Home તાજા સમાચાર gujrati ટેરિફ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ટ્રમ્પની નવી ધમકી શું ભારત માટે...

ટેરિફ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ટ્રમ્પની નવી ધમકી શું ભારત માટે છે?

14
0

Source : BBC NEWS

ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, ટેરિફ, અમેરિકા, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

24 ફેબ્રુઆરી 2026, 20:28 IST

અપડેટેડ એક કલાક પહેલા

વાંચવાનો સમય: 6 મિનિટ

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્લોબલ ટેરિફને રદ કર્યા ત્યારે એવું લાગતું હતું કે ભારત સહિત દુનિયાના ઘણા દેશોને હાશકારો થશે.

ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના નિર્ણયને શરમજનક ગણાવ્યો હતો અને જજો પર વ્યક્તિગત હુમલા કર્યા હતા. હવે ટ્રમ્પ એવા દેશોને ચેતવણી આપી રહ્યા છે, જે અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને ટ્રેડ ડીલ પર પુનઃ વિચાર કરવાનું વિચારી રહ્યા છે.

સોમવારે ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટમાં એ દેશોને ધમકી આપી છે કે તેમણે વધારે ખરાબ પરિણામોનો સામનો કરવો પડશે.

ટ્રમ્પે લખ્યું છે, “કોઈ પણ દેશ સુપ્રીમ કોર્ટના બકવાસ નિર્ણયને ઢાલ બનાવીને અમારી સાથે ‘ગેમ રમવા’ ઇચ્છે, ખાસ કરીને એવા દેશ જેમણે વર્ષો, એટલે સુધી કે દાયકાઓ સુધી અમેરિકાને છેતર્યું છે, તો તેમણે વધારે ઊંચા ટેરિફનો સામનો કરવો પડશે. અત્યારે જે ટેરિફ પર સંમતિ થઈ છે, તેનાથી ઘણા વધારે ખરાબ પરિણામ ભોગવવાં પડશે.”

‘ભારતે પ્રવાસ ટાળ્યો’

અમેરિકન મીડિયા આઉટલેટ બ્લૂમબર્ગ અને બ્રિટિશ ન્યૂઝ એજન્સી રૉયટર્સે 22 ફેબ્રુઆરીએ સમાચાર છાપ્યા હતા કે ભારતે આ અઠવાડિયે પોતાનું વેપાર પ્રતિનિધિ મંડળ વૉશિંગ્ટન મોકલવાની યોજના ટાળી દીધી છે.

બ્લૂમબર્ગ અને રૉયટર્સનું કહેવું છે કે, મુખ્યત્વે, જ્યારે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફને રદ કરી દીધા છે, એને જોતાં અનિશ્ચિતતાની સ્થિતિ છે અને એને ધ્યાનમાં રાખીને ભારતે તેને ટાળવાનો નિર્ણય કર્યો છે.

રૉયટર્સે પોતાના રિપોર્ટમાં લખ્યું છે, “ભારતના વાણિજ્ય મંત્રાલયના એક સૂત્રે કહ્યું કે બંને દેશોના અધિકારીઓ વચ્ચે ચર્ચા પછી પ્રવાસને સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે. પ્રવાસ માટેની કોઈ નવી તારીખ નક્કી કરવામાં નથી આવી.”

રૉયટર્સ અનુસાર, પ્રતિનિધિમંડળ રવિવારે રવાના થવાનું હતું, જેથી એક વચગાળાની વેપાર સમજૂતીને અંતિમ રૂપ આપવા માટે મંત્રણા કરી શકાય. બંને દેશ એક એવા માળખા પર સંમત થયા હતા, જેની હેઠળ અમેરિકા કેટલીક ભારતીય નિકાસો પર લાગુ કરાયેલા 50 ટકા ટેરિફ ઘટાડશે જે ભારતની રશિયન ઑઇલ ખરીદી સાથે સંકળાયેલા હતા.

