Source : BBC NEWS
ઇમેજ સ્રોત, ani
6 એપ્રિલ, 2026ના દિવસે એક એવા સમાચાર સામે આવ્યા, જેની નોંધ લગભગ આખા ભારતમાં લેવાઈ.
આ સમાચાર હતા, મદુરાઈની એક કોર્ટ દ્વારા પિતા-પુત્રની જોડીના કસ્ટોડિયલ ટૉર્ચર અને મૃત્યુના એક કેસમાં કુલ નવ પોલીસકર્મીઓને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. આ ચુકાદાને ઘણાં મીડિયા સંસ્થાનોએ ‘ઐતિહાસિક’ ગણાવ્યો.
ગુજરાતમાં પણ ઘણી વાર પોલીસ કસ્ટડીમાં કથિત મારઝૂડ અને ગેરવર્તનના કિસ્સા સામે આવતા રહે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયમાં પોલીસના નાગરિકો સાથેના ગેરવર્તનના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર શૅર થાય છે, જેમાં ક્યારેક પોલીસના વર્તન સામે તો અથવા તો ક્યારેક નાગરિકના વર્તન સામે પણ સવાલો ઊભા થાય છે.
ગુજરાતમાં પોલીસ કર્મચારીઓ/અધિકારીઓના ગેરવર્તનની જાણ કરવા અને તેમના વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટની સૂચના બાદ વર્ષ 2024માં એક હેલ્પલાઇન – 14449 નંબરથી શરૂ કરવામાં આવી હતી.
જોકે, પોલીસકર્મી/અધિકારીઓ સામે ફરિયાદ કરવા માટે બનેલી હેલ્પલાઇન ‘14449’ તેનો હેતુ સિદ્ધ કરવામાં કેટલી કાર્યક્ષમ નીવડી છે, એ અંગે માહિતી મેળવવા માટે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ ગુજરાતના પોલીસ મહાનિદેશકની કચેરીમાં માહિતી અધિકારના કાયદા હેઠળ એક અરજી કરી હતી.
જેના જવાબમાં જાણવા મળ્યું છે કે ફેબ્રુઆરી, 2024ના રોજ આ હેલ્પલાઇન શરૂ થયા બાદથી ડિસેમ્બર 2025ની શરૂઆત સુધીના લગભગ 23 માસના સમયમાં દર મહિને હેલ્પલાઇન પર સરેરાશ 2200થી વધુ કૉલ આવ્યા છે. જે પૈકી આટલા લાંબા સમયમાં માત્ર 12 પોલીસકર્મી/અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવી છે.
આ પૈકી કેટલા કેસોમાં એફઆઇઆર નોંધવામાં આવી છે? આ પ્રશ્નના જવાબમાં ગુજરાત પોલીસ મહાનિદેશકની કચેરીએ કોઈ જવાબ આપ્યો નથી.
બીબીસી ગુજરાતીએ આ મામલે ગુજરાત પોલીસમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત અધિકારીઓ સાથે વાત કરીને તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો, તેમણે જણાવ્યું કે આ આંકડા પોલીસ વિભાગે આ હેલ્પલાઇન અને તેના હેતુને ‘બિલકુલ ગંભીરતાથી ન લીધાં’ હોવાનું સૂચવે છે.
તેમનું કહેવું છે કે, “આ આંકડા એવું ચિત્ર રજૂ કરે છે કે રાજ્યમાં પોલીસના બધા કર્મચારીઓ નાગરિકો સાથે ખૂબ જ સદ્ભાવનાપૂર્ણ વર્તન કરે છે, જે વાસ્તવિકતાથી દૂર છે.”
આ સમગ્ર મામલે ગુજરાત પોલીસ અને સરકારનો મત જાણવા માટે બીબીસી ગુજરાતીએ ફોન કૉલ્સ, વૉટ્સઍપ મૅસેજ અને ઇમેઇલ મારફતે રાજ્યના પોલીસ મહાનિદેશક અને રાજ્યના ગૃહમંત્રી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો.
આરટીઆઇમાં શું પ્રશ્નો પુછાયા અને શું જવાબ મળ્યો?
ઇમેજ સ્રોત, Arjun Parmar/BBC
નોંધનીય છે કે પોલીસકર્મી અને ટીઆરબી જવાનોએ અમદાવાદના ઓગણજ ટોલ પ્લાઝા ખાતે એક પરિવાર પાસેથી કથિતપણે 60 હજાર રૂ. લાંચ પેટે પડાવ્યાનો મામલો સામે આવ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે એક સુઓમોટો જાહેર હિતની અરજી હાથ ધરી હતી.
ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ મયીની ડિવિઝન બેન્ચે પોલીસ અને ટીઆરબી જવાનો સામે ફરિયાદ કરવા માટે એક અલાયદી હેલ્પલાઇન શરૂ કરવાનો આગ્રહ કર્યો હતો. જે બાદ ગુજરાત સરકારે કોર્ટમાં માહિતી આપતાં ‘14449’ હેલ્પાઇન આ હેતુ માટે શરૂ કર્યાની વાત કરી હતી.
બીબીસી ગુજરાતીએ માહિતી અધિકારની અરજી કરીને કુલ સાત મુદ્દામાં પોલીસ ગેરવર્તનની ફરિયાદ કરવા માટેની હેલ્પલાઇન અંગે માહિતી મગાઈ હતી.
જેમાં ‘14449’ હેલ્પાઇન શરૂ થયાથી અરજીનો જવાબ અપાયો એ દિવસ સુધી એટલે કે લગભગ 23 મહિનાના ગાળામાં કુલ 51,954 ફોન કૉલ્સ આવ્યા હતા.
જેમાં કુલ 1895 પોલીસકર્મી/અધિકારી સામે 1895 ફરિયાદો મળી હતી.
આ ઉપરાંત જવાબમાં કહેવાયું છે કે કુલ 1895 ફરિયાદો પૈકી લાગતા-વળગતા જિલ્લા પોલીસ ફરિયાદ સત્તામંડળને કુલ 1825 ફરિયાદો મોકલી આપવામાં આવી હતી.
ઇમેજ સ્રોત, Arjun Parmar/BBC
14449 હેલ્પલાઇન થકી આવેલી ફરિયાદો/રજૂઆતો અંગે જિલ્લા પોલીસ ફરિયાદ સત્તામંડળને મળેલ અરજીઓ પૈકી કુલ 12 પોલીસ અધિકારી/કર્મચારી સામે જે-તે શહેર/જિલ્લા તરફથી વિભાગીય કાર્યવાહી કરવામાં આવી છે.
આ સિવાય અરજીમાં હેલ્પલાઇન થકી ફરિયાદ મળ્યા બાદ જેટલા કિસ્સામાં એફઆઇઆર નોંધવામાં આવી હોય તેની સંખ્યા જણાવવાની વિનંતી કરાઈ હતી, જોકે, આ અંગે ગુજરાત પોલીસ મહાનિદેશકની કચેરી દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો.
આ ઉપરાંત આ હેલ્પલાઇન નંબર અંગે જાગૃતિ ફેલાવવા માટે ડીજીપી ઑફિસ તરફથી કરાયેલા ખર્ચ અંગે પણ વિગતો મગાઈ હતી, જેના જવાબમાં જણાવાયું હતું કે ડીજીપી ઑફિસ દ્વારા આ હેતુ માટે કોઈ ખર્ચ કરાયો નથી.
સામેની બાજુએ બીબીસી ગુજરાતીની વધુ એક માહિતી અધિકારની અરજીના જવાબમાં ડીજીપી ઑફિસે જણાવ્યું હતું કે કચેરી દ્વારા વર્ષ 2024માં ‘પોલીસ કોમેમોરેશન ડે’ એટલે કે પોલીસ શહીદી દિનનું ઍડવર્ટોરિયલ (અખબારમાં છપાતું ઍડ જેવું દેખાય એવું એડિટોરિયલ) છપાવવા માટે કુલ આઠ લાખ રૂ. વત્તા ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સના દર જેટલો ખર્ચ થયો હતો, જેમાં મોટા ભાગે પોલીસદળના યોગદાન અને સેવાકીય ભાવની વાત કરાઈ હતી.
પૂર્વ પોલીસ અધિકારીઓએ આ મામલે શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત પોલીસના નિવૃત્ત આઇજીપી રમેશ સવાણીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં માહિતી અધિકારની અરજીના જવાબમાં અપાયેલા આંકડા હેલ્પલાઇનની અસર અને પોલીસ સામેની ફરિયાદો અંગે અખત્યાર કરાતા વલણ અંગે શું સૂચવે છે એ જણાવ્યું.
તેમણે કહ્યું, “અહીં હું પહેલાં એ કહેવા માગીશ કે કોઈ પણ મિકૅનિઝમ ઊભું કરવામાં આવે, પરંતુ તેમાં સરકારનું મન પરોવાયેલું ન હોય તો તેની અસરકારકતા ઊભી ન થાય.”
“અહીં એ વાત સમજવાની છે કે સરકારે આ હેલ્પલાઇન હાઇકોર્ટની સૂચના બાદ શરૂ કરી છે, સરકારને જાતે એવું નથી લાગ્યું કે નાગરિકોને ખૂબ તકલીફ છે, પોલીસ નાગરિકો સાથે અયોગ્ય વર્તન કરે છે, પણ હાઇકોર્ટને આ વાત અનુભવાઈ છે. જોકે, હાઇકોર્ટની સૂચના બાદ સરકારે જાગીને હેલ્પલાઇન ચાલુ કરી એ સારી બાબત છે.”
તેઓ આંકડા અંગે વાત કરતાં કહે છે કે, “હેલ્પલાઇન શરૂ થયાના લગભગ 23 મહિનામાં આ હેલ્પલાઇન પર 51,954 કૉલ્સ આવ્યા છે. આ ફરિયાદો અનુસંધાને માત્ર 12 પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ સામે લેવાયાં. આ આંકડા એ સૂચવે છે કે આ હેલ્પલાઇન બીજું કંઈ નહીં, પરંતુ એક નાટક છે, જે અનુચિત છે.”
સવાણી સવાલ ઉઠાવતાં કહે છે કે, “શું આનાથી સરકાર એવું સૂચવવા માગે છે કે આ હેલ્પલાઇન શરૂ થઈ ત્યારથી માત્ર 12 પોલીસકર્મીઓએ જ ગેરવર્તન કર્યું છે? શું આ વાત માની શકાય એવી છે?”
“મારું માનવું એ છે કે હાઇકોર્ટે પોલીસ સામે ફરિયાદનો મુદ્દો વધુ જલદ બન્યા બાદ આ સૂચના આપી છે, તો આવા સંજોગોમાં સરકારે જાગૃત થઈને વ્યવસ્થિત તંત્ર ગોઠવવું જોઈએ.”
તેઓ માહિતીની છણાવટ કરતાં કહે છે, “અહીં પોલીસ અધિકારીઓ સામે કરાયેલી કાર્યવાહી સામે પણ પ્રશ્ન ઊઠે છે, જવાબમાં જણાવાયું છે કે જે-તે પોલીસ અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ એ કાર્યવાહી શું છે? તેના પ્રકાર અંગે કોઈ માહિતી નથી.”
તેઓ વધુ એક પ્રશ્ન પૂછતાં કહે છે કે, “આ માહિતી અધિકારની અરજીના જવાબમાં પોલીસના ગેરવર્તન બદલ હેલ્પલાઇનમાં મળેલી ફરિયાદો સામે એફઆઇઆરની સંખ્યા નથી અપાઈ. અહીં પ્રશ્ન એ થાય છે કે શું ગુજરાતમાં આટલા સમયમાં પોલીસે ગેરવર્તન કર્યાનો એકેય મામલો એફઆઇઆર નોંધવાલાયક નથી જણાયો? તો પછી આ હેલ્પલાઇન અને ફરિયાદ માટેનાં અન્ય તંત્રોની શું જરૂર છે?”
“આ જવાબથી એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે કે આખું પોલીસતંત્ર નાગરિકો સાથે ખૂબ જ સદ્ભાવનાપૂર્વક વર્તન કરે છે, પરંતુ હકીકત આના કરતાં જુદી છે.”
તેઓ કહે છે કે, “આ જવાબથી તંત્રને સુધારવામાં સરકારની પોતાની ઇચ્છાશક્તિ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે, જો એવું ન હોય તો આવા નબળા આંકડા આપણી સામે ન હોત. જો એવું ન હોત તો આવા કિસ્સાઓમાં દાખલો બેસે એવી સજા કરાઈ હોત. આવા કિસ્સામાં દાખલારૂપ સજા એટલા માટે પણ જરૂરી હોય છે કે આ ઉદાહરણ જોઈને ભવિષ્યમાં પણ કોઈ આવું ગેરવર્તન ન કરે.”
ઇમેજ સ્રોત, Arjun Parmar/BBC
ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસના પદેથી નિવૃત્ત થયેલા પોલીસ અધિકારી રાજન પ્રિયદર્શીએ પોલીસ ગેરવર્તનની ફરિયાદ કરવા માટેની હેલ્પલાઇન અંગે સામે આવેલા આ આંકડા અંગે કહ્યું કે, “આ આંકડા જાણીને એવું લાગી રહ્યું છે કે પોલીસતંત્રે પોલીસ સામે ગેરવર્તનની ફરિયાદ માટેની આ હેલ્પલાઇન પર આવેલા કૉલ્સ બદલ બિલકુલ કાર્યવાહી નથી કરી અથવા તો નહિવત્ પ્રમાણમાં કાર્યવાહી કરી છે.”
“એવું પણ કહી શકાય કે આ હેલ્પલાઇન, તેમાં આવતા ફરિયાદના કૉલ્સને અને ફરિયાદોને ગંભીરતાથી લેવામાં નથી આવતાં. એવું પણ કહી શકાય કે કાયદેસર રીતે આ ફરિયાદોના નિકાલ નથી કરાઈ રહ્યા.”
જોકે, તેઓ કહે છે કે, “આ પોલીસતંત્રના લેવલની જ વાત છે, અહીં સરકાર ચિત્રમાં નથી આવતી. એફઆઇઆર દાખલ કરાવવાની જવાબદારી જે-તે પોલીસ અધિકારીઓની છે.”
આ સમગ્ર મામલે નિવૃત્ત પોલીસ અધિકારીઓએ કરેલાં અવલોકનો અને ટીકાઓ સામે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારનો મત જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યા હતા, રાજ્યના પોલીસ મહાનિદેશકના મોબાઇલ ફોન પર કૉલ, વૉટ્સઍપ મૅસેજ ઉપરાંત ઇમેઇલ થકી વાત કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમનો કોઈ જવાબ મળ્યો નહોતો.
આ ઉપરાંત રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફોન કરી અને ઇમેઇલ મારફતે આ સંદર્ભે તેમનો પક્ષ જાણવા પ્રયાસ કરાયો હતો, જોકે, તેમના તરફથી પણ કોઈ જવાબ મળ્યો નહોતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



