Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય સમય મુજબ, સોમવારે સાંજથી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધી અમલમાં આવી ગઈ છે, જેના કારણે 40 દિવસથી કરતાં વધુ સમયથી ચાલી રહેલા ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ યુદ્ધમાં નવો વળાંક આવ્યો છે.
આ વિસ્તારની સુરક્ષા માટે જવાબદાર અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે નોટ બહાર પાડીને, જો કોઈ જહાજ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે, તો શું થશે, તેના વિશે માહિતી આપી છે.
જેમાં જહાજને બળજબરીપૂર્વક અટકાવવું, તેનો રૂટ બદલાવવો કે તેને બાનમાં લેવું, જેવાં પગલાં પણ સામેલ છે. અમેરિકાનું કહેવું છે કે આ નાકાબંધી (બ્લૉકેડ) તમામ પ્રકારનાં જહાજો તથા ગમે તે દેશનું જહાજ હોય, તેની ઉપર લાગુ પડશે.
બીજી બાજુ, આઇઆરજીસીએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેના બંદર ઉપરથી થતી જહાજોની અવરજવરને અટકાવવામાં આવશે, તો તેનાં ગંભીર પરિણામ આવશે.
ફેબ્રુઆરી મહિનાના અંત ભાગમાં આ વિસ્તારમાં સંઘર્ષ ફાટી નીકળ્યો, એ પહેલાં અહીંથી દરરોજ 140 જેટલાં જહાજ પસાર થતાં હતાં.
જેમાં મોટાં ભાગનાં જહાજો ક્રૂડઑઇલ, ગૅસ અને કેમિકલનું પરિવહન કરતાં. જ્યારે કેટલાંક જહાજો મધ્યપૂર્વ એશિયાઈ દેશો માટે ખોરાક અને જરૂરી ચીજવસ્તુઓની હેરફેર કરતાં.
પાકિસ્તાનની મધ્યસ્થીથી અમેરિકા અને ઈરાને એક પખવાડિયા માટે સંઘર્ષવિરામની જાહેરાત કરી હતી. જેમાં હોર્મુઝની સામુદ્રધુનીમાંથી જહાજોને સલામત રીતે નીકળવા દેવાની શરત પણ સામેલ હતી.
જોકે, એવું થયું નથી અને ઈરાને જહાજોને મંજૂરી વગર સફર નહીં ખેડવાની તથા જો એમ થાય તો તેમને “નિશાને લઈને નાશ” કરી દેવામાં આવશે.
જહાજી બાબતોનું વિશ્લેષણ કરતી પેઢી લૉઇડ્સની યાદી પ્રમાણે, ઈરાને સામુદ્રધુનીને બંધ કરી એ પછી ત્યાં લગભગ 800 જહાજ ફસાઈ ગયાં છે અને મોટાં ભાગનાં જહાજોમાં સામાન લદાયેલો છે.
ઈરાનને ભૌગોલિક લાભ
ઇમેજ સ્રોત, Reuters
ઈરાન કઈ રીતે વિશ્વના આટલા મહત્ત્વપૂર્ણ અને વ્યવસ્ત જળમાર્ગને બાનમાં લઈ શકે છે, એના વિશે સમજાવતા બીબીસીના સંવાદદાતા ફ્રૅન્ક ગાર્ડનર કહે છે: લગભગ છ અઠવાડિયાંથી યુદ્ધ ચાલુ થયું છે. એ પહેલાં ઈરાન ઉપર નિષેધો-નિયંત્રણો લાગેલાં હતાં, તો પણ તેણે હોર્મુઝની સામુદ્રધુનીને નિશાને નહોતી લીધી.
હવે, આ રૂટનો ઉપયોગ કરનાર પાસેથી ટૉલ (જેમ કાર કે ટ્રકે અમુક રસ્તા ઉપરથી પસાર થવા માટે ટૉલ ચૂકવવો પડે છે, એવી રીતે) વસૂલવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ઈરાન ઇચ્છે છે કે તેનું જહાજ કાર્ગો જહાજોની ચકાસણી કરે. ખાડી દેશોને આ વાત નામંજૂર છે.
ઈરાન પોતાના ભૌગોલિક સ્થાનનો ઉપયોગ કરીને હોર્મુઝની સામુદ્રધુની ઉપર પોતાનું પ્રભુત્વ દેખાડવા માગે છે.
માત્ર સૈન્યશક્તિથી હોર્મુઝના જળમાર્ગને ખુલ્લો રાખવો અશક્ય છે. તેના રસ્તે અનેક ઍન્ટ્રીપૉઇન્ટ્સ અને ગુફા આવેલાં છે.
જો ઈરાન તેમાં એક મિસાઇલ છુપાવી દે અને હુમલો કરવાની ધમકી આપે, તો વીમા કંપનીઓ તરત જ પ્રીમિયમના ભાવ અસામાન્ય દરે વધારી દેશે, જેના કારણે જહાજો માટે આ રસ્તેથી સફર ખેડવી મુશ્કેલ થઈ જશે.
સમગ્ર જળમાર્ગને બાનમાં લેવા માટે ઈરાને તેના નૌકાદળનો ઉપયોગ કરવાની જરૂર નથી. માત્ર તેનો દરિયાકિનારો જ આ કામ કરવા માટે પૂરતો છે.
હોર્મુઝની સામુદ્રધુનીમાં માઇન્સ
ઇમેજ સ્રોત, Reuters
ઈરાનના સરકારી મીડિયાએ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોરનું (આઇઆરજીસી) નિવેદન પ્રકાશિત કર્યું હતું.
જેમાં જહાજોને સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં વૈકલ્પિક ધોરણે કયો રૂટ લેવો જોઈએ, તેની સલાહ આપવામાં આવી હતી. આઇઆરજીસીના કહેવા પ્રમાણે, “દરિયાઈ સલામતીને લગતા નિયમોના અનુપાલન તથા દરિયાઈ સુરંગો સાથે ટક્કર ન થઈ જાય” તે માટે આમ કરવાની સલાહ આપી હતી.
એ અહેવાલમાં કયા-કયા વૈકલ્પિક જળમાર્ગ છે તેના વિશે વિગતો આપવામાં આવી છે તથા તેના નકશા પણ મૂકવામાં આવ્યા હતા.
વીડિયો જુઓ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS



