Home તાજા સમાચાર gujrati ઈરાન યુદ્ધ : સ્વિત્ઝર્લૅન્ડે અમેરિકાની સેનાને પોતાની ઍરસ્પેસનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી...

ઈરાન યુદ્ધ : સ્વિત્ઝર્લૅન્ડે અમેરિકાની સેનાને પોતાની ઍરસ્પેસનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી – ન્યૂઝ અપડેટ

15
0

Source : BBC NEWS

ઈરાન યુદ્ધ : સ્વિત્ઝર્લૅન્ડે અમેરિકાની સેનાને પોતાની ઍરસ્પેસનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Henry Nicholls / AFP via Getty

15 માર્ચ 2026, 07:46 IST

અપડેટેડ એક કલાક પહેલા

વાંચવાનો સમય: 2 મિનિટ

સ્વિત્ઝર્લૅન્ડે પોતાના હવાઈ ક્ષેત્રમાંથી અમેરિકાની સેનાને પસાર થવા દેવાની બે અપીલને ફગાવી દીધી છે. સ્વિઝ સરકારે એક નિવેદન જારી કરીને તેની જાણકારી આપી છે. સ્વિત્ઝર્લૅન્ડે આ નિર્ણય ઈરાન યુદ્ધને લઈને લીધો છે.

સ્વિઝ સરકારે પોતાનો આ નિર્ણય દેશના ‘નિષ્પક્ષતા કાયદા’નો હવાલો આપીને લીધો છે.

નિવેદનમાં કહેવાયું છે કે “આ કાયદો સંઘર્ષમાં સામેલ પક્ષોને હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની અનુમતિ આપવાથી રોકે છે, જે આ સંઘર્ષ સાથે જોડાયેલા ઉદ્દેશને પૂર્ણ કરતા હોય.”

જોકે, સ્વિઝ સરકારે એમ પણ કહ્યું છે કે તેમણે ત્રણ અન્ય પ્રકારની ઉડાનોને પરવાનગી આપી હતી, જેમાં એક ઉડાન રખરખાવ માટે હતી અને બે પરિવહન સાથે જોડાયેલી હતી.

હોર્મુઝની સામુદ્રધુની પાર કરીને ભારત આવી રહેલાં બે જહાજ વિશે ભારત સરકારે શું કહ્યું?

બીબીસી ગુજરાતી ભારત ઈરાન એલપીજી ગૅસ હોર્મુઝ સામુદ્રધુની

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા પછી મધ્યપૂર્વમાં હોર્મુઝની સામુદ્રધુનીનો રસ્તો બંધ થઈ ગયો હતો. પરંતુ હવે બે ભારતીય જહાજો હોર્મુઝને પાર કરવામાં સફળ રહ્યાં છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શનિવારે આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે ભારત આવી રહેલાં કેટલાંક જહાજો હોર્મુઝની સામુદ્રધુની પાર કરવામાં સફળ રહ્યાં છે. શિવાલિક અને નંદા દેવી નામનાં બે જહાજ હવે ભારતનાં બંદરો તરફ આગળ વધી રહ્યાં છે.

તેમણે જણાવ્યું કે “આ જહાજોમાં દરેકમાં 46 હજાર મેટ્રિક ટનથી વધારે એલપીજીનો જથ્થો છે. બંનેમાં કુલ મળીને 93 હજાર ટન એલપીજી છે.”

રણધીર જયસ્વાલે આ માહિતી આપી ત્યારે પ્રેસ કૉન્ફરન્સમાં વિદેશ મંત્રાલય, પેટ્રોલિયમ મંત્રાલય અને શિપિંગ મંત્રાલયના અધિકારીઓ હાજર હતા.

વિદેશ મંત્રાલયના ઍડિશનલ સેક્રેટરી (ગલ્ફ) અસીમ મહાજને જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષમાં પાંચ ભારતીયોના મોત થયાં છે, જ્યારે એક ભારતીયને ઈજા થઈ છે.

રણધીર જયસ્વાલે કહ્યું કે “ભારતનાં ઘણાં જહાજો અખાતના ક્ષેત્રમાં સ્ટેન્ડબાય પર છે અને ભારત પોતાની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રયાસ કરે છે.”

ઈરાન સાથે સમજૂતી અને નવા સુપ્રીમ લીડર વિશે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

બીબીસી ગુજરાતી અમેરિકા ભારત ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ખામેનેઈ

ઇમેજ સ્રોત, SAUL LOEB / AFP via Getty

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે એનબીસી ન્યૂઝને આપેલા એક ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ઈરાન સમજૂતી કરવા માગે છે, પરંતુ તેઓ હજુ આવું કરવા ઇચ્છુક નથી, કારણ કે “હજુ શરતો સારી નથી”.

જોકે, શરતો કેવી હશે તેના વિશે તેમણે જણાવવાનો ઇન્કાર કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે સંભવિત સમજૂતીનો એક ભાગ એ હશે કે ઈરાન પરમાણુ મહત્ત્વાકાંક્ષાઓ છોડી દેવાનો વાયદો કરે.

ટ્રમ્પે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ વિશે પણ સવાલો ઉઠાવ્યા. મોજતબા એ ઈરાનના માર્યા ગયેલા સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈના પુત્ર છે.

ટ્રમ્પે કહ્યું કે “હું નથી જાણતો કે તેઓ જીવીત છે કે નહીં. હજુ સુધી કોઈ તેમને જોઈ શક્યું નથી.”

ટ્રમ્પે દાવો કર્યો કે ઘણા દેશો હોર્મુઝની સામુદ્રધુનીની સુરક્ષામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. જોકે, તેમણે આ દેશોના નામ જણાવવાનો ઇન્કાર કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS