Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Tasos Katopodis/Getty Images
એક કલાક પહેલા
વાંચવાનો સમય: 3 મિનિટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને ‘પીસમૅકર’ એટલે કે ‘શાંતિ પ્રસ્થાપિત કરાવનાર’ તરીકે ઓળખાવ્યા છે. તેમણે ફરી એક વખત દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્યસંઘર્ષ થંભાવ્યો હતો.
ટ્રમ્પે કહ્યું, “મેં આઠ યુદ્ધ રોકાવ્યાં છે, પરંતુ જો આપણે ઈરાન અને લેબનોનને પણ જોડીએ તો 10 યુદ્ધ થશે અને લાખો જિંદગી બચી છે. વિચારો, આપણે કેટલી જિંદગી બચાવી છે.”
ટ્રમ્પે કહ્યું, “હવે, સ્ટ્રેટ ઑફ હોર્મુઝની સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે, ત્યારે મને નાટોનો ફોન આવ્યો કે શું આપણને તેમની મદદ જોઈએ છે? મેં તેમને કહ્યું કે મને તમારી મદદ બે મહિના પહેલાં જોઈતી હતી, પરંતુ હવે મને તમારી મદદ બિલકુલ નથી જોઈતી. જ્યારે અમને તમારી જરૂર હતી, ત્યારે તમે જરાય કામ નથી આવ્યા, પરંતુ વાસ્તવમાં આપણને ક્યારેય એમની જરૂર જ ન હતી. તેમને આપણી જરૂર હતી.”
ટ્રમ્પે આ પહેલાં સોશિયલ મીડિયા ઉપર હોર્મુઝની સામુદ્રધુની ખોલવાની જાહેરાત પછી સોશિયલ મીડિયા ઉપર એક પછી એક પોસ્ટ મૂકીને મહત્ત્વપૂર્ણ વાતો કરી હતી.
ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુનીને ખોલવા બદલ ઈરાનનો આભાર માન્યો અને કહ્યું કે જ્યાર સુધી ઈરાન કરાર નહીં કરે, તેની “નૌકાદળ દ્વારા નાકબંધી” ચાલુ રહેશે.
ટ્રમ્પે નાટોને ‘કાગળનો વાઘ’ કહીને તેની ટીકા કરી હતી. સાથે જ બહાદુરીપૂર્વક અમેરિકા સાથે રહીને લડવા બદલ સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને કતારનો આભાર માન્યો હતો.
ટ્રમ્પે એક પોસ્ટમાં પાકિસ્તાન અને વડા પ્રધાન શહબાઝ શરીફ તથા ફિલ્ડ માર્શલ આસિમ મુનીરનો આભાર માન્યો. સાથે જ પાકિસ્તાનના વડા પ્રધાન તથા ફિલ્ડ માર્શલને ‘મહાન’ અને ‘શ્રેષ્ઠ’ ગણાવ્યા હતા.
રાહુલ ગાંધી સામે બેવડી નાગરિકતા મુદ્દે એફઆઈઆર દાખલ કરવા આદેશ
ઇમેજ સ્રોત, ANI
અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બૅન્ચે બેવડાં નાગરિકત્વ મુદ્દે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સામે એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરવા આદેશ આપ્યા છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ લખે છે, બૅન્ચે એફઆઈઆર દાખલ કર્યા પછી કોઈપણ કેન્દ્રીય એજન્સીને તપાસ સોંપવાની ઉત્તર પ્રદેશ સરકારને છૂટ આપી હતી.
એસ વિગ્નેશ શિશિર એમપી/એમએલએ કોર્ટમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે એફઆઈઆર કરવા અરજી કરી હતી, જેને નકારી દેવામાં આવી હતી. જેને અરજદારે ઉચ્ચ અદાલતમાં પડકારી હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઈ જણાવે છે કે આ કેસની તપાસ અનેક ન્યાયક્ષેત્ર હેઠળ આવતી હોવાથી તેની તપાસ કોઈ કેન્દ્રીય એજન્સી દ્વારા કરાવવામાં આવે, તેવી રજૂઆત ઉત્તર પ્રદેશ સરકારના વકીલે કરી હતી.
રાજસ્થાન રૉયલ્સના મૅનેજરને દંડ ફટકારાયો
ઇમેજ સ્રોત, Pankaj Nangia/Getty Images
રાજસ્થાન રૉયલ્સના ટીમ મૅનેજર રવિંદરસિંહ ભિંડર ઉપર બીસીસીઆઈએ (ક્રિકેટ કંટ્રૉલ બોર્ડ ઑફ ઇન્ડિયા) રૂ. એક લાખનો દંડ લાદ્યો છે. રવિંદરસિંહ ઉપર આઈપીએલના (ઇન્ડિયન પ્રીમિયર લીગ) પીએમઓએ પ્રોટોકૉલનો ભંગ કરવાનો આરોપ છે.
તા. 10મી એપ્રિલ 2026ના રોજ ગૌહાટીના એસીએ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રૉયલ્સ તથા રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ વિરુદ્ધ મૅચ રમાઈ હતી. જેમાં તેમણે ડગઆઉટમાં મોબાઇલનો ઉપયોગ કર્યો હતો.
રવિંદરસિંહ ભિંડરે પોતાની ભૂલ સ્વીકારી છે અને વિના શરતે માફી માંગી લીધી છે.
ડગઆઉટમાં મોબાઇલ ફોનનો વપરાશ કરવો એ બીસીસીઆઈ આઈપીએલ પીએમઓએ પ્રોટોકૉલના નિયમ ક્રમાંક 4.1.1ના ભંગ સમાન છે.
આઈપીએલની સત્તાવાર વેબસાઇટ ઉપર આપવામાં આવેલી વિગતો પ્રમાણે, રવિંદરસિંહ ભિંડરે પહેલી વખત નિયમભંગ કર્યો છે, એટલે બીસીસીઆઈ આઈપીએલ પીએમઓએ પ્રોટોકૉલના અનુચ્છેદ 7.42(એ) હેઠળ તેમની ઉપર રૂ. એક લાખનો દંડ કરવામાં આવ્યો છે.
આ સિવાય ભિંડરને ભવિષ્યમાં વધુ સાવધાની રાખવા તથા નિર્ધારિત નીતિ-નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરવા માટે ચેતવણી પણ આપવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