અમેરિકાના ટેરિફને 18 ટકા સુધી ઘટાડવાનો હતો, જ્યારે ભારતે પાંચ વર્ષમાં 500 અબજ ડૉલરની કિંમતનાં અમેરિકન ઉત્પાદનો ખરીદવા માટે સંમતિ આપી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, ટેરિફ, અમેરિકા, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગયા અઠવાડિયે વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલે કહેલું કે વચગાળાની સમજૂતી એપ્રિલમાં લાગુ થઈ શકે છે, શરત માત્ર એ કે પ્રતિનિધિમંડળની વૉશિંગ્ટન યાત્રા દરમિયાન પડતર મુદ્દાનું સમાધાન થઈ જાય.

ટ્રમ્પની નવી ધમકીને લોકો ભારતવિરોધીરૂપે પણ જોઈ રહ્યા છે. ટ્રમ્પની ટ્રૂથ પોસ્ટને ઍક્સ પર રીપોસ્ટ કરતાં ભારતના પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે લખ્યું છે, “તેમણે ભારતના સંદર્ભમાં ‘છેતરવા’વાળી વાતનો ઉપયોગ કર્યો છે, જે ભારતની સાથે ફ્રેમવર્ક ડીલના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના પ્રભાવ વિશે મીડિયાના એક પ્રશ્નના જવાબમાં કહેવાયું. તેમની અહંકારથી પ્રેરિત વિચારધારા એક ગંભીર સમસ્યા છે.”

અમેરિકાના વિદેશ અને વાણિજ્ય મંત્રાલયમાં સલાહકાર રહેલા ઇવાન એ ફેઇઝેનબૉમે ટ્રમ્પની આ પોસ્ટ વિશે ઍક્સ પર લખ્યું છે, “ટ્રમ્પે કૅનેડા પર ટેરિફ વધારવાની ધમકી આપી હતી, કેમ કે તેમને ઑન્ટારિયોની એ ટેલિવિઝન જાહેરખબર સામે વાંધો હતો જેમાં રોનાલ્ડ રીગનના શબ્દોને હૂબહૂ ઉદ્ધૃત કરાયા હતા. ટ્રમ્પે કહ્યું કે તેમણે સ્વિટ્ઝર્લૅન્ડ પર એટલા માટે ટેરિફ વધાર્યો, કેમ કે ત્યાંના રાષ્ટ્રપતિના ફોન કૉલ પર બોલવાના લહેકા સામે નારાજગી હતી.”

“ગયા અઠવાડિયે ટ્રમ્પે 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં ટેરિફ 10 ટકાથી વધારીને 15 ટકા કરવાની જાહેરાત કરી દીધી અને તેના માટે કાયદાની એ કલમનો આધાર લીધો, જેની વિરુદ્ધ તેમનું પોતાનું જસ્ટિસ ડિપાર્ટમેન્ટ સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી ચૂક્યું હતું. તેમણે બ્રાઝિલ પર દુનિયાનો સૌથી ઊંચો ટેરિફ દર લગાડી દીધો, કેમ કે તેઓ એ વાતથી નારાજ હતા કે ત્યાં તેમના એક રાજકીય સહયોગી પર કેસ ચલાવવામાં આવતો હતો.”

“તેમણે ભારત પર રશિયન ઑઇલ ખરીદવા સાથે સંકળાયેલો ટેરિફ લગાડી દીધો, જ્યારે ચીન પર એવો કોઈ ટેરિફ ન લગાડ્યો, જે હકીકતમાં ભારત કરતાં વધારે માત્રામાં રશિયન ઑઇલ ખરીદે છે. તેમ છતાં, ટ્રમ્પને લાગે છે કે ટેરિફની બાબતમાં બીજા દેશો ‘રમત’ રમી રહ્યા છે.”

ભારતે હજુ સુધી એવું કશું પણ નથી કહ્યું જેને એવું માનવામાં આવે કે ચાલુ મહિનાની શરૂઆતમાં અમેરિકા સાથે થયેલી દ્વિપક્ષીય વેપાર સમજૂતીમાંથી પાછા હઠવાનો વિચાર કરી રહ્યું છે.

શું ભારતને લાભ થશે?

ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, ટેરિફ, અમેરિકા, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ભારત સાવધાનીપૂર્વક પગલાં ભરી રહ્યું છે. ભારત પોતાનાં વેપારી હિતોનું સંતુલન જાળવીને અને ટ્રમ્પ વહીવટી તંત્ર સાથે ટકરાવની સ્થિતિથી બચવાની કોશિશ કરી રહ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકાની સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે માત્ર એટલું જ કહ્યું હતું કે તે તેનો અભ્યાસ કરી રહ્યું છે.

વિશ્વ વેપાર સંગઠનમાં ભારતના પૂર્વ રાજદૂત જયંત દાસગુપ્તાએ બ્લૂમબર્ગ ટેલિવિઝનનાં હસલિંડા અમિનને કહ્યું કે ભારતે “અમેરિકા સાથે સંવાદ ચાલુ રાખવો જોઈએ, જેથી એ સમજી શકાય કે તેમના મનમાં શું છે, તેઓ કયાં પગલાં ભરવાનું વિચારી રહ્યા છે. તેમની સાથે વાતચીત કરવી જોઈએ. આપણી સામે એ સ્પષ્ટ નથી કે આ કઈ દિશામાં આગળ વધશે.”

ભારતે રશિયાના ઑઇલની ખરીદી ઘટાડી છે, પરંતુ એ વલણ જાળવી રાખ્યું છે કે તે પોતાની ઊર્જા જરૂરિયાતો અને બજારની પરિસ્થિતિઓના આધારે કાચું તેલ ખરીદવાનો અધિકાર સુરક્ષિત રાખશે.

એમકાય ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડનાં અર્થશાસ્ત્રી માધવી અરોરાએ બ્લૂમબર્ગને કહ્યું, “ભારત હવે પોતાની અમેરિકન વેપાર સમજૂતી પર ફરીથી વિચાર કરી શકે છે, ખાસ કરીને જ્યારે રશિયન ઑઇલ ખરીદવા સંબંધિત ટેરિફનું જોખમ ખતમ થઈ ગયું છે, ત્યારે. જોકે ટ્રમ્પની સાથે સંબંધ જાળવી રાખવા માટે ભારત ખરીદીમાં કાપ ચાલુ રાખી શકે છે. હવે ભારત મંત્રણાઓમાં વધુ અનુકૂળ શરતોની માગણી કરી શકે છે.”

સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પણ ટ્રમ્પનો દાવો છે કે તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે જ કામ કરશે. જોકે, ટ્રમ્પે અદાલતના ચુકાદાની અવહેલના કરવાનો કોઈ સંકેત નથી આપ્યો, બલકે તેમણે તરત જ બીજાં—વધારે સીમિત—ઉપલબ્ધ તંત્રોનો ઉપયોગ કરીને નવા ટેરિફ લાગુ કરવાનું વલણ અપનાવ્યું.

સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં ટ્રમ્પ માટે સૌથી વધુ ચોંકાવનારી બાબત એ રહી કે કન્ઝર્વેટિવ જજોએ પણ તેમને સાથ ન આપ્યો. એટલે સુધી કે જે બે જજોને ટ્રમ્પે પોતે નિયુક્ત કર્યા હતા, તેમણે પણ ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યો.

અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલે પોતાના એક રિપોર્ટમાં લખ્યું છે, “વર્ષોથી કન્ઝર્વેટિવ જજોને ટ્રમ્પના “આજ્ઞાકારી” તરીકે ચીતરવામાં આવ્યા છે. એ સ્થિતિમાં જ્યારે જજ અપેક્ષિત રીતે કામ ન કરે, તો રાષ્ટ્રપતિની સમાન વિચારધારા કે અસંતોષની ટીકા કરવી કેટલી હદે વિરોધાભાસી લાગે છે.”

“હજુ પણ કેટલાક ઉદારવાદી ચિંતકો એ જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે કોઈ કન્ઝર્વેટિવ જજ ટ્રમ્પ વિરોધી નિર્ણય કઈ રીતે આપી શકે. કાયદાવિદ્ નોઆ ફેલ્ડમૅને લખ્યું છે, “લગભગ એક દાયકા પછી ચીફ જસ્ટિસ જૉન રૉબર્ટ્સ અને સુપ્રીમ કોર્ટે આખરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાર્યકારી શક્તિઓના દબાણની સામે ઊભા થવાનો માર્ગ શોધી લીધો.”

ભારતની તૈયારી શું છે?

ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, ટેરિફ, અમેરિકા, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીજી તરફ, કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ દાવોસમાં કહેલું કે મિડલ પાવરવાળા દેશોએ સુપર પાવરવાળા દેશોની રાજનીતિના સમયમાંથી છુટકારો મેળવવા માટે પોતાના આર્થિક સંબંધો ગાઢ કરવા જોઈએ. કદાચ ભારત એવું કરતું પણ હતું. ભારતે ઘણા દેશો સાથે ફ્રી ટ્રેડ ડીલ કરી લીધી હતી, જેથી પોતાના વેપારની અમેરિકા પરની નિર્ભરતા ઘટાડી શકે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના વહીવટી તંત્ર તરફથી ભારત વિરુદ્ધ ઘણી આક્રમક વાતો કહેવાઈ, પરંતુ મોદી સરકાર તરફથી ઘણી સંયમિત પ્રતિક્રિયા અપાતી હતી.

કહેવાય છે કે અમેરિકાની સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ચીન, ભારત અને બ્રાઝિલ જેવા હરીફ દેશોને લાભ થઈ શકે છે, કેમ કે ટ્રમ્પનો ટેરિફ સમાપ્ત થવાથી અમેરિકાને થતી નિકાસ પરનો ટેરિફ દર ઓછો થશે. મૉર્ગન સ્ટેન્લી અનુસાર, ચીનથી આવતા સામાન પર સરેરાશ ટેરિફ 32 ટકાથી ઘટીને 24 ટકા થઈ શકે છે, જ્યારે એશિયા માટે સરેરાશ ટેરિફ દર 20 ટકાથી ઘટીને 17 ટકા થઈ શકે છે.

જોકે, ટ્રમ્પે પછીથી 15 ટકા ટેરિફની જાહેરાત કરી. જે યુકે અને ઑસ્ટ્રેલિયા જેવી અર્થવ્યવસ્થાઓ માટે પડકારજનક થઈ શકે છે, જેમણે પહેલાં 10 ટકાથી ઓછા દર પર સમજૂતી કરી હતી.

બ્રિટિશ ચૅમ્બર્સ ઑફ કૉમર્સનું અનુમાન છે કે આ વૃદ્ધિથી યુકેના અમેરિકાને નિકાસના ખર્ચમાં લગભગ ચાર અબજ ડૉલર સુધીનો વધારો થઈ શકે છે અને લગભગ 40 હજાર બ્રિટિશ કંપનીઓને અસર થઈ શકે છે.

આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે ટ્રમ્પ આવતા મહિને બીજિંગ યાત્રા દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાર્તાલાપ માટેની તૈયારી કરી રહ્યા છે, જેનાથી તેમની ભાવતાલની સ્થિતિ નબળી પડી શકે છે.

બ્લૂમબર્ગ અનુસાર, અમેરિકન અધિકારી એવું કહેતા રહ્યા છે કે વેપાર ભાગીદારોની સાથે અગાઉ થયેલી સમજૂતીઓ યથાવત્ રહેશે. અમેરિકન વેપાર પ્રતિનિધિ જૅમિસન ગ્રીરે તેને ‘સારી સમજૂતીઓ’ ગણાવી. આમ છતાં, બધા દેશ તેની સાથે સંમત હોય તેવું જરૂરી નથી. યુરોપીય સંસદના વેપાર પ્રમુખે સંકેત આપ્યો છે કે જ્યાં સુધી ટ્રમ્પ વહીવટી તંત્ર પોતાની નીતિ સ્પષ્ટ ન કરે, ઇયુ–અમેરિકા વેપાર સમજૂતીની પુષ્ટિ અટકાવવાનો પ્રસ્તાવ રજૂ કરી શકાય છે.”

“આ જ પ્રમાણે ભારતીય અધિકારીઓએ પણ અનિશ્ચિતતાનો ઉલ્લેખ કરીને આ અઠવાડિયે અમેરિકામાં વચગાળાની વેપાર સમજૂતીને અંતિમ ઓપ આપવા સાથે જોડાયેલી મંત્રણાઓ સ્થગિત કરી. આગળ શું થશે તે સ્પષ્ટ નથી, પરંતુ એ નિશ્ચિત છે કે વૈશ્વિક વેપાર મંત્રણાઓમાં દબાણ ઊભું કરવા માટે ટ્રમ્પનું સૌથી પ્રભાવશાળી સાધન હવે નબળું પડી ગયું છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS