Home તાજા સમાચાર gujrati ગુજરાતી મૂળનાં બિઝનસવુમન નમિતા થાપર કોણ છે, જેઓ નમાઝના સ્વાસ્થ્ય લાભવાળા વીડિયોથી...

ગુજરાતી મૂળનાં બિઝનસવુમન નમિતા થાપર કોણ છે, જેઓ નમાઝના સ્વાસ્થ્ય લાભવાળા વીડિયોથી ટ્રોલ થયાં

30
0

Source : BBC NEWS

નમિતા થાપર, સોશિયલ મીડિયા, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ani

21 એપ્રિલ 2026, 15:32 IST

અપડેટેડ 5 કલાક પહેલા

વાંચવાનો સમય: 4 મિનિટ

ફાર્માસ્યુટિકલ કંપની ઍમક્યોરનાં પૂર્ણ-સમયનાં ડાયરેક્ટર, બિઝનેસવુમન અને રિયાલિટી ટીવી શો “શાર્ક ટૅન્ક ઇન્ડિયા”નાં જજ નમિતા થાપર આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

તેમનું કહેવું કે ‘નમાઝના સ્વાસ્થ્ય લાભો પર પ્રકાશ પાડતી’ ત્રણ અઠવાડિયાં જૂની રીલ માટે તેમને ભારે ટ્રોલ કરવામાં આવ્યાં.

હવે તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે તેમને લાંબા સમય પછી સમજાયું છે કે મૌન એ કોઈ ગુણ નથી અને જ્યારે કોઈનું અપમાન થાય ત્યારે બોલવું જોઈએ.

તેમજ તેમણે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે તેમને અને તેમનાં માતાને સોશિયલ મીડિયામાં ગાળો દેવાઈ રહી છે.

ત્રણ અઠવાડિયાં પહેલાં 25 માર્ચે તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરી હતી જેમાં તેઓ નમાઝ પઢવાથી થતા સ્વાસ્થ્યના લાભો અંગે સમજાવે છે.

હવે એ વીડિયો અંગે તેમનું કહેવું છે કે તેઓ ઘણા સમયથી યોગ અને તેનાથી થતા સ્વાસ્થ્ય સંબંધી લાભો અંગે જણાવતાં રહ્યાં છે, પરંતુ ક્યારેય તેની ચર્ચા થઈ નથી.

તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં અનેક લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે, તો કેટલાકે તેમની ટીકા પણ કરી છે.

સૌથી પહેલા એ જાણીએ કે નમિતા થાપરે નમાઝના સ્વાસ્થ્ય પર થતા ફાયદા અંગે શું કહ્યું હતું?

નમિતાએ નમાઝ અને યોગાસન અંગે શું કહ્યું હતું?

નમિતા થાપર, સોશિયલ મીડિયા, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, namitathapar

25 માર્ચે ઇન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટમાં નમિતા કહે છે, “આ શનિવારે મેં મારા નજીકના મિત્રો સાથે ઈદની ઉજવણી કરી. તેમણે મને કહ્યું કે નમિતા, તું સ્વાસ્થ્ય વિશે આટલું બધું કહે છે. શું તને નમાઝના સ્વાસ્થ્ય પર થતા લાભો અંગે ખબર છે?”

“તે ખરેખર અવિશ્વસનીય છે. સૌપ્રથમ તો એ આખા શરીરની કસરત છે. એ લચીલાપણા માટે ઉત્તમ છે, જે લોહીના પરિભ્રમણને સુધારે છે. તે કોણી અને ઘૂંટણ માટે ઉત્તમ છે.”

નમિતા વધુમાં ઉમેરે છે, “બીજી વાત તે માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, કારણ કે તેમાં ધ્યાન કેન્દ્રિત કરો તો એક પ્રકારના ધ્યાન જેવું છે. ત્રીજું, તમે આમાં વજ્રાસનની જેમ બેસો છો, જે તમારા પાચન માટે ઉત્તમ છે.”

“સૌથી સારી વાત એ છે કે તે તમને દિવસમાં પાંચ વાર ઝંઝટમાંથી આરામ મળે છે. તે સામૂહિક રીતે પઢવામાં આવે છે, જે સામાજિક જોડાણ માટે સારું છે. દરેક ધર્મમાં પ્રાર્થનાની પોતાની વિશિષ્ટ ખાસિયત હોય છે અને અધ્યાત્મની સાથે સ્વાસ્થ્ય લાભો પણ સારા હોય છે.”

આ રીલ પોસ્ટ કર્યા બાદ તેના પર તેમના સમર્થન અને વિરોધમાં અંદાજે 7.5 હજાર કૉમેન્ટ આવી ગઈ છે.

વિપુલ પટેલ નામના યૂઝરે કૉમેન્ટ કરીને આરતી કરવાના ફાયદા પણ ગણાવ્યા. આ કૉમેન્ટને ત્રણ હજારથી વધુ લોકોએ લાઇક કરી.

કુશલ વ્યાસ નામના યૂઝરે લખ્યું કે “હવે તમે તમારા મિત્રોને હનુમાનચાલીસા કરવાના ફાયદા ગણાવો અને અમને તેની પ્રતિક્રિયા જણાવો.”

આ સિવાય અનેક લોકોએ તેના પર કૉમેન્ટ કરીને કહ્યું કે તેઓ હવે નમિતાને અનફૉલો કરી રહ્યા છે.

તો કેટલાક લોકો એવા પણ હતા, જે તેમની આ રીલનાં વખાણ કરતાં હતા.

જસકીરતસિંહે નમિતાની પોસ્ટ પર કૉમેન્ટ કરી, “લોકો તેમનાથી નારાજ થઈ રહ્યા છે, કેમ કે તે આધ્યાત્મિકતા અંગે વાત કરે છે, પરંતુ લોકો કહે છે કે અમને અમારી આધ્યાત્મિકતા શીખવાડો, એમની નહીં.”

“પરંતુ તેઓ સમજતા નથી કે આધ્યાત્મિકતા માત્ર ભગવાન સાથે જોડાણની રીત છે અને ભગવાન માત્ર એક જ છે. ભલે તમે નમાઝ પઢો, આરતી કરો, ગુરુદ્વારામાં પાઠ કરો કે ચર્ચમાં પ્રાર્થના કરો. રસ્તો અલગ છે, પરંતુ પહોંચ માત્ર એક સુધી છે, માત્ર નફરત ફેલાવીને મૂર્ખ ન બનાવો.”

નમિતાએ હવે શું કહ્યું?

ત્રણ અઠવાડિયાંથી વધુ સમય બાદ હવે નમિતા થાપરે પોતાની રીલ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે સોમવારે ઇન્સ્ટાગ્રામ અને ઍક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ કહે છે કે લોકો છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી તેમના અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે.

નમિતા થાપરે વીડિયોમાં કહ્યું, “મારી પ્રિય માતાને પણ ગંદાં ગંદાં નામ આપી રહ્યા છે. શા માટે? માત્ર નમાઝથી સ્વાસ્થ્યને થતા લાભ અંગે રીલ બનાવવા માટે.”

“હું હેલ્થકેર પ્રોફેશનલ છું. મેં હિન્દુ ધર્મ અને તેના સ્વાસ્થ્ય પર થતા ફાયદા અંગે પણ રીલો બનાવી છે. હું દરેક યોગાસન અને ખાસ કરીને સૂર્યનમસ્કાર પર રીલ્સ બનાવું છું. ત્યારે તો કોઈએ કશું ન કહ્યું.”

નમિતા આગળ કહે છે, “મને શીખવાડ્યું છે કે આપણે દરેક ધર્મોનું સન્માન કરવું જોઈએ. અને તમે આ રીતે સન્માન કરો છો. ખાસ કરીને મહિલાઓ અંગે. અનામત બિલ પાસ ન થયું તો બધા કહે છે, પણ જ્યારે બે મહિલાનું અપમાન થાય ત્યારે મૌન કેમ? હું પહેલેથી શીખી ગઈ છું કે તમારા માટે કોઈ નહીં બોલે. તમારે તમારા માટે જાતે બોલવું પડશે.”

“મારા બધા ટ્રોલર્સને કહેવા માગું છું કે તમે ચાલુ રાખો, પરંતુ યાદ રાખો કે મને હિન્દુ હોવા પર ગર્વ છે અને હિન્દુ ધર્મમાં કર્મની અવધારણા છે. તમે તમારી બુદ્ધિથી ચાલુ રાખો, પણ ભગવાન જોઈ રહ્યો છે. એ બધા ભણેલાગણેલા ગૌરવાન્વિત હિન્દુ લોકોને કહેવા માગું છું કે જે માને છે કે બધા ધર્મો અને મહિલાઓનું સન્માન થવું જોઈએ, કે મારી નકારાત્મક રીલ વાઇરલ થઈ ગઈ તો હવે આને પણ વાઇરલ કરીને દેખાડો.”

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી આ રીલ પર અત્યાર સુધીમાં 22 હજારથી વધુ કૉમેન્ટ આવી ગઈ છે. જોકે આ રીલમાં મિશ્ર પ્રતિક્રિયા છે. કોઈ તેમનાં વખાણ કરે છે, મજબૂત રહેવા કહે છે, તો કોઈ તેમને ટ્રોલ કરે છે.

નમિતા થાપર કોણ છે?

નમિતા થાપર, સોશિયલ મીડિયા, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, namitathapar

નમિત થાપરનો જન્મ મહારાષ્ટ્રમાં પુણેમાં થયો છે, પણ તેમનાં મૂળ ગુજરાતનાં છે.

તેઓ એક પૉડકાસ્ટમાં ગુજરાતી પણ બોલે છે અને તેમને ગુજરાતી હોવાનો ગર્વ હોવાનું જણાવે છે. નમિતાને ગુજરાતી વાનગીઓ પણ પ્રિય છે.

વીડિયોમાં તેઓ કહે છે કે તેમના પિતા સતીષ મહેતા છે અને તેમના દાદાનું નામ રમણલાલ છે.

ઍમક્યોર કંપનીમાં આપેલી તેમની વિગતો અનુસાર, નમિતા થાપર ગાઇડન્ટ કૉર્પોરેશન (અમેરિકા)માં છ વર્ષ કામ કર્યાં બાદ ઍમક્યોરમાં સીએફઓ તરીકે જોડાયાં હતાં. ત્યાર બાદ તેમને ઍમક્યોરના સૌથી મોટા બિઝનેસ યુનિટ, ઇન્ડિયા બિઝનેસનું સંચાલન કરવાની જવાબદાર સોંપાઈ.

નમિતા થાપર ભારતમાં મહિલા સ્વાસ્થ્ય સુધારવા પર અને યુવા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે ઉત્સાહી છે.

કોરોના રોગચાળા સમયે તેમણે મહિલાઓના સ્વાસ્થ્ય પર એક અનોખો યૂટ્યૂબ ટૉક શો “અનકન્ડિશન યોરસેલ્ફ વિથ નમિતા” શરૂ કર્યો હતો, જેનો ઉદ્દેશ્ય સત્તાવાર માહિતી આપવાનો અને મહિલાઓના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા કલંક અને નિષેધને તોડવાનો હતો.

નમિતા થાપરને ધ ઇકોનોમિક ટાઇમ્સ ’40 અંડર ફોર્ટી’ બાર્કલેઝ હ્યુરુન નેક્સ્ટ ઝેન લીડર રેકગ્નિશન, વર્લ્ડ વુમન લીડરશિપ કૉંગ્રેસ સુપર એચિવર ઍવૉર્ડ સહિતના પુરસ્કારો મળેલા છે.

તેમણે ફુક્વા સ્કૂલ ઑફ બિઝનેસમાંથી એમબીએ ગ્રૅજ્યુએટ કર્યું છે અને આઇસીએઆઇમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટનની ડિગ્રી મેળવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS