Home તાજા સમાચાર gujrati ગુજરાત : યુનિફૉર્મ સિવિલ કોડને મુસ્લિમ મહિલાઓ કેવી રીતે જુએ છે?

ગુજરાત : યુનિફૉર્મ સિવિલ કોડને મુસ્લિમ મહિલાઓ કેવી રીતે જુએ છે?

8
0

Source : BBC NEWS

ગુજરાત : યુનિફૉર્મ સિવિલ કોડને મુસ્લિમ મહિલાઓ કેવી રીતે જુએ છે?  ગુજરાત વિધાનસભા બીબીસી ગુજરાતી મહિલા લગ્ન છૂટાછેડા

ઇમેજ સ્રોત, BBC/Zakia Soman/Getty Images

ગુજરાત વિધાનસભામાં આ અઠવાડિયે યુનિફૉર્મ સિવિલ કોડ (UCC) બિલ બહુમતિથી પસાર કરવામાં આવ્યું. આ સાથે જ ઉત્તરાખંડ પછી ગુજરાત બીજું રાજ્ય બન્યું છે જેમાં યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતાનો ખરડો પસાર થયો છે.

યુસીસી બિલ પસાર થયા પછી ભાજપ તેને ‘ન્યાયની દિશામાં લેવાયેલું પગલું’ ગણાવે છે, જ્યારે બિલના વિરોધીઓનું કહેવું છે કે ‘ચૂંટણી’ઓને ધ્યાનમાં રાખીને આ બિલ પસાર કરવામાં આવ્યું છે.

આ બિલમાં લગ્નનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાની, લિવ-ઇન સંબંધોના રજિસ્ટ્રેશનની, દીકરીને સમાન વારસાગત હક આપવાની અને છૂટાછેડા માટે સમાન નિયમો બનાવવાની વાત કરવામાં આવી છે.

આ બિલમાં એવી કેટલીક બાબતો છે જે મુસ્લિમોને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી હોય તેવા આરોપ થાય છે. બીબીસી ગુજરાતીએ આ વિશે કેટલીક મુસ્લિમ મહિલાઓ સાથે વાત કરીને તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો.

મુસ્લિમ મહિલાઓ માટે શું બદલાશે?

બીબીસી ગુજરાતી ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા યુનિફૉર્મ સિવિલ કોડ યુસીસી બિલને મુસ્લિમ મહિલાઓ કેવી રીતે જુએ છે

ઇમેજ સ્રોત, Zakia Soman

ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનનાં સ્થાપક ઝાકિયા સોમન દેશમાં મહિલા અધિકારો માટે વર્ષોથી લડત આપી રહ્યાં છે. તેમણે ત્રણ તલાકની પ્રથા વિરુદ્ધ કાયદો બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભુમિકા ભજવી હતી.

ગુજરાતના યુસીસી બિલ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ઝાકિયાએ કહ્યું કે, “યુસીસીમાં લિંગ આધારિત ન્યાય (Gender Justice) અને સમાનતાની વાત અસલમાં છે. મુસ્લિમ સમુદાયના ફૅમિલી લૉમાં સુધારા નથી થયા. તેના કારણે બાળલગ્ન, એકતરફી છૂટાછેડા, બહુપત્નીત્વ, મિલ્કતમાં મહિલાને સમાન ન મળવો, નિકાહ-હલાલા વગેરે પ્રશ્નો છે.”

તેઓ કહે છે કે, “ભારતમાં મુસ્લિમ ધાર્મિક આગેવાનોએ ફૅમિલી લૉમાં સુધારા થવા દીધા ન હોય ત્યારે સૌથી સારો વિકલ્પ યુનિફૉર્મ સિવિલ કોડ જ છે. પરંતુ તેમાં સમસ્યા એ છે કે આનું વધારે પડતું રાજકીયકરણ કરવામાં આવી રહ્યું છે. તેને એવી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે કે જાણે આ કાયદાથી લવ-જેહાદ અટકી જશે. લવ-જેહાદનું આખું રાજકારણ એ હિંદુત્વના રાજકારણનો હિસ્સો છે.”

ઝાકિયા સોમન કહે છે કે, “1955-56માં જવાહરલાલ નહેરુ અને આંબેડકરે હિંદુ મૅરેજ ઍક્ટમાં સુધારા કર્યા ત્યારે પણ હિંદુ ધાર્મિક આગેવાનો અને અમુક રૂઢિચુસ્ત વર્ગ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ નહેરુએ તેમને ગણકાર્યા નહીં અને હિંદુ મહિલાઓનાં હિતને પ્રાથમિકતા આપી.”

“તે મુજબ તેઓ હિંદુ મૅરેજ ઍક્ટ, હિંદુ સક્સેસન ઍક્ટ, હિંદુ ગાર્ડિયનશિપ એન્ડ ઍડોપ્શન ઍક્ટ લાવ્યા. જેના આધારે આજે હિંદુ મહિલાઓને અધિકાર મળ્યા છે. પરંતુ ત્યાર પછી ભારતમાં સેક્યુલરિઝમના નામે મુસ્લિમ મહિલાઓના કાયદામાં સુધારા થઈ શક્યા નથી.”

ઝાકિયા સોમન સ્વીકારે છે કે ભારતમાં જે રીતે ધર્મનું રાજકારણ કરવામાં આવે છે અને કોમી ધ્રુવીકરણ થયું છે, તેના કારણે ઘણા મુસ્લિમો આ કાયદા અંગે શંકા ધરાવે છે.

તેઓ કહે છે, “અમુક મુસ્લિમો વિચારે છે કે જે સરકાર નાની નાની બાબતોમાં ઘર પર બુલડોઝર ચલાવે છે તેને અમારી મહિલાઓના અધિકારોની કેવી રીતે પરવા હોઈ શકે?”

ભારતમાં બહુપત્નીત્વ કેટલું વ્યાપક?

બીબીસી ગુજરાતી ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા યુનિફૉર્મ સિવિલ કોડ યુસીસી બિલને મુસ્લિમ મહિલાઓ કેવી રીતે જુએ છે

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં બહુપત્નીત્વનું પ્રમાણ કેટલું છે તેના તાજાં ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ ઝકિયા સોમન કહે છે કે ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન (BMMA)એ 2025માં ગુજરાત સહિત સાત રાજ્યોમાં એક સર્વે કર્યો હતો જેમાં તેમને 2500 મુસ્લિમ મહિલાઓ એવા મળ્યાં જેઓ પ્રથમ અથવા બીજી પત્ની હતી. એટલે કે તેમના પતિએ એકથી વધુ લગ્ન કર્યાં હતાં.

આ સર્વે પ્રમાણે 85 ટકા મુસ્લિમ મહિલાઓ ઇચ્છે છે કે બહુપત્નીત્વ નાબૂદ કરવામાં આવે, 79 ટકા પ્રથમ પત્નીઓને તેમના પતિનાં બીજાં લગ્ન વિશે ક્યારેય જણાવાયું ન હતું.

આ ઉપરાંત 88 ટકા મહિલાઓએ કહ્યું કે તેમના પતિએ બીજાં લગ્ન કરતાં પહેલાં તેમની મંજૂરી લીધી ન હતી. 54 ટકા પ્રથમ પત્નીઓને તેમના પતિએ બીજાં લગ્ન પછી તરછોડી દીધી હતી. 36 ટકા મહિલાઓને તરછોડાયા પછી પતિ તરફથી કોઈ નાણાકીય સહાય મળી ન હતી. જ્યારે આ 2500 પૈકી 47 ટકા મહિલાઓને તેમનાં માતાપિતાના આશ્રયમાં જવું પડ્યું હતું.

ધ પ્રિન્ટે મુંબઈ સ્થિત ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર પૉપ્યુલેશન સાયન્સિસ (IIPS)ના જૂન 2022ના આંકડા ટાંકીને લખ્યું છે કે તેમના અભ્યાસમાં 1.4 ટકા મહિલાઓએ જણાવ્યું કે તેમના પતિને એક કરતાં વધુ પત્ની છે. તેમાં હિંદુ, મુસ્લિમ અને બીજા ધર્મના લોકો પણ આવી જાય છે. 1.9 ટકા મુસ્લિમ અને 1.3 ટકા હિંદુ મહિલાઓએ સ્વીકાર્યું કે તેમના પતિ એક કરતાં વધુ પત્ની ધરાવે છે. મેઘાલયમાં સૌથી વધુ 6.1 ટકા મહિલાઓએ કહ્યું કે તેમના પતિ બહુપત્નીત્વ કરે છે. ગોવામાં આ પ્રમાણ સૌથી ઓછું 0.2 ટકા હતું. ગુજરાતની સરેરાશ 0.5 ટકા હતી.

‘યુસીસીની કોઈ જરૂર ન હતી, બધાની તકલીફો વધશે’

બીબીસી ગુજરાતી ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા યુનિફૉર્મ સિવિલ કોડ યુસીસી બિલને મુસ્લિમ મહિલાઓ કેવી રીતે જુએ છે

ઇમેજ સ્રોત, Azima Girach

સામાજિક કાર્યકર્તા અને ઍડ્વોકેટ અઝીમા ગીરાચને ગુજરાતનો યુસીસી કાયદો બિનજરૂરી લાગે છે.

તેઓ કહે છે કે લગ્નના રજિસ્ટ્રેશન માટે પહેલેથી આપણી પાસે બે કાયદા છે ત્યારે એક નવો કાયદો લાવવાની કોઈ જરૂર નથી.

તેમણે કહ્યું કે “આપણી પાસે મહિલાઓના ભરણપોષણ માટે સેક્શન 125 છે, ડૉમેસ્ટિક વાયોલન્સ ઍક્ટ છે, લગ્ન વિચ્છેદ અધિનિયમ અને મુસ્લિમોમાં મહિલાઓના અધિકાર અને ટ્રિપલ તલાકનો કાયદો છે. આ બધાની હાજરીમાં નવી સિસ્ટમ એટલા માટે ઊભી કરવામાં આવી જેથી હિંદુ અને મુસ્લિમો તથા આદિવાસીઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે ભેદભાવ ઊભો થાય.”

અઝીમા ગીરાચ કહે છે કે, “મુસ્લિમોમાં કાકા અને મામાનાં દીકરા-દીકરી સાથે લગ્ન થઈ શકે છે. કેટલાક આદિવાસીઓ અને ઘણા દલિતોમાં પણ આ રીતે લગ્ન થઈ શકે છે. તો પછી આ કાયદો કૉમન સિવિલ કોડ કેવી રીતે કહી શકાય. આ તો લોકોને અલગ પાડવાનો પ્રયત્ન છે.”

યુસીસીથી મહિલાઓને વારસાઈ હક મળશે તેવી સરકારની દલીલ સાથે અઝીમા સહમત નથી.

તેઓ કહે છે કે “ઇસ્લામમાં મહંમદ પયગંબર સાહેબના સમયથી દીકરીઓને વારસાઈ અધિકાર મળેલો છે. જ્યારે હિંદુ વારસાધારામાં સુધારો તો તાજેતરની બાબત છે.”

તેઓ કહે છે કે, “લગ્ન અને છૂટાછેડાની બાબતમાં પહેલેથી નોંધણીની વ્યવસ્થા છે ત્યારે આ કાયદો લાવવાથી વધુ એક સિસ્ટમનો ઉમેરો થશે.”

તેઓ મુસ્લિમોમાં લગ્ન અને છૂટાછેડાના હાલના કાયદાને પ્રગતિશીલ માને છે.

તેમણે કહ્યું કે “મુસ્લિમોમાં પહેલેથી લગ્ન એક કરાર છે અને પતિ-પત્ની એકબીજાને પસંદ ન કરતા હોય તો સરળતાથી છૂટા થઈ શકે છે.”

જોકે, આ જોગવાઈનો દુરુપયોગ થાય તે વાત સાથે તેઓ સ્વીકારે છે.

તેઓ કહે છે કે, “કોર્ટમાં છૂટાછેડા થઈ ગયા હોય ત્યાર પછી તેનું યુસીસી હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું એ માત્ર મુસ્લિમો જ નહીં, પરંતુ બધા લોકો માટે બમણી મહેનત રહેશે.”

મુસ્લિમોમાં યુસીસી બિલના વિરોધ વિશે ઝાકિયા સોમન કહે છે કે, “આપણે કાયદાકીય સુધારાને સમાજમાં સ્વીકૃત બનાવવા હોય તો, સમાજને સાથે રાખીને ચાલવું જોઈએ. પરંતુ અહીં એક પ્રતિરોધી વલણ અપનાવાઈ રહ્યું છે. ઉદાહરણ તરીકે શ્રદ્ધા વાલકરનું તેના લીવ-ઇન પાર્ટનર દ્વારા મર્ડર કરવામાં આવ્યું તેનો દાખલો અપાય છે. પરંતુ આવું કોઈ પણ સમુદાયમાં થઈ શકે છે.”

‘યુસીસી લાગુ થવાથી જેન્ડર સમાનતા આવશે’

બીબીસી ગુજરાતી ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા યુનિફૉર્મ સિવિલ કોડ યુસીસી બિલને મુસ્લિમ મહિલાઓ કેવી રીતે જુએ છે

ઇમેજ સ્રોત, Aman Amwar Shaikh/FB

ગુજરાત હાઇકોર્ટના ઍડ્વોકેટ અમન અનવર શેખ યુસીસીને બિલને આવકારતાં કહે છે કે “આનાથી જેન્ડર સમાનતા આવશે.”

તેઓ કહે છે કે “દરેક ધર્મ માટે અલગ અલગ કાયદા હોવા ન જોઈએ, પરંતુ સેક્યુલર હોવા જોઈએ. આ કાયદો માત્ર મુસ્લિમો માટે નહીં પણ બધા માટે છે. મુસ્લિમો કરતાં બીજા ધર્મના લોકોની સંખ્યા વધારે છે, તેથી તેમને પણ એટલો જ લાગુ થશે.”

અમન અનવર શેખ ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસના પૅનલ ઍડ્વોકેટ છે અને ભાજપ સાથે સંકળાયેલાં છે.

તેઓ કહે છે કે “વારસાનો અધિકાર મળવાથી મુસ્લિમ છોકરીઓને ફાયદો થશે. અત્યાર સુધી મોટા ભાગના પરિવારોમાં જોવા મળ્યું છે કે છોકરીના લગ્ન થઈ જાય પછી તે લાગણીમાં આવી જઈને મિલકત પરનો અધિકાર ભાઈની તરફેણમાં જતો કરતી હતી. હવે બહેનને પણ હિસ્સો મળશે.”

આ બિલના વિરોધમાં થતી દલીલોને તેઓ નૅગેટિવ રાજકીય પ્રચાર ગણાવે છે.

‘બધા પર હિંદુ મૅરેજ ઍક્ટ લાદવા પ્રયાસ’

બીબીસી ગુજરાતી ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા યુનિફૉર્મ સિવિલ કોડ યુસીસી બિલને મુસ્લિમ મહિલાઓ કેવી રીતે જુએ છે

ઇમેજ સ્રોત, Facebook/Shaikh Zainal Corporator

અમદાવાદમાં ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)એ આ બિલનો વિરોધ કર્યો છે.

AIMIMના મહિલા કૉર્પોરેટર જૈનબ શેખના કહેવા પ્રમાણે “મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવા માટે હાલના ફોજદારી કાયદા પૂરતા છે. સરકાર જો ખરેખર મહિલાઓની ભલાઈ ઇચ્છતી હોય તો ફોજદારી કાયદા સુધારીને મહિલાઓને કોર્ટના ધક્કામાંથી છૂટકારો આપવો જોઈએ.”

યુસીસીની મહત્ત્વની દરખાસ્તો વિશે તેમણે કહ્યું કે “આ બિલમાંથી આદિવાસીઓને બાકાત રાખવામાં આવ્યા છે, ત્યારે તેને સમાન કેવી રીતે કહી શકાય. ગુજરાતમાં 14થી 15 ટકા આદિવાસીઓ છે. તેથી ભાજપે પોતાની વોટબૅન્કને બચાવવા તેમને અલગ રાખ્યા છે.”

તેમણે આરોપ લગાવ્યો કે “આ એક હિંદુ ઍક્ટ છે જેને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ પર થોપવાનો પ્રયાસ છે.”

બીબીસી ગુજરાતી ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા યુનિફૉર્મ સિવિલ કોડ યુસીસી બિલને મુસ્લિમ મહિલાઓ કેવી રીતે જુએ છે

ઇમેજ સ્રોત, Getty Images

જૈનબ શેખે કહ્યું કે “મુસ્લિમોમાં શિયા-સુન્નીના કાયદા અલગ અલગ હોય છે. અમારામાં ચાર સાક્ષી અને મૌલાના સાહેબ હાજર હોય એટલે મુસ્લિમોમાં નિકાહ થઈ જાય છે. લગ્ન કરવાની પ્રક્રિયા બહુ સરળ છે, પરંતુ હવે તેને વધુ મુશ્કેલ બનાવી છે. તેવી જ રીતે તલાક લેવાનું પણ બહુ સરળ હોય છે. સમાજના ચાર મોટા માણસો ભેગા મળીને સમાધાનથી છૂટાછેડા અપાવી શકતા હતા. પરંતુ હવે આ બધા માટે કોર્ટમાં જવું પડશે.”

બહુપત્નીત્વના મામલે તેમણે કહ્યું કે “આ જોગવાઈ સામે પણ અમારે વાંધો છે. એક પત્ની હોવા છતાં પુરુષ કોઈ નિરાધાર, ત્યક્તા કે વિધવાને ટેકો આપવા તેની સાથે લગ્ન કરે તે અમારા સમાજની સારી વાત છે.”

તેમણે લિવ-ઇન રિલેશનશિપને માન્યતા આપવાનો વિરોધ કરીને કહ્યું કે તે “ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. આનાથી સમાજમાં વ્યભિચાર ફેલાશે. આવા સંબંધોથી પેદાં થયેલાં બાળકોને કાયદેસર ગણવામાં આવશે, પરંતુ તેનાથી બાળકના ભવિષ્યને અસર થશે.”

યુસીસી બિલની મહત્ત્વની જોગવાઈઓ

બીબીસી ગુજરાતી ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા યુનિફૉર્મ સિવિલ કોડ યુસીસી બિલને મુસ્લિમ મહિલાઓ કેવી રીતે જુએ છે

ઇમેજ સ્રોત, GUJARAT VIDHANSABHA/YT

યુસીસી બિલમાં કેટલીક જોગવાઈઓ દરેક ધર્મના લોકોને વ્યાપક અસર કરવાની છે. જેમ કે,

  • હવેથી લગ્નનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
  • લિવ-ઇન સંબંધોનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
  • છૂટાછેડા માટે સૌ માટે સમાન નિયમો બનાવાયા છે.
  • દીકરી હોય કે દીકરો સૌને સમાન વારસાગત હક મળશે.
  • આ જોગવાઈના પાલન માટે દંડ અને સજા સહિત કડક અમલ થશે.
  • દરેક ધર્મ અને પરંપરા મુજબ થયેલ લગ્નની નોંધણી ફરજિયાત રહેશે, અને નોંધણી ન કરાવવાથી સજાની જોગવાઈ થશે.
  • ફરજિયાત લગ્ન નોંધણી ન કરાવવામાં આવે તો 10 હજાર સુધીનો દંડ, બળજબરી કે ધાકધમકીથી લગ્ન કરાવવામાં આવ્યા હોય તો સાત વર્ષ સુધીની સજા, અને એકથી વધુ લગ્ન કરવાના કિસ્સામાં સાત વર્ષથી વધુની સજાની જોગવાઈ.
  • છૂટાછેડા બાદ નોંધણી ફરજિયાત, કોર્ટ બહારના છૂટાછેડા અમાન્ય રહેશે. કોર્ટ બહારના છૂટાછેડા કરવાના કિસ્સામાં ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ.
  • લિવ-ઇન સંબંધોની નોંધણી ન થાય તો ત્રણ મહિના સુધીની સજા અને દંડની જોગવાઈ.
  • સગીરા સાથે લિવ-ઇન સંબંધના કિસ્સામાં પૉક્સો ઍક્ટ હેઠળ સજાની જોગવાઈ.
  • છૂટાછેડા માટે તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન નિયમોની જોગવાઈ, નિભાવખર્ચ સહિત તમામ મુદ્દે સમાન નિયમો.
  • લઘુમતી સમુદાયોમાં પિતરાઈ સાથેના લગ્ન એ તે સમુદાયની પરંપરામાં હોય તો, તેને આ બિલ કાયદો બન્યે પણ માન્ય ગણવામાં આવશે.
  • મુસ્લિમ દીકરીઓને મિલકતના વારસામાં પણ પુત્ર જેટલો હક્ક મળશે.
  • નિકાહ-હલાલા જેવી પ્રથાનો કાયમી અંત લાવવામાં આવશે.

લિવ-ઇન રિલેશનશિપ માટે કેવા નિયમો છે?

બીબીસી ગુજરાતી ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા યુનિફૉર્મ સિવિલ કોડ યુસીસી બિલને મુસ્લિમ મહિલાઓ કેવી રીતે જુએ છે

ઇમેજ સ્રોત, Getty Images

બિલમાં કહેવામાં આવ્યું છે કે સમાન નાગરિક સંહિતા લાગુ થયા પછી કે પહેલાં થયેલાં કોઈ પણ લગ્ન માટે લગ્નવિચ્છેદ તો જ કરી શકાશે જો…

1.લગ્નવિધિ થયા પછી અરજદાર સિવાયની કોઈ વ્યક્તિ સાથે સ્વૈચ્છિક જાતીય સંભોગ કર્યો હોય.

2. લગ્નવિધિ થયા પછી અરજદાર સાથે ક્રૂરતાથી વર્તન કર્યું હોય.

3. અરજી રજૂ થયાના તરત અગાઉનાં બે વર્ષ કરતાં ઓછા ન હોય તેવા સળંગ સમયગાળા માટે અરજદારને ત્યજી દીધો હોય.

4. અરજદારે કોઈ અન્ય ધર્મમાં રૂપાંતરણ કર્યું હોય.

5. અરજદારને અસાધ્ય માનસિક બીમારી હોય.

યુસીસી બિલ પર રાજકીય પ્રતિભાવ

બીબીસી ગુજરાતી ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા યુનિફૉર્મ સિવિલ કોડ યુસીસી બિલને મુસ્લિમ મહિલાઓ કેવી રીતે જુએ છે

ઇમેજ સ્રોત, GUJARAT VIDHANSABHA/YT

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલને બિરદાવીને કહ્યું કે, “સમાન નાગરિક સંહિતાથી રાજ્યમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું અમલમાં આવશે.”

નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ યુસીસી બિલ રજૂ થાય તે પહેલાં જ કહ્યું કે, “1947માં આપણે આઝાદ થયા, પરંતુ દેશના નિયમો સમુદાય, જાતિ અને ધર્મના આધારે ઘડવામાં આવ્યા હતા જેમાં મહિલાઓએ સૌથી વધારે સહન કરવું પડ્યું છે. યુસીસીથી ગુજરાતમાં સમાન કાયદા આવશે.”

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે “ઉત્તરાખંડ પછી હવે ગુજરાતમાં પણ યુસીસી પસાર થઈ ગયો છે. દેશમાં દરેક નાગરિક માટે એક સરખો કાયદો હોય તે ભાજપની સ્થાપના થઈ ત્યારથી સંકલ્પ રહ્યો છે.”

બીજી તરફ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ આ બિલનો વિરોધ કરતા કહ્યું કે, “આ બિલ ઉતાવળે લાવવામાં આવ્યું છે. પહેલા તેને સમિતિ પાસે મોકલવાની જરૂર હતી.”

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું કે “ભાજપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દબાણને કારણે યુસીસી મુદ્દે ઉતાવળ કરે છે. ચૂંટણીને કારણે આદિવાસી સમાજને તેનાથી બહાર રાખવામાં આવ્યો છે. પરંતુ ભવિષ્યમાં તેનો પણ સમાવેશ થઈ શકે છે.”

ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)એ યુસીસી બિલનો વિરોધ કરીને અમદાવાદમાં દેખાવો યોજ્યા હતા અને આ બિલ પાછું ખેંચી લેવાની માંગણી કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS