યા હતા અને કેર્ન્સ મરીના પર તેમની પ્રતિક્ષા કરી રહ્યા હતા. રાહત અનુભવતા તેમનાં માતા પણ ત્યાં હતાં.

મેકલીન ભાઈઓ 2025ની 30 ઑગસ્ટે ઑસ્ટ્રેલિયા પહોંચ્યા હતા.

જેમીએ કહ્યું હતું, “ત્યાં પહોંચવું, અમારાં મમ્મીને, અમારા પાર્ટનર્સને અભૂતપૂર્વ પરિસ્થિતિમાં ભેટવું એ ખરેખર અવિસ્મરણીય હતું.”

મેકલીન ભાઈઓના પિતાએ તેમની રાહ સ્કૉટલૅન્ડમાં જોવી પડી હતી. સ્કૉટલૅન્ડમાં મેકલીન ભાઈઓનું સ્વાગત મોટી ઉજવણી સાથે કરવામાં આવ્યું હતું.

આ સફરમાં શું શીખવા મળ્યું?

બીબીસી ગુજરાતી ત્રણ ભાઈઓ, જેમણે પેરુથી ઓસ્ટ્રેલિયા સુધી 15,000 કિમી રોઇંગ કરવાની સિદ્ધિ

ઇમેજ સ્રોત, Maclean Brothers

જેમીએ જણાવ્યું હતું કે આ પ્રવાસે તેમનામાં માણસાઈ માટે એક નવી આશા જગાવી. જે સપના સાથે ત્રણેય ભાઈઓએ સ્કૉટલૅન્ડથી શરૂઆત કરી હતી તેણે દુનિયાભરના હજારો લોકોને તેમને અનુસરવા અને તેમણે જે હેતુ માટે યાત્રા શરૂ કરી હતી, તેના સમર્થન માટે પ્રેરિત કર્યા હતા.

“અમે જેમને કદાચ ક્યારેય મળી શકવાના નથી એવા લોકોની જિંદગીને આ યાત્રા સ્પર્શી શકી એ વિચાર જ ખરેખર અવિશ્વસનીય છે અને અમને આશાન્વિત કરે છે.”

એ સિવાય લેચલાને ભારપૂર્વક જણાવ્યું હતું કે સમુદ્રમાં પસાર કરેલા એ ચાર મહિના દરમિયાન તેમને જે અનુભવ થયો તે દર્શાવે છે કે ત્રણેય ભાઈઓ એકમેકના પૂરક છે અને સારા હેતુથી પ્રેરિત થઈને આખરે “કોઈ એવી બાબત માટે કામ કરે છે, જે એકમેકના હિસ્સાના સરવાળા કરતાં અનેકગણી મોટી હોય છે.”

“તેને મધદરિયે જીવતા રહેવા માટે તમે કેવા પ્રકારના માણસ હોવા જોઈએ તેની સાથે બહુ ઓછો, પરંતુ કોઈ ઇમાનદાર ઇરાદો પાર પાડવા માટે તમારે કેવા સરંજામની જરૂર હોય છે તેની સાથે વધારે સંબંધ હોય છે.”

“તેની સાથે ચંદ્રનું તમારી તરફેણમાં હોવું એ પણ મદદગાર સાબિત થાય છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS