Home તાજા સમાચાર gujrati ઈરાનના અખાતમાં દુનિયામાં ક્યાંય પણ હોય એના કરતાં વધારે ઑઇલ-ગૅસ કેમ છે?

ઈરાનના અખાતમાં દુનિયામાં ક્યાંય પણ હોય એના કરતાં વધારે ઑઇલ-ગૅસ કેમ છે?

6
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રૂડઑઇલ, ગૅસ, મધ્ય પૂર્વ, પર્સિયન ગલ્ફ, પૃથ્વી

ઇમેજ સ્રોત, Getty Images

કહેવાઈ રહ્યું છે કે પર્શિયન ગલ્ફ દેશો તેમના ઑઇલ અને ગૅસના વિશાળ ભંડારને કારણે જેટલા નસીબદાર છે એટલા જ શાપિત પણ ખરા.

લાખો વર્ષોથી ભૂસ્તરશાસ્ત્રીય શક્તિઓએ આ પ્રદેશને વૈશ્વિક ઊર્જાનું કેન્દ્ર બનાવ્યો છે, અને તેથી જ હાલમાં ચાલી રહેલા યુદ્ધ જેવી સ્થિતિ વૈશ્વિક ઊર્જા સંકટને જન્મ આપે છે.

આ વિસ્તારનો અભ્યાસ કરનાર પેટ્રોલિયમ ભૂસ્તરશાસ્ત્રી તરીકે હું હજુ પણ તેના ક્રૂડઑઇલ ભંડારોની વિશાળતાથી આશ્ચર્યચકિત છું. ઉદાહરણ તરીકે, પર્શિયન ગલ્ફની આસપાસ 30થી વધુ સુપરજાયન્ટ (અતિશય મોટાં) ક્ષેત્રો છે, જે પૈકી દરેકમાં પાંચ અબજ બેરલ કે તેથી વધુ પ્રમાણમાં ક્રૂડઑઇલ છે.

આ પ્રદેશના કૂવા ઉત્તર સમુદ્ર અને રશિયાના શ્રેષ્ઠ કૂવાની સરખામણીએ દરરોજ બેથી પાંચ ગણું વધુ ક્રૂડઑઇલ ઉત્પન્ન કરે છે.

આધુનિક ભૂ-વિજ્ઞાને ખડકોમાં એવાં ઘણાં મહત્ત્વનાં પરિબળો ઓળખી કાઢ્યાં છે, જે પ્રદેશને કોઈ પ્રદેશને ઑઇલની બાબતે સમૃદ્ધ બનાવે છે, જેમાં હાઇડ્રોકાર્બન ઉત્પન્ન કરવાની અને જાળવી રાખવાની તેમની ક્ષમતાનો સમાવેશ થાય છે.

પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાં આ બધાં પરિબળો શ્રેષ્ઠ સ્તરે અથવા તેની આસપાસ છે.

તેની પ્રચંડ વિપુલતા અને ઉત્પાદનની સરળતાને લીધે પર્શિયન ગલ્ફ ક્ષેત્ર અજેય છે.

ગલ્ફના ઑઇલ-ગૅસનો ટૂંકો ઇતિહાસ

14 હજારથી છ હજાર વર્ષ પહેલાંની દરમિયાનના સમયગાળાથી એટલે કે અંતિમ હિમયુગના અંત ભાગમાં જ્યારે પર્શિયન ગલ્ફમાં પૂર આવ્યું તેના ઘણા સમય પહેલાંથી જ માનવજાતને આ વિસ્તારમાં હાઇડ્રોકાર્બનની હાજરી વિશે ખબર હતી.

પ્રદેશના ઘણા ભાગોમાં નદીઓ અને ખીણોની સમાંતરે ક્રૂડઑઇલ અને ગૅસના કુદરતી પ્રવાહો સામાન્ય છે.

આપણા સામાન્ય યુગની શરૂઆતનાં હજારો વર્ષ પહેલાં (ઈસવીસન) બાંધકામ માટે લોકો સિમેન્ટ જેવો ચીકણો પદાર્થ અને વૉટરપ્રૂફ જહાજો બનાવવાં માટે એક પ્રકારના ભારે પેટ્રોલિયમ બિટ્યુમેનનો ઉપયોગ કરતા.

ઑઇલની પ્રથમ આધુનિક શોધ 1908માં પશ્ચિમ ઈરાનના એક જાણીતા સ્થળે થઈ હતી.

1950 અને 1960ના દાયકા ઑઇલ અને ગૅસની શોધમાં ખૂબ તીવ્ર વિસ્તરણના સાક્ષી બન્યા. એ દરમિયાન એ સ્પષ્ટ થઈ ગયું કે ગ્રહ પર અન્ય કોઈ પ્રદેશમાં આટલા વિપુલ પ્રમાણમાં ક્રૂડઑઇલ નહીં હોય.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રૂડઑઇલ, ગૅસ, મધ્ય પૂર્વ, પર્સિયન ગલ્ફ, પૃથ્વી

ઇમેજ સ્રોત, Getty Images

ક્રૂડઑઇલ અને ગૅસના વિશાળ જથ્થાવાળા અન્ય વિસ્તારો પણ શોધાયા છે, જેમ કે, રશિયામાં પશ્ચિમ સાઇબિરીયા અને તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં પર્મિયન બેસિન, પરંતુ એ પૈકી કોઈ પણ સ્થળની પર્શિયન ગલ્ફમાં ભંડારની વિશાળતા કે ઉત્પાદની વિપુલતા દૃષ્ટિએ સરખામણી થઈ શકે એમ નથી.

ભૂસ્તરશાસ્ત્રીય ગોઠવણ

પર્શિયન ગલ્ફ પ્રદેશ એ સ્થાન પર સ્થિત છે જ્યાં બે ટેક્ટોનિક પ્લેટો અથડાય છે: દક્ષિણપૂર્વમાં અરેબિયન પ્લેટ અને પૂર્વ અને ઉત્તરમાં યુરેશિયન પ્લેટ.

અથડાવાની આ પ્રક્રિયા લગભગ 35 મિલિયન વર્ષોથી થઈ રહી છે અને તેનાં પરિણામે એક સતત બદલાતું જતું દૃશ્ય સર્જાયું છે, જેમાં ખડકોનાં સ્તરો વળી અને તૂટી ગયાં છે અને ઊંડાણમાં, ભારે ગરમી અને દબાણ દ્વારા રૂપાંતરિત થયાં છે.

અખાતની બંને બાજુ વચ્ચે ભૂસ્તરશાસ્ત્રીય લાક્ષણિકતાઓમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. ઈરાની બાજુએ, ઝાગ્રોસ પર્વતમાળા ઓમાનના અખાતથી તુર્કીની સરહદ સુધી 1,800 કિલોમીટર (1,100 માઇલ) સુધી ફેલાયેલી જોવા મળે છે.

ગ્રેટ અલ્પાઇન-હિમાલય પ્રણાલીનો ભાગ, ઝાગ્રોસ પર્વતમાળા ખૂબ જ ગડી થયેલા અને ખંડિત ખડકોથી બનેલી છે, જે છેલ્લા 60 મિલિયન વર્ષોમાં આફ્રિકા, અરેબિયા અને ભારત અને યુરેશિયા એકબીજા સાથે અથડાવાને લીધે બની છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રૂડઑઇલ, ગૅસ, મધ્ય પૂર્વ, પર્સિયન ગલ્ફ, પૃથ્વી

ઇમેજ સ્રોત, Getty Images

અખાતના અરેબિયન કાંઠે તે પ્રકારનું વળાંક અને ફ્રૅક્ચર થયું ન હતું.

તેનાથી વિપરીત અથડામણની દબાવનારી શક્તિઓએ ઊંડા, નક્કર ખડકના કઠોર પ્લૅટફૉર્મને વિકૃત બનાવ્યું, જેને “બેઝમેન્ટ રૉક” તરીકે ઓળખવામાં આવે છે, જેનાથી વિશાળ કદનાં મોટાં, ગુંબજવાળાં માળખાં બન્યાં, જે ઘણા ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલાં હતાં.

પર્સિયન ગલ્ફની નીચે ઝાગ્રોસ પર્વતના ઉપર ઊઠવાથી ધોવાયેલા કાંપથી ભરેલું એક બેસિન આવેલું છે. તેના સૌથી ઊંડા વિસ્તારોમાં, બેસિનમાં ક્રૂડઑઇલ અને ગૅસના નિર્માણ માટે જરૂરી ઊંચા તાપમાન અને દબાણ જેવાં તત્ત્વો જોવા મળ્યાં.

ટૂંકમાં, મોટા પાયે હાઇડ્રોકાર્બનના ઉત્પાદન અને સંગ્રહ માટે આ ઉત્તમ વાતાવરણ છે.

ક્રૂડઑઇલ ઉત્પન્ન કરતા ખડકો

ક્રૂડઑઇલ અને ગૅસ સમુદ્રના પેટાળમાં મોટા ભાગે કાદવવાળા લાઇમસ્ટોન અને બીજા ખડકોમાં વસતાં સુક્ષ્મ જીવો અને સુક્ષ્મ વનસ્પતિઓ જેવા જૈવિક પદાર્થો જ્યારે ભારે દબાણ અને તાપમાનના ભોગ બને ત્યારે બને છે. ઝૂપ્લાંકટન અને ફાયટોપ્લાંકટન જેવા કાર્બનિક પદાર્થોમાંથી બને છે.

2 ટકાથી ઓછાં ઑર્ગેનિક તત્ત્વોવાળા ખડકો ઑઇલ અને ગૅસ ઉત્પાદન માટે ઉચ્ચ ગુણવત્તાવાળાં ગણવામાં આવે છે.

ખાસ કરીને અખાતના પ્રદેશમાં આ સ્રોત ખડકોનાં સ્તરો વધુ પ્રમાણમાં છે, જેમાંથી કેટલાક ખાસ કરીને જાડા, વિપુલ પ્રમાણમાં અને કાર્બનિક રીતે સમૃદ્ધ છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રૂડઑઇલ, ગૅસ, મધ્ય પૂર્વ, પર્સિયન ગલ્ફ, પૃથ્વી

ઇમેજ સ્રોત, Getty Images

આનાં ઉદાહરણો અરેબિયન અખાત કાંઠે હનીફા અને તુવૈક પર્વત રચનાઓ તરીકે મોજૂદ છે, જે 200 થી 145 મિલિયન વર્ષ પહેલાં જુરાસિક સમયગાળા દરમિયાન રચાયેલી હતી, અને ઈરાનમાં કાઝદુમી રચના, જે 145 થી 66 મિલિયન વર્ષ પહેલાં ક્રેટેસિયસ સમયગાળા દરમિયાન રચાયેલી હતી.

આ ખડકોમાં 1% થી 13% કાર્બનિક તત્ત્વો હોય છે, અને કેટલીક જગ્યાએ તેનાથી પણ વધુ હોય છે.

ક્રૂડઑઇલ અને ગૅસનાં માળખાં

આ પ્રદેશના ગડી થયેલા અને ખંડિત ખડકનાં સ્તરો અને તેના ગુંબજો, હાઇડ્રોકાર્બનને ફસાવવા માટે યોગ્ય છે.

ઝેગ્રોસ ફોલ્ડ્સ, ઉપગ્રહ દ્વારા અંકિત કરાતી છબિઓમાં દેખાતા અદ્ભુત આકાર માટે ભૂસ્તરશાસ્ત્રીઓમાં સુપ્રસિદ્ધ પર્વતો, સેંકડો અબજો બેરલ ક્રૂડઑઇલ અને પુષ્કળ પ્રમાણમાં ગૅસ ધરાવે છે.

પર્સિયન ગલ્ફ ક્ષેત્રના ક્રૂડઑઇલ અને ગૅસ નકશા પર એક ઝડપી નજર નાખતાં ઉત્તરપશ્ચિમથી દક્ષિણપૂર્વ તરફ ફેલાયેલા લગભગ લંબગોળાકાર આકારનાં ક્ષેત્રો દેખાશે જે મોટા ભાગના ગડી થયેલાં માળખાંને પ્રતિબિંબિત કરશે.

તેમાં દક્ષિણ ઈરાનથી ઉત્તરપૂર્વ ઇરાક સુધી ફેલાયેલા વિવિધ કદના સેંકડો અલગ અલગ ડિપોઝિટ્સનો સમાવેશ થાય છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રૂડઑઇલ, ગૅસ, મધ્ય પૂર્વ, પર્સિયન ગલ્ફ, પૃથ્વી

ઇમેજ સ્રોત, Getty Images

અરેબિયન પ્લેટ પર, મોટા ગુંબજ જેવાં માળખાંએ ક્રૂડઑઇલ અને ગૅસના વિશાળ ભંડારનું નિર્માણ કર્યું છે. આમાં સાઉદી અરેબિયામાં ઘવર ક્રૂ઼ડઑઇલ ક્ષેત્રનો સમાવેશ થાય છે, જે વિશ્વનું સૌથી મોટું ક્ષેત્ર છે, જે 70 અબજ બેરલથી વધુ ક્રૂડઑઇલનું ઉત્પાદન કરી શકે છે.

ઈરાન અને કતાર વચ્ચે વહેંચાયેલ સાઉથ પાર્સ-નોર્થ ડોમ કુદરતી ગૅસ ફિલ્ડ ઓછામાં ઓછા 46 અબજ ઘન મીટર ગૅસનું ઉત્પાદન કરી શકે છે, જે 200 અબજ બેરલથી વધુ ક્રૂડઑઇલની સમકક્ષ ઊર્જા છે.

સૌથી મહત્ત્વપૂર્ણ ધારણક્ષમતાવાળા ખડકો લાઇમસ્ટોન છે, જેમાં કેટલાક ભાગો આંશિક રીતે ઓગળી ગયા છે, જે ક્રૂડઑઇલ અને ગૅસના પ્રવાહને સરળ બનાવે છે.

ઝાગ્રોસ ભંડારમાં, પ્લેટ અથડાવાને પરિણામે ફોલ્ડિંગ અને ફોલ્ટિંગ દ્વારા સર્જાયેલા ફ્રૅક્ચરમાંથી પ્રવાહી વહે છે.

સાઉદી અરેબિયાના ઘાવર ક્ષેત્રમાં આરબ-ડી ભંડાર અને ઘણાં ઝાગ્રોસ ક્ષેત્રોમાં અસમારી લાઇમસ્ટોન જેવાં સ્થળોએ, આ ઉચ્ચ-ગુણવત્તાવાળા ક્રૂડઑઇલ સંગ્રહ ખડકો સેંકડો અને હજારો કિલોમીટરના વિશાળ વિસ્તારોને આવરી લે છે.

આ ભંડારો આટલા મોટા પ્રમાણમાં પૃથ્વી પર બીજે ક્યાંય અસ્તિત્વમાં નથી, ન તો જમીન પર કે ન સમુદ્રમાં. આ વાત પર્શિયન ગલ્ફ ક્ષેત્રની અનોખું પેટ્રોલિયમ ભૂસ્તરશાસ્ત્ર દર્શાવે છે.

ભવિષ્યની શક્યતાઓ

આ પરિબળોનું સંયુક્ત પરિણામ એ છે કે વિશ્વના પરંપરાગત ક્રૂડઑઇલ ભંડારનો લગભગ અડધો ભાગ અને તેનો 40% ગૅસ પૃથ્વીની જમીનની સપાટીથી માત્ર 3% નીચે આવેલો છે.

યુનાઇટેડ સ્ટેટ્સ જિયૉલૉજિકલ સર્વેની ગણતરી સૂચવે છે કે, એક સદીથી વધુ સમયથી ખોદકામ અને ઉત્પાદન બાદ પણ, પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાં હજુ પણ મોટા પ્રમાણમાં ક્રૂડઑઇલ અને ગૅસના ભંડારની શોધ થવાનું બાકી છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રૂડઑઇલ, ગૅસ, મધ્ય પૂર્વ, પર્સિયન ગલ્ફ, પૃથ્વી

ઇમેજ સ્રોત, Getty Images

અરેબિયન દ્વીપકલ્પ અને ઝાગ્રોસ પર્વતોનો અભ્યાસ કરતા 2012ના એક અહેવાલમાં, એજન્સીએ અંદાજ લગાવ્યો હતો કે ખડકોમાં પહેલાંથી શોધાયેલા જથ્થા ઉપરાંત 86 અબજ બેરલ જેટલું ક્રૂડઑઇલ અને 9.5 ટ્રિલિયન ક્યુબિક મીટર ગૅસ હોઈ શકે છે.

2000 અને 2010ના દાયકામાં અમેરિકામાં વિકસાવવામાં આવેલી આડી ડ્રિલિંગ અને ફ્રેકિંગ (હાઇડ્રોલિક ફ્રૅક્ચરિંગ) તકનીકોનો ઉપયોગ કરીને વધુ ક્રૂડઑઇલ અને ગૅસનું ઉત્પાદન પણ કરી શકાય છે .

સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) તેનાં ક્રૂડઑઇલ ક્ષેત્રોમાં આ પદ્ધતિઓનું પરીક્ષણ કરી રહ્યાં છે. તે કેટલી સફળ થશે, એ વિશે હાલ કહેવું ઉતાવળભર્યું કહેવાશે, પરંતુ અભ્યાસો સૂચવે છે કે આનાથી વધુ ઉત્પાદન થઈ શકે છે.

સ્કોટ એલ. મોન્ટગોમરી અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં ઇન્ટરનૅશનલ સ્ટડીઝના પ્રોફેસર છે. તેમનો લેખ “ધ કન્વર્સેશન” માં પ્રકાશિત થયો હતો , જેનો મૂળ અંગ્રેજી લેખ તમે અહીં વાંચી શકો છો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS