Home તાજા સમાચાર gujrati ‘ડોનાલ્ડ ટ્રમ્પ વિશે દલીલ થઈ’ અને પિતાએ પુત્રીને ગોળી મારી દીધી

‘ડોનાલ્ડ ટ્રમ્પ વિશે દલીલ થઈ’ અને પિતાએ પુત્રીને ગોળી મારી દીધી

10
0

Source : BBC NEWS

લ્યુસી હૅરિસન, ડોનાલ્ડ ટ્રમ્પ, હત્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Facebook

બ્રિટનની એક યુવતી જ્યારે તેમના પિતાને ત્યાં ટૅક્સાસમાં ગઈ ત્યારે પિતાએ તેમને ગોળી મારી દીધી હતી. એવું તપાસમાં જાણવા મળી રહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે તેમની વચ્ચે ચર્ચા થઈ હતી.

10 જાન્યુઆરી, 2025ના રોજ વૅરિંગ્ટનના ચેશાયરનાં લ્યુસી હૅરિસનની છાતીમાં ગોળી મારીને ડલાસમાં હત્યા કરી દેવાઈ હતી.

23 વર્ષીય આ યુવતીના મૃત્યુને ઇરાદાથી હત્યા તરીકે તપાસ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ ક્રિસ હૅરિસન સામે આ પછી કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો નહોતો, કારણ કે કૉલિન કાઉન્ટીની ગ્રાન્ડ જ્યૂરીએ એમ કરવાની મનાઈ કરી હતી.

લ્યુસી હૅરિસનના મૃત્યુની સુનાવણી ચેશાયર કૉરોનર કોર્ટમાં થઈ હતી જ્યાં તેમના બૉયફ્રેન્ડે સેમ લિટલરે ડોનાલ્ડ ટ્રમ્પ વિશેની ‘ઉગ્ર દલીલ’નો દાવો કર્યો હતો. એ વખતે ટ્રમ્પ બીજી વખત સત્તા સંભાળવા જઈ રહ્યા હતા.

પિતા સાથે શું દલીલ થઈ હતી?

લ્યુસી હૅરિસન, ડોનાલ્ડ ટ્રમ્પ, હત્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

બૉયફ્રેન્ડ લિટલરે કહ્યું હતું કે તેઓ જ્યારે લ્યુસી સાથે રજાઓમાં અમેરિકા જઈ રહ્યા હતા ત્યારે લ્યુસી ઘણી વાર કહેતી હતી કે જ્યારે તેમના પિતા બંદૂકની માલિકી વિશે વાત કરી છે ત્યારે તેઓ અપસેટ થઈ જાય છે.

સુનાવણીમાં એ પણ વાતની ચર્ચા થઈ હતી કે ક્રિસ હૅરિસન જ્યારે તેમની દીકરી નાની હતી ત્યારે જ અમેરિકા ચાલ્યા ગયા હતા અને દારૂની લત પછી તેમની આદતને છોડાવવા માટે તેમણે ‘રિહેબ’ પણ લીધું હતું.

આરોપી ક્રિસ હૅરિસન જોકે તપાસમાં ઉપસ્થિત રહ્યા નહોતા. તેમણે કોર્ટમાં મોકલેલા તેમના નિવેદનમાં સ્વીકાર કર્યો હતો કે ગોળીબાર કર્યાના દિવસે તેમણે દારૂ પીધો હતો અને લગભગ 500 મિલી વ્હાઇટ વાઇન પીધો હતો.

લિટલરે કહ્યું હતું કે 10 જાન્યુઆરીના દિવસે સવારે લ્યુસીએ તેમના પિતા સાથે ટ્રમ્પ અંગે વાતચીત કરી હતી. તેમનું કહેવું કંઈક આમ હતું, “જો મારે એ સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હોય અને મારું જાતીય શોષણ થયું હોય તો તમને કેવું લાગે?”

તેના જવાબમાં ક્રિસ હૅરિસને કહ્યું હતું કે, “મારી પાસે બીજી બે પુત્રી છે જે મારી સાથે રહેતી હોય છે એટલે મને આ વાતની વધુ અસર નહીં થાય.”

લિટલરનું કહેવું છે કે પછી લ્યુસી ઘણાં અપસેટ થઈ ગયાં હતાં અને ઘરમાં ઉપરના માળે ચાલ્યાં ગયાં હતાં.

‘મને ખબર નથી કે મારી આંગળી ટ્રિગર પર હતી કે નહીં’

લ્યુસી હૅરિસન, ડોનાલ્ડ ટ્રમ્પ, હત્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

લિટલરે એ પછી કોર્ટને કહ્યું હતું કે તેમની બંનેની ઍરપૉર્ટ જવાની અડધી કલાક પહેલાં લ્યુસી રસોડામાં હતાં અને પછી તેમના પિતા તેમને હાથ પકડીને ગ્રાઉન્ડ ફ્લોરના બેડરૂમમાં લઈ ગયા હતા.

લિટલરે કહ્યું કે તેમણે 15 સેકન્ડ પછી મોટો ધડાકો સાંભળ્યો અને ક્રિસ હૅરિસને તેમનાં પત્ની હીથરને બૂમ પાડી.

લિટલરે કહ્યું, “મને યાદ છે કે હું દોડીને રૂમમાં ગયો અને લ્યુસી ઓરડામાં બાથરૂમ નજીક પડ્યાં હતાં અને ક્રિસ માત્ર બૂમાબૂમ કરી રહ્યા હતા.”

જોકે, ક્રિસ હૅરિસનનું નિવેદન કહે છે કે તેઓ અને તેમની પુત્રી ગન ક્રાઇમ વિશેના સમાચાર જોઈ રહ્યાં હતાં અને તેમણે લ્યુસીને કહ્યું કે તેમની પાસે બંદૂક છે જો તેને જોવી હોય તો.

તેમના નિવેદન પ્રમાણે, ક્રિસ પછી તેમને ગ્લોક 9મીમીની સેમી-ઑટોમેટિક હૅન્ડગન બતાવવા લઈ ગયા હતા, જેને તેમણે બેડ પાસેના કૅબિનેટમાં રાખી હતી.

હૅરિસનનું કહેવું હતું કે બંદૂક તેમણે પરિવારની સુરક્ષા માટે લીધી હતી અને આ અંગે તેમણે તેમની દીકરી સાથે પહેલાં ક્યારેય વાત કરી નહોતી.

તેમણે કહ્યું, “મેં જ્યારે તેને દેખાડવા માટે બંદૂક ઊંચકી ત્યારે જ મેં મોટો ધડાકો સાંભળ્યો, મને ખ્યાલ ન આવ્યો કે શું બન્યું છે. લ્યુસી અચાનક જ ઢળી પડી.”

હૅરિસનનું કહેવું છે કે તેમને ખ્યાલ નથી કે તેમની આંગળી ટ્રિગર પર હતી કે નહીં.

તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે તેમને ભૂતકાળમાં દારૂ સાથેની સમસ્યા હતી અને તેઓ તેમની દીકરીના જવાથી ભાવુક થઈ ગયા હતા થોડા સમય માટે ‘નશામાં’ હતા.

‘મારી દીકરી જીવનનો ટેકો હતી’

ગોળીબાર પછી તપાસ કરી રહેલાં અધિકારી લ્યુસિયાના ઍસ્કેલરાએ પણ હૅરિસનના શ્વાસમાં દારૂની ગંધ પારખી લીધી હતી.

સીસીટીવી ફૂટેજ પણ એ વાતની પુષ્ટિ કરે છે કે તેમણે 7-ઇલેવન સ્ટોર પરથી એ જ દિવસે બે 500 મિલીના કાર્ટન ખરીદ્યાં હતાં.

એના સૅમ્યુઅલ ક્રિસ હૅરિસનનો પક્ષ રજૂ કરી રહ્યાં છે. તેમણે તેમના બદલે જેકલિન ડેવોનિશને રાખવા માચે અરજી કરી હતી. તેમનું કહેવું હતું કે તટસ્થ ઑબ્ઝર્વર એવો અંતિમ નિર્ણય લઈ શકે છે કે ‘તેઓ પક્ષપાતપૂર્ણ છે’.

તેમણે કહ્યું હતું કે કોઈ ‘ફેક્ટ ફાઇન્ડિંગ ઇન્ક્વાયરીને બદલે એક ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશનની રીતે જ તપાસ’ થઈ હતી.

લુઇસ નૉરિસ લ્યુસી હૅરિસનનાં માતા જૅન કોટ્સનો પક્ષ રજૂ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે આ અરજી એ ‘હૅરિસનની લીગલ ટીમ દ્વારા આ કરવામાં આવેલી છેતરપિંડી છે.’

ડેવોનિશે જોકે આ અરજી ફગાવી દીધી હતી.

ક્રિસ હૅરિસનનું કહેવું છે કે, “એવો એક પણ દિવસ નહીં હોય જ્યાં મને આ વાતનું વજન નહીં લાગતું હોય. આ વજન હું મારી બાકીની જિંદગીમાં સાથે લઈને જીવવાનો છું.”

મૃતક લ્યુસીનાં માતા જૅન કોટ્સ તેમની દીકરીને ‘જીવનનો સાચો ટેકો’ ગણાવે છે. લ્યુસીએ ફૅશન બ્રાન્ડ બૂહૂના ખરીદીકર્તા તરીકે કામ કર્યું છે.

તેઓ કહે છે, “તે સૌનો ખ્યાલ રાખે છે. તેનામાં જીવનની ચીજો પરિસ્થિતિઓમાં ધગશ દેખાતી હતી.”

બુધવારે આજે આ કેસનો ચુકાદો આવે તેવી સંભાવના છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS