Home તાજા સમાચાર gujrati ગુજરાત : રખડતાં પશુઓના કારણે કોઈનું મૃત્યુ થાય તો જવાબદારી કોની?

ગુજરાત : રખડતાં પશુઓના કારણે કોઈનું મૃત્યુ થાય તો જવાબદારી કોની?

14
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રખડતાં ઢોર, ગુજરાત હાઇકોર્ટ, ઢોર, પશુ-પ્રાણી

ઇમેજ સ્રોત, Getty Images

તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં રખડતાં ઢોરને લીધે એક 90 વર્ષીય વૃદ્ધાએ જીવ ગુમાવવો પડ્યો હતો.

આ પહેલાં નવસારી અને બહુચરાજી ખાતે પણ આ પ્રકારના કિસ્સા સામે આવ્યા હતા.

બહુચરાજી અને નવસારીમાં રખડતાં પશુઓની અડફેટે આવતાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા.

ગુજરાતનાં નાનાં -મોટાં શહેરો અને ગામોમાં પણ આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે.

આ પ્રકારના કિસ્સામાં મૃતકના પરિવારજનોને વળતર કોણ આપે તેવો સવાલ હંમેશાં ઉપસ્થિત થતો રહે છે.

ભૂતકાળમાં કેટલાક કિસ્સામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા મૃતકોના પરિવારજનોને કામચલાઉ સહાય પેટે રૂ. પાંચ લાખ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. એક કિસ્સામાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને બીજા કિસ્સામાં દહેગામ મ્યુનિસિપાલિટીને પીડિત પરિવારોને સહાય ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

જોકે, આ આદેશ બાદ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નીતિમાં રખડતાં પશુના કારણે થતાં ઈજા કે મૃત્યુ માટે વળતર ચૂકવવાની જવાબદારી પશુમાલિકની હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

રખડતાં પશુઓના ત્રાસ અંગે ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલ એક જાહેર હિતની અરજીના સંદર્ભમાં ગુજરાત સરકાર દ્વારા ઑગસ્ટ 2023માં માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

તાજેતરમાં રખડતાં ઢોરના હુમલાના કિસ્સા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રખડતાં ઢોર, ગુજરાત હાઇકોર્ટ, ઢોર, પશુ-પ્રાણી

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

તાજેતરમાં ફેબ્રુઆરી 2026માં રખડતાં પશુઓના કારણે થયેલા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે અકસ્માત થયો હતો.

લીંબડીના રસ્તે બે આખલા બાખડ્યા હતા, જેમાં 90 વર્ષનાં વૃદ્ધા અડફેટે ચઢી ગયાં હતાં.

આ અકસ્માતમાં લીંબડીના સૈયદ મહોલ્લામાં રહેતાં વૃદ્ધા કાજીબાનુનું મૃત્યુ નીપજ્યું હતું.

કાજીબાનુના દીકરા રઝાકભાઈએ વાત કરતાં જણાવ્યું હતું કે, “ઘટનાના દિવસે બપોરે ત્રણથી સાડા ત્રણ વાગ્યાની આસપાસ સૈયદ મહોલ્લા ખાતે આવેલાં અમારા ઘરની બહાર મારાં માતા બેઠાં હતાં. એ સમયે બે આખલા બાખડતા આવ્યા હતા અને તેમણે મારી મમ્મીને પાડી દીધાં હતાં.”

“આ ઘટનામાં તેમને ગંભીર ઈજા થઈ હતી. અમે તેમને સારવાર માટે હૉસ્પિટલ લઈ ગયાં હતાં જ્યાં તેમને મૃત જાહેર કરાયાં હતાં.”

તેમણે આરોપ કરતાં કહ્યું કે, “મ્યુનિસિપાલિટીની બેદરકારીના કારણે કેટલાય લોકો રખડતાં ઢોરનો ભોગ બને છે. મ્યુનિસિપાલિટી તંત્ર દ્વારા રખડતાં ઢોરને પકડવામાં આવતાં નથી. અમારી માગણી છે કે મ્યુનિસિપાલિટી રખડતાં ઢોરને પકડવામાં ધ્યાન આપે તો નિર્દોષ લોકોના જીવ બચી શકે છે.”

આવી જ અન્ય એક ઘટનામાં ફેબ્રુઆરી 20026માં ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી શિવશક્તિ સોસાયટીમાં રખડતાં પશુએ એક ત્રણ વર્ષની બાળકીને અડફેટે લીધી હતી. બાળકીને બચાવવા જતાં એક સ્થાનિકને ગાયે અડફેટે લેતાં બાળકી અને યુવાનને ગંભીર ઈજા થઈ હતી. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.

આ ઘટનામાં ઈજાગ્રસ્ત હિતેશ નાથાણીએ જણાવ્યું હતું કે, “હું મારા ઘરે હતો. એ વખતે મેં બારીમાંથી બહાર જોયું તો એક ગાય બાળકીને અડફેટે લઈ રહી હતી. તેથી હું મારી ગૅલેરીમાંથી કૂદીને સ્થળ ઉપર પહોંચ્યો હતો. મેં ગાયને પથ્થર મારીને બાળકીથી દૂર કરી હતી, પણ પછી ગાયે મારા ઉપર હુમલો કરી દીધો હતો. મને અડફેટે લઈને ચાર ફુટ ઉપર ફેંકી દીધો હતો. આસપાસ લોકો ભેગા થઈ ગયા હતા. પછી મને બચાવ્યો હતો.”

લીંબડી મ્યુનિસિપાલિટીના ચીફ ઑફિસર સાગર રાડિયાએ આ મામલે જણાવ્યું હતું કે, “મ્યુનિસિપાલિટી દ્વારા ઢોર પકડવાની કામગીરી ચાલુ છે. જાહેર રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યારૂપ બનતાં રખડતાં ઢોરને પકડીને ડબ્બામાં પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે.”

લીંબડી ડિવિઝનના ડીવાયએસપી વિશાલ રબારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “રખડતાં ઢોરને કારણે થતા અકસ્માતના કિસ્સામાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવે છે. જે કિસ્સામાં માલિક હોય અને તેની બેદરકારી જોવા મળે તો ઢોરના માલિક સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ રખડતાં ઢોરના કિસ્સામાં માલિકની ખબર હોતી નથી. આવા કિસ્સામાં અકસ્માતે મોતનો ગુનાની ફરિયાદ દાખલ કરવામાં આવે છે.”

મૃતકના પરિવારોને સહાય મળી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રખડતાં ઢોર, ગુજરાત હાઇકોર્ટ, ઢોર, પશુ-પ્રાણી

ઇમેજ સ્રોત, Getty Images

6 ફેબ્રુઆરી 2023ના દિવસે દહેગામની શાસ્ત્રીનગર સોસાયટી આગળથી 56 વર્ષીય મધુબહેન સોનારા પસાર થઈ રહ્યાં હતાં. એ દરમિયાન એક રખડતી ગાયે આવીને તેમને અડફેટે લીધાં હતાં.

જેમાં, તેમને ઈજા થઈ હતી. જેથી સ્થાનિકોએ 108ને જાણ કરી હતી પણ સ્થળે આવેલા 108ના સ્ટાફ દ્વારા મધુબહેનને મૃત જાહેર કરાયાં હતાં.

આ કિસ્સામાં મધુબહેનનાં માતા, 81 વર્ષીય કોદીબહેન સોનારાએ ગુજરાત હાઇકોર્ટમાં વળતર મેળવવા માટે દાદ માગી હતી. જે અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા દહેગામ મ્યુનિસિપાલિટીને રૂ. પાંચ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

આ સિવાય 28 ઑક્ટોબર 2022ના રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા અન્ય આદેશમાં અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરના કારણે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા ભાવીન પટેલના પરિવારજનોને પણ રૂ. પાંચ લાખની સહાય ચૂકવવા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને આદેશ કરાયો હતો.

રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા શું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રખડતાં ઢોર, ગુજરાત હાઇકોર્ટ, ઢોર, પશુ-પ્રાણી

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તાર માટે 21 ઑગસ્ટ 2023ના દિવસે “શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે માર્ગદર્શિકા 2023” જાહેર કરી હતી.

આ માર્ગદર્શિકા મુજબ, શહેરમાં ઢોર રાખવા માટે પરમિટ અને લાઇસન્સ ફરજિયાત કરાયાં હતાં.

આ સિવાય પશુમાલિકોને તમામ પશુઓની ફરજિયાતપણે નોંધણી કરાવવાની તાકીદ કરાઈ હતી.

નોંધણી વિના પશુ રાખી શકાય નહીં, તેવી જોગવાઈ કરી હતી. આ સિવાય પશુઓને રસ્તાઓ ઉપર રખડતાં મૂકવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો.

આ માર્ગદર્શિકામાં રખડતાં ઢોરના કારણે થતાં ઈજા કે મૃત્યુના કિસ્સામાં પશુમાલિકની જવાબદારી નક્કી કરવામાં આવી હતી.

આ માર્ગદર્શિકામાં જણાવ્યાં મુજબ, ” રખડતાં પશુઓના કારણે નાગરિકોને ગંભીર ઈજા, નુકસાન થાય તો ધી જીપીએમસી ઍક્ટ 1949ની કલમો, પોલીસ કમિશનર કે જિલ્લા મૅજિસ્ટ્રેટના જાહેરનામા અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે.”

આ માર્ગદર્શિકા અનુસાર, રખડતાં પશુઓ અંગેની તમામ જવાબદારી પશુમાલિકની રહેશે.

રખડતાં પશુના કારણે નાગરિક-રાહદારીને જાનમાલનું નુકસાન થાય તો તે અંગે દીવાની/ફોજદારી રાહે માલિક સામે પગલાં લઈ તેની પાસેથી વળતર વસૂલાત, નુકસાનની દાવા જેવી કાર્યવાહી કરી શકાશે.

ગંભીર ઈજા – મૃત્યુના કિસ્સામાં કેટલું નાણાકીય વળતર ચૂકવવું એ અંગેની બાબતો નક્કી કરવાની આખરી સત્તા સબંધિત મહાનગરપાલિકાની રહેશે.”

રખડતાં પશુના કારણે થયેલા અકસ્માતના કિસ્સામાં વળતર મેળવવા શું કરી શકાય?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રખડતાં ઢોર, ગુજરાત હાઇકોર્ટ, ઢોર, પશુ-પ્રાણી

ઇમેજ સ્રોત, GUJARATHIGHCOURT.NIC.IN

રખડતાં પશુના કારણે થતા અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મૃતકના પરિવારજનોને વળતરની માગ કરતી જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરનારા વકીલ નિલય પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે,”રખડતાં પશુઓના કારણે જો કોઈ વ્યક્તિ અકસ્માતનો ભોગ બને, અને તેમાં મૃત્યુ પામે, તો તે મૃતકના પરિવારજનો આ અંગે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કે અન્ય ઑથૉરિટી પાસેથી વળતર માગી શકે છે.”

“જેમ કે, મહાનગરપાલિકા, નગરપાલિકા કે જિલ્લા પંચાયત કે નૅશનલ હાઇવે ઑથૉરિટી ઑફ ઇન્ડિયાના કાર્યક્ષેત્રમાં આવી ઘટના ઘટી હોય તો એ ઑથૉરિટી સામે ફરિયાદ પણ દાખલ થઈ શકે છે.”

“સાથે આ અંગે વળતર મેળવવા કોર્ટમાં દાવો કરી શકાય છે. આવા કેટલાક કિસ્સામાં અમે ગુજરાત હાઇકોર્ટમાંથી પીડિતોને પાંચ લાખ રૂ.નું કામચલાઉ વળતર અપાવ્યું છે.”

“જેમાં, અમદાવાદ મ્યુનિ. કૉર્પોરેશન અને દહેગામ મ્યુનિસિપાલિટીએ પીડિત પરિવારોને સહાય ચૂકવી છે.”

રખડતાં પશુઓ અંગે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી જાહેર હિતની અરજી સંદર્ભમાં ઍડ્વોકેટ નિલય પટેલે ગુજરાત હાઇકોર્ટમાં એક સોગંદનામું કર્યું હતું, જેમાં તેમણે કેટલીક માહિતી આપેલી છે.

જેમાં સપ્ટેમ્બર 2022થી એપ્રિલ 2023 દરમિયાન 108 ઇમર્જન્સી સર્વિસને કૂતરાં, ગાય, ભેંસ સહિતનાં પશુઓને કારણે થયેલી ઈજાના આંકડા રજૂ કરાયા હતા.

પશુઓના કારણે થયેલી ઈજાના આંકડા મુજબ,રાજ્યમાં સપ્ટેમ્બર 2022માં 471, ઑક્ટોબર 2022માં 513, નવેમ્બર 2022માં 444, ડિસેમ્બર 2022માં 475, જાન્યુઆરી 2023માં 450, ફેબ્રુઆરી 2023માં 401, માર્ચ 2023માં 508, એપ્રિલ 2023માં 412 જેટલા લોકોને પશુઓના કારણે થયેલી ઈજા અંગેના કૉલ મળ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS