Home તાજા સમાચાર gujrati ટી 20 વર્લ્ડકપ : ભારત સુપર-8માં પહોંચ્યું છતાં એ પાંચ કારણો જે...

ટી 20 વર્લ્ડકપ : ભારત સુપર-8માં પહોંચ્યું છતાં એ પાંચ કારણો જે મુશ્કેલી ઊભી કરી શકે છે

22
0

Source : BBC NEWS

ટી20 વર્લ્ડકપ 2026, ભારતીય ટીમનું પ્રદર્શન, નેધરલેન્ડ સામેની ભારતની મેચ, તિલક વર્મા અભિષેક શર્માનું પ્રદર્શન, સુપર 8 ભારત અને દક્ષિણ આફ્રિકાની મૅચ, ટીમ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

બુધવારે ભારત અને નૅધરલૅન્ડ વચ્ચે ટી20 વર્લ્ડકપની 36મી મૅચ રમાઈ હતી. જેમાં ભારતે મહેમાન દેશને 17 રને પરાજય આપ્યો છે.

ભારતે છ વિકેટના ભોગે 193 રન બનાવ્યા હતા. 194 રનના ટાર્ગેટને પાર કરવા ઊતરેલી નૅધરલૅન્ડની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 176 રન બનાવી શકી હતી.

66 રનની ઇનિંગમાં છ છગ્ગા ફટકારનારા શિવમ્ દુબેને ‘પ્લેયર ઑફ ધ મૅચ’ પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે બૉલિંગમાં પણ કમાલ દેખાડી હતી.

બૉલર વરૂણ ચક્રવર્તીએ પણ ભારતને વિજય સુધી દોરી જવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે ત્રણ ઓવરમાં 14 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

નૅધરલૅન્ડ સામેની મૅચમાં ભારતે ટીમ-11માં બે ફેરફાર કર્યા હતા. કુલદીપ યાદવના સ્થાને અર્શદીપસિંહનું પુનરાગમન થયું હતું, જ્યારે અક્ષર પટેલના સ્થાને વૉશિંગ્ટન સુંદરને તક મળી હતી.

ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર અભિષેક શર્મા કોઈ રન બનાવ્યા વગર આર્યન દત્તના બૉલ ઉપર આઉટ થઈ ગયા હતા.

તિલક વર્મા અને ઇશાન કિશને બીજી વિકેટ માટે 39 રનની પાર્ટનરશિપ કરી અને પાવરપ્લે સુધીમાં ભારત માત્ર 51 રન બનાવી શક્યું હતું.

ભારતની ટીમ દબાણ હેઠળ હતી એવામાં 13મી ઓવરમાં 19 રન લઈને તેમણે ઇનિંગની ગિયર બદલી હતી અને ભારતનો સ્કોર 100ને પાર થયો હતો. પાંચ છગ્ગાની મદદથી માત્ર 25 બૉલમાં તેમણે અડધી સદી પૂરી કરી હતી.

બીજી બાજુ, હાર્દિક પંડ્યાએ પણ શિવમને સાથ આપ્યો હતો. બંનેએ પાંચમી વિકેટ માટે 35 બૉલમાં 76 રન ઉમેર્યા હતા.

ભારત તરફથી ઇશાન કિશન (7 બૉલ, 18 રન), તિલક વર્મા (27 બૉલ, 31 રન), સૂર્યકુમાર યાદવ (28 બૉલ, 34 રન) અને હાર્દિક પંડ્યાનો (21 બૉલ, 30 રન) ફાળો મુખ્ય રહ્યો હતો.

ઇનિંગની છેલ્લી ઓવરમાં ભારતે બે વિકેટ ગુમાવી હતી. નૅધરલૅન્ડ તરફથી આર્યન દત્તે ચાર ઓવરમાં 19 રન આપીને બે વિકેટ લીધી હતી.

ભારત તરફથી શિવમ દુબેએ 35 રન આપીને બે વિકેટ લીધી હતી, જ્યારે જસપ્રિત બુમરાહે 17 રન આપીને એક ખેલાડીને પેવોલિયન ભેગો કર્યો હતો.

આમ ગ્રૂપ સ્ટેજના તમામ ચાર મૅચ જીતીને ભારતે સુપર-એઇટમાં સ્થાન મેળવી લીધું છે અને ભારતની ટક્કર દક્ષિણ આફ્રિકા સાથે થશે. આ મૅચ રવિવારે રમાશે.

આમ છતાં સુપર-8 પહેલાં કેટલીક બાબતો ભારત માટે ચિંતાજનક નિવડી શકે છે. વાંચો બીબીસી સંવાદદાતા પ્રવીણનું વિશ્લેષણ

સૂર્યકુમાર યાદવની એક લાઇનમાં વ્યથા

“અમે હજુ સુધી તમામ બૉક્સ ટીક કર્યા છે, એવું કહી નહીં શકાય.”

