Home તાજા સમાચાર gujrati ઝૉમ્બી ફંગસઃ જંતુઓનો જીવ લઈ લેતી આ ફૂગ શું છે અને એ...

ઝૉમ્બી ફંગસઃ જંતુઓનો જીવ લઈ લેતી આ ફૂગ શું છે અને એ કોનો શિકાર કરે છે?

8
0

Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Joao Paulo Machado De Araujo

વિજ્ઞાનીઓએ બ્રાઝિલના રિયો ડી જનેરો નજીક આવેલા એટલાન્ટિક ફૉરેસ્ટમાં ‘ઝોમ્બી ફંગસ’ની એક નવી પ્રજાતિ શોધી કાઢી છે. આ ફૂગ જ્યાંથી મળી આવી છે તે સ્થળને તેના જાંબલી રંગને કારણે તેને ‘પર્પ્યુરિસિલિયમ એટલાન્ટિકમ’ નામ આપવામાં આવ્યું છે. બ્રિટનના રૉયલ બૉટનિક ગાર્ડન્સ દ્વારા વર્ષ 2025ની વનસ્પતિ કે ફંગસની ટૉપ 10 નવી પ્રજાતિઓમાં તેની પસંદગી કરવામાં આવી છે.

આ ફૂગ શિકારને પકડવા માટે દરવાજા ધરાવતાં નાનાં છટકાં બનાવનારા ‘ટ્રૅપડોર સ્પાઇડર્સ’ (કરોળિયા)ને સંક્રમિત કરવામાં નિપુણ છે.

“ધ લાસ્ટ ઓફ અસ” વીડિયો ગેમ અને ટીવી સિરીઝની લોકપ્રિયતા બાદ “ઝોમ્બી ફંગસ” શબ્દ પ્રચલિત બન્યો છે. પરંતુ આ ફૂગ વાસ્તવમાં કેવી છે અને આ નવી પ્રજાતિ વિશે આપણી પાસે શું માહિતી છે?

જંગલની સપાટી પર

ઇમેજ સ્રોત, Allison Perrigo

આ ફૂગ સૌપ્રથમ બ્રાઝિલના માઈકોલોજિસ્ટ અને ડેનમાર્કની યુનિવર્સિટી ઑફ કોપનહેગનના આસિસ્ટન્ટ પ્રોફેસર જોઆઓ અરાઉજોની આગેવાની હેઠળની ટીમે નવેમ્બર 2022માં એકત્રિત કરી હતી.

તેમણે જંગલની જમીન પર ફૂગનું એક નાનું ટપકું જોયું અને નાના ચપ્પુ વડે તેની આસપાસની જગ્યા ખોદીને તેને બહાર કાઢી.

વિશ્લેષણ દરમિયાન જાણવા મળ્યું કે આ ફૂગે એક મૃત ટ્રૅપડોર સ્પાઇડરને સંક્રમિત કર્યો હતો. ફૂગનું ‘ફ્રૂટિંગ બૉડી’ (બીજકણ પેદા કરતું અંગ) બહાર દેખાઈ રહ્યું હતું, જે આગળ જતાં અન્ય કરોળિયાને સંક્રમિત કરવા માટે બીજકણો મુક્ત કરે છે.

અરાઉજો સમજાવે છે કે, “એકવાર અન્ય કરોળિયાના સંપર્કમાં આવ્યા પછી, આ બીજકણો તેના બાહ્ય કવચને વીંધીને ‘હિમોલિમ્ફ’ સુધી પહોંચે છે, જ્યાં જીવનાં મહત્ત્વનાં અંગો અને રક્ત આવેલાં હોય છે.”

ફુગનું ઝીણવટભર્યું અવલોકન હાથ ધરવા માટે ટીમે નવી અને પોર્ટેબલ ડિવાઇસની મદદ લીધી હતી

ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images

અરાઉજો ક્યૂ ગાર્ડન્સના માનદ સહયોગી સંશોધક અને આ સંશોધન પત્રના મુખ્ય લેખક છે. ત્યારબાદ ફૂગના કોષો ઝડપથી કરોળિયાના શરીર પર કબજો જમાવી લે છે. તેઓ ઉમેરે છે કે, “ફૂગ યજમાન (કરોળિયા)ના રોગપ્રતિકારક તંત્ર સામે લડવા માટે અમુક પદાર્થો મુક્ત કરે છે, જેના કારણે આખરે તેનું મૃત્યુ થાય છે.”

અરાઉજો વધુમાં જણાવે છે કે આવી ફૂગ અગાઉ જાપાન, થાઇલૅન્ડ અને અમેરિકામાં પણ જોવા મળી છે, જેને ‘પર્પ્યુરિયોસિલિયમ એટિપિકોલા’ જૂથમાં રાખવામાં આવી હતી. પરંતુ આ નવી ટીમના જિનેટિક વિશ્લેષણ મુજબ, આ નમૂનાઓની લાક્ષણિકતાઓમાં સૂક્ષ્મ તફાવતો છે. તેથી હવે તેને એક અલગ પ્રજાતિ ‘પર્પ્યુરિસિલિયમ એટલાન્ટિકમ’ તરીકે ઓળખવામાં આવે છે.

આ ઝીણવટભર્યા અભ્યાસ માટે ટીમે પોર્ટેબલ ડિવાઇસનો ઉપયોગ કર્યો હતો, જે ફિલ્ડ પર જ સજીવોનું જિનેટિક સિક્વન્સિંગ કરવાનું શક્ય બનાવે છે. ક્યૂ ગાર્ડન્સના ફંગલ ટેક્સોનોમિસ્ટ વાસ્કો ફસાડ કહે છે, “આ ટેકનૉલૉજીનો મોટો ફાયદો એ છે કે ફૂગ તાજી હોય ત્યારે જ તેનો અભ્યાસ કરી શકાય છે, જેનાથી પરિણામો વધુ સચોટ મળે છે.”

શરીર પર ઝડપી કબજો જમાવવાનો પ્રયાસ

ઇમેજ સ્રોત, Getty Images

વિજ્ઞાનમાં “ઝોમ્બી ફંગસ” તરીકે ઓળખાતી અનેક પ્રજાતિઓનું વર્ણન થયેલું છે. જેમાં સૌથી જાણીતી ‘ઓફિઓકોર્ડિસેપ્સ’ છે, જે “પ્લેનેટ અર્થ” ડૉક્યુમેન્ટરીમાં સર ડેવિડ ઍટનબરો દ્વારા દર્શાવવામાં આવી હતી. આ ફૂગ કીડીઓ જેવા જીવજંતુઓના ચેતાતંત્ર પર નિયંત્રણ મેળવી તેમને ઊંચા સ્થળે લઈ જાય છે, જેથી તેના બીજકણો વધુ સરળતાથી ફેલાઈ શકે.

આ જ ફૂગે “ધ લાસ્ટ ઑફ અસ” જેવી કાલ્પનિક વાર્તાઓને પ્રેરણા આપી છે. જોકે, અરાઉજો કહે છે કે હાલમાં ‘પર્પ્યુરિસિલિયમ એટલાન્ટિકમ’થી માનવીઓને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તે માત્ર કરોળિયાને જ સંક્રમિત કરે છે.

વણખેડ્યું વિશ્વ અને તબીબી સંભાવનાઓ

રોયલ બોટેનિક ગાર્ડન્સના 2023ના અહેવાલ અનુસાર, વિશ્વમાં ફૂગની અંદાજે 25 લાખ પ્રજાતિઓ છે, જેમાંથી માત્ર 10% વિશે જ આપણે જાણીએ છીએ. અરાઉજોના મતે, આ ફૂગ માનવ સ્વાસ્થ્ય માટે ઉપયોગી થઈ શકે છે.

અસ્તિત્વ ટકાવવા માટે આ ફૂગ અનેક બેક્ટેરિયા અને અન્ય ફૂગ સામે લડતી હોય છે, તેથી તે શક્તિશાળી ‘એન્ટિબાયોટિક્સ’ પેદા કરવાની ક્ષમતા ધરાવતી હોઈ શકે છે.

ક્લાઈમેટ ચેન્જના યુગમાં ફૂગના અભ્યાસ દ્વારા નવા અને સાતત્યપૂર્ણ વિકલ્પો મળી શકે તેમ છે.

અરાઉજોને આશા છે કે નવી તકનીક અને લોકપ્રિય મીડિયાને કારણે હવે વધુ વિદ્યાર્થીઓ માઈકોલોજી (ફૂગ વિજ્ઞાન)માં રસ લેતા થયા છે. તેઓ હસતાં-હસતાં કહે છે, “મારી નજરમાં ફૂગ સુંદર અને અવિશ્વસનીય છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS