Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં બે દિવસમાં પલટાશે હવામાન, જાણો કયા કયા જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા...

ગુજરાતમાં બે દિવસમાં પલટાશે હવામાન, જાણો કયા કયા જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે

8
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું કમોસમી ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ તાપમાન ગાજવીજ

ઇમેજ સ્રોત, Getty Images

15 માર્ચ 2026, 13:52 IST

અપડેટેડ 8 કલાક પહેલા

વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતના મોટા ભાગના વિસ્તારો ઉનાળામાં ભઠ્ઠીની જેમ ગરમ થઈ ગયા છે, ત્યારે આગામી બેથી ત્રણ દિવસમાં રાજ્યના હવામાનમાં પલટો આવશે તેવી આગાહી છે.

હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે 18 માર્ચથી રાજ્યમાં હવામાન બદલાશે અને 22 માર્ચ સુધી અલગ અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં લોકોને ગરમીમાંથી રાહત મળવાની છે.

હવામાન વિભાગે કહ્યું છે કે 18 તારીખથી કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હાલમાં ગરમીનો અનુભવ

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું કમોસમી ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ તાપમાન ગાજવીજ

ઇમેજ સ્રોત, IMD

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ, દાદરા અને નગરહવેલીમાં હવામાન સૂકું રહ્યું છે. કચ્છના કેટલાક ભાગોમાં હીટવેવની સ્થિતિ છે.

અન્ય ભાગોમાં પણ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના બીજા ભાગોમાં પણ તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાયું છે. ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન પણ સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. જ્યારે સાઉથ ગુજરાતમાં સામાન્યથી વધુ છે. બાકી જગ્યાઓ પર તાપમાન સામાન્ય છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

કયા જિલ્લામાં વરસાદ પડશે

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું કમોસમી ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ તાપમાન ગાજવીજ

ઇમેજ સ્રોત, IMD

15થી 17 માર્ચ સુધી ગુજરાતના તમામ ભાગોમાં ગરમી રહેશે અને સૂકું વાતાવરણ અનુભવાશે.

18 માર્ચ, બુધવારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન વીજળી જોવા મળશે અને ગર્જના થશે. 18મીએ જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. બાકીના ભાગોમાં હવામાન સામાન્ય રહેશે.

19 માર્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ થોડો વધુ વ્યાપક બનશે. 19મીએ બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જેવા ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ પડશે.

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ છૂટાછવાયાં સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

20મી માર્ચે અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં અમુક સ્થળે હળવો વરસાદ પડી શકે છે. તેવી જ રીતે ગીર સોમનાથ જિલ્લા અને દીવમાં પણ 20 માર્ચે હળવા વરસાદની આગાહી છે. આ સિવાયના જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે.

18 અને 19 માર્ચે પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ રહેવાની અને લઘુતમ તાપમાન 23 ડિગ્રી રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

અન્ય રાજ્યોમાં પણ વરસાદ પડશે

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું કમોસમી ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ તાપમાન ગાજવીજ

ઇમેજ સ્રોત, IMD

ઉનાળો હજુ માંડ શરૂ થયો છે ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી માત્ર ગુજરાત માટે નહીં, પરંતુ બીજાં રાજ્યો માટે પણ કરવામાં આવી છે.

ગુજરાત ઉપરાંત અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 30થી 50 કિમી પ્રતિ કલાક રહેશે.

પૂર્વ અને મધ્ય ગુજરાતમાં અમુક જગ્યાએ વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી છે. તેમાં મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.

ઉત્તરપશ્ચિમ ભારતની વાત કરવામાં આવે તો હિમાલયની નજીકના વિસ્તારોમાં બરફ પડવાની તથા વરસાદની આગાહી છે. 15થી 19 માર્ચ દરમિયાન હિમવર્ષા અને વરસાદ બંને વધશે. આ દરમિયાન પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝડપી પવન સાથે કેટલીક જગ્યાએ વરસાદ થવાની આગાહી છે.

ઉત્તર અને પશ્ચિમ ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને તેલંગાણા, કેરળ, તામિલનાડુ, કર્ણાટક અને કિનારાવર્તી આંધ્ર પ્રદેશમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી છે.

ગુજરાત, કોંકણ, ગોવા અને કેરળના દરિયાકિનારાના વિસ્તારોમાં હાલમાં ભેજનું પ્રમાણ વધારે રહેશે. ઉત્તરપશ્ચિમ ભારતમાં આગામી અઠવાડિયે તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જ્યારે મધ્ય ભારતમાં એક દિવસમાં તાપમાન આંશિક રીતે ઘટી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS