Source : BBC NEWS
ઇમેજ સ્રોત, X/@IraninSA
અપડેટેડ એક કલાક પહેલા
વાંચવાનો સમય: 3 મિનિટ
અમેરિકા સાથે વાટાઘાટો કરવા માટે ઈરાનનું પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ પહોંચ્યું છે.
બીબીસી ઉર્દૂના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે ઈરાનનું પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ પહોંચી ગયું છે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે, આ પ્રતિનિધિમંડળ નૂર ખાન હવાઈમથકે પહોંચ્યું હતું, જ્યાં તેમનું સ્વાગત કરવા માટે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ જનરલ આસિમ મુનિર પહોંચ્યા હતા.
તેમની સાથે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન તથા વિદેશ મંત્રી ઇસહાક ડાર, નૅશનલ ઍસેમ્બલીના અધ્યક્ષ સરદાર અયાઝ સાદિક તથા ગૃહ મંત્રી મોહસિન રઝા નકવી પણ હાજર હતા.
ઈરાનના સરકારી ટીવીની ટેલિગ્રામ ચૅનલ ઉપર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બગર ગાલિબાફ કરી રહ્યા છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી, રક્ષા પરિષદના સચિવ અલી અકબર અહમદિયાન, સૅન્ટ્રલ બૅન્કના ગવર્નર અબ્દુલનાસિર હેમ્મતી તથા ઈરાનની સંસદના અનેક સભ્યો પણ સામેલ છે.
બીજી બાજુ, અમેરિકાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વૅન્સ કરી રહ્યા છે. તેઓ આ વાટાઘાટોમાં સામેલ થવા માટે અમેરિકાથી નીકળી ગયા હોવાના અહેવાલ છે.
ઇમેજ સ્રોત, Foreign Ministry, Pakistan
ઈરાનના પ્રતિનિધિઓ જે વિમાનમાં ઇસ્લામાબાદ પહોંચ્યા, તેનું નામ ‘મિનાબ 168’ રાખવામાં આવ્યું હતું.
અમેરિકા દ્વારા ઈરાન ઉપર કરવામાં આવેલા હવાઈહુમલામાં મિનાબ શહેરમાં એક શાળા ઉપર થયેલા હુમલામાં 168 લોકો મૃત્યુ પામ્યાં હતાં, જેમાંથી મોટાભાગે બાળકીઓ હતી. તેમની સ્મૃતિમાં આ નામ રાખવામાં આવ્યું હતું.
એ સમયે ઈરાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે તા. 28 ફેબ્રુઆરીના હુમલામાં મિનાબ શહેરની પ્રાથમિક શાળા ઉપર હુમલો થયો હતો, જેમાં બાળકીઓ મૃત્યુ પામી હતી.
ટ્રમ્પે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ વિશે આ વાત કહી
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે અમેરિકા-ઈરાન વચ્ચેની વાટાઘાટો ઇસ્લામાબાદ ખાતેની બેઠકમાં જ એકસાથે જ પૂરી થઈ જશે કે આગામી અઠવાડિયાંમાં પણ ચાલુ રહેશે, તેના વિશે ટ્રમ્પે કહ્યું હતું કે તેમને કોઈ માહિતી નથી.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની પાસે કોઈ બૅક-અપ પ્લાન છે, ત્યારે તેમણે કહ્યું, “બૅક-અપ પ્લાનની જરૂર નથી.”
વર્જિનિયાથી શાર્લોટ્સવિલે જવા માટે વિમાનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ઉપરાષ્ટ્રપતિ જેડી વૅન્સ વાટાઘાટો માટે ઇસ્લામાબાદ જવા રવાના થયા, ત્યારે તેમને શું કહ્યું? જવાબમાં ટ્રમ્પે કહ્યું, “મેં તેમને શુભેચ્છાઓ પાઠવી.”
અન્ય એક પત્રકારોએ પૂછ્યું હતું કે ઈરાન સાથેનો સારો કરાર કેવો હશે? જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, “તેમની પાસે કોઈ પરમાણુ હથિયાર નથી.” અને કહ્યું કે તેમને લાગે છે કે પહેલાંથી જ સત્તાપરિવર્તન થઈ ગયું છે.
ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનના સહકારથી કે સહયોગ વગર હોર્મુઝની સામુદ્રધુની ખુલશે, સાથે જ ઉમેર્યું હતું કે અમેરિકાને તેની જરૂર નથી.
ટ્રમ્પે કહ્યું હતું, “અમે તેને ખૂબ જ વહેલી તકે ખોલાવી દઈશું.”
ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે ઈરાન દ્વારા હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થનારાં જહાજો ઉપર વેરો નાખવામાં આવશે એવા અહેવાલ છે. તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, “અમે એવું નહીં થવા દઈએ.”
જી-મેલ વપરાશકર્તાઓ માટે મહત્ત્વપૂર્ણ અપડેટ્સ
ઇમેજ સ્રોત, Getty Images
જીમેલના વપરાશકર્તાઓ તેમનું યૂઝરનૅમ બદલાવી શકશે. જેથી કરીને વર્ષો પહેલાં જી-મેલનું એકાઉન્ટ બનાવતી વખતે અટપટા કે રમૂજી નામ લેનારા લોકોને રાહત મળશે.
ગૂગલના સીઈઓ (ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર) સુંદર પિચાઈને ટાંકતા ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ અહેવાલ આપ્યો છે.
પિચાઈએ જણાવ્યું હતું કે વપરાશકર્તા ગૂગલ સેટિંગ્સમાં જઈને ઉપલબ્ધ નામમાંથી પસંદગી કરી શકે છે. વ્યક્તિ જૂનું યૂઝરનેમ પણ રાખી શકે છે અને બંને નામો સાથે લૉગ-ઇન કરી શકે છે.
નવું નામ લેવા છતાં પણ તમારું જૂનું નામ ચાલુ રહેશે અને તેના ઉપર આવનારા ઈમેલ તમને ઇનબૉક્સમાં ડિલિવર થતાં રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



