Home તાજા સમાચાર gujrati ઑપરેશન બ્રાસટૅક્સ : જ્યારે ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે યુદ્ધ થતાં-થતાં અટકી...

ઑપરેશન બ્રાસટૅક્સ : જ્યારે ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે યુદ્ધ થતાં-થતાં અટકી ગયું

31
0

Source : BBC NEWS

ઑપરેશન બ્રાસ ટૅક્સ, ભારતની સેનાનું અભિયાન, ભારત પાકિસ્તાન સરહદ તણાવ, ભારત પાકિસ્તાન યુદ્ધ કથા, જનરલ સુંદરજી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

1986ના શિયાળાના દિવસો હતા. હજ્જારો ભારતીય સૈનિકો પાકિસ્તાન સાથેની ભારતની પશ્ચિમી સીમા તરફ આગેકૂચ કરી રહ્યા હતા.

રાજસ્થાન તરફ જનારા દરેક માર્ગ પર લશ્કરી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી હતી. રેલવેનાં વૅગન્સ શસ્ત્રો, ટૅન્કો અને વાહનોને સીમા તરફ લઈ જઈ રહ્યાં હતાં.

ઑપરેશન બ્રાસટૅક્સ શરૂ થઈ ચૂક્યું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી પ્રથમ વખત આટલા વ્યાપક સ્તરની લશ્કરી કવાયત હાથ ધરાઈ હતી.

પ્રોબલ દાસગુપ્તા તેમના તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા પુસ્તક ‘જનરલ બ્રાસટૅક્સ, ધ સુંદરજી સ્ટોરી’માં લખે છે, “તે જ સમયે પાકિસ્તાન પણ બે લશ્કરી કવાયત કરી રહ્યું હતું, ‘સફ-શિકન’ અને ‘ફ્લાઇંગ હૉર્સ.’

‘સફ-શિકન’માં પાકિસ્તાની સૈન્યના દક્ષિણ પ્રદેશના રિઝર્વ સૈનિકો ભાગ લઈ રહ્યા હતા અને રાજસ્થાન સરહદ પર બહાવલપુર-મારોટ વિસ્તાર તેનું કેન્દ્ર હતું. ‘ફ્લાઇંગ હૉર્સ’માં પાકિસ્તાનના ઉત્તરીય ભાગના પાકિસ્તાની રિઝર્વ સૈનિકો ભાગ લઈ રહ્યા હતા.”

“પાકિસ્તાની સૈનિકો ભારતીય સૈનિકોની ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ભારતીય સૈનિકોની સરહદ તરફની કૂચને કારણે તેમનામાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.”

સુંદરજીએ ઘડી હતી યોજના

ઑપરેશન બ્રાસ ટૅક્સ, ભારતની સેનાનું અભિયાન, ભારત પાકિસ્તાન સરહદ તણાવ, ભારત પાકિસ્તાન યુદ્ધ કથા, જનરલ સુંદરજી, બીબીસી ગુજરાતી, અરૂણ નહેરુ, રાજીવ ગાંધી

ઇમેજ સ્રોત, Penguin

ઑપરેશન બ્રાસટૅક્સની યોજના તત્કાલીન લશ્કરી વડા જનરલ સુંદરજીએ ઘડી હતી. સુંદરજી અમેરિકાની સેનાની વાયુ અને જમીન પર યુદ્ધની એફએમ 100-5 સંકલ્પનાથી પ્રભાવિત થયા હતા.

આ સંકલ્પનાને ધ્યાનમાં રાખીને જ તેમણે મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી (પાયદળ) રેજિમેન્ટ્સ તૈયાર કરી હતી. સાથે જ તેમણે લશ્કરનાં કેટલીક ઇન્ફન્ટ્રી ડિવિઝન્સને રિઑર્ગેનાઇઝ્ડ આર્મી પ્લેઇન્સ ઇન્ફન્ટ્રી ડિવિઝન્સમાં (રેપિડ) રૂપાંતરિત કરી હતી.

સુંદરજી આ યુદ્ધાભ્યાસ નાટોના “ઑટમ ફૉર્સ” કરતાં વિશાળ હોય, તેમ ઇચ્છતા હતા. યુરોપમાં હાથ ધરાયેલા તે અભ્યાસમાં આશરે 12,500 નાટો સૈનિકોએ ભાગ લીધો હતો. સુંદરજી તેના કરતાં ચારગણાં વધુ સૈનિકોને અભ્યાસમાં સામેલ કરવા માગતા હતા.

લશ્કરના ઇતિહાસકાર ઍર વાઇસ માર્શલ અર્જુન સુબ્રમણ્યમ તેમના પુસ્તક ‘ઇન્ડિયાઝ વૉર્સ 2 (1972-2020)માં લખે છે’, “સુંદરજીએ વ્યાપક સ્તરની હવાઈ અને જમીન અભ્યાસની યોજના બનાવી હતી, જે ત્રણ તબક્કામાં હાથ ધરાવાની હતી અને રાજસ્થાન સેક્ટરમાં સેનાના ભવ્ય જમાવડા સાથે તેનું સમાપન થવાનું હતું.”

“આ કવાયતમાં લશ્કરની એક અને બે કૉરને સામેલ કરવામાં આવી હતી, રાજસ્થાન અને ગુજરાત સેક્ટર્સ તેનાં કેન્દ્ર બિંદુ હતાં. કવાયતનો મુખ્ય હેતુ એ જાણવાનો હતો કે, રાતના અંધારામાં ભારતીય સેના ઓછામાં ઓછા વિરોધનો સામનો કરીને કેટલી ઝડપથી આગળ વધી શકે છે.”

ટી-72 ટૅન્કોનું સફળ પરીક્ષણ

લેફ્ટનન્ટ જનરલ પ્રવીણ બક્ષી તે સમયે ટી-72 ટૅન્કોની રેજિમેન્ટ ‘સ્કિનર હૉર્સ’માં મેજરપદે તહેનાત હતા.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, “અમારી ટૅન્કોએ રાતના સમયે 60 કિલોમીટરનું અંતર સહેલાઈથી કાપી નાખ્યું હતું. દિવસ દરમિયાન ટૅન્કો માર્ગો પર 800 કિલોમીટર સુધી દોડી હતી. ટી-72 ટૅન્કોની મહત્તમ ક્ષમતાનો ઉપયોગ કરવા છતાં તેમને કોઈ વિઘ્ન નડ્યું નહોતું.”

“માત્ર રાતના સમયે વિઝન ઇક્વિપમેન્ટની ઊણપ વર્તાઈ હતી. અમે ટૅન્કોમાં સાચાં હથિયારો નહોતાં ભર્યાં, આથી યુદ્ધમાં જવાનો તો સવાલ જ નહોતો. આ યુદ્ધાભ્યાસનો આશય કેવળ વિરોધીઓને એ બતાવવાનો હતો કે, ભવિષ્યના સંભવિત યુદ્ધ માટે અમે કઈ હદે સજ્જ છીએ. ભારતની આ કવાયતથી રાવલપિંડી (પાકિસ્તાનનું સૈન્યમુખ્યાલય) અને અમેરિકા સતર્ક થઈ ગયાં હતાં અને વળતા જવાબરૂપે પાકિસ્તાની સૈન્યએ પંજાબ અને જમ્મુ સરહદ તરફ તેના વધુ સૈનિકો ખડકી દીધા હતા.”

ભારતીય ગુપ્તચર સ્રોતોને સમાચાર મળવા માંડ્યા હતા કે, પાકિસ્તાનના દક્ષિણ પ્રાંતના રિઝર્વ સૈનિકો બહાવલપુરમાં અભ્યાસ કર્યા બાદ તેમની બૅરેકોમાં પરત ફર્યા નહોતા અને હજુયે યુદ્ધ માટે તૈયાર સ્થિતિમાં હતા.

ફાઇટર જેટ્સે સરહદ પાર કરી

ઑપરેશન બ્રાસ ટૅક્સ, ભારતની સેનાનું અભિયાન, ભારત પાકિસ્તાન સરહદ તણાવ, ભારત પાકિસ્તાન યુદ્ધ કથા, જનરલ સુંદરજી, બીબીસી ગુજરાતી, અરૂણ નહેરુ, રાજીવ ગાંધી

ઇમેજ સ્રોત, Penguin

ભારતીય ઍર ફૉર્સના એકમાત્ર ઇલેક્ટ્રૉનિક વૉરફેર સ્ક્વૉડ્રન 35એ પણ આ યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો હતો. તેમાં કૅનબેરા અને મિગ-21 ફાઇટર ઍરક્રાફ્ટનો સમાવેશ થતો હતો, જેમાં સ્વિડિશ બનાવટના ઇડબલ્યૂ પોડ્ઝ લઈ જવા માટે તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો.

1986ના પ્રારંભમાં સમગ્ર સ્ક્વૉડ્રનને હરિયાણાના અંબાલા અને રાજસ્થાનના બિકાનેર પાસે આવેલા નાલ ખાતે લઈ જવાઈ હતી. ઑપરેશન બ્રાસટૅક્સ દરમિયાન આ વિમાનોએ બે મહિના સુધી મિશન્સ પરનાં જેગુઆર અને મિગ-27ને ઍસ્કોર્ટ કર્યાં હતાં.

ઍર વાઇસ માર્શલ અર્જુન સુબ્રમણ્યમ લખે છે, “ઘણી વખત આ વિમાનો પાકિસ્તાની ઍર ડિફેન્સની સજ્જતા ચકાસવા માટે જાણી જોઈને સરહદ પાર કરતાં હતાં. રડારનાં વૉર્નિંગ રિસિવર્સ પર બીપનો અવાજ સંભળાય કે પછી રેડિયો પર વૉર્નિંગ સંભળાય, તે સાથે જ તેઓ ભારતીય સીમા તરફ વળી જતાં હતાં. સંતાકૂકડીની આ રમત લગભગ બે મહિના સુધી ચાલી.”

“જેગુઆર ફાઇટર વિમાનોનાં આવાં ઘણાં અભિયાનોની આગેવાની ફ્લાઇટ લેફ્ટનન્ટ આર. કે. ભદોરિયાએ લીધી હતી, જેઓ આગળ જતાં ભારતીય વાયુ દળના વડા બન્યા હતા. તે સમયે તેઓ ‘છોટુ’ના હુલામણા નામે પ્રસિદ્ધ હતા અને આવાં ઑપરેશનોમાં ભાગ લેનારા સૌથી નાની વયના અધિકારી હતા. પાકિસ્તાનને આશંકા હતી કે, ભારત તેના પર હુમલો કરી દેશે.”

કાંતિ બાજપેયી તેમના પુસ્તક ‘બ્રાસટૅક્સ ઍન્ડ બિયોન્ડ’માં નોંધે છે, “1983-84માં પાકિસ્તાનના તત્કાલીન ઉપ-સેનાધ્યક્ષ જનરલ કે. એમ. આરિફ અને ભારતના સેના અધ્યક્ષ જનરલ વૈદ્ય વચ્ચે એ વાત પર સમજૂતી થઈ હતી કે, જો ભારત કે પાકિસ્તાન સરહદ નજીક કોઈ મોટી લશ્કરી કવાયત હાથ ધરે, તો તેમણે એકમેકને આ અંગે જાણ કરવાની રહેશે.”

“જનરલ સુંદરજીને આ સમજૂતી વિશે કોઈ જાણ નહોતી. હવે, સામાન્યપણે હંમેશા કાર્યરત રહેતી બંને દેશો વચ્ચેનાં મિલીટરી ઑપરેશન્સના ડિરેક્ટરો વચ્ચેની હૉટલાઇન આ સમયે જ બંધ થઈ ગઈ. બંને પક્ષો તરફથી અનેક પ્રશ્નો ઊઠાવાઈ રહ્યા હતા, જે કોઈ ઉકેલી શકે તેમ નહોતું.”

પ્રોબલ સેનગુપ્તા લખે છે, “એક વખત વડા પ્રધાન રાજીવ ગાંધીએ કૅબિનેટની બેઠક બોલાવવા તેમના મંત્રીઓ માટે વિમાન મોકલ્યું, ત્યારે તે સમયે પાકિસ્તાન સરહદે ભારતીય સૈનિકો અગાઉથી જ મોજૂદ હોવાથી પ્રમુખ ઝિયાને લાગ્યું કે, પાકિસ્તાન પર હુમલો કરવાને લઈને વિચારણા કરવા માટે કૅબિનેટ મિટિંગ બોલાવાઈ હતી.”

પાકિસ્તાને પણ સરહદે સૈનિકો મોકલ્યા

ઑપરેશન બ્રાસ ટૅક્સ, ભારતની સેનાનું અભિયાન, ભારત પાકિસ્તાન સરહદ તણાવ, ભારત પાકિસ્તાન યુદ્ધ કથા, જનરલ સુંદરજી, બીબીસી ગુજરાતી, અરૂણ નહેરુ, રાજીવ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાને જવાબરૂપે તેના સૈનિકોને ભારતીય પંજાબ તરફ રવાના કર્યા. ગણતરીના દિવસોમાં જ બંને પક્ષો યુદ્ધ માટે સજ્જ થઈ રહ્યા હોય, એવું જણાઈ રહ્યું હતું.

શુજા નવાઝ તેમના પુસ્તક ‘ક્રૉસ્ડ સૉર્ડ્ઝ, પાકિસ્તાન, ઇટ્સ આર્મી એન્ડ ધ વૉર વિધિન’માં લખે છે, “રાવલપિંડીમાં આવેલાં પાકિસ્તાનનાં લશ્કરી વડાંમથકો એવું વિચારી રહ્યાં હતાં કે, ભારત બ્રાસટૅક્સ મારફત ઉત્તરે બહાવલપુર અને દક્ષિણમાં ખૈરપુર જેવાં શહેરોને અલગ પાડી દેવાની યોજના ઘડી રહ્યું હતું.”

“વળી, ભારત સિંધમાં ઘૂસી જઈને પાકિસ્તાનના બે ભાગ પાડી દે અને કહુટામાં તેના પરમાણુ રિઍક્ટરનો નાશ કરી દે, તેવો પણ ભય તેને સતાવી રહ્યો હતો.”

યુદ્ધાભ્યાસ માટે રેડ અને બ્લૂ ટીમો

ઑપરેશન બ્રાસ ટૅક્સ, ભારતની સેનાનું અભિયાન, ભારત પાકિસ્તાન સરહદ તણાવ, ભારત પાકિસ્તાન યુદ્ધ કથા, જનરલ સુંદરજી, બીબીસી ગુજરાતી, અરૂણ નહેરુ, રાજીવ ગાંધી

ઇમેજ સ્રોત, Harper Collins

આ લશ્કરી કવાયત માટે લશ્કરી તાલીમના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ રૉડ્રિગ્ઝ અને તેમની ટીમને અમ્પાયર બનાવવામાં આવ્યા હતા.

પ્રોબલ દાસગુપ્તા લખે છે, “રેડ અને બ્લ્યૂ નામની બે સેના રચવામાં આવી હતી. રેડ ટીમ પાકિસ્તાની સૈન્યની ભૂમિકા ભજવતી હતી. મહૂની આર્મી કૉલેજ ઑફ કૉમ્બેટના કમાન્ડન્ટ લેફ્ટનન્ટ જનરલ વી. એન. શર્મા તેના કમાન્ડર હતા. રેડ આર્મીએ પરમાણુ શસ્ત્રોના વિકલ્પનો ઉપયોગ કરવાની પરવાનગી માગી હતી, પણ અમ્પાયરોએ તે ફગાવી દીધી હતી. કુલ ચાર લાખ ભારતીય સૈનિકો, સંખ્યાબંધ વિમાનો અને જહાજોએ આ યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો હતો.”

બંને દેશોના સૈનિકો 1971ના યુદ્ધ પછીનાં 15 વર્ષોમાં પ્રથમ વખત આટલા નજીક આવી ગયા હતા. તણાવ અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. પશ્ચિમી વિશ્લેષકોનું માનવું હતું કે, સુંદરજી ભારતના કદમ સામે વળતો જવાબ આપવા માટે પાકિસ્તાનને ઉશ્કેરી રહ્યા હતા, જેથી પાકિસ્તાનની જવાબી કાર્યવાહીથી ભારતને પાકિસ્તાન પર હુમલો કરવાનું ‘બહાનું; મળી રહે.

રેલવે અને માર્ગ વિભાગની ભૂમિકા

ઑપરેશન બ્રાસ ટૅક્સ, ભારતની સેનાનું અભિયાન, ભારત પાકિસ્તાન સરહદ તણાવ, ભારત પાકિસ્તાન યુદ્ધ કથા, જનરલ સુંદરજી, બીબીસી ગુજરાતી, અરૂણ નહેરુ, રાજીવ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

જનરલ સુંદરજીએ જ્યારે બ્રાસટૅક્સની યોજના ઘડી, ત્યારે એવી ચિંતા સેવાઈ રહી હતી કે, આ અભ્યાસમાં રેલવે અને માર્ગોના વ્યાપક વપરાશથી આ સેવાઓ ઠપ થઈ જશે, કારણ કે, સૈનિકોને તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે ઉપરોક્ત સેવાઓનાં નેટવર્ક્સ ડાઇવર્ટ કરવાં પડશે.

કાંતિ બાજપેયી લખે છે, “તત્કાલીન રેલવે પ્રધાન માધવરાવ સિંધિયા અને માર્ગ પરિવહન મંત્રી જગદીશ ટાઇટલરે વિરોધ નોંધાવતાં કહ્યું હતું કે, લશ્કરી પુરવઠા અને સૈનિકોના પરિવહનને કારણે તેમનાં મંત્રાલયોએ આવકમાં ભારે ખોટ વેઠવી પડશે.”

“આ વિરોધને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન રાજીવ ગાંધીએ લશ્કરી પરિવહનના વ્યાપમાં થોડો ઘટાડો કરી દીધો હતો. તેમ છતાં, બ્રાસટૅક્સના હેતુઓ સામેનો લશ્કરી અને રાજકીય વિરોધ અકબંધ રહ્યો હતો.”

આ અભ્યાસ પર દેખરેખ રાખવા માટે જનરલ સુંદરજી રાજ્ય કક્ષાના સંરક્ષણ મંત્રી અરૂણસિંહ સાથે બિકાનેર પાસે આવેલા સરદારશહરમાં ઘણાં સપ્તાહો સુધી રોકાયા હતા. તે સમયે લેફ્ટનન્ટ જનરલ ફિલિપ કમ્પોઝ ત્યાં મેજર તરીકે તહેનાત હતા.

કમ્પોઝ કહે છે, “એક દિવસ સુંદરજી એક અન્ડરગ્રાઉન્ડ ઑપરેશન રૂમમાં જાણ કર્યા વિના પહોંચી ગયા. મેં લગભગ 30 મિનિટ સુધી ચીફને ઑપરેશન વિશે બ્રીફ કર્યા. તેમણે માથું હલાવ્યું અને બહાર પાર્ક કરેલા હેલિકૉપ્ટરમાં સવાર થવા માટે અચાનક જ રૂમમાંથી બહાર નીકળી ગયા.”

“હું સમજી ન શક્યો કે, તેમને મારું બ્રીફિંગ પસંદ પડ્યું કે નહીં. તેઓ હેલિકૉપ્ટરમાં ચઢી રહ્યા હતા, ત્યારે તેમણે મેજર જનરલ હરવંતસિંહને પૂછ્યું, ‘શું મેં બ્રીફિંગ કરવા બદલ તમારા મેજરને શાબાશી આપી?'”

“મેજર જનરલ હરવંતસિંહે જવાબ આપ્યો, ‘ના, સર.’ સુંદરજીએ કહ્યું, ‘હું તે યુવા ઑફિસરની પીઠ થાબડ્યા વિના જતો રહું, તે યોગ્ય નથી.'”

“ઑપરેશન્સ રૂમમાં મારા સહકર્મીઓ અને હું બ્રીફિંગ વિશે ચર્ચા કરી રહ્યા હતા. હું મારા સાથીઓને પૂછી રહ્યો હતો, ‘મારું બ્રીફિંગ બરાબર હતું?’ ત્યારે જ પાછળથી અવાજ આવ્યો, ‘એકદમ બરાબર હતું.’ મારી પાછળનો દરવાજો ખુલ્યો અને બધાએ જનરલ સુંદરજીને જોયા, જેઓ ખાસ હેલિકૉપ્ટરમાંથી ઑપરેશન્સ રૂમમાં પરત આવ્યા અને અમને સૌને ‘શાબાશ’ કહ્યું.”

જનરલ સુંદરજી અને જનરલ હૂન વચ્ચે મતભેદો

ઑપરેશન બ્રાસ ટૅક્સ, ભારતની સેનાનું અભિયાન, ભારત પાકિસ્તાન સરહદ તણાવ, ભારત પાકિસ્તાન યુદ્ધ કથા, જનરલ સુંદરજી, બીબીસી ગુજરાતી, અરૂણ નહેરુ, રાજીવ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

તે સમયે વેસ્ટર્ન કમાન્ડના વડા તેમજ ઑપરેશન બ્રાસટૅક્સમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર લેફ્ટનન્ટ જનરલ પી. એન. હૂનના મતે, બ્રાસટૅક્સનો આશય પાકિસ્તાન વિરુદ્ધ જંગ છેડવાનો હતો.

સુંદરજીના આલોચક લેફ. જનરલ હૂન તેમના પુસ્તક ‘અનમાસ્કિંગ સિક્રેટ્સ ઑફ ટર્બ્યુલન્સ’માં નોંધે છે, “દેશની પરિવહન વ્યવસ્થાનો જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે કેવળ યુદ્ધની તૈયારીમાં જ શક્ય હોય છે.”

“જ્યારે મેં સુંદરજીને પૂછ્યું કે, ‘દેશના વડા પ્રધાન અને સરકારને આ લશ્કરી અભ્યાસની વિગતો વિશે જાણકારી આપવામાં આવી છે કે કેમ?’ ત્યારે તેમણે ગુસ્સે થઈને જવાબ આપ્યો, ‘વેસ્ટર્ન કમાન્ડના કમાન્ડર તરીકે, વડા પ્રધાનને કે સરકારને આ વિશે જાણ કરવામાં આવી છે કે નહીં, તેવો સવાલ તમે મને કરી શકો નહીં. તે મારું કામ છે. આ મામલે જે પણ જરૂરી હતું, તે કરવામાં આવ્યું છે.'”

‘વડા પ્રધાન રાજીવ ગાંધીને વિશ્વાસમાં નહોતા લેવાયા’

ઑપરેશન બ્રાસ ટૅક્સ, ભારતની સેનાનું અભિયાન, ભારત પાકિસ્તાન સરહદ તણાવ, ભારત પાકિસ્તાન યુદ્ધ કથા, જનરલ સુંદરજી, બીબીસી ગુજરાતી, અરૂણ નહેરુ, રાજીવ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

લેફ. જનરલ હૂન તેમના પુસ્તકમાં દાવો કરે છે કે, તેમને જાણ થઈ હતી કે, આ યુદ્ધાભ્યાસથી યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું વડા પ્રધાન જાણતા નહોતા.

લેફ. જનરલ હૂને લખ્યું છે, “15મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં થયેલી આર્મી ડે પરેડમાં હું હાજર હતો. રાજીવ ગાંધી મારી પાસે આવ્યા અને મને પૂછ્યું, ‘વેસ્ટર્ન કમાન્ડની શું સ્થિતિ છે?’ મેં જવાબ આપ્યો, ‘બધું યોજના પ્રમાણે આગળ ધપી રહ્યું છે અને સૈનિકો ‘બૅટલ લૉકેશન’ તરફ જઈ રહ્યા છે.'”

“ત્યારે રાજીવે મને પૂછ્યું, ‘બૅટલ લૉકેશન’ શા માટે કહો છો? આપણે યુદ્ધ કેવી રીતે કરી શકીએ?’ મને લાગે છે કે, કંઈક ગરબડ થઈ હતી. વડા પ્રધાન આ કવાયત વિશે સંપૂર્ણ માહિતી ધરાવતા નહોતા.”

“હું રણમાં પહોંચ્યો, ત્યારે ડિરેક્ટર જનરલ મિલિટરી ઑપરેશન્સ લેફ્ટનન્ટ જનરલ રવિ મહાજને વ્યગ્ર થઈને મને ફોન કર્યો. તેમણે મને કહ્યું કે, સુંદરજી તરત જ દિલ્હીમાં મને મળવા માગતા હતા. હું દિલ્હી પહોંચ્યો, તો સુંદરજીએ મને કહ્યું કે, અભ્યાસની દિશા પૂર્વથી પશ્ચિમને બદલે ઉત્તરથી દક્ષિણ તરફ કરી દેવી જોઈએ. તે પછી સૈનિકોને બિકાનેર પરત બોલાવી લેવાયા.”

કાંતિ બાજપેયી લખે છે, “જ્યારે પાકિસ્તાને ઑપરેશન બ્રાસટૅક્સના જવાબમાં તેની લશ્કરી કવાયત જારી રાખી, ત્યારે લશ્કરના વડાઓએ અને રાજ્ય કક્ષાના સંરક્ષણ મંત્રીએ આ વાતની જાણ રાજીવ ગાંધીને ન કરવાનું સંયુક્તપણે નક્કી કર્યું.”

“આ પાછળનું કારણ એ હતું કે, રાજીવ ગાંધી અંદામાનમાં રજાઓ ગાળી રહ્યા હતા. જો વડા પ્રધાનને આ વિશે જાણ કરવામાં આવે, તો તેઓ તેમનો પ્રવાસ ટૂંકાવીને દિલ્હી પાછા ફરત અને બિનજરૂરી રીતે વાત વણસી ગઈ હોત. વડા પ્રધાનને તે વિશે જાણ ન કરવાનો નિર્ણય કદાચ ભૂલભરેલો હતો.”

અરૂણસિંહે કિંમત ચૂકાવવી પડી

ઑપરેશન બ્રાસ ટૅક્સ, ભારતની સેનાનું અભિયાન, ભારત પાકિસ્તાન સરહદ તણાવ, ભારત પાકિસ્તાન યુદ્ધ કથા, જનરલ સુંદરજી, બીબીસી ગુજરાતી, અરૂણ નહેરુ, રાજીવ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

તે સમયે રાજીવ ગાંધીની કૅબિનેટના સભ્ય એવા નટરવરસિંહ તેમની આત્મકથા ‘વન લાઇફ ઇઝ નૉટ ઇનફ’માં લખે છે, “એક વખત એક બેઠકમાં વડા પ્રધાન, હું, વિદેશ પ્રધાન નારાયણ દત્ત તિવારી, એમ. એલ. ફોતેદાર અને લેફ્ટનન્ટ જનરલ હઝારી હાજર હતા. બેઠક પછી રાજીવ ગાંધીએ તિવારીને અને મને રોકાવાનો ઇશારો કર્યો. તે પછી તિવારી તરફ ફરીને રાજીવે કહ્યું, ‘મારા રાજ્ય કક્ષાના સંરક્ષણ મંત્રીનું શું કરું?’ વિદેશ મંત્રીએ મારી તરફ જોયું અને ચૂપ થઈ ગયા.”

“તે પછી રાજીવ ગાંધી મારી તરફ ફર્યા. મેં કહ્યું, ‘તમારે મંત્રીને ડિસમિસ કરી દેવા જોઈએ.’ મારો જવાબ સાંભળી રાજીવ ગાંધીએ કહ્યું, ‘અરૂણસિંહ મારા મિત્ર છે.’ મેં થોડી સખ્તાઈથી કહ્યું, ‘સર, તમે દૂન સ્કૂલના કોઈ ઑલ્ડ બૉય્ઝ ઍસોસિયેશનના પ્રમુખ નથી.”

“તમે ભારતના વડા પ્રધાન છો અને વડા પ્રધાનના કોઈ મિત્ર નથી હોતા.’ થોડા દિવસો પછી અરૂણસિંહની નાણાં મંત્રાલયમાં બદલી થઈ ગઈ. ટૂંક સમય બાદ, રાજીવ ગાંધીએ તેમનું રાજીનામું સ્વીકાર્યું, એટલું જ નહીં, તેમને રાજ્ય સભામાંથી રાજીનામું આપવા પણ જણાવ્યું.”

બંને દેશો સરહદેથી સૈનિકોને પાછા બોલાવી લેવા માટે સંમત થયા

ઑપરેશન બ્રાસ ટૅક્સ, ભારતની સેનાનું અભિયાન, ભારત પાકિસ્તાન સરહદ તણાવ, ભારત પાકિસ્તાન યુદ્ધ કથા, જનરલ સુંદરજી, બીબીસી ગુજરાતી, અરૂણ નહેરુ, રાજીવ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

આ દરમિયાન, પાકિસ્તાનમાં મધરાતે ભારતીય હાઇ કમિશનર એસ.કે. સિંહના નિવાસસ્થાને ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે તેમને વિદેશ બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી ઝૈન નૂરાનીને મળવાની તાકીદ કરી.

આ બેઠકમાં નૂરાનીએ એસ.કે. સિંહને પ્રમુખ ઝીયાનો સંદેશ આપ્યો કે, જો પાકિસ્તાનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો પાકિસ્તાન પણ ભારતને નુકસાન પહોંચાડવા સક્ષમ હતું.

માઇકલ ક્રિપોન અને નેટ કોન તેમના પુસ્તક ‘ક્રાઇસિસ ઇન સાઉથ એશિયા’માં લખે છે, “પાકિસ્તાને ભારત સાથેની સરહદ પર તેના વધુ સૈનિકો ખડકી દેતાં વળતી પ્રતિક્રિયારૂપે સુંદરજીએ આંતરરાષ્ટ્રીય સરહદ પર સૈનિકોને રક્ષાત્મક સ્થિતિમાં તહેનાત કર્યા હતા.”

“ભારતે તેના રિઝર્વ સૈનિકોને પણ બોલાવી લીધા હતા. ભારતના આ કદમથી સ્થિતિ વણસી હતી અને બંને દેશોના સૈનિકો જમ્મુ અને કાશ્મીર તથા પંજાબની સરહદ પર લગભગ આમને-સામને આવીને ઊભા રહી ગયા હતા.”

“વડા પ્રધાન કાર્યાલયે સુંદરજીને પત્રકાર પરિષદ બોલાવીને ભારતની આ ગતિવિધિના વાજબીપણા વિશે વિશ્વની પ્રેસને જણાવવાની સૂચના આપી. 18મી જાન્યુઆરી, 1987ના રોજ રાજ્ય કક્ષાના સંરક્ષણ મંત્રી અરૂણસિંહ અને જનરલ સુંદરજીએ સંયુક્તપણે પત્રકાર પરિષદ સંબોધી અને કહ્યું કે, જો પાકિસ્તાન સરહદ પરથી તેનું લશ્કર હઠાવી લે, તો ભારત પણ તેમ કરવા માટે તૈયાર છે.”

જનરલ ઝિયાનો ભારત પ્રવાસ

ઑપરેશન બ્રાસ ટૅક્સ, ભારતની સેનાનું અભિયાન, ભારત પાકિસ્તાન સરહદ તણાવ, ભારત પાકિસ્તાન યુદ્ધ કથા, જનરલ સુંદરજી, બીબીસી ગુજરાતી, અરૂણ નહેરુ, રાજીવ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

તેના ટૂંક સમયમાં જ ભારત અને પાકિસ્તાનના મિલિટરી ઑપરેશન્સ ના ડિરેક્ટર્સ જનરલ વચ્ચેની હૉટલાઇન ફરી શરૂ થઈ ગઈ. આ હૉટલાઇન બ્રાસટૅક્સ દરમિયાન સળંગ 45 દિવસ સુધી વપરાઈ નહોતી.

કાંતિ બાજપેયી લખે છે, “વાતચીત ન થવાને કારણે એવી અટકળોને વેગ મળ્યો હતો કે, ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરવાની પેરવીમાં છે. સમગ્ર બનાવનું યથાર્થવાદી મૂલ્યાંકન સૂચવે છે કે, ભારતે ઇરાદાપૂર્વક સ્પષ્ટતા ન કરી અને પોતાની શક્તિનું પ્રદર્શન કરીને પાકિસ્તાનને સતત અનિશ્ચિતતા અને વ્યગ્રતાની સ્થિતિમાં રાખ્યું.”

21મી ફેબ્રુઆરી, 1987ના રોજ પાકિસ્તાની ઍર ફૉર્સનું વિમાન દિલ્હી ઊતર્યું. તેમાં પાકિસ્તાનના જનરલ ઝિયા સવાર હતા, જેઓ જયપુરમાં ભારત-પાકિસ્તાનની મૅચ જોવા આવ્યા હતા. તેમણે રાજીવ ગાંધી સમક્ષ શાંતિ પ્રસ્તાવ મૂક્યો, જે રાજીવ ગાંધીએ સ્વીકાર્યો.

મીડિયાએ તેને ક્રિકેટ ડિપ્લોમસી ગણાવી. ઑપરેશન બ્રાસટૅક્સ નવેમ્બર, 1986માં શરૂ થયું હતું અને માર્ચ, 1987ના રોજ સમાપ્ત થયું.

લશ્કરી બાબતોના વિશ્લેષકોના મંતવ્ય અનુસાર, ઑપરેશન બ્રાસટૅક્સે ભારતની લશ્કરી ક્ષમતાનો એટલી અસરકારકતા સાથે પરચો આપ્યો કે, તેના કારણે પાકિસ્તાનને તેના પરમાણુકાર્યક્રમની ઝડપ વધારવાની ફરજ પડી.

તે સમયે ભારત પાસે 11 લાખ સૈનિકો હતા અને તેણે તેના સંરક્ષણ બજેટ પર અંદાજે આઠ અબજ ડૉલરનો ખર્ચ કર્યો હતો, જે પ્રમાણ તેના કુલ બજેટના 20 ટકા થાય છે. આ લશ્કરી અભ્યાસનાં મિશ્ર પરિણામો જોવા મળ્યાં હતાં.

તેનાથી પાકિસ્તાન અમુક અંશે મુશ્કેલીમાં મૂકાયું, પણ તેની સાથે જ ચીન તિબેટમાં તેની લશ્કરી ક્ષમતાઓ વધારવા મજબૂર બન્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS