Source : BBC NEWS

અપડેટેડ 30 મિનિટ પહેલા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મુસાફરો પર હુમલો થયો છે. પહલગામના બેસરન વિસ્તારમાં થયેલા આ હુમલામાં તંત્રે બીબીસીને જણાવ્યા મુજબ 20 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
નોંધનીય છે કે આ હુમલામાં ભાવનગરના એક મુસાફર વિનુ ડાભી સહિત અન્ય કેટલાક લોકો પણ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.
પહલગામને તેની સુંદરતાને કારણે મિની સ્વિટ્ઝરલૅન્ડ પણ કહેવામાં આવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોસ્ટ કરીને પહલગામમાં થયેલા ‘આતંકવાદી હુમલા’ને વખોડતાં તેમાં મૃત્યુ પામનારાના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે.

પહલગામ હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરના સ્થાનિક તંત્ર દ્વારા ઇમર્જન્સી કંટ્રોલ રૂમના નંબર અને હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયા છે.
ઇમર્જન્સી કંટ્રોલ રૂમ – શ્રીનગર : 0194-2457543, 0194-2483651
આદિલ ફરીદ, એડીસી, શ્રીનગર : 7006058623

મંગળવારે થયેલા આ હુમલા બાદ તરત સુરક્ષાબળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. ઘટનાસ્થળે મેડિકલ ટીમ પણ પહોંચી ગઈ છે.
બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીર પ્રમાણે કેટલાક ઈજાગ્રસ્તોને અનંતનાગની સરકારી મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરનાં સ્વાસ્થ્યમંત્રી સકીના ઇટૂએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે અનંતનાગ મેડિકલ કૉલેજમાં કેટલાક ઈજાગ્રસ્તોને દાખલ કરાયા છે. ત્રણ લોકોની સ્થિતિ હાલ ઠીક છે. જ્યારે એકની હાલત ગંભીર છે. તેમણે વધુ ત્રણ ઈજાગ્રસ્તો અંગે જાણકારી આપી અને કહ્યું કે તે પૈકી એકને શ્રીનગરમાં દાખલ કરાયા છે.
જોકે ભાવનગરના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલે આ મામલે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું : “હાલ મળી રહેલી માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરના પહલગામ જિલ્લામાં એક હુમલો થયો છે. જેમાં ભાવનગરની વિનુભાઈ ડાભી નામની વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થઈ છે. આ સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી અમે ગુજરાત રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર (એસઇઓસી)માંથી મેળવી રહ્યા છીએ.”
તેમણે કહ્યું હતું કે, “ભાવનગર ડિસ્ટ્રિક્ટની ડિઝાસ્ટર ટીમ રાજ્યના એસઈઓસી સાથે સંપર્કમાં છે અને આગળ ગુજરાતનું એસઈઓસી જમ્મુ-કાશ્મીરના એસઇઓસી સાથે સંપર્કમાં છે.”
હુમલામાં ઈજાગ્રસ્ત ગુજરાતીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
પહલગામ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ભાવનગરના વિનુ ડાભીએ બીબીસી હિન્દી સાથે વાત કરતા કહ્યું કે, “મારું નામ વિનુભાઈ છે, હું ગુજરાતના ભાવનગરથી છું.”
“અમે ત્યાં બેઠા હતા. અમે ઉપર 35 રૂ.ની ટિકિટ લઈને ગયેલા. અમે પાંચ-દસ મિનિટ બેઠા એટલામાં તો ફાયરિંગ શરૂ થઈ ગઈ. ત્યાં માત્ર ટુરિસ્ટ જ બેઠા હતા.”
“એ બાદ નાસભાગ મચી ગઈ. બધા ભાગવા માંડ્યા. કોઈ આ તરફ, તો કોઈ પેલી તરફ. કોઈ પડી ગયું, કોઈનું હાથ ભાંગી ગયો તો કોઈનો પગ. કોઈને ઈજા થઈ ગઈ. મને આ વાગી ગયું. અહીં મને ગોળી વાગી છે.”
“મને ભાગતાં ભાગતાં ગોળી વાગી. ત્યાં ઘણા લોકો હતા. ત્યાં 200-250 લોકો હતા. અમારા ગ્રૂપના 20 લોકો ત્યાં હતા.”
“ફાયરિંગ થયા બાદ અમે બધા અલગ અલગ પડી ગયા. કોઈ હાથમાં ન આવ્યું. ક્યાં ગયા ક્યાં નહીં, ખબર નથી. મારી સાથેના બીજા લોકો ક્યાં છે એ મને નથી ખબર. મેં કોઈનો ફોન મારફતે સંપર્ક નથી કર્યો. અહીં હું એકલો છું.”
“ત્યાં બધા અલગ અલગ પડી ગયા, ત્યાં પરિવાર પણ અલગ પડી ગયો, ક્યાં ગયા ક્યાં નહીં, ખબર નથી.”
“દસ-15 મિનિટ સુધી ફાયરિંગ થતી રહી. પહેલાં એક ગોળી ચાલી, પછી બીજી, ત્રીજી એ બાદ ભારે ફાયરિંગ થવા લાગી. પછી નાસભાગ મચી ગઈ. મને હાથ પર ગોળી વાગી છે.”
ભાવનગરથી કેટલા લોકો ગયા હતા?

ઇમેજ સ્રોત, ANI
ભાવનગરથી બીબીસી ગુજરાતીના સહયોગી અલ્પેશ ડાભીએ જણાવ્યું કે ભાવનગર અને પાલીતાણાથી આશરે 20 લોકો પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ગયા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે ભાવનગરથી સુરેન્દ્રનગર અને ત્યાંથી ટ્રેનથી 16 એપ્રિલે મોરારીબાપુની કથા સાંભળવા જમ્મુ કાશ્મીર ગયા હતા અને 29 એપ્રિલના દિવસે પાછા આવવાના હતા.
ભાવનગરના વિનુભાઈ ડાભીના ઈજાગ્રસ્ત થવાની પુષ્ટિ થઈ છે. મળતી માહિતી અનુસાર વિનુભાઈ ડાભીને હાથના ભાગે ઈજા પહોંચતા સારવારમાં હૉસ્પિટલ ખસેડાયા હતા.
જે લોકો ભાવનગરથી જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા તેમાંથી બે લોકો – સ્મિત યતિષભાઈ પરમાર અને યતિષભાઈ પરમારના સમાચાર આ લખાય છે ત્યાં સુધી સ્થાનિકોને મળ્યા નથી.

ઇમેજ સ્રોત, Alpesh Dabhi
વિનુભાઈ ડાભીના પુત્ર અને ભાવનગરના રહેવાસી અશ્વિન ડાભીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “મારા પિતા અને અન્ય લોકો 16 એપ્રિલે 15 દિવસના પ્રવાસે જમ્મુ-કાશ્મીર ગયા હતા. ત્યાં મોરારિબાપુની સપ્તાહ હતી ત્યાં એ લોકો થોડા દિવસ રોકાવાના હતા અને પાછા આવતા વૈષ્ણો દેવી, પંજાબ અને રાજસ્થાન થઈને 30 તારીખે પાછા ભાવનગર આવવાના હતા.”
“એ લોકો પહલગામ ગયા હતા ત્યાં અચાનકથી હુમલો થયો અને એમાં મારા પિતાને હાથે વાગ્યું છે અને તેઓ હૉસ્પિટલમાં દાખલ છે. તેની તબિયત સ્થિર છે. મારાં મમ્મી સાથે વાત થઈ છે, એ લોકો પાછા આવી રહ્યાં છે અને મારા પિતા હજુ હૉસ્પિટલમાં રહેશે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “ઍડિશનલ કલેક્ટરનો ફોન આવ્યો છે અને કહ્યું છે કે કોઈ ચિંતાની જરૂર નથી. અમને આશા રાખીએ છીએ કે એ લોકો જલદી આવી જાય.”
તેમણે કહ્યું કે, “મારા પિતા સાથે 20 લોકોનું ગ્રૂપ હતું, 19 લોકો વ્યવસ્થિત છે, એકથી બે લોકોને ઈજા પહોંચી છે.”
અશ્વિન ડાભીનું કહેવું છે કે, “ભાવનગર અને પાલીતાણાના 30 જેટલા લોકો ગયા હતા અને સિનિયર સિટિઝનના ગ્રૂપમાં 20 લોકો હતા. ચારથી પાંચ યુવાનો લોકો હતો. વહીવટીતંત્રે વાત કરી છે કે તબિયત સારી છે.”
પહલગામમાં હુમલા વખતે શું થયું હતું?

ઇમેજ સ્રોત, Alpesh Dabhi
વિનુભાઈનાં પુત્રી શીતલબહેને ડાભીએ કહ્યું કે, “મારી બપોરે અઢી વાગ્યાની આસપાસ વાત થઈ હતી ત્યારે એ લોકો સુરક્ષિત હતા અને ફરવા ગયા હતા. બાપુના સપ્તાહમાં એ લોકો શ્રીનગર ગયેલા છે. તેઓ પહલગામ ફરવા ગયા હતા. બપોરે બધું સુરક્ષિત હતું અને એ લોકો ખુશ હતા. પછી અમને સાંજે પાંચ-સાડા પાંચની આસપાસ સમાચાર મળ્યા. મારાં મમ્મી સાથે વાત થઈ છે કે મારા પિતાને હાથે ગોળી ઘસાઈને ગઈ છે અને તેમની તબિયત સ્થિર છે. એ કુલ 20 લોકો છે.”
“મિનિ સ્વિટ્ઝર્લૅન્ડમાં એ લોકો બેઠા હતા ત્યારે અમારા સંબંધીએ મારાં માતાને પૂછ્યું કે શું કોઈ અવાજ સંભળાયો તો મારાં મમ્મીએ ના પાડી. પછી ફરી અવાજ આવ્યો અને પછી ચારેય બાજુથી ઘડાઘડ ગોળીઓ છૂટવા લાગી. આજે ત્યાં ખુલ્લું વાતાવરણ હતું અને વધારે પર્યટકો આવ્યા હતા.”
20 લોકોમાંથી વિનુભાઈ ડાભી ઈજાગ્રસ્ત થયા છે અને અન્ય બે લોકો વિશે આવી રહેલા સમચારાોની પુષ્ટિ નથી થઈ શકી.
પહલગામના સ્થાનિકોએ જણાવ્યું હુમલા વખતે શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
પહલગામના સ્થાનિક ગુલઝાર અહમદે સમાચાર સંસ્થા પીટીઆઇને હુમલા વખતે શું થયું એ વાત કરતાં કહ્યું કે, “અમે સ્ટેન્ડ પર ઊભા હતા અને ગ્રાહકો ઉપર મિનિ સ્વિટ્ઝર્લૅન્ડ તરફ ગયા હતા. બપોરે પોણા ત્રણ વાગ્યે લોકો નાસભાગ કરવા લાગ્યા. જ્યારે અમે પૂછ્યું તો ખબર પડી કે ગોળીબાર થયો છે.”
“પર્યટકોએ જણાવ્યું તો અમે ભાગવાનું શરૂ કર્યું. કેટલાક લોકો ખુલ્લા પગે દોડીને આવવા લાગ્યા. કેટલાક લોકો ઘોડા પર હતા. એ નીચેથી જ પાછા આવવા લાગ્યા. અમે જ્યારે ગોળીબારની વાત સાંભળી તો અમે ગાડીઓ શરૂ કરી અને હોટલ તરફ પાછા આવ્યા.”
તેમણે આગળ કહ્યું કે, “રસ્તા પર 200-300 લોકો હતા, ગાડીઓમાં લોકો ભાગવા લાગ્યા. કોઈને કોણીમાં તો કોઈને પગમાં વાગ્યું હતું. અમે મૃતદેહો નથી જોયા. જેમના જીવ ગયા છે તેમના પરિવારો પર શું અસર થશે, પહેલાં તો એ વિચારીએ છીએ. અને અહીં પર્યટન પર જે ડાઘ લાગ્યો એ ધોઈ નહીં શકાય.”
ત્યારે પહલગામમાં પર્યટન પોલીસમાં કામ કરતા એકે સ્થાનિકે સમાચાર સંસ્થા એએનઆઇને જણાવ્યું કે, “અમે વઝુ કરવા માટે મિનિ સ્વિટ્ઝર્લૅન્ડથી નીચે ઊતર્યા તો અમે બે ગોળીઓ ચાલતા સાંભળી, લોકો ભેગા થઈ ગયા. તેની સાથે જ ગોળીબાર શરૂ થયો. મેં ત્રણ લોકોને બચાવ્યા.”
તેમણે કહ્યું કે જ્યારે ગોળીબાર થયો ત્યારે તેઓ ત્યાં જ હતા. સ્થાનિક લોકોની મદદથી પર્યટકોને બચાવ્યા.
વડા પ્રધાન મોદીએ પીડિતોના પરિવારજનોને સાંત્વના પાઠવી

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “હું જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડું છું. આ હુમલામાં જીવ ગુમાવનારના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એ માટે પ્રાર્થના કરું છું. આ હુમલામાં અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પહોંચાડાઈ રહી છે.”
“આ ઘૃણાસ્પદ કાર્યવાહી માટે જવાબદારને સજા કરાશે. તેમને નહીં છોડવામાં આવે! તેમનો દુષ્ટ એજન્ડા ક્યારેય સફળ નહીં થાય. આતંકવાદ સામે ઝઝૂમવાનો અમારો નિશ્ચય અડગ છે અને એ હજુ મજબૂત બનશે.”
પર્યટકો પર થયેલા ગોળીબાર અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે, “પહલગામમાં પર્યટકો પર થયેલા ઉગ્રવાદી હુમલાથી દુ:ખી છું. મારી સંવેદનાઓ લોકોના પરિવારજનો સાથે છે.”
અમિત શાહે કહ્યું કે આ ઘટનાના જવાબદારોને નહીં છોડવામાં આવે અને તેમને પૂરી તાકત સાથે જવાબ અપાશે.
અમિત શાહે કહ્યું, “આ ઘટના અંગે મેં વડા પ્રધાન મોદીને જાણકારી આપી છે અને સંબંધિત અધિકારીઓ સાથે તેમની વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે મિટિંગ થઈ છે.”
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આ હુમલાની નિંદા કરતાં કહ્યું છે કે હુમલાખોરોને નહીં છોડવામાં આવે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું કે, “હું પહલગામમાં ટુરિસ્ટો પર થયેલા બીકણ આતંકી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરું છું. આ ઘૃણાસ્પદ હુમલાને અંજામ આપનારાને છોડવામાં નહીં આવે. મેં ડીજીપી અને સુરક્ષા અધિકારીઓ સાથે વાત કરી છે. આર્મી અને પોલીસદળે આ વિસ્તારને ઘેરી લીધો છ અને ઑપરેશન ચલાવાઈ રહ્યું છે.”
આ ઉપરાંત ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ હુમલા અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં સમાચાર એજન્સી એએનઆઇને કહ્યું હતું :
“આ કિસ્સામાં ગુજરાતીઓ સહિતના અંગે જે કાંઈ પણ માહિતી મળી છે, તે રાજ્યના ગૃહમંત્રાલય દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રાલય સાથે સંકલન સાધીને એકઠી કરાઈ છે. જેથી સંબંધીઓને તાત્કાલિક મદદ મળી શકે. અમે આ મામલે થોડી વારમાં આધિકારિક જાણકારી આપીશું.”
જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાહે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, “હું આ ઘટનાથી આશ્ચર્યચકિત છું. આના પર વિશ્વાસ નથી કરી શકતો. આપણા મુસાફરો પર હુમલા નિંદનીય છે.”
અન્ય એક પોસ્ટમાં ઉમર અબ્દુલ્લાહે લખ્યું છે કે હુમલામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અંગે માહિતી મેળવવામાં આવી રહી છે, આ હાલનાં વર્ષોમાં સામાન્ય નાગરિકો પર થયેલા હુમલાઓ પૈકી સૌથી મોટો હુમલો છે.
બીજી તરફ પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ આ હુમલાની નિંદા કરતાં એક્સ પર લખ્યું કે, “હું પહલગૈામમાં થયેલા આ ડરપોક આંતકી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરું છું. આ પ્રકારની હિંસા બિલકુલ મંજૂર નથી. ઐતિહાસિકપણે કાશ્મીર પર્યટકોનું ઉમળકાભેર સ્વાગત કરે છે. તેથી હુમલાની દુર્લભ ઘટના ખૂબ ચિંતા જન્માવનારી છે.”
જમ્મુ-કાશ્મીર પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ વિંદીકુમારે બીબીસી હિંદીને ફોન મારફતે જણાવ્યું કે, “પહલગામનાં ઉપરી મેદાની વિસ્તારોથી ફાયરિંગના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી મામલાની પૂરી જાણકારી નથી. જે જગ્યાએથી ફાયરિંગના સમાચાર આવ્યા છે, ત્યાં સુધી વાહન નથી પહોંચી શકતું.”
તેમનું કહેવું છે કે, “અમારી ટીમ ત્યાં પહોંચી ચૂકી છે. ત્યાં શું થયું છે, એનો ખ્યાલ સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ લાગી શકે છે.”
દેશ અને વિશ્વમાંથી આવતા મુસાફરો પહલગામની વાદીઓમાં પહોંચે છે. પહલગામના રસ્તેથી જ અમરનાથ ગુફા સુધીનો રસ્તો પણ જાય છે. શ્રીનગરથી પહલગામ 100 કિમી દૂર છે.
બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીર આ હુમલા વિશે ગુજરાતના એક પર્યટક સાથે વાત કરી, જેઓ એ જ ગ્રૂપમાં હતા, જેમના પર હુમલો થયો.
પર્યટકે જણાવ્યું કે અચાનક થયેલી ફાયરિંગના કારણે અફરાતફરી મચી ગઈ અને બધાએ રોકકળ કરી મૂકી અને આમતેમ ભાગવા લાગ્યા.
અન્ય રાજનેતાઓએ પણ હુમલાને વખોડ્યો

ઇમેજ સ્રોત, Getty Images
વાયનાડથી કૉંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. પરિવારો અને જે મુસાફરોન વેઠવું પડ્યું છે તેમની સાથે મારી સંવેદના છે. સરકારે કડક પગલાં લેવાં જોઈએ.”
જમ્મુ-કાશ્મીર વિધાનસભાના વિપક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય સુનીલ શર્માએ આ હુમલા વિશે કહ્યું કે, “પાછલા એક વર્ષથી, પાકિસ્તાન ભારતમાં તણાવ સર્જવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટમાં એક મહિલા કહેતાં સંભળાય છે કે આતંકવાદીઓએ હુમલો કરતા પહેલાં લોકોનાં નામ પૂછ્યાં હતાં. આવી રીતે તેમણે સમાજના એક વર્ગના લોકોને ટાર્ગેટ કર્યા. અમને અમારી એજન્સીઓ પર પૂરો ભરોસો છે, આતંકવાદીઓને નહીં છોડવામાં આવે.”
આ સિવાય પહલગામ હુમલા અંગે સમાચાર એજન્સી એએનઆઇને પ્રતિક્રિયા આપતાં કૉંગ્રેસનેતા દીપેન્દરસિંહ હુડ્ડાએ કહ્યું, “અમે આ આતંકવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડીએ છીએ. તેમજ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એ માટે હું પ્રાર્થના કરું છું. ભગવાનને પ્રાર્થના કે કોઈ જીવન ગુમાવે. પાછલાં અમુક વર્ષોથી જમ્મુ પાસે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. સરકારે આનો યોગ્ય જવાબ આપવો જોઈએ.”
તેમણે કહ્યું કે, “આ શરમજનક ઘટનામાં સામેલ હોય એ આપણા મિત્ર ન હોઈ શકે… ટુરિઝમ પર નભતા જમ્મુ-કાશ્મીરના લોકો ક્યાં જશે…? અહીં મહેમાન તરીકે આવનાર પર હુમલો થાય એ અમારી પરંપરા નથી. આ શરમજનક છે…”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS