Home તાજા સમાચાર gujrati ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઈરાનને કઈ ધમકી આપી? – ન્યૂઝ અપડેટ

ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઈરાનને કઈ ધમકી આપી? – ન્યૂઝ અપડેટ

16
0

Source : BBC NEWS

ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઈરાનને કઈ ધમકી આપી? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

10 માર્ચ 2026, 08:02 IST

અપડેટેડ 43 મિનિટ પહેલા

વાંચવાનો સમય: 3 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને વધુ એક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો હોર્મુઝ સ્ટ્રેટમાં તેલની અવરજવરને તેણે જો બાધિત કરી તો અમેરિકા કડક પગલાં ભરશે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોતાની પોસ્ટમાં લખ્યું, “જો ઈરાન સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં તેલનું પરિવહન રોકવા માટે કંઈ કરે છે, તો અમેરિકા તેના પર અત્યારસુધીના થયેલા હુમલાની સરખામણીમાં 20 ઘણા વધારે શક્તિશાળી હુમલા કરશે.”

દુનિયાના કુલ ઑઇલના લગભગ 20 ટકા ઑઇલ આ જ સમુદ્રના રસ્તે આવે છે.

હાલમાં યુદ્ધને કારણે અહીંથી સમુદ્રના રસ્તે અવરજવર ઓછી થઈ ગઈ છે તેથી દુનિયાભરમાં ઑઇલની કિંમતો વધી ગઈ છે.

ટ્રમ્પે કહ્યું, “તદુપરાંત, અમે ઈરાનનાં એવાં લક્ષ્યાંકોને નિશાન બનાવીશું જેને સરળતાથી તબાહ કરી શકાય છે. તેનાથી ઈરાનને બીજી વખત એક દેશ તરીકે ફરી ઊભા થવું લગભગ અશક્ય બની જશે. તેમના પર મોત, આગ અને કહેરનો વરસાદ કરાશે. પરંતુ હું આશા રાખું છું કે આમ ન થાય.”

સરકારે એલપીજી સિલિન્ડર બુકિંગ ઉપર કેવાં નિયંત્રણ મૂક્યાં અને શા માટે?

એલપીજીના ભાવ, ગેસ સિલિન્ડર બુકિંગના નવા નિયમ, ગેસ સિલિન્ડર બુકિંગ ભાવ વધારો,

ઇમેજ સ્રોત, Reuters

કેન્દ્ર સરકારે ઑઇલ રિફાઇનરીઓને એલપીજીનું (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ) ઉત્પાદન વધારવા તથા વધારાનાં ઉત્પાદનને ઘરેલુ વપરાશ માટે ફાળવવા નિર્દેશ આપ્યા છે.

સરકારનું કહેવું છે કે પ્રવર્તમાન ભૂરાજકીય પરિસ્થિતિને કારણે ઇંધણના પુરવઠામાં અવરોધ ઊભો થયો છે, ત્યારે એલપીજીની અછતને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગૅસ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર પોસ્ટ મૂકીને કહ્યું કે એલપીજી ગૅસની આપૂર્તી તેની પ્રાથમિકતા છે.

આ સાથે જ સંગ્રહખોરી તથા કાળાબજારને અટકાવવા માટે 25 દિવસનો ઇન્ટર-બુકિંગ પીરિયડ લાગુ કરવામાં આવ્યો છે.

આ પહેલાં ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ સિલિન્ડરદીઠ રૂ. 60નો ભાવવધારો કર્યો હતો.

સરકારે તેનાં નિવેદનમાં જણાવ્યું છે કે આયાત થયેલા એલપીજી હૉસ્પિટલ તથા શૈક્ષણિક સંસ્થા જેવાં બિન-ઘરેલુ પરંતુ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

સરકારના કહેવા પ્રમાણે, જે ક્ષેત્રોને વધુ જરૂર છે, તેમને કૉમર્શિયલ ગૅસની ફાળવણીમાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, અન્ય બિનઘરેલુ ક્ષેત્રોને એલપીજીની ફાળવણી અંગે સમીક્ષા કરવા માટે ઑઇલ માર્કેટિંગ કંપનીઓના ત્રણ કાર્યકારી નિર્દેશકોની એક સમિતિ બનાવવામાં આવી છે.

આ સમિતિ રેસ્ટોરાં હોટલ તથા અન્ય ઉદ્યોગો દ્વારા જે રજૂઆતો કરવામાં આવશે, તેના વિશે નિર્ણય લેશે.

ટ્રમ્પ : ઈરાનનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે, પણ…

મધ્યપૂર્વ તણાવ, ડોનાલ્ડ઼ ટ્રમ્પ, પુતિન સાથે વાતચીત, મોજતબા અલી ખામેનેઈ ચૂંટણી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલન્ડ ટ્રમ્પનું કહેવું છે કે ઈરાનમાં અમેરિકાનું સૈન્યઅભિયાન ટૂંક સમયમાં પૂરું થઈ જશે, જોકે, તે આ અઠવાડિયે પૂર્ણ નહીં થાય.

ટ્રમ્પે કહ્યું, “ઈરાનની પાસે જે કંઈ હતું, એ લગભગ ખતમ થઈ ગયું છે, એટલે સુધી કે તેની લીડરશિપ પણ.”

ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈના દીકરા મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર ચૂંટવામાં આવ્યા છે. ત્યારે ટ્રમ્પે કહ્યું છે કે આ પસંદગીથી તેઓ ખુશ નથી.

ટ્રમ્પે કહ્યું કે ઈરાનના નવા નેતા તરીકે જે નામ અંગે વ્યાપક ચર્ચા થઈ રહી છે, તેનાથી તેઓ ખાસ પરિચિત નથી.

ટ્રમ્પના કહેવા પ્રમાણે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તેમની ફોન ઉપર વાતચીત થઈ હતી. જેમાં મધ્યપૂર્વ એશિયાની પરિસ્થિતિ અંગે પણ ચર્ચા થઈ હતી. પુતિને તેમાં મદદ કરવાની તૈયારી દાખવી હતી.

આ પહેલાં પુતિને મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર તરીકે ચૂંટાઈ આવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રશિયા-ઈરાન વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી રાખવાનો વાયદો કર્યો હતો.

દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ આજે રવાના થશે

ટી20 વર્લ્ડકપ, વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમ ફસાઇ, બીસીસીઆઈ, ભારત વર્લ્ડ ચેમ્પિયન, ક્રિકેટ સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ભારત-શ્રીલંકા ખાતે ટી20 વર્લ્ડકપ યોજાયો હતો. જેમાં 20 ટીમોએ ભાગ લીધો હતો.

જેમાંથી વેસ્ટ ઇન્ડીઝની ટીમ સુપર-8 રાઉન્ડ દરમિયાન અને દક્ષિણ આફ્રિકાની ટીમ સેમિફાઇનલ દરમિયાન બહાર થઈ ગઈ હતી.

જોકે, મધ્યપૂર્વ એશિયામાં પ્રવર્તમાન તણાવને કારણે આ બંને ટીમો ભારતમાં અટવાઈ ગઈ હતી.

ત્યારે ન્યૂઝ એજન્સી પીટીઆઈ જણાવે છે કે મંગળવારે આ બંને ટીમો એક જ ચાર્ટર ફ્લાઇટમાં ભારતથી જૉહાનિસબર્ગ રવાના થશે. જ્યાંથી વેસ્ટ ઇન્ડીઝની ટીમ ઍન્ટીગુઆ જશે.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનાના અંતભાગમાં અમેરિકા-ઇઝરાયલે મધ્યપૂર્વીય એશિયાના ઈરાન ઉપર હુમલા કર્યા હતા. એ પછી આ ભૂભાગમાં તણાવ ફેલાઈ ગયો છે. જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન પર પડી છે અને હજારો મુસાફરો રઝળી પડ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS