Home તાજા સમાચાર gujrati ટી20 વર્લ્ડકપ : એ ફોન કૉલ જેને કારણે પાકિસ્તાન ભારત સામે મૅચ...

ટી20 વર્લ્ડકપ : એ ફોન કૉલ જેને કારણે પાકિસ્તાન ભારત સામે મૅચ રમવા તૈયાર થઈ ગયું?

18
0

Source : BBC NEWS

ટી20 વર્લ્ડકપ : પહેલા ના પાડ્યા પછી પાકિસ્તાન હવે ભારત સામે મૅચ રમવા કેમ તૈયાર થયું?

ઇમેજ સ્રોત, Sajjad HUSSAIN / AFP) (Photo by SAJJAD HUSSAIN/AFP via Getty Images

10 ફેબ્રુઆરી 2026, 06:54 IST

અપડેટેડ એક કલાક પહેલા

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પાકિસ્તાની ક્રિકેટ ટીમને 15 ફેબ્રુઆરીએ ભારત સામે ટી20 વર્લ્ડકપ મૅચ રમવાની મંજૂરી આપી છે. તેમણે જણાવ્યું છે કે આ નિર્ણય મિત્ર દેશોની વિનંતીને કારણે લેવામાં આવ્યો છે.

અગાઉ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ મોહસિન નકવીએ શહબાઝ શરીફને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી), આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના પ્રતિનિધિઓ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) વચ્ચે થયેલી ઉચ્ચસ્તરીય બેઠકના નિર્ણય વિશે ઔપચારિક રીતે માહિતી આપી હતી.

બીબીસી ઉર્દૂના અહેવાલ મુજબ, સરકારના નિવેદનમાં જણાવાયું છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા પીસીબીને કરવામાં આવેલી સત્તાવાર વિનંતીઓ, તેમજ શ્રીલંકા, યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ) અને અન્ય સભ્ય રાષ્ટ્રો તરફથી મળેલા સંદેશાના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નિવેદન અનુસાર, વડા પ્રધાન શહબાઝ શરીફે સોમવાર સાંજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાકુમારા દિસાનાયકેએ સાથે ફોન પર વાત કરી.

આ સંવાદ દરમિયાન શરીફે સ્વીકાર્યું કે “પાકિસ્તાન અને શ્રીલંકા હંમેશાં એકબીજાની સાથે ઊભા રહ્યાં છે, ખાસ કરીને મુશ્કેલીના સમયમાં.”

શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના વડા પ્રધાનને હાલના વિવાદને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માટે ગંભીરતાથી વિચારવા વિનંતી કરી હતી.

સરકારના નિવેદન મુજબ, “મિત્ર દેશોની વિનંતીને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાન સરકારે પાકિસ્તાની ટીમને ICC પુરુષ ટી20 વર્લ્ડકપમાં નિર્ધારિત મૅચ માટે 15 ફેબ્રુઆરી 2026ના રોજ મેદાનમાં ઉતરવાનો નિર્દેશ આપ્યો છે.”

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે, “આ નિર્ણય ક્રિકેટની ભાવના જાળવવા અને તમામ ભાગ લેનાર દેશોમાં આ વૈશ્વિક રમતમાં સતત પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે.”

ઉલ્લેખનીય છે કે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે બાંગ્લાદેશે પોતાની ટીમની સુરક્ષા ચિંતાનો હવાલો આપીને ભારતમાં મૅચ ન રમવાનો અને પોતાની મૅચોને અન્ય દેશમાં ખસેડવાની વિનંતી કરી હતી.

જોકે, ICCએ બાંગ્લાદેશનો વિનંતીનો ઇન્કાર કરી દીધો હતો. તેના બાદ પાકિસ્તાની સરકારે જાહેરાત કરી હતી કે તેમની ટીમ 15 ફેબ્રુઆરીએ ભારત સામે થનારી મૅચનો બહિષ્કાર કરશે.

બહિષ્કારના નિર્ણય બાદ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું કે આ નિર્ણય બાંગ્લાદેશના સમર્થનમાં લેવામાં આવ્યો હતો.

પાકિસ્તાનના ભારત સામેની મૅચના બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચવા બદલ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાકુમાર દિસાનાયકેએ પાકિસ્તાનનો આભાર પ્રગટ કર્યો છે.

તેમણે ઍક્સ પર લખ્યું, “શહબાઝ શરીફ તમારો ધન્યવાદ. તમે એ સુનિશ્ચિત કર્યું કે અમે આ સૌની પસંદગીની રમત ચાલુ રાખી શકીએ. આ જાણીને આનંદ થયો કે કોલંબોમાં ચાલી રહેલા ટી20 વિશ્વકપમાં બહુપ્રતીક્ષિત ભારત-પાકિસ્તાન મૅચ નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર રમાશે. ટુર્નામેન્ટના સહ-યજમાન તરીકે શ્રીલંકા, આઈસીસી અને તેની સાથે જોડાયેલા તમામ લોકોના પ્રયાસો બદલ આભાર પ્રગટ કરે છે. શ્રીલંકા હંમેશાં 1996 વિશ્વકપ દરમિયાન ભારત અને પાકિસ્તાન દ્વારા દેખાડવામાં આવેલી એકજૂટતા યાદ રાખે છે. જ્યારે સુરક્ષાની ચિંતાને કારણે અન્ય દેશ પાછળ હઠી ગયા હતા અને બંને દેશોની ટીમ કોલંબોમાં મૅચ રમી રહી હતી.”

અગાઉ બીસીબીએ પાકિસ્તાનને ભારત સામે મૅચ રમવા વિનંતી કરી હતી

આઈસીસી ટી20 વિશ્વકપ ભારત પાકિસ્તાન ક્રિકેટ સૂર્યકુમાર યાદવ અભિષેક શર્મા બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, pcb

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનને 15મી ફેબ્રુઆરીના રોજ પ્રસ્તાવિત ટી20 વર્લ્ડકપની ભારત સામેની મૅચ રમવા વિનંતી કરી હતી.

એક નિવેદનમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો અને પાકિસ્તાની ક્રિકેટ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “આ સમયગાળા દરમિયાન, પીસીબીએ અનુકરણીય એકતાનું પ્રદર્શન કર્યું છે.”

“બાંગ્લાદેશને ટેકો આપવા માટે પાકિસ્તાનના પ્રયાસોથી અમે ઘણા પ્રભાવિત થયા છીએ. આપણો ભાઈચારો આવનારા સમયમાં વધુ દૃઢ બને તેવી પ્રાર્થના.”

પોતાના નિવેદનમાં બીસીબી પ્રમુખે કહ્યું, “પાકિસ્તાનની ટૂંકી મુલાકાત બાદ અને અમારી ચર્ચાઓના આગામી પરિણામોને ધ્યાને રાખીને, હું પાકિસ્તાનને ક્રિકેટના લાભ માટે 15 ફેબ્રુઆરીએ ભારત સામે આઈસીસી ટી20 વર્લ્ડકપની મૅચ રમવા અનુરોધ કરું છું.”

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને કોઈ સજા નહીં થાય : ICC

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને કોઈ સજા નહીં થાય : ICC

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ સ્પષ્ટ કર્યું છે કે ટી20 વિશ્વકપમાં ભાગ ન લેવા બદલ બાંગ્લાદેશ પર કોઈ દંડ ફટકારવામાં નહીં આવે. પરંતુ જો બીસીબી ઇચ્છે તો તેઓ ICCની વિવાદ નિવારણ સમિતિનો સંપર્ક કરી શકે છે.

આઈસીસીએ કહ્યું છે કે આઈસીસી ટી20 વિશ્વકપ 2026 અંગે ચર્ચા કરવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તથા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સાથે ખુલ્લી, રચનાત્મક અને સૌહાર્દપૂર્ણ વાતચીત થઈ છે.

આઈસીસી દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, આઈસીસી મૅન્સ ટી20 વિશ્વકપમાંથી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની દુર્ભાગ્યપૂર્ણ ગેરહાજરી પર વિચાર કરવામાં આવ્યો હતો. તેમાં એ વાત પર ભાર અપાયો હતો કે તેમણે ક્રિકેટના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આઈસીસીએ બાંગ્લાદેશ ક્રિકેટને સતત સમર્થનની ખાતરી આપી છે. જેથી વિશ્વકપમાં ભાગ ન લેવાને કારણે દેશના ક્રિકેટના વિકાસ પર કોઈ અસર નહીં પડે.

આઈસીસીએ સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આ માટે કોઈ સજા નહીં થાય.

તેણે કહ્યું, “આ બાબતમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પર કોઈ નાણાકીય, રમતગમત કે વહીવટી દંડ લાદવામાં નહીં આવે. આ અંગેની સહમતિ આ બેઠકમાં વ્યક્ત કરવામાં આવી છે. સાથે એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે બીસીબી ઇચ્છે તો વિવાદ નિવારણ સમિતિ એટલે કે ડીઆરસીનો તેઓ સંપર્ક કરવાનો અધિકાર રાખે છે.”

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ અધિકાર વર્તમાન નિયમો હેઠળ અસ્તિત્વમાં છે અને તે રહેશે.

આઈસીસીનું કહેવું હતું, “આઈસીસીની પ્રક્રિયાઓ નિષ્પક્ષતા અને ન્યાયીપણાના સિદ્ધાંતો પર આધારિત છે અને સજાને બદલે સહયોગને સરળ બનાવવાના સહિયારા ધ્યેયને પ્રતિબંબિત કરે છે.”

નિવેદન અનુસાર, 2028થી 2031ની વચ્ચે આઈસીસી ઇવેન્ટનું આયોજન કરવા માટે પણ એક કરાર થયો છે. આઈસીસીને બાંગ્લાદેશની યજમાની ક્ષમતા પર વિશ્વાસ છે અ તે ક્રિકેટના વિકાસ માટે તેના સભ્યોને યજમાની તકો પૂરી પાડશે.

આઈસીસીના ચીફ ઍક્ઝિક્યૂટિવ સંજોગ ગુપ્તાએ જણાવ્યું હતું, “બાંગ્લાદેશ પાસે એક એવી ક્રિકેટ સિસ્ટમ છે, જે તેના વિકાસ, સ્પર્ધાત્મકતા અ વૈશ્વિક એકીકરણમાં લાંબાગાળાના રોકાણને પાત્ર છે.”

શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પણ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફને કર્યો ફોન

 શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પણ પાકિસ્તાનને ભારત સામે મૅચ રમવા વિનંતી કરી હતી

ઇમેજ સ્રોત, Getty Images

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાકુમારા દિસાનાયકેએ સોમવારે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફને ફોન કરીને પાકિસ્તાની ક્રિકેટ ટીમને ભારત સામે મૅચ રમવાની વિનંતી કરી હતી.

વડા પ્રધાન શહબાઝ શરીફે શ્રીલંકાના રાષ્ટ્રપતિને ટી20 વિશ્વકપમાં ભારત-પાકિસ્તાન મૅચ અંગે પરામર્શ કર્યો હતો.

પાકિસ્તાનના વડા પ્રધાનના કાર્યાલયે આપેલી જાણકારી પ્રમાણે શ્રીલંકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે શ્રીલંકામાં આતંકવાદ ચાલતો હતો ત્યારે પાકિસ્તાને શ્રીલંકા ક્રિકેટને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.

શ્રીલંકાના રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું, “પાકિસ્તાન શ્રીલંકા સાથે તેના લાંબા સમયથી ચાલી રહેલા સંબંધોને બીજા કરતાં વધારે પ્રાથમિકતા આપે છે. આતંકવાદ છતાં પાકિસ્તાની ટીમ ક્રિકેટ રમવા શ્રીલંકા પ્રવાસે આવતી હતી.”

પાકિસ્તાની વડા પ્રધાન શરીફે પણ કહ્યું કે શ્રીલંકાએ પાકિસ્તાનમાં મુશ્કેલ સમયમાં સંપૂર્ણ ટેકો આપ્યો અને પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું.

તેમણે કહ્યું, “હાલમાં જ, શ્રીલંકાની ટીમે પાકિસ્તાનનો પ્રવાસ રદ ન કરીને પાકિસ્તાની રાષ્ટ્ર અને ક્રિકેટ ચાહકો માટે અવિસ્મરણીય પગલું ભર્યું છે.”

શ્રીલંકાના રાષ્ટ્રપતિએ એવા સમયે પાકિસ્તાનના વડા પ્રધાનને ફોન કર્યો હતો જ્યારે શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે પાકિસ્તાની બોર્ડને ભારત સામે મૅચ રમવા માટે વિનંતી કરી હતી.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડનું અનુમાન હતું કે પાકિસ્તાન જો ભારત સામે મૅચ નહીં રમે તો તેને પણ ઘણું નુકસાન જશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS