Home તાજા સમાચાર gujrati ગુજરાત : 10થી 19 વર્ષની કિશોરીઓમાં વધતા ઍનીમિયાનું શું કારણ છે, નવા...

ગુજરાત : 10થી 19 વર્ષની કિશોરીઓમાં વધતા ઍનીમિયાનું શું કારણ છે, નવા સંશોધનમાં શું જાણવા મળ્યું

16
0

Source : BBC NEWS

પ્રતીકાત્મક તસવીર . ગુજરાત, હેલ્થ, સ્વાસ્થ્ય, એનીમિયા

ઇમેજ સ્રોત, Getty Images

હાલમાં થયેલા એક સંશોધનમાં ગુજરાતના પાંચ જિલ્લાની કિશોરીઓમાં ઍનીમિયાનું પ્રમાણ 39.6 ટકા જોવા મળ્યું હતું. એટલે કે દર ત્રણમાંથી એક કિશોરી ઍનીમિયાથી પીડાય છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હૅલ્થ ગાંધીનગરના એક સંશોધન “ઍનીમિયા પ્રિવેલેન્સ ઍન્ડ ઇટ્સ ડિટરમિનેન્ટ્સ અમંગ ઍડૉલેસેન્ટ ગર્લ્સ ઇન ગુજરાત, ઇન્ડિયા: એ ક્રૉસ સેક્શનલ સ્ટડી” ઇન્ડિયન જર્નલ ઑફ કૉમ્યુનિટી મેડિસિનમાં પબ્લિશ થયું છે.

માત્ર આયર્નની ઊણપ જ નહીં પરંતુ વિટામિન ડી, એ,બી 12 કે ઝિંક જેવા માઇક્રોન્યૂટ્રિયન્ટ્સની ખામીને કારણે પણ ઍનીમિયા જોવા મળે છે.

ખોરાકમાં વિવિધતાનો અભાવ તેમજ જંકફૂડને કારણે પણ ઍનીમિયાનું જોખમ જોવા મળે છે.

સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગના સહયોગથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હૅલ્થ (IIPH) ગાંધીનગર દ્વારા “ઍનીમિયા પ્રિવલન્સ ઍન્ડ ઇટ્સ ડિટરમિનેન્ટ્સ અમંગ ઍડૉલસન્ટ ગર્લ્સ ઇન ગુજરાત, ઇન્ડિયા ” વિષય ઉપર રિસર્ચ સ્ટડી કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ઇન્ડિયન જર્નલ ઑફ કૉમ્યુનિટી મેડિસિનમાં આ રિસર્ચ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ રિસર્ચની ટીમમાં, સાલુ ચૌધરી, વર્ષા ગઢવી, સોમેન સાહા, એ.એમ. કાદરી અને દીપક સક્સેના સામેલ હતા.

આ રિસર્ચમાં ગુજરાતના ગ્રામીણ વિસ્તાર તરીકે, કચ્છ અને જૂનાગઢ જિલ્લાનો સમાવેશ કરાયો હતો.

આદિવાસી જિલ્લામાં વલસાડ અને બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ કરાયો હતો. જ્યારે અર્બન વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનો સમાવેશ કરાયો હતો.

ગુજરાતના પાંચ જિલ્લાની 10થી 19 વર્ષની ઉંમરની કુલ 750 કિશોરીઓ ઉપર અભ્યાસ કરવામાં આવ્યો હતો.

અભ્યાસમાં શું જોવાં મળ્યું?

પ્રતીકાત્મક તસવીર . ગુજરાત, હેલ્થ, સ્વાસ્થ્ય, એનીમિયા

ઇમેજ સ્રોત, Getty Images

રિસર્ચ પેપરમાં જણાવ્યા અનુસાર,”ગુજરાતના પાંચ જિલ્લાની કિશોરીઓમાં ઍનીમિયાનું પ્રમાણ 39.6 ટકા જોવા મળ્યું હતું. જેમાં, શરૂઆતની કિશોરાવસ્થામાં 41 ટકા કિશોરીઓમાં ઍનીમિયા જોવા મળ્યો હતો.”

“જ્યારે પાછળની કિશોરાવસ્થામાં 35.8 ઍનીમિયા જોવા મળ્યો હતો. 69.9 ટકા કિશોરીઓમાં આયર્નની ઊણપ જોવા મળી હતી.”

“જ્યારે 18.7 ટકા છોકરીઓમાં ફેરિટિન (Ferritin) સામાન્ય હોવા છતાં ઍનીમિયા જોવા મળ્યો હતો. આયર્નની ઊણપ માટે આપવામાં આવતી ટૅબલેટ એટલે કે, માત્ર આયર્ન-ફૉલિક એસિડ (IFA)નો પૂરક આહાર પૂરતો નથી.”

આ અભ્યાસમાં એવું ધ્યાને આવ્યું છે કે, “માઇક્રોન્યૂટ્રિયન્ટ્સની (સૂક્ષ્મ પોષકતત્ત્વો) ઊણપ વ્યાપક હતી, જેમાં ઍનીમિક છોકરીઓમાંથી 93 ટકામાં વિટામિન D ની ઊણપ હતી અને 100 ટકા કિસ્સામાં વિટામિન Aની ઊણપ, 56 ટકા કિસ્સામાં ઝિંકની ઊણપ, 49 ટકા કિસ્સામાં ફોલેટની ઊણપ અને 38 ટકા કિસ્સામાં બી-12ની ઊણપ જોવા મળી હતી.”

“આ ઉપરાંત આદિવાસી કિશોરીઓમાં 50 ટકા ઍનીમિયા જોવા મળ્યો હતો. સ્કૂલે જતી કિશોરીઓમાં માત્ર 26 ટકા ઍનીમિયાનું પ્રમાણ જોવા મળ્યું હતું.”

આ અભ્યાસમાં જોવા મળ્યું હતું કે,”આયર્નની ઊણપ એક મુખ્ય પરિબળ છે, જેમાં 81.3 ટકા ઍનીમિક છોકરીઓમાં સીરમ ફેરિટિનનું સ્તર નીચું હતું.”

“ટ્રાન્સફરિન સેચ્યુરેશનમાં ઘટાડો 45.5 ટકા જોવા મળ્યો હતો. જે આયર્નની ઊણપનું મુખ્ય ચિહ્ન છે.”

“ભૌગોલિક પરિબળોની અસર પણ અભ્યાસમાં જોવા મળી હતી. જેમાં, શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ તફાવત જોવા મળ્યો હતો.”

“શહેરી વિસ્તારોમાં 46.3 ટકા અને ગ્રામીણ વિસ્તારમાં 30 ટકા ઍનીમિયા જોવા મળ્યો હતો. જ્યારે આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ 46.2 ટકા ઍનીમિયાનું પ્રમાણ જોવા મળ્યું હતું.”

આ અભ્યાસમાં જોવા મળ્યું છે કે, “માત્ર 38 ટકા કિશોરીઓ જ વૈવિધ્યસભર આહાર (પાંચ કે તેથી વધુ ખાદ્ય જૂથો) લેતી હતી.”

“ગ્રામીણ વિસ્તારમાં 46 ટકા અને આદિવાસી વિસ્તારમાં 49 ટકા કિશોરીઓ વૈવિધ્યસભર આહાર લેતી હતી.”

“ઍનીમિયા નબળી આહાર વિવિધતા સાથે સંબંધિત હતો, ખાસ કરીને બીજ, બદામ-અખરોટ અને લીલાં પાંદડાંવાળાં શાકભાજી જેવા સૂક્ષ્મ પોષકતત્ત્વોથી ભરપૂર ખોરાકનો અભાવ જોવા મળ્યો હતો.”

“અભ્યાસમાં જોવા મળ્યું હતું કે, બીજ અને બદામ ખાતી હોય તેવી 73 ટકા છોકરીઓ અને લીલાં પાંદડાંવાળાં શાકભાજી ખાતી હોય તેવી 68 ટકા છોકરીઓ ઍનીમિક જોવા મળ્યો ન હતો.”

આ અભ્યાસનું તારણ એવું છે કે,” ગુજરાતની કિશોરીઓમાં ઍનીમિયાના ઊંચા પ્રમાણને દર્શાવે છે. જે આયર્ન અને અન્ય સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઊણપ સાથે મજબૂત રીતે જોડાયેલું છે.”

અભ્યાસમાં જોડાયેલા ડૉક્ટરોએ ઍનીમિયા અંગે શું કહ્યું?

પ્રતીકાત્મક તસવીર . ગુજરાત, હેલ્થ, સ્વાસ્થ્ય, એનીમિયા

ઇમેજ સ્રોત, DR SALU CHAUDHARY

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હૅલ્થનાં ફૅકલ્ટી ડૉ. સાલુ ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “લોકોમાં એક એવી માન્યતા છે કે આયર્નની ઊણપના કારણે ઍનીમિયા જેવી ગંભીર બીમારી થતી હોય છે.”

“હા, ઍનીમિયા થવાં પાછળ આયર્ન ચોક્કસ મહત્ત્વનું કારણ હોય છે પરંતુ તેની સાથે સાથે માઇક્રોન્યૂટ્રિયન્ટ્સની ઊણપ પણ ઍનીમિયા થવા પાછળ જવાબદાર છે.”

“અમારા રિસર્ચમાં જોવા મળ્યું કે, કેટલીક કિશોરીઓમાં વિટામિન ડી, વિટામિન એ, વિટામિન બી-12 અને ઝિંક જેવા માઇક્રોન્યૂટ્રિયન્ટ્સની ખામીના કારણે ઍનીમિયા જોવા મળ્યો હતો.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,” કેટલીક કિશોરીઓ સરકાર દ્વારા આપવામાં આવતી આયર્નની આઇએફપી ટૅબલેટ લેતી હોવા છતાં તેમનામાં ઍનીમિયાનું પ્રમાણ જોવા મળ્યું હતું.”

ઍનીમિયાના કારણ અંગે વાત કરતાં તેઓ જણાવે છે કે, “અમે અમારા અભ્યાસમાં કિશોરીઓના ખાન-પાન અંગે પણ ડેટા મેળવ્યા હતા.”

“જેમાં, ખોરાકમાં વિવિધતા જોવા મળી ન હતી. કિશોરીઓ એક જ પ્રકારના ફૂડ ગ્રૂપનો ખોરાક આરોગતી હતી.”

“જેમ કે, લીલાં શાકભાજી, ડ્રાયફ્રૂટ, કઠોળ આ પ્રકારના ખોરાક ઓછા લેતા હોવાનું જોવા મળ્યું હતું. ચા અને કૉફી વધારે પીતા હોય તો તેના કારણે પણ આયર્નની ઊણપ થાય છે.”

તેઓ ઉદાહરણ આપતાં જણાવે છે કે, “તમે મેથીના થેપલાં ખાઓ. મેથીમાં આયર્ન હોય છે પણ જો તમે ચા જોડે મેથીનાં થેપલાં ખાઓ છો. તો તેવા સંજોગોમાં આયર્ન શરીરમાં શોષાતું નથી. આમ, ખાનપાનની ખોટી આદતોના કારણે પણ ક્યારેક ઍનીમિયા થવાનું જોખમ છે.”

“કિશોરીઓમાં ઍનીમિયાની બીમારી હોય તો તેવા સંજોગોમાં, રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. પીસીઓએસ જેવી બીમારી થાય છે. બીજી અન્ય બીમારીઓ થવાનું જોખમ વધે છે.”

“કિશોરીઓ જ ભવિષ્યમાં પુખ્તવયની થયા બાદ માતા બનશે તો તેવા સંજોગોમાં ઍનીમિયાની બીમારીના કારણે માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં પણ વધારો થવાનું જોખમ રહેતું હોય છે.”

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે આ રિસર્ચમાં 750 કિશોરીઓ ઉપર અભ્યાસ કર્યો હતો. જેમાં, આદિવાસી, ગ્રામીણ, શહેરી અને અલગ-અલગ ભૌગોલિક વિસ્તારને આવરી લીધો હતો.”

“આ સિવાય સ્કૂલે જતી કિશોરીઓ અને સ્કૂલે ન જતી કિશોરીઓને પણ અભ્યાસમાં આવરી હતી. અમે આ અભ્યાસમાં કિશોરીના બૅકગ્રાઉન્ડ અંગે વિવિધતા રાખી હતી.”

ડૉ. સાલુએ વધુમાં જણાવ્યું હતું કે,” હિમોગ્લોબિનનો મતલબ એવો છે કે, હિમ એટલે આયર્ન અને ગ્લોબિન એટલે પ્રોટીન છે.”

“આયર્ન અને પ્રોટીન બંને મહત્ત્વનાં છે. કેટલાક કિસ્સામાં કિશોરીઓ જંક ફૂડ ખાઈને ઓવર કૅલેરી કન્ઝ્યુમ કરે છે, જેથી તેઓ મેદસ્વીતાનો ભોગ બને છે પણ તેમનામાં માઇક્રોન્યૂટ્રિયન્ટ્સની ઊણપ જોવા મળે છે.”

“કેટલાક કિસ્સામાં ખોરાકમાં પ્રોટીનનો અભાવ હોય તો શરીરમાં પ્રોટીનની ઊણપ જોવા મળે છે. કેટલાક કિસ્સામાં માઇક્રોન્યૂટ્રિયન્ટ્સની ઊણપ જોવા મળે છે જેમાં, બી-12, વિટામિન ડી, વિટામિન એ, ફોલિક એસિડ સહિત અન્યની ઊણપ જોવા મળે છે.”

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હૅલ્થ ગાંધીનગના ફૅકલ્ટી અને આ રિસર્ચ ટીમના સભ્ય ડૉ. સોમેન સાહાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે,”ઍનીમિયા એ માત્ર ગુજરાતનો નહીં પણ દેશમાં અન્ય રાજ્યોમાં પણ જોવા મળતો ગંભીર પ્રશ્ન છે.”

“કેન્દ્ર સરકાર આ મુદ્દા ઉપર કામ કરી રહી છે. જેમ કે, પીએમ પોષણ યોજનામાં સ્કૂલે જતાં બાળકોને મધ્યાહન ભોજન અને નાસ્તો આપવામાં આવે છે. આ જ પ્રકારે અન્ન સુરક્ષા યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને અનાજ આપે છે.”

તેઓ કહે છે કે, જો ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો, “ગુજરાતમાં માથાદીઠ આવક સારી છે. લોકો ખોરાક અફોર્ડ કરી શકે છે પરંતુ જે ખાવાનું ખાય છે તેમાં, પૂરતા પ્રમાણમાં પોષણ હોતું નથી.”

“ઉદાહરણ તરીકે વાત કરીએ તો, તમને ગામે-ગામ પાંચ રૂપિયામાં જંક ફૂડનાં પૅકેટ મળી રહેશે. જે લોકો ખાય છે પરંતુ તેમાંથી પોષણ મળતું નથી.”

“હું એવું માનું છું કે, સરકારે માઇક્રો એનાલિસિસ કરી આ પ્રકારનાં સસ્તાં ફૂડ પૅકેજ સરળતાથી મળી રહે તેમાં પોષણયુક્ત ખાવાનું મળી રહે તે દિશામાં પ્રયત્ન કરવા જોઈએ.”

ડૉ.સોમેન સાહાએ જણાવે છે કે અમારા રિસર્ચમાં જોવા મળ્યું છે કે, “કિશોરીઓમાં આયર્ન ડેફિશિયન્સીની સાથે સાથે માઇક્રોન્યૂટ્રિયન્ટ્સની ઊણપ જોવા મળી હતી.”

“બાળકના જન્મથી છ મહિના સુધી માતાનું દૂધ તેના માટે પોષણયુક્ત હોય છે. આ પછી બાળક છ મહિનાનું થાય તેના પછીથી તેની સમતોલ આહારની સફર શરૂ થાય છે.”

“જેમાં, બાળકને વિવિધ પ્રકારનું ભોજન એટલે કે, સમતોલ આહાર આપવો અનિવાર્ય છે. આ માટે જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત છે.”

“પરંપરાગત માધ્યમોથી લઈને સોશિયલ મીડિયા સુધી પોષણયુક્ત આહાર અંગે જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો કરવા જરૂરી છે.”

ઍનીમિયા નાબૂદી માટે સરકાર શું પગલાં લઈ રહી છે?

ઍનીમિયા અંગેના લોકસભામાં વર્ષ 2024માં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણના રાજ્યકક્ષાના મંત્રી અનુપ્રિયા પટેલે માહિતી આપી હતી.

આ જવાબ અનુસાર ગુજરાત રાજ્યમાં 6 મહિનાથી 59 મહિનાનાં બાળકોમાં ઍનીમિયાનું પ્રમાણ 79.7 હતું જ્યારે 15 થી 19 વર્ષની કિશોરીઓમાં 69.0 અને 15 થી 49 વર્ષની મહિલાઓમાં 62.6 જોવા મળ્યું હતું. આંકડા(નૅશનલ ફેમિલી હેલ્થ સર્વે 5)

બાળકો કિશોરીઓ તેમજ મહિલાઓમાં ઍનીમિયાને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા ઍનીમિયા મુક્ત ભારત પ્રોગ્રામ લાગુ કરવામાં આવ્યો છે. જેમાં આઇએફએ ટૅબ્લેટ આપવામાં આવે છે.

આ પ્રોગ્રામ હેઠળ સમયાંતરે કૃમિનાશક દવા આપવામાં આવે છે અને લોહીના નમૂનાઓની ડિજિટલ તપાસ કરવામાં આવે છે.

આ ઉપરાંત મહિલાઓને ફોર્ટિફાઇડ ખોરાક આપવામાં આવે અને પોષણના અભાવને કારણે થતાં ઍનીમિયાનાં કારણો તપાસવામાં આવે છે.

વધુમાં ઍનીમિયા સામે લડવા સરકાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રધાનમંત્રી પોષણશક્તિ નિર્માણ યોજના સંકલિત બાળ વિકાસ સેવાઓ યોજના અને અન્ય કલ્યાણ યોજનાઓ (આયર્ન ફૉલિક એસિડ, વિટામિન B12થી ભરપૂર ) ફોર્ટિફાઇડ ચોખા આપવામાં આવે છે.

18 એપ્રિલ 2025 પીઆઈબી જાહેર કરેલી પ્રેસ વિજ્ઞપ્તિમાં આપેલી માહિતી અનુસાર ભારતમાં 67.1 ટકા બાળકો અને 59.1 ટકા કિશોરીઓ ઍનીમિયાથી (NFHS5) પીડાય છે.

દર ચારમાંથી એક મહિલા આહારમાં આયર્ન ઓછું સેવન કરે છે.

ઍનીમિયાનાં લક્ષણો કેવાં હોય છે

ઍનીમિયા થાક, શારીરિક કાર્યક્ષમતામાં ઘટાડો અને શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો સાથે જોવા મળે છે.

તે નબળા પોષણ અને વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનું સૂચક છે.

ઍનીમિયાનાં સામાન્ય અને બિન-વિશિષ્ટ લક્ષણોમાં થાક લાગવો, ચક્કર આવવા અથવા હળવો માથાનો દુખાવો થવો, હાથ અને પગ ઠંડા થવા, માથાનો દુ:ખાવો અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. આ લક્ષણો ખાસ કરીને શ્રમ દરમિયાન જોવા મળે છે.

ઍનીમિયા કોને વધારે અસર કરે છે?

ઍનીમિયાથી સૌથી વધુ સંવેદનશીલ વસ્તી જૂથોમાં 5 વર્ષથી ઓછી વયનાં બાળકો, ખાસ કરીને શિશુઓ અને બે વર્ષથી ઓછી વયનાં બાળકો, માસિક સ્રાવમાં કિશોરવયની છોકરીઓ અને મહિલાઓ અને સગર્ભા અને પોસ્ટપાર્ટમ મહિલાઓનો સમાવેશ થાય છે.

ઍનીમિયાની શું અસર થાય છે?

આયર્નની ઊણપનો ઍનીમિયા બાળકોમાં જ્ઞાનાત્મક અને વિકાસમાં ક્ષતિગ્રસ્ત થાય છે અને પુખ્ત વયના લોકોમાં કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે.

તેની અસરો બાળપણ અને યુવાવસ્થામાં સૌથી વધુ ગંભીર હોય છે.

ગર્ભાવસ્થા દરમિયાન આયર્નની ઊણપનો ઍનીમિયા પ્રસૂતિ પહેલાંના બાળકનું નુકસાન, અકાળ જન્મ અને ઓછા વજનવાળાં બાળકોનું કારણ બની શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS