Home તાજા સમાચાર gujrati ગુલાબી ઈંટની મદદથી એ છોકરીને કેવી રીતે શોધાઈ, જેનું વર્ષો સુધી જાતીય...

ગુલાબી ઈંટની મદદથી એ છોકરીને કેવી રીતે શોધાઈ, જેનું વર્ષો સુધી જાતીય શોષણ થયું?

15
0

Source : BBC NEWS

યુવતીનું યૌનશોષણ, બીબીસી આઇ ઇન્વેસ્ટિગેશન્સ, મહિલા પર અત્યાચાર, બીબીસી ગુજરાતી, અપહરણ,ઈંટની દીવાલ

(ચેતવણીઃ આ લેખમાં યૌનશોષણ અંગેની વિગતો છે)

ઑનલાઇન તપાસના નિષ્ણાત ગ્રેગ સ્ક્વાયરને એક પીડિત બાળકીને બચાવવાના પ્રયાસોમાં કોઈ ખાસ સફળતા નહોતી મળી રહી. આ પીડિત બાળકીનું નામ તેમની ટીમે લ્યુસી રાખ્યું હતું.

તેની વ્યથિત કરી મૂકનારી તસવીરો ડાર્ક વેબ પર શેર કરવામાં આવી રહી હતી.

ડાર્ક વેબ એટલે ઇન્ટરનેટનો એક ઍન્ક્રિપ્ટેડ ખૂણો, જ્યાં માલિકોને ડિજિટલ રીતે ટ્રેસ ન કરી શકાય, તે રીતે ડિઝાઇન કરવામાં આવેલા માત્ર વિશિષ્ટ સૉફ્ટવેરનો ઉપયોગ કરીને જ પહોંચી શકાય છે.

પરંતુ, આટલી ચાલાકી વાપર્યા પછી પણ, દુર્વ્યવહાર કરનાર વ્યક્તિ તેના નિશાન દૂર કરવા બાબતે સાવધ હતો અને ઓળખ છતી કરી દેતી કોઈપણ સામગ્રીને બદલી નાખતો હતો, એમ સ્ક્વાયરે જણાવ્યું હતું.

લ્યુસી કોણ હતી અને તે ક્યાં હતી, તે શોધવું અશક્ય હતું.

તેમને ટૂંક સમયમાં જ જાણ થવાની હતી કે, 12 વર્ષની બાળકીના ઠેકાણા તરફ ઇશારો કરતી કડી સૌની સામે જ છૂપાયેલી હતી.

સ્ક્વાયર અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી ઇન્વેસ્ટિગેશન્સના એક વિશિષ્ટ એકમમાં કામ કરે છે.

આ એકમ યૌન શોષણ સામગ્રીમાં દેખાતાં બાળકોની ઓળખ કરવાનો પ્રયાસ કરે છે.

બીબીસી વર્લ્ડ સર્વિસની ટીમે સ્ક્વાયર સાથે તથા પોર્ટુગલ, બ્રાઝિલ તેમજ રશિયાનાં અન્ય તપાસ એકમો સાથે મળીને પાંચ વર્ષ સુધી ફિલ્માંકન કર્યું છે.

આ ફિલ્માંકનોમાં રશિયામાં સાત વર્ષના એક બાળકના અપહરણ કરાયેલા અને મૃત ધારી લેવાયાના કેસો ઉકેલાતા દર્શાવાયા છે અને ડાર્ક વેબ પર પાંચ સૌથી મોટાં બાળ શોષણ મંચો માટે જવાબદાર બ્રાઝિલના એક નાગરિકની ધરપકડ થતી બતાવાઈ છે.

કેસ ઉકેલવાની મથામણ

યુવતીનું યૌનશોષણ, બીબીસી આઇ ઇન્વેસ્ટિગેશન્સ, મહિલા પર અત્યાચાર, બીબીસી ગુજરાતી, અપહરણ,ઈંટની દીવાલ

અસાધારણ પહોંચ દર્શાવે છે કે, આ કેસ ઘણી વખત અદ્યતન ટેકનૉલૉજી થકી નહીં, બલ્કે ઇમેજીઝ કે ચેટ ફોરમમાં રહેલી નાની-નાની વિગતો પર ધ્યાન આપીને ઉકેલવામાં આવે છે.

સ્ક્વાયર લ્યુસીનો કેસ ટાંકે છે, જે તેમણે તેમની કારકિર્દીની શરૂઆતમાં જ ઉકેલ્યો હતો. આ કેસને તેઓ તેમના લાંબા ગાળાના સમર્પણ માટેની પ્રેરણા ગણાવે છે.

લ્યુસી પોતાની દીકરીની ઉંમરની જ હોવાનું જાણીને તથા તેની સાથે બેડરૂમમાં દુર્વ્યવહાર થઈ રહ્યો હોવાની નવી તસવીરો જોઈને તેઓ ઘણા વ્યથિત થઈ ગયા હતા.

સ્ક્વાયર અને તેમની ટીમ તસવીરોમાં દેખાતાં લાઇટ સોકેટ્સ અને ઇલેક્ટ્રિકલ આઉટલેટ્સ પરથી પામી ગયા કે, લ્યુસી ઉત્તર અમેરિકામાં કોઈ ઠેકાણે હતી. બસ, આટલું જ.

તેમણે તે સમયે સોશ્યલ મીડિયાના ફલક પર વર્ચસ્વ ધરાવતા ફેસબુકથી સંપર્ક કર્યો અને અપલોડ કરવામાં આવેલી પારિવારિક તસવીરોની તપાસ કરવામાં મદદ માગી, જેથી જાણી શકાય કે, લ્યુસી તેમાં છે કે કેમ, પણ ચહેરાની ઓળખ કરવાની ટેકનૉલૉજી હોવા છતાં ફેસબુકે કહ્યું કે, તેની પાસે “મદદ કરવા માટેનાં ઉપકરણો” નથી.

આથી, સ્ક્વાયર અને તેમના સહકર્મીઓએ લ્યુસીના રૂમમાં દેખાતી દરેક ચીજનું વિશ્લેષણ કર્યું: ચાદર, તેનાં કપડાં, તેનાં રમકડાં. તેઓ મદદ મળી જાય, તેવી કોઈ ચીજની તલાશમાં હતા.

આખરે તેમને એક નાની સફળતા મળી.

ટીમે શોધી કાઢ્યું કે, અમુક તસવીરોમાં દેખાઈ રહેલો સોફા માત્ર પ્રાદેશિક સ્તર પર જ વેચાતો હતો, રાષ્ટ્રીય સ્તરે નહીં. અને આથી, તે સોફાના ગ્રાહકોની સંખ્યા સીમિત હતી.

જોકે, તેમ કરતાં પણ તે આંકડો આશરે 40,000 લોકો સુધી જતો હતો.

ઈંટની દીવાલ મહત્ત્વની કડી

યુવતીનું યૌનશોષણ, બીબીસી આઇ ઇન્વેસ્ટિગેશન્સ, મહિલા પર અત્યાચાર, બીબીસી ગુજરાતી, અપહરણ,ઈંટની દીવાલ

સ્ક્વાયર કહે છે, “તપાસના તે તબક્કે અમે હજુયે અમેરિકાનાં 29 રાજ્યોની તપાસ ચલાવી રહ્યા હતા. તેનો અર્થ એ કે, તમે હજ્જારો સરનામાંઓ વિશે વાત કરી રહ્યા છો અને તે અત્યંત મુશ્કેલ કામ હતું.”

ટીમે વધુ કડીઓ તરફ નજર દોડાવી. અને ત્યારે તેમનું ધ્યાન ગયું કે, લ્યુસીના બેડરૂમમાં દેખાઈ રહેલી ઈંટોની દીવાલ જેવી મામૂલી ચીજ તેમને મહત્ત્વની કડી પૂરી પાડી શકે છે.

સ્ક્વાયર કહે છે, “આથી, મેં ગૂગલમાં દીવાલો ઉપર સર્ચ કરવાનું શરૂ કર્યું અને થોડું સર્ચ કર્યા બાદ મને બ્રિક ઇન્ડસ્ટ્રી એસોસિએશન મળી ગયું.”

“અને ફોન પર વાત કરનારી મહિલા મદદ કરવા માટે તત્પર હતી. તેણે પૂછ્યું, ‘ઈંટ ઉદ્યોગ તમને શું મદદ કરી શકે?'”

તે મહિલાએ દેશભરના ઈંટ નિષ્ણાતોને તે તસવીર પહોંચાડવાની તૈયારી બતાવી. તે પછી લગભગ તરત જ પ્રતિભાવ મળ્યો હોવાનું સ્ક્વાયરે જણાવ્યું હતું.

સંપર્ક કરનારી એક વ્યક્તિ જ્હોન હાર્પ હતા, જેઓ 1981થી ઈંટોના વેચાણ સાથે સંકળાયેલા હતા.

હાર્પ કહે છે, “મેં નોંધ્યું કે, ઈંટ ગુલાબી રંગની હતી અને તેના પર કાળા રંગનું આછું આવરણ હતું. તે આઠ ઈંચની મોડ્યૂલર ઈંટ હતી અને તેની કિનારી ચોરસ હતી. તે ઈંટ જોતાંવેંત હું સમજી ગયો કે તે કઈ ઈંટ છે.”

તેમણે સ્ક્વાયરને જણાવ્યું, “તે ફ્લેમિંગો અલામો” હતી.

“અમારી કંપનીએ આશરે 1960ના દસકાના ઉત્તરાર્ધથી લઈને 1980ના દાયકાના મધ્ય ભાગ સુધી તે ઈંટ બનાવી હતી અને તે પ્લાન્ટમાંથી મેં લાખો ઈંટોનું વેચાણ કર્યું હતું.”

શરૂઆતમાં સ્ક્વાયર અત્યંત ખુશ થઈ ગયા હતા.

તેમને ગ્રાહકોની ડિજીટાઇઝ્ડ યાદી મળવાની અપેક્ષા હતી. પણ હાર્પે કહ્યું કે, વેચાણના રેકોર્ડ દાયકાઓ જૂની નોટોના ઢગલા સ્વરૂપે મોજૂદ હતા.

જોકે, સ્ક્વાયર જણાવે છે કે, હાર્પે ઈંટો વિશે એક મહત્ત્વની માહિતી આપી.

“તેમણે કહ્યું: ‘ઈંટો વજનદાર છે.’ અને તેમણે કહ્યું: ‘અને આથી, વજનદાર ઈંટો વધુ દૂર લઈ જવાતી નથી.'”

યુવતીનું યૌનશોષણ, બીબીસી આઇ ઇન્વેસ્ટિગેશન્સ, મહિલા પર અત્યાચાર, બીબીસી ગુજરાતી, અપહરણ,ઈંટની દીવાલ

બસ, આટલી વિગતથી સમગ્ર ચિત્ર બદલાઈ ગયું. ટીમ ફરી સોફાના ગ્રાહકોની યાદી ચકાસવા માંડી અને અમેરિકાની દક્ષિણ-પશ્ચિમે હાર્પની ઈંટોની ફેક્ટરીના 100 માઇલના ઘેરાવામાં રહેતા હોય, ફક્ત એવા ગ્રાહકો પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું.

40થી 50 લોકોની તે યાદીમાંથી તેમનાં સોશિયલ મીડિયા ઍકાઉન્ટ્સ શોધવાનું કામ આસાન હતું. અને તે સમયે તેમને ફેસબુક પર લ્યુસીનો એક ફોટો મળી આવ્યો, જેમાં તે સંભવતઃ સંબંધી જણાતી એક મહિલા સાથે હતી.

સ્ક્વાયરની ટીમે મહિલાનું સરનામું શોધ્યું અને પછી તેની મદદથી તે મહિલા સાથે જોડાયેલા પ્રત્યેક સરનામા અને લોકો વિશે જાણકારી મેળવી.

તેના કારણે લ્યુસીના સંભવિત સરનામાનું ક્ષેત્ર વધુ સીમિત થયું, પણ તેઓ ઘેર-ઘેર ફરીને પૂછપરછ કરવા માગતા નહોતા.

સરનામું ખોટું નીકળતાં શકમંદને અધિકારીઓ તેના પર નજર રાખી રહ્યા હોવાની બાતમી મળી જવાનું જોખમ હતું.

સફળતાનું સરનામું મળ્યું

યુવતીનું યૌનશોષણ, બીબીસી આઇ ઇન્વેસ્ટિગેશન્સ, મહિલા પર અત્યાચાર, બીબીસી ગુજરાતી, અપહરણ,ઈંટની દીવાલ

આથી, સ્ક્વાયર અને તેમના સાથીઓ તે ઘરોના ફોટા ઈંટોના નિષ્ણાત જ્હોન હાર્પને મોકલવા માંડ્યા.

કોઈપણ ઘરની બહાર ફ્લેમિંગો આલ્મોસ ઈંટો દેખાઈ રહી નહોતી, કારણ કે, ત્યાં અન્ય સામગ્રીઓ વાપરવામાં આવી હતી. પણ ટીમે તે ઘરોની શૈલી અને બહારની રચના જોઈને હાર્પને એવું આકલન કરવા કહ્યું કે, તે ઘરો ફ્લેમિંગો અલામોસ ઈંટોનું વેચાણ થઈ રહ્યું હતું, તે સમયગાળામાં બનાવાયાં હોવાની શક્યતા છે કે કેમ.

સ્ક્વાયર કહે છે, “અમે મુખ્યત્વે તે ઘર કે રહેઠાણનો સ્ક્રીનશૉટ લઈને જ્હોનને મોકલી દેતા અને પૂછતા, ‘શું આ ઘરની અંદર તે ઈંટો વપરાઈ હશે?'”

આખરે, તેમને સફળતા મળી. તેમને એક એવું સરનામું મળ્યું, જ્યાં હાર્પે ફ્લેમિંગો અલામોસ ઈંટોની બનેલી દીવાલ હોવાની શક્યતા વ્યક્ત કરી હતી.

એટલું જ નહીં, સોફાના ગ્રાહકોની યાદીમાં પણ તે ઘરનો સમાવેશ થતો હતો.

“આથી, અમે અમારી શોધ તે એક સરનામા સુધી સીમિત કરી દીધી… અને સરકારી રેકૉર્ડ, ડ્રાઇવરના લાઇસન્સ, સ્કૂલ પરની માહિતી, વગેરેના આધારે ત્યાં કોણ રહે છે, તેની પુષ્ટિ કરવાની પ્રક્રિયા આરંભી,” એમ સ્ક્વાયરે કહ્યું હતું.

ટીમને માલૂમ પડ્યું કે, ઘરમાં લ્યુસીની સાથે તેની માતાનો બૉયફ્રેન્ડ પણ હતો – જે જાતીય અપરાધ માટે દોષિત ઠરેલો ગુનેગાર હતો.

સ્થાનિક ગૃહ સુરક્ષા એજન્ટોએ ગણતરીના કલાકોમાં જ અપરાધીને ઝડપી લીધો, જે છ વર્ષથી લ્યુસી પર બળાત્કાર ગુજારી રહ્યો હતો. પછીથી તેને 70 વર્ષ કરતાં વધુ સમયના જેલવાસની સજા ફટકારવામાં આવી.

ઈંટોના નિષ્ણાત હાર્પ સ્વયં પણ પાલક પિતા તરીકેનો લાંબા સમયનો અનુભવ ધરાવતા હતા. આથી, લ્યુસી સલામત હોવાનું જાણીને તેમને રાહત થઈ.

તેમણે જણાવ્યું હતું કે, “અમારા ઘરમાં 150 કરતાં વધુ જુદાં-જુદાં બાળકો રહી ચૂક્યાં છે. અમે ત્રણ બાળકો દત્તક લીધાં છે. ભૂતકાળમાં જાતીય દુર્વ્યવહારનો ભોગ બની ચૂકેલાં બાળકો પણ અમારી સાથે રહ્યાં હતાં.”

“સ્ક્વાયરની ટીમ દિવસ-રાત જે કામ કરે છે અને જે તેઓ જુએ છે, તે મારા અનુભવો કરતાં કે મારી સામે આવેલી સમસ્યાઓ કરતાં સેંકડોગણું વિસ્તૃત છે.”

થોડાં વર્ષો પહેલાં, આ દબાણની અસર સ્ક્વાયરના માનસિક આરોગ્ય પર વર્તાવા માંડી હતી અને તેઓ કબૂલે છે કે, જ્યારે તેઓ કામ ન કરી રહ્યા હોય, “તેવા વખતે શરાબ મારા જીવનનો મહત્ત્વનો ભાગ બની ગઈ, જે નહોતું થવું જોઈતું.”

યુવતીનું યૌનશોષણ, બીબીસી આઇ ઇન્વેસ્ટિગેશન્સ, મહિલા પર અત્યાચાર, બીબીસી ગુજરાતી, અપહરણ,ઈંટની દીવાલ

“તે તબક્કે મારાં બાળકો થોડાં મોટાં થઈ ગયાં હતાં… અને તેના લીધે તમને વધુ કામ કરવાની પ્રેરણા મળે છે. જાણે… ‘મને ખાતરી છે કે જો હું આજે સવારે ત્રણ વાગ્યે ઊઠી જાઉં, તો હું ઓનલાઇન કોઈ ગુનેગારને ચોંકાવી શકું છું.’

“પણ તે દરમિયાન, વ્યક્તિગત રીતે… ‘ગ્રેગ કોણ છે? હું તો એ પણ નથી જાણતો કે તેને શું કરવું ગમે છે.’ દિવસ દરમિયાન તેની આસપાસ બસ ભયાનક ચીજો વિશે જ વાતો થતી રહેતી હોય છે.”

થોડા જ સમયમાં તેમનાં લગ્નજીવનનો અંત આવ્યો અને તેમના જણાવ્યા મુજબ, તેમને આત્મહત્યાના વિચારો આવવા માંડ્યા.

પોતાના મિત્રને સંઘર્ષનો સામનો કરતો જોઈને (ગ્રેગ સ્ક્વાયરના) સહકર્મી પીટ મેનિંગે તેમને મદદ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા.

મેનિંગ કહે છે, “તમારામાં ઊર્જા અને પ્રેરણાનો સંચાર કરનારી ચીજ જ ધીમે-ધીમે તમારો નાશ કરી રહી હોય, તે ઘણું કઠિન છે.”

સ્ક્વાયર કહે છે કે, પોતાની નબળાઈઓ સૌની સામે પ્રગટ કરવી, એ બહેતર થવા અને તે કામ ચાલુ રાખવાની દિશા તરફનું પ્રથમ કદમ હતું, જેનો તેમને ગર્વ છે.

“હું બદલાવ લાવનારી ઘટનાઓને ટીવી પર જોવા કે તેના વિશે સાંભળવાને બદલે તે બદલાવ લાવી શકનારી ટીમનો ભાગ બનીને ગૌરવ અનુભવું છું… હું સીધો લડાઈમાં ઊતરીને તેને અટકાવવાનો પ્રયત્ન કરવાનું પસંદ કરીશ.”

‘ઈશ્વરે મારી પ્રાર્થના સાંભળી લીધી’

યુવતીનું યૌનશોષણ, બીબીસી આઇ ઇન્વેસ્ટિગેશન્સ, મહિલા પર અત્યાચાર, બીબીસી ગુજરાતી, અપહરણ,ઈંટની દીવાલ

ગયા ઉનાળામાં ગ્રેગ લ્યુસીને પ્રથમ વખત મળ્યા હતા. લ્યુસી અત્યારે ઉંમરની વીસીમાં છે.

લ્યુસીએ તેમને જણાવ્યું કે, તેમને આસપાસથી મળેલા સમર્થનને કારણે તેઓ તેમની સાથે જે બન્યું, તેના વિશે હવે વાત કરી શકે છે.

“હવે હું વધુ સ્થિરતા અનુભવું છું. હું મારા શોષણ વિશે લોકો સાથે વાત કરવા સક્ષમ બની છું, જે સામર્થ્ય થોડાં વર્ષો પહેલાં મારામાં નહોતું.”

લ્યુસીએ કહ્યું કે, જે તબક્કે હોમલૅન્ડ સિક્યૉરિટીએ તેમને ઉગારી લીધાં, ત્યારે તેઓ “તેમનું યૌનશોષણ બંધ થાય, તે માટે પ્રાર્થના કરી રહ્યાં હતાં.”

“મારું વિધાન કદાચ ઘણું જ બીબાંઢાળ લાગશે, પણ ઈશ્વરે મારી પ્રાર્થના સાંભળી લીધી હતી.”

સ્ક્વાયરે લ્યુસીને જણાવ્યું કે, કાશ, તેઓ લ્યુસીને ખબર પહોંચાડી શક્યા હોત કે, મદદ મળવામાં હવે ઝાઝી વાર નથી.

“કાશ, કોઈ ટેલિપથી થાય અને આપણે સંપર્ક કરીને એવું કહી શકીએ કે, ‘સાંભળ, અમે આવી રહ્યાં છીએ.”

બીબીસીએ ફેસબુકને પૂછ્યું કે, લ્યુસીને શોધવામાં તે શા માટે તેની ચહેરાની ઓળખ કરવાની ટેકનૉલૉજીનો ઉપયોગ ન કરી શક્યું, ત્યારે તેણે જવાબ આપ્યો: “યુઝરની ગોપનીયતાનું રક્ષણ કરવા માટે અમારે યોગ્ય કાનૂની પ્રક્રિયાનું અનુસરણ કરવાનું હોય છે. પણ અમે કાયદાની અમલકર્તા સંસ્થાઓની યથાશક્તિ મદદ કરવા માટે કામ કરીએ છીએ.”

જો તમે બાળ યૌન શોષણનો ભોગ બન્યા હોવ, અપરાધનો શિકાર બન્યા હોવ અથવા તો નિરાશા અનુભવતા હોવ અને બ્રિટનમાં રહેતા હોવ, તો મદદ અને સહાય માટેની વિગતો મેળવવા ક્લિક કરોઃ bbc.co.uk/actionline.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS