Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 7 મિનિટ પહેલા
વાંચવાનો સમય: 4 મિનિટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ‘ફેક ન્યૂઝ મીડિયા’ અમેરિકાની સેનાની ઈરાનની સામેની કાર્યવાહીને યોગ્ય રીતે નથી દેખાડી રહ્યું.
ટ્રુથ સોશિયલ પર પોતાની પોસ્ટમાં તેમણે કહ્યું, “ફેક ન્યૂઝ મીડિયા એ જણાવવામાં ખચકાટ અનુભવે છે કે અમેરિકાની સેનાએ ઈરાન સામે કેટલું સરસ પ્રદર્શન કર્યું છે.”
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, “ઈરાન પૂરી રીતે હારી ચૂક્યું છે. તે સમજૂતી કરવા માગે છે, પરંતુ આ પ્રકારની સમજૂતી મને મંજૂર નથી.”
આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે અમેરિકા તથા ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને લઈને મીડિયામાં અલગ-અલગ દાવાઓ સામે આવી રહ્યા છે.
ટ્રમ્પે પહેલાં પણ કહી ચૂક્યા છે કે અમેરિકાના હુમલામાં ઈરાનનાં ઘણાં સૈન્ય ઠેકાણાં તબાહ થઈ ચૂક્યાં છે.
ખાર્ગ દ્વીપ પર હુમલાના સમાચાર બાદ ઈરાને અમેરિકાને આપી આ ચેતવણી

ઈરાને ચતવણી આપી છે કે જો તેના ઑઇલ અને ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવામાં આવશે તો તે આ વિસ્તારમાં અમેરિકાને સહયોગ કરતી ઑઇલ કંપનીઓ પર હુમલો કરશે.
રૉયટર્સે જણાવ્યા પ્રમાણે, આ જાણકારી ઈરાની મીડિયાના હવાલેથી આપવામાં આવી છે.
ઈરાની સેનાની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાની સેનાને ઈરાનના ઑઇલ નિકાસ માટે મહત્ત્વના ‘ખાર્ગ દ્વીપ પર આવેલાં તમામ સૈન્ય ઠેકાણાં તબાહ’ કરી નાખ્યાં છે.
ખાર્ગ દ્વીપ ઈરાનના ઑઇલ નિકાસ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, જ્યાંથી મોટી માત્રામાં ક્રૂડઑઇલની સપ્લાય થાય છે.
ઈરાનના નેતાઓ વિશે માહિતી આપનારને અમેરિકા એક કરોડ ડૉલર ઇનામ આપશે
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાએ જાહેરાત કરી છે કે તે ઈરાનની રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર (આઈઆરજીસી)ના મુખ્ય નેતાઓ વિશે માહિતી આપનારને એક કરોડ ડૉલર સુધીનું ઇનામ આપશે.
અમેરિકાના વિદેશ મંત્રાલય તરફથી જારી નોટિસમાં કુલ 10 લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ તેમાં માત્ર છ વ્યક્તિનાં નામ અને તસવીરો જાહેર કરવામાં આવી છે.
તેમાં ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અને સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી લારીજાની પણ સામેલ છે.
અલી લારીજાની આનાથી અગાઉ ઈરાનમાં આયોજિત એક સરકાર સમર્થક રેલીમાં જોવા મળ્યા હતા.
અમેરિકાનું કહેવું છે કે આ લોકો આઈઆરજીસીના સૈન્યમાં અલગ અલગ હિસ્સાનું નેતૃત્વ અને સંચાલન કરે છે.
ઇમેજ સ્રોત, US State Department
ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઍરફોર્સ વનમાં સવાર થતા પહેલાં પત્રકારો સાથે વાતચીત કરી હતી.
તેમને પૂછવામાં આવ્યું કે “આ યુદ્ધ કેટલો સમય ચાલશે, ત્યારે તેમણે કહ્યું કે એ હું તમને જણાવી ન શકું.”
તેમણે કહ્યું કે “મારી પાસે એક અંદાજ છે, પરંતુ તેનો શું ફાયદો? આ જરૂરી હોય ત્યાં સુધી ચાલશે. તેમને (ઈરાનને) બહુ ખરાબ રીતે બરબાદ કરી દેવાયું છે.”
આ અગાઉ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે યુદ્ધ ત્યારે ખતમ થશે જ્યારે ઈરાન શરતો વગર આત્મસમર્પણ કરે.
તેમને પૂછવામાં આવ્યું કે આનો અર્થ શું છે, ત્યારે તેમણે કહ્યું કે “તેનો અર્થ એવો થયો કે ઈરાનની નેવી, ઍરફોર્સ અને મોટા ભાગની સૈન્ય ક્ષમતા હવે લગભગ ખતમ થઈ ચુકી છે.”
તેમણે કહ્યું કે, “તેનો સીધો અર્થ એવો થયો કે અમે એવી સ્થિતિમાં છીએ જે અગાઉ ક્યારેય જોવા નથી મળી.”
પત્રકારોએ તેમને એ પણ પૂછ્યું કે “શું ઈરાન સામે યુદ્ધ અંગે તેમના લક્ષ્ય અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુનાં લક્ષ્ય એક સરખાં છે?”
ટ્રમ્પે આના વિશે કહ્યું, “મને લાગે છે કે તેઓ થોડાં અલગ હોઈ શકે છે. પરંતુ તેઓ (નેતન્યાહુ) પણ તમને કહેશે કે દુનિયાએ અમેરિકા જેવી તાકાત ક્યારેય નથી જોઈ.”
ઇન્ડિગો ઍરલાઇન 425થી 2300 રૂપિયા સુધી ફ્યૂઅલ ચાર્જ લગાવશે
ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ઍરલાઇન ઇન્ડિગોએ 14 માર્ચથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્યૂઅલ ચાર્જ લગાવ્યો છે જે 14 માર્ચથી લાગુ થયો છે.
ઇન્ડિગોએ એક નિવેદન જારી કરીને જણાવ્યું કે મધ્યપૂર્વના કેટલાક ભાગોમાં બદલાતી ભૂરાજકીય સ્થિતિ વચ્ચે ઈંધણના ભાવમાં વધારો થવાથી આમ કરવામાં આવ્યું છે.
ઇન્ડિગોએ ભારત અને ભારતીય ઉપમહાદ્વીપ માટે બુકિંગ પર 425 રૂપિયા અને મધ્યપૂર્વ માટે 900 રૂપિયા ફ્યૂઅલ ચાર્જ લગાવવાની જાહેરાત કરી છે.
તેવી જ રીતે સાઉથ ઇસ્ટ એશિયા, ચીન અને આફ્રિકા માટે 1,800 રૂપિયા અને યુરોપના બુકિંગ માટે 2300 રૂપિયા ફ્યૂઅલ ચાર્જ લગાવવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