ટી-20 વર્લ્ડકપમાં ગ્રૂપ સ્ટેજના ચારેય મૅચ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાના કૅપ્ટન સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું હતું કે, ‘શું ટીમ ઇન્ડિયાએ તમામ બૉક્સ ટીક કર્યા છે?’ તેના જવાબમાં યાદવે આ વાત કહી હતી.

સૂર્યકુમાર યાદવના આ એક લાઇનના જવાબમાં ટીમ ઇન્ડિયાની તમામ કસોટીઓ છૂપાયેલી છે, જે સુપર-8 રાઉન્ડ દરમિયાન તેના માટે ચિંતાનું કારણ બની શકે છે.

ગત ટી-20 વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમને હાલની ટુર્નામેન્ટ માટે હૉટ ફેવરિટ માનવામાં આવે છે. ગ્રૂપ સ્ટેજની તમામ મૅચોમાં ટોચ ઉપર રહીને ટીમે ‘ફેવરિટ’નો ટૅગ જાળવી રાખ્યો છે.

ભારતીય ટીમની નેટ રનરેટ +2.500ની છે. જે માત્ર ‘ગ્રૂપ-એ’ જ નહીં, પરંતુ તમામ સમૂહોમાં સર્વશ્રેષ્ઠ છે. આમ છતાં ગ્રૂપ સ્ટેજની મૅચો દરમિયાન ભારતની કેટલીક નબળાઈઓ સામે આવી છે, જે ચિંતાજનક જણાય છે.

અભિષેક શર્માનું ખરાબ ફૉર્મ

ટી20 વર્લ્ડકપ 2026, ભારતીય ટીમનું પ્રદર્શન, નેધરલેન્ડ સામેની ભારતની મેચ, તિલક વર્મા અભિષેક શર્માનું પ્રદર્શન, સુપર 8 ભારત અને દક્ષિણ આફ્રિકાની મૅચ, ટીમ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

વર્લ્ડકપ શરૂ થયો તે પહેલાં અભિષેક શર્માને ભારતની સૌથી મોટી તાકત માનવામાં આવતા હતા, તેઓ અત્યાર સુધી સૌથી મોટા ફ્લૉપ સાબિત થયા છે.

અભિષેક શર્માએ એવા બૅટ્સમૅન તરીકેની છાપ ઊભી કરી હતી કે જે પોતાની આક્રમક બેટિંગની મદદથી પાવરપ્લે દરમિયાન જ વિરોધી ટીમને મૅચમાંથી બહાર ફેંકી દે.

જોકે, વર્લ્ડકપમાં અભિષેક શર્મા હજુ સુધી પોતાનું ખાતું પણ નથી ખોલાવી શક્યા. અમેરિકા સામેની મૅચમાં તેઓ પહેલા બૉલે જ આઉટ થઈ ગયા હતા. નામિબિયા સામેની મૅચ બીમારીને કારણે નહોતા રમી શક્યા.

પાકિસ્તાન સામે માત્ર ચાર અને નૅધરલૅન્ડ સામે ત્રણ બૉલ જ રમી શક્યા હતા.

અભિષેક શર્માની છેલ્લી સાત ઇન્ટરનૅશનલ ઇનિંગ્સ ઉપર નજર કરીએ, તો એમાંથી માત્ર એક જ મૅચમાં તેમણે અડધી સદી ફટકારી છે અને પાંચ વખત ઝીરો રને આઉટ થયા છે.

શા માટે અભિષેક શર્મા વર્લ્ડકપ દરમિયાન રન બનાવવામાં નિષ્ફળ રહ્યા છે, તેનું વિશ્લેષણ ક્રિકેટ ઍક્સપર્ટ સારંગ ભાલેરાવ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર આપ્યું હતું. જ્યાં તેમણે લખ્યું:

“અભિષેક શર્માએ વર્લ્ડકપ દરમિયાનની પોતાની ત્રણ ઇનિંગમાં બાઉન્ડ્રી ફટકારીને ખાતું ખોલવાનો પ્રયાસ કર્યો છે અને આમ કરવા જતા તેઓ આઉટ થયા છે. તેમણે સિંગલ લઈને પહેલી ઓવર રમવાનો પ્રયાસ કરવો જોઈએ. ઓછામાં ઓછા 10 બૉલ રમવા જોઈએ. એ પછી તેઓ આપોઆપ ખતરનાક થઈ જશે.”

સારંગ ભાલેરાવનું માનવું છે કે અભિષેક શર્મા ત્રણ વખત ઝીરોમાં આઉટ થયા છે. આમ છતાં આ પર્ફૉર્મન્સથી ટીમનું મૅનેજમૅન્ટ ખાસ ચિંતિત નહીં હોય, કારણ કે તેઓ દિગ્ગજ મૅચ વિનર છે.

તિલક વર્માનો સંઘર્ષ

ટી20 વર્લ્ડકપ 2026, ભારતીય ટીમનું પ્રદર્શન, નેધરલેન્ડ સામેની ભારતની મેચ, તિલક વર્મા અભિષેક શર્માનું પ્રદર્શન, સુપર 8 ભારત અને દક્ષિણ આફ્રિકાની મૅચ, ટીમ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

“તિલક વર્માએ સંઘર્ષ કરવો પડે, એ હવે ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે.”

નૅધરલૅન્ડ સામેની મૅચમાં તિલક વર્મા વધુ એક વખત મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારે અનુપ પોલ નામના શખ્સે ઍક્સ પોસ્ટમાં આ વાત કરી. અનુપ સિવાય પણ અનેક સોશિયલ મીડિયા યૂઝર્ઝે તિલક વર્માના ફૉર્મ અને અપ્રૉચ વિશે સવાલ ઉઠાવ્યા છે.

ગત બે વર્ષ દરમિયાન તિલક વર્મા ભારતના ત્રીજા નંબર ઉપર ઊતરનાર વિશ્વાસપાત્ર બૅટ્સમૅન બની રહ્યા છે. તિલકે ગત વર્ષે એશિયા કપની ફાઇનલ મૅચ દરમિયાન 69 રનની ઇનિંગ રમીને ભારતને વિજેતા બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

જોકે, ગત વર્ષના અંતભાગમાં તિલક વર્મા ઘાયલ થયા હતા અને વર્લ્ડકપ પહેલાં જ તેમનું ટીમમાં પુનરાગમન થયું હતું.

ટુર્નામેન્ટ દરમિયાન અભિષેક શર્મા સફળ નથી રહ્યા, જેના કારણે તિલક વર્માએ તરત જ મેદાન ઉપર ઊતરવું પડી રહ્યું છે. તિલકે અમેરિકા સામે 16 બૉલમાં 25 રનની સારી એવી ઇનિંગ રમી હતી.

એ પછી તેઓ સતત સંઘર્ષ કરતા જણાયા છે. નામિબિયા સામે તેઓ 21 બૉલમાં માત્ર 25 રન બનાવી શક્યા હતા.

પાકિસ્તાન સામે (24 બૉલ, 25 રન) અને નૅધરલૅન્ડ સામે (27 બૉલ, 31 રન) બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.

તિલક વર્મા એક છેડે ખૂબ જ નબળી બૅટિંગ કરી રહ્યા હોવાથી તેમનું દબાણ સાથી બૅટ્સમૅન ઉપર આવે છે.

એટલે પાકિસ્તાન સામેની મૅચમાં શરૂઆતની ઓવરોને બાદ કરતા ભારતીય ટીમ અપેક્ષા મુજબનું પ્રદર્શન નહોતી કરી શકે.

તાજેતરનાં વર્ષોમાં ભારતીય ટીમે જે છાપ ઊભી કરી છે, એ મુજબનું પ્રદર્શન ન હતું.

ભારતીય ટીમ પ્રારંભિક ઓવરોમાં ઝડપભેર રન બનાવી ન શકવાની બાબતનો બચાવ કર્યો છે.

નૅધરલૅન્ડ સામેની મૅચ પછી તેમણે કહ્યું, “હા, અમારી શરૂઆત ધીમી રહી છે, પરંતુ બૅટ્સમૅનો જવાબદારીપૂર્વક પરિસ્થિતિ મુજબ રમવાનો પ્રયાસ કરી રહ્યા છે.”

ઑફ સ્પિન બૉલિંગની તકલીફ

ટી20 વર્લ્ડકપ 2026, ભારતીય ટીમનું પ્રદર્શન, નેધરલેન્ડ સામેની ભારતની મેચ, તિલક વર્મા અભિષેક શર્માનું પ્રદર્શન, સુપર 8 ભારત અને દક્ષિણ આફ્રિકાની મૅચ, ટીમ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ટુર્નામેન્ટની ગ્રૂપ સ્ટેજની તમામ ચાર મૅચ દરમિયાન બૅટ્સમૅનો મોટાભાગના સમયે સ્પિનર્સ સામે સંઘર્ષરત જણાયા હતા. અમેરિકાના સ્પિનર મોહમ્મદ મોહસિન તથા હરમીતસિંહે ભારતીય બૅટ્સમૅનને કનડ્યા હતા.

મોહમ્મદ મોહસિનની ચાર ઓવરમાં ભારતીટ બૅટ્સમૅન માત્ર 16 રન લઈ શક્યા હતા, જ્યારે હરમીતસિંહે ચાર ઓવરમાં 26 રન આપીને બે વિકેટ લીધી હતી. નામિબિયાના કૅપ્ટન ગેરહાર્ડ ઇરાસમસે ચાર ઓવરમાં 20 રન આપીને ચાર ભારતીય બૅટ્સમૅનને પેવોલિયન ભેગા કર્યા હતા.

પાકિસ્તાનના પાર્ટ-ટાઇમ બૉલર સાઇમ અયૂબે પણ ભારત સામે ત્રણ વિકેટ લીધી હતી. ઉસ્માન તારિકે પણ ભારતીય બૅટ્સમૅનને પરેશાન કરી મૂક્યા હતા.

નૅધરલૅન્ડ સામેની મૅચમાં આર્યન દત્તે પહેલી ઓવરથી જ પોતાની સ્પિન બૉલ દ્વારા ભારતીય બૅટ્સમૅનોની નબળાઈને છતી કરી દીધી હતી. તેમણે ચાર ઓવરમાં 19 રન આપીને બે વિકેટ લીધી હતી.

આમ ચારેય મૅચ દરમિયાન ભારતીય બૅટ્સમૅનો સામે સ્પિનર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દેખાડે છે કે ભારતીય બૅટ્સમૅનો માટે તે મુશ્કેલીરૂપ છે.

ભારતીય ક્રિકેટ ટીમ સામેના બીજા બે સવાલ

ટી20 વર્લ્ડકપ 2026, ભારતીય ટીમનું પ્રદર્શન, નેધરલેન્ડ સામેની ભારતની મેચ, તિલક વર્મા અભિષેક શર્માનું પ્રદર્શન, સુપર 8 ભારત અને દક્ષિણ આફ્રિકાની મૅચ, ટીમ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ફિલ્ડિંગ તથા છેલ્લી-છેલ્લી ઓવરો દરમિયાનની બૉલિંગ પણ આગામી મૅચો દરમિયાન ભારતીય ટીમ માટે ચિંતાનું કારણ બની શકે છે.

પરંપરાગત હરીફ પાકિસ્તાન સામેની મૅચ ભારતે સરળતાથી જીતી લીધી હતી. પરંતુ એ મૅચ દરમિયાન ભારતીય ફિલ્ડર્સે ચાર કૅચ છોડ્યા હતા. તો નૅધરલૅન્ડ સામેની મૅચમાં બે બૅટ્સમૅનને જીવતદાન મળ્યું હતું.

નૅધરલૅન્ડ સામે આખરની ઓવરોમાં ભારતે ખરાબ બૉલિંગ કરી હતી.

16 ઓવરના અંતે નૅધરલૅન્ડનો સ્કોર છ વિકેટના ભોગે 125 રન હતો. એ પછીની ચાર ઓવર દરમિયાન મહેમાન ટીમના બૅટ્સમૅનોએ ચાર ઓવરમાં 51 રન લીધા હતા. ભારતની ટીમ માત્ર એક વિકેટ લઈ શકી હતી.

ક્રિકબઝના શૉ દરમિયાન ભારતના પૂર્વ ફાસ્ટ બૉલર મોહિત શર્માએ ભારતની આ નબળાઈ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું:

“સુપર-8માં ભારતનું બૉલિંગ આક્રમણ કેવું રહેશે, તે સવાલ હજુ ઊભો જ છે. બૅટિંગની બાબતમાં તમારી પાસે આઠમા ક્રમે અક્ષર પટેલ છે. પરંતુ ‘ડેથ ઓવર્સ’ દરમિયાન કોણ બૉલિંગ કરશે? નૅધરલૅન્ડે ભારતની ડેથ ઓવર્સ દરમિયાનની બૉલિંગ ઉપર સવાલ ઊભા કર્યા છે. હવે ભારતનો મુકાબલો મજબૂત ટીમો સાથે થવાનો છે.”

શનિવારથી (તા. 21 ફેબ્રુઆરી) સુપર-8 મૅચો શરૂ થવાની છે. ભારત ‘ગ્રૂપ વન’માં છે. જેમાં ભારત ઉપરાંત વેસ્ટ ઇન્ડીઝ, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે છે.

ટુર્નામેન્ટમાં ‘ફેવરિટ’નો ટૅગ જાળવી રાખવા તથા ટ્રૉફી જીતવાની આશાઓ જાળવી રાખવા માટે ભારતની ટીમે આ તમામ સવાલોના જવાબ મેળવવા રહ્યા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS