Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Insta/rinkukumar12
અપડેટેડ 31 મિનિટ પહેલા
વાંચવાનો સમય: 2 મિનિટ
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, ક્રિકેટર રિંકુસિંહના પિતા ખાનચંદસિંહનું આજે શુક્રવારે વહેલી સવારે ગ્રેટર નોઇડાની એક હૉસ્પિટલમાં લાંબી બીમારી બાદ નિધન થઈ ગયું છે.
સમાચાર એજન્સી એએનઆઈએ પણ તેમના નિધનની પુષ્ટિ કરી છે.
પીટીઆઈએ જણાવ્યું છે કે પરિવારનાં સૂત્રો અને હૉસ્પિટલના અધિકારીઓએ ખાનચંદસિંહના મૃત્યુ વિશે માહિતી આપી છે.
ગ્રેટર નોઇડાની યથાર્થ હૉસ્પિટલના પ્રવક્તા ડૉ. સુનિલ કુમારે જણાવ્યું હતું કે રિંકુસિંહના પિતા ‘ઍડવાન્સ્ડ સ્ટેજ લિવર કૅન્સર’થી પીડિત હતા.
તેમણે કહ્યું, “તાજેતરના દિવસોમાં તેમની તબિયત ઘણી બગડી ગઈ હતી, જેના પગલે તેમને 21 ફેબ્રુઆરીએ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા અને શુક્રવારે વહેલી સવારે તેમનું અવસાન થયું.”
પાકિસ્તાને અફઘાનિસ્તાનના તાલિબાનની 27 સૈન્ય ચોકીઓ તબાહ કરવાનો દાવો કર્યો
ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તા મુશર્રફ ઝૈદીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે પાકિસ્તાની સેનાએ અફઘાન તાલિબાનની 27 લશ્કરી ચોકીઓનો નાશ કર્યો છે અને નવ ચોકીઓ પર કબજો કરી લીધો છે.
તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાએ અફઘાન તાલિબાનનાં 80થી વધુ ટૅન્ક, તોપખાનાં અને સશસ્ત્ર વાહનોનો પણ નાશ કર્યો હતો.
મુશર્રફ ઝૈદીએ શુક્રવારે સવારે પોણા ચાર વાગ્યા સુધીની અપડેટ આપી હતી.
તેમણે ઍક્સ પર લખ્યું, “આ આક્રમણનો પાકિસ્તાનનો તાત્કાલિક અને અસરકારક જવાબ ચાલુ છે.”
મુશર્રફ ઝૈદીએ એમ પણ કહ્યું કે અત્યાર સુધીમાં અફઘાન તાલિબાનના 133 સભ્યો માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે અને 200થી વધુ ઘાયલ થયા છે.
બીજી તરફ તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમણે ગુરુવારે રાત્રે 19 પાકિસ્તાની લશ્કરી ચોકીઓ અને બે ઠેકાણાં કબજે કર્યાં હતાં. તેના જણાવ્યા અનુસાર, કુલ 55 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.
આ આંકડાઓની સ્વતંત્ર રીતે ચકાસણી કરવી મુશ્કેલ છે. બંને પક્ષો તાજેતરના સંઘર્ષ દરમિયાન એકબીજાને ભારે જાનહાનિ પહોંચાડવાનો દાવો કરે છે.
ઝિમ્બાબ્વેને હરાવવાની રણનીતિ પર તિલક વર્માએ શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
ભારતે ટી-20 વર્લ્ડકપની સુપર-8 મૅચમાં ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવ્યું હતું.
આની સાથે જ ભારતીય ટીમ સેમિફાઇનલની રેસમાં પોતાનું સ્થાન બચાવી શકી છે.
મૅચ બાદ ભારતીય બૅટ્સમૅન તિલક વર્માએ પ્રેસ કૉન્ફરન્સમાં આક્રામક બૅટિંગની રણનીતિ વિશે વાત કરતા કહ્યું કે, “છેલ્લી મૅચ બાદ એક ટીમ સ્વરૂપે ગૌતમ ગંભીરે પણ આ જ વાત કહી હતી કે કોઈ પણ સ્થિતિ હોય બસ અમારે એ યાદ રાખવાનું હતું કે ગયા એક વર્ષમાં ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા સાથે સિરીઝમાં અમે કેવી રીતે રમ્યા છીએ.”
તિલકે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ભારતની ટીમ ટુર્નામેન્ટમાં આગળની મૅચોમાં પણ આક્રામક બૅટિંગ પર ધ્યાન આપશે.
તેમણે કહ્યું કે, “અમે ગત એક વર્ષથી જેવું ક્રિકેટ રમ્યા છીએ, એ જ ઇન્ટેન્ટ સાથે અમે આગલી મૅચમાં જઈશું અને ટુર્નામેન્ટની બાકી મૅચોમાં પણ એવું જ રમીશું.”
તિલક વર્માએ કહ્યું કે, “જો વિકેટ સારી નહીં હોય તો અમે એડજસ્ટ કરીશું. હું નહીં કરું કે અમે 250 થી વધુ સ્કોર કરવા માગીએ છે પણ જો ટીમ સારી શરૂઆતની મંજૂરી આપે તો અમે જરૂર આવું કરીશું.”
તિલક વર્માએ ઝિમ્બાબ્વે સામે 16 બૉલ પર 44 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



