Home તાજા સમાચાર gujrati ગુજરાત : દેખાતું હોવા છતાં દૃષ્ટિહીન પુરુષ સાથે લગ્ન કર્યાં, ગાયક દંપતીની...

ગુજરાત : દેખાતું હોવા છતાં દૃષ્ટિહીન પુરુષ સાથે લગ્ન કર્યાં, ગાયક દંપતીની પ્રેમકહાણી

16
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વેલેન્ટાઇન્સ ડે,

ઇમેજ સ્રોત, Bhargav Parikh

“મેં જ્યારે મારા ઘરમાં કહ્યું કે હું નિર્મેશ સાથે લગ્ન કરવા માગું છું, ત્યારે અમારાં બંનેના ઘરમાં ભૂકંપ આવ્યો હોય એવું વાતાવરણ થઈ ગયું હતું, કારણ કે નિર્મેશ નેત્રહીન હતો અને હું જોઈ શકતી હતી. મારાં સાસરી અને પિયરમાં બધા એમ કહેતા કે લગ્ન કરતાં પહેલાં ફરી વાર વિચાર, જિંદગીનો સવાલ છે, પણ અમે બંનેએ નક્કી કર્યું હતું કે એક વાર એકબીજાની હથેળીમાં હાથ મૂકી સાત ફેરા ફરીએ પછી નથી જોવું કે ભાગ્યરેખામાં શું લખ્યું છે.”

આ શબ્દો છે એક નેત્રહીન ગાયક અને પ્રોફેસરને પરણનાર વૈશાલી મહેતાના.

વૈશાલી મહેતા પોતે પણ ગાયક છે, પોતાના પ્રેમની શરૂઆતની વાત કરતાં વૈશાલી મહેતા કહે છે કે, “એ 90નો દાયકો હતો, હું કૉલેજમાં ભણતી હતી. ભણવામાં ખૂબ હોશિયાર. મને સંગીતનોય શોખ હતો. મારા સારા અવાજને કારણે ગાયક તરીકે કામ પણ કરતી હતી, શમશાદબેગમ અને આશા ભોંસલે મારાં આદર્શ હતાં. એ સમયમાં પ્રોફેશનલ સિંગર તરીકે મારી સાથે મેલ વૉઇસમાં નિર્મેશ પણ ગાતા. એ સમયે અમને કલ્પનાય નહોતી કે અમે એકબીજાના પ્રેમમાં પડીશું.”

‘મને વૈશાલી સાથે ગાવું ગમતું’

વાત આગળ વધારતાં નિર્મેશ મહેતા કહે છે કે, “હું નેત્રહીન હતો એટલે પહેલાં અંધજન મંડળમાં ભણ્યો અને અમદાવાદની ઝેવિયર્સ કૉલેજમાં ગ્રૅજ્યુએશન માટે ગયો. ત્યાં બધા નૉર્મલ લોકો હતા, પણ સંગીતની ઇન્ટર કૉલેજની સ્પર્ધામાં મેં ભાગ લીધો, એમાં હું પ્રથમ આવ્યો. અલબત્ત, હું ભણવામાં પણ સ્કૉલર હતો.”

“મારું ધ્યાન માત્ર સંગીતમાં જ નહીં, સારા માર્ક્સ મેળવી સ્કૉલરશિપ મેળવવામાં પણ રહેતું હતું, કારણ કે સ્કૉલરશિપ મળે એટલે જમવાનું બિલ ફ્રી થઈ જતું હતું. એ સમયે કૉલેજની સ્પર્ધામાં પ્રૉફેશનલ ઑર્કેસ્ટ્રા આવતું, એ લોકોને મારો અવાજ ખૂબ ગમી ગયો હતો એટલે એમણે મને પ્રૉફેશનલી ગાવાની ઑફર કરી.”

તેઓ વૈશાલી સાથેના પ્રથમ સંપર્કની વાત કરતાં કહે છે કે, “એ સમયે ગુજરાતમાં મ્યુઝિકલ કાર્યક્રમો બહુ થતા હતા, અને હું એમાં ગાતો. આવા ગ્રૂપમાં હું અને વૈશાલી સાથે ગાતાં હતાં. મને એનો અવાજ ખૂબ ગમતો હતો, પણ અમે એકબીજાને પરણીશું એવી એ સમયે કલ્પના પણ નહોતી.”

“સામાન્ય રીતે અમદાવાદ બહાર સંગીતના કાર્યક્રમ હોય તો હું જવાનું ટાળતો, પણ ખબર નહીં વૈશાલી આવવાની હોય તો હું બહારગામના કાર્યક્રમ ખાસ કરતો. મને એની સાથે ગાવું ગમતું હતું, અમે સંગીતના પ્રૉફેશનલ કામ સિવાય ફોન પર ખાસ વાત કરતાં નહોતાં, પણ મને યાદ છે કે 1995માં હું કૅનેડા જવાનો હતો ત્યારે મેં પહેલી વાર વૈશાલીને પ્રૉફેશનલ કામ વગર ફોન કરીને કહ્યું કે હું કૅનેડા જઈ રહ્યો છું.”

એકમેકનો ખ્યાલ રાખતાં ક્યારે પ્રેમમાં પડ્યાં એ ખબર જ ન પડી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વેલેન્ટાઇન્સ ડે,

ઇમેજ સ્રોત, Bhargav Parikh

વૈશાલી મહેતા કહે છે કે, “નિર્મેશનો આ પ્રકારે ફોન આવ્યો એટલે મને નવાઈ લાગી. મેં વિચાર્યું કે એ કૅનેડા જાય એમાં મને ફોન કેમ કરે? બસ, એ પછી અમે એકબીજા વિશે વિચારતાં થયાં. મને મનોમન નિર્મેશ ગમવા લાગ્યો. એકબીજાનો ખ્યાલ રાખતાં ક્યારે પ્રેમમાં પડ્યાં એ ખબર ના પડી અને અમે એક દિવસ જીવન સાથે વિતાવવાના કોલ આપ્યા.”

નિર્મેશ મહેતા કહે છે કે તેઓ જોઈ શકતા નહોતા, પણ વૈશાલી દેખાવમાં સુંદર હોવાની વાત તેમને ખબર હતી.

“આવી છોકરી મને પરણવા તૈયાર થશે એની મને કલ્પના જ નહોતી, કદાચ આને જ પ્રેમ કહેવાતો હશે. અમે પરણવાનું નક્કી કર્યું ત્યારે મારા પરિવારે એને બોલાવીને કહ્યું હતું કે નિર્મેશ સાથે લગ્ન કરવાના નિર્ણય વિશે ફેરવિચારણા કર, કારણ કે આ આખી જિંદગીનો સવાલ છે.”

વૈશાલી મહેતા પણ કહે છે કે, “અમારા ઘરમાં અમે બે બહેનો અને હું મોટી હતી, એમાંય મારો નિર્મેશ સાથે લગ્ન કરવાનો નિર્ણય સાંભળી મારા ઘરમાં ખૂબ વિરોધ થયો. છેવટે મારાં માસા અને નાનીએ નિર્મેશ સાથે પહેલી વાર મીટિંગ કરી અને એમના અભિપ્રાય પછી અમારાં લગ્ન નક્કી થયાં અને 1998માં અમે લગ્ન કર્યાં.”

લગ્ન બાદ સંઘર્ષ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વેલેન્ટાઇન્સ ડે,

ઇમેજ સ્રોત, Bhargav Parikh

લગ્ન બાદના સંઘર્ષની વાત કરતાં નિર્મેશ કહે છે કે, “મને એ સમયે અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રોફેસર તરીકે નોકરી મળી ગઈ હતી, પણ એ સમયમાં પગાર બહુ નહોતો. વૈશાલીએ હપ્તેથી ટુ-વ્હીલર લીધેલું હતું, અમે સાથે ગાવા જતાં હતાં. ક્યારેક નક્કી કરેલા પૈસા ન મળે તો ક્યારેક અમને મળેલા ચેક બાઉન્સ થતા હતા, પણ અમારાં સપનાંને ક્યારેય કાટ લાગ્યો નહીં.”

“ઘરમાં લગ્ન સમયે ફ્રીઝ, સોફા, ડાઇનિંગ ટેબલ જેવું કંઈ જ નહોતું. એક દિવસ અમે ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં ગયાં અને ફ્રીઝ જોયું, મારા પગારની પે-સ્લિપ જોઈ એમણે હપ્તેથી ફ્રીઝ આપ્યું અને ઘરમાં પહેલું ફ્રીઝ આવ્યું. આવી જ રીતે ધીમેધીમે સોફા આવ્યો, અને વૈશાલી પણ આ સમયમાં રસોઈ બનાવતા શીખી ગઈ હતી. એ સમયે ઘરમાં પહેલા ડાઇનિંગ ટેબલ આવે કે હીંચકો, એ મામલે થોડી રકઝક થઈ.”

વૈશાલી મહેતા આખાય કિસ્સાને યાદ કરતાં સમય રિવાઇન્ડ થાતો હોય એમ કહે છે કે, “એ દિવસો અજબના હતા. નાની-નાની વસ્તુની ખરીદી પર ખુશી અઢળક હતી, હું મારા ઘરે નાનપણથી ડાઇનિંગ ટેબલ પર જમતી હતી, એટલે મારો આગ્રહ હતો કે ડાઇનિંગ ટેબલ પહેલા આવે, પણ નિર્મેશને હીંચકો ખૂબ ગમે એટલે એનો આગ્રહ હીંચકાનો હતો, પણ એણે જેમ મારી રસોઈ સાથે સમાધાન કર્યું હતું, એમ મેં પણ સમાધાન કર્યું. આમ, પહેલા હીંચકો આવ્યો.”

“હું પ્રેગ્નન્ટ હતી ત્યારે પણ અમે સંગીતના કાર્યક્રમમાં ટુ-વ્હીલર પર જતાં, દીકરાનો જન્મ થયો ત્યારે હું વાહન ચલાવું અને નિર્મેશ અમારા નાનકડા દીકરાને ખોળામાં લઈને પાછળ બેસતો હતો, અમે એ પછી નક્કી કર્યું કે કાર લેવી છે.”

‘ભીતરમાં ક્યારેય કોઈ રંગ ખૂટ્યા નથી’

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વેલેન્ટાઇન્સ ડે,

ઇમેજ સ્રોત, Bhargav Parikh

નિર્મેશ કહે છે કે, “પહેલી બેઝિક કાર લીધી, પણ એમાં ટેપ નાખવવાના પૈસા નહોતા, એટલે વૈશાલી કાર ચલાવે અને હું ટ્રાન્ઝિસ્ટરનું એરિયલ બહાર રાખીને મ્યુઝિક મૂકું. આમ જિંદગીનાં 28 વર્ષ ધીમે ધીમે કપાતાં ગયાં, અને અમારા બંનેના સંગીતની સફરને લોકો બિરદાવતા રહ્યા.”

“ઉષાજી, આશાજી, પંડિત જસરાજ, ફિલ્મી હસ્તી શાહરુખ ખાન, શાહીદ કપૂર, આલિયા ભટ્ટ વગેરેએ અમારા સંગીતને બિરદાવ્યું છે.”

અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતા નિર્મેશ અને વૈશાલીના પ્રેમમાં જીવનના અભાવ વચ્ચે પણ ક્યારેય ઊણપ નથી આવી, આજે પણ બંને સાથે ગાય છે, વૈશાલી નિર્મેશને હાર્મોનિયમ આપે અને રોજ અમદાવાદના બોપલ વિસ્તારમાં સંગીતના સાથિયા પુરાય છે.

નિર્મેશ કહે છે કે, “મારા માટે બહારની દુનિયામાં ભલે મેઘધનુષ્ય સફેદ અને અજવાળું પણ કાળું હોય છતાં વૈશાલીને કારણે ભીતરમાં ક્યારેય કોઈ રંગ ખૂટ્યા નથી. જીવનનાં દરેક પગથિયે અમે અંદરથી રંગોળી પૂરી છે એટલે રંગોનો અભાવ રહેતો નથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS