Home તાજા સમાચાર gujrati ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે ભારતમાં કઈ-કઈ ચીજો મોંઘી થઈ ગઈ?

ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે ભારતમાં કઈ-કઈ ચીજો મોંઘી થઈ ગઈ?

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ઈરાન અમેરિકા યુદ્ધ પેટ્રોલ ડીઝલ એલપીજી ગેસ મોંઘવારી ખાદ્યતેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા પછી એક પખવાડિયાથી પણ ઓછા સમયમાં ઘણી આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ વધી ગયા છે અથવા તો પુરવઠો ખોરવાઈ ગયો છે.

હોર્મુઝની સામુદ્રધુનીનો માર્ગ બંધ થવાથી ઑઇલ અને ગૅસના ભાવમાં તાત્કાલિક વધારો થયો અને ભારત જેવા દેશોમાં ઔદ્યોગિક વપરાશ માટે ગૅસની ‘અછત’ પેદા થઈ છે.

કોઇપણ યુદ્ધ વખતે સોનાના ભાવ ઉછળતા હોય છે અને હાલમાં પણ સોનાના ભાવ વધેલા છે.

આ સિવાય પણ ઘણી એવી ચીજો છે જેના ભાવ વધી ગયા છે અથવા વધારો થવાની પૂરી શક્યતા છે.

અહીં એવી ચીજો વિશે વાત કરી છે જેના માટે ભારતીયોએ પહેલાં કરતાં વધુ રૂપિયા ચુકવવા પડે છે અથવા તો આવનારા દિવસોમાં વધુ ખર્ચ કરવાની તૈયારી રાખવી પડશે.

ક્રૂડ ઑઇલના ભાવો વધી ગયા

બીબીસી ગુજરાતી ઈરાન અમેરિકા યુદ્ધ પેટ્રોલ ડીઝલ એલપીજી ગેસ મોંઘવારી ખાદ્યતેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાન સંઘર્ષ શરૂ થતાની સાથે જ ક્રૂડઑઇલનો ભાવ વધી ગયો જેના કારણે આ અઠવાડિયે ભારત સહિત દુનિયાભરનાં શૅરબજારોમાં કડાકો આવ્યો હતો.

ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના વ્યાપક બૉમ્બમારા અને ઈરાનના વળતા ડ્રૉન હુમલાના કારણે ગયા સોમવારે ઑઇલનો ભાવ પ્રતિ બેરલ 120 ડૉલર સુધી પહોંચ્યો હતો, એટલે કે 2022ના મધ્યની તુલનામાં ઑઇલ 25 ટકા વધી ગયું હતું. ત્યાર પછી ભાવ નરમ થઈને થોડો નીચે આવી ગયો હતો, પરંતુ ગુરુવારે ફરીથી ગલ્ફમાં કાર્ગો શિપ પર નવા હુમલાના અહેવાલ પછી ઑઇલ 100 ડૉલર પ્રતિ બેરલે પહોંચી ગયું હતું.

ભારતમાં એલપીજીના ભાવમાં વધારો

બીબીસી ગુજરાતી ઈરાન અમેરિકા યુદ્ધ પેટ્રોલ ડીઝલ એલપીજી ગેસ મોંઘવારી ખાદ્યતેલ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ કોઈ વધારો નથી કર્યો, પરંતુ સાતમી માર્ચે ઘરવપરાશ તથા કૉમર્શિયલ વપરાશ માટેનાં એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો.

ઘરેલુ એલપીજીનો ભાવ સિલિન્ડર દીઠ 60 રૂપિયા વધારવામાં આવ્યો જ્યારે કૉમર્શિયલ ઉપયોગ માટેનાં સિલિન્ડરનો ભાવ 115 રૂપિયા વધારવામાં આવ્યો હતો.

આટલું જ નહીં ઘરેલુ સિલિન્ડર બુક કરવા માટેનો સમયગાળો પણ વધારીને 25 દિવસ કરવામાં આવ્યો. જ્યારે 19 કિલોના વાદળી રંગના કૉમર્શિયલ ઉપયોગ માટેનાં સિલિન્ડર માટે અછત પ્રવર્તે છે અને ઘણી જગ્યાએ સિલિન્ડર ખરીદવા લાઇનો જોવા મળે છે.

ખાદ્યતેલના ભાવ પણ વધ્યા

બીબીસી ગુજરાતી ઈરાન અમેરિકા યુદ્ધ પેટ્રોલ ડીઝલ એલપીજી ગેસ મોંઘવારી ખાદ્યતેલ

ઇમેજ સ્રોત, Getty Images

રાંધણગૅસની જેમ જ ખાદ્યતેલ પણ ભારતીય રસોડામાં મહત્ત્વની કૉમોડિટી છે. મધ્યપૂર્વની કટોકટીના કારણે ખાદ્યતેલના ભાવો પણ વધ્યા છે.

રૉયટર્સના અહેવાલ પ્રમાણે વેજિટેબલ ઑઇલ અને ફ્રેઇટ રેટમાં વધારો થયો છે. ખાસ કરીને પામઑઇલ, સૂર્યમુખીના તેલ અને સોયાતેલનો જથ્થો મધ્યપૂર્વની કટોકટીના કારણે ફસાઈ ગયો છે. જેને કારણે તેનો જથ્થો ભારત પહોંચવામાં વિલંબ થઈ શકે છે.

સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા (એસઈએ)ના ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બી. વી. મહેતાએ ઈરાન સંઘર્ષ શરૂ થયા પછી તરત કહ્યું હતું કે “ભારતમાં ખાદ્યતેલનો પુરવઠો મોટા પાયે આયાત પર નિર્ભર છે. મોટા ભાગનું ઑઇલ સુએઝ કૅનાલ અને હોર્મુઝની સામુદ્રધુનીના માર્ગેથી આવે છે. તેમાં કોઈ વિક્ષેપ સર્જાય તો ભાવમાં ટૂંકાગાળા માટે વધારો થઈ શકે છે. આ ઉપરાંત ફ્રેઇટ અને વીમાનો ખર્ચ વધવાથી પણ તેલ મોંઘું થઈ શકે છે.”

ભારત એ વેજિટેબલ ઑઇલનું સૌથી મોટું આયાતકાર છે. ભારત મુખ્યત્વે આર્જેન્ટિના અને બ્રાઝિલ પાસેથી સોયાતેલ ખરીદે છે જ્યારે રશિયા અને યુક્રેન પાસેથી સૂર્યમુખીના તેલની ખરીદી કરે છે. સાઉથ અમેરિકાથી સમુદ્રમાર્ગે ભારત સુધી તેલનો જથ્થો પહોંચાડવામાં સામાન્ય રીતે છ સપ્તાહ લાગી જાય છે.

ખંભાતસ્થિત બૅની ઍગ્રો પ્રોડક્ટ્સના માલિક અને ખાદ્યતેલના વેપાર સાથે સંકળાયેલા શેખર બંસલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે “મધ્યપૂર્વથી આવતા ખાદ્યતેલના પુરવઠાને અવરોધ નડી રહ્યો હોવાથી તમામ ખાદ્યતેલના ભાવમાં કિલો દીઠ ત્રણથી ચાર રૂપિયાનો વધારો થયો છે, પરંતુ આવી સ્થિતિ લાંબો સમય રહેશે તો ભાવ હજુ વધી શકે છે.”

દવા માટેના રૉ મટિરિયલના ભાવની ચિંતા

બીબીસી ગુજરાતી ઈરાન અમેરિકા યુદ્ધ પેટ્રોલ ડીઝલ એલપીજી ગેસ મોંઘવારી ખાદ્યતેલ

ઇમેજ સ્રોત, Viranchi Shah/FB

ઈરાન સંઘર્ષના કારણે દવા ઉત્પાદનનો ખર્ચ વધી જશે તેમ માનવામાં આવે છે.

જોકે, ઇન્ડિયન ડ્રગ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન (IDMA)ના ભૂતપૂર્વ પ્રમુખ વિરાંચી શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, “અત્યાર સુધીમાં જે અસર જોવા મળી તે મોટા ભાગે નિકાસ માટેના કાર્ગોની ઉપલબ્ધતા અને રેટ સુધી સીમિત છે. શિપિંગનાં જહાજ હાલમાં નિયમિત રીતે સફર નથી કરતાં. આ ઉપરાંત યુદ્ધના કારણે ઇન્શ્યૉરન્સ ખર્ચ વધી ગયો છે. આગામી સમયમાં સ્થિતિ સ્થિર થશે તો આ માત્ર ટૂંકા ગાળા પૂરતી અસર રહેશે.”

તેમણે કહ્યું કે, “આપણે ત્યાં લગભગ ચારથી સાડા ચાર મહિનાનો રૉ મટિરિયલનો સ્ટૉક હોય છે. તેથી ફૉર્મ્યુલેશન ઉત્પાદકો સુધી કોઈ અસર નથી આવી. પરંતુ યુદ્ધ ત્રણથી ચાર મહિના ચાલે તો તેમાં અસર પડી શકે છે.”

ડૉલર સામે રૂપિયાના ઘસારા વિશે ડૉ. વિરાંચી શાહે કહ્યું કે “ફાર્માસ્યુટિકલ્સ એ નેટ ઍક્સપૉર્ટર ઉદ્યોગ છે. ગયા વર્ષે 30.47 અબજ ડૉલરની નિકાસ કરી છે. રૂપિયો અનુકુળ હોય ત્યારે ફાર્મા ઉદ્યોગ વધારે સ્પર્ધાત્મક બને છે.”

વિમાન પ્રવાસ મોંઘો થયો

બીબીસી ગુજરાતી ઈરાન અમેરિકા યુદ્ધ પેટ્રોલ ડીઝલ એલપીજી ગેસ મોંઘવારી ખાદ્યતેલ

ઇમેજ સ્રોત, Getty Images

મધ્યપૂર્વ કટોકટી વચ્ચે ઈંધણ મોંઘું થવાના કારણે વિમાનની ટિકિટના દર પહેલેથી વધી ગયા છે અને હજુ પણ તેમાં વધારો થવાનો છે.

વિદેશમાં ભણવા જવું હોય કે વૅકેશન ગાળવા જવું હોય, દરેક જગ્યાએ પહેલાં કરતાં વધારે રૂપિયા આપવા પડશે.

ભારતની અગ્રણી ઍરલાઇન ઍર ઇન્ડિયાએ ઈંધણના ભાવમાં થયેલા વધારાના પગલે પ્રવાસીઓ પાસેથી ફ્યુઅલ સરચાર્જ વસુલવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ઍર ટિકિટ મોંઘી થશે. 12મી માર્ચથી ઍર ઇન્ડિયા ડૉમેસ્ટિક ફ્લાઇટ માટે દરેક નવા બુકિંગ પર 399 રૂપિયા ફ્યુઅલ સરચાર્જ વસુલ કરશે, જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે 10થી 50 ડૉલર વધારાના ચુકવવા પડશે. ઍર ઇન્ડિયાનું કહેવું છે કે ઍર ઇન્ડિયાના સંચાલકીય ખર્ચમાં એટીએફ (ઍવિયેશન ટર્બાઇન ફ્યુઅલ)નો લગભગ 40 ટકા જેટલો હિસ્સો હોય છે.

તાજેતરમાં ઑસ્ટ્રેલિયાની ક્વેન્ટાસ ઍરવેઝ, સ્કેન્ડિનેવિયાની SAS અને ઍર ન્યૂઝીલૅન્ડે પણ ઍર ટિકિટના ભાવમાં વધારો જાહેર કર્યો હતો. હૉંગ કૉંગ ઍરલાઇન્સે પણ ફ્યુઅલ સરચાર્જમાં વધારો કર્યો છે.

કઠોળ અને કરિયાણા સહિતની ચીજો પર અસર

ઈરાન સંઘર્ષના કારણે ભારતીયોએ કરિયાણા માટે પણ વધારે ખર્ચ કરવો પડે તેવી શક્યતા છે. ખાસ કરીને કઠોળ અને શાકભાજીના ભાવ વધી શકે છે.

ઑલ ઇન્ડિયા દાલ મિલ્સ ઍસોસિયેશનના પ્રમુખ સુરેશ અગરવાલે ઇકૉનૉમિક ટાઇમ્સને જણાવ્યું હતું કે યુદ્ધના કારણે કઠોળ મોંઘું થશે. ભારત લગભગ 60 લાખ ટન કઠોળની આયાત કરે છે જેમાં તુવેર, અડદ અને બીજી દાળ સામેલ છે. આ આયાત કૅનેડા અને આફ્રિકાથી પણ મંગાવાય છે.

ડ્રાય-ફ્રૂટ ખાવા વધારે મોંઘા પડશે

બીબીસી ગુજરાતી ઈરાન અમેરિકા યુદ્ધ પેટ્રોલ ડીઝલ એલપીજી ગેસ મોંઘવારી ખાદ્યતેલ

ઇમેજ સ્રોત, Hiren Gandhi

ભારત ડ્રાય-ફ્રૂટ માટે પણ મોટા ભાગે આયાત પર આધાર રાખે છે અને હાલમાં તેના ભાવમાં ઝડપથી વધારો થયો છે.

અમદાવાદસ્થિત ઇનગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશનના ડાયરેક્ટર હિરેન ગાંધીએ જણાવ્યું કે, “ભારત દ્વારા ઈરાનથી પિસ્તા, હિંગ, મામરા બદામ, જરદાળુની આયાત કરવામાં આવે છે. પિસ્તાની આયાતમાં ઈરાનનો હિસ્સો લગભગ 23 ટકા છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનથી અંજીર, કાળાં કિસમિસની આયાત થાય છે. ગયા વર્ષે અફઘાનિસ્તાનમાંથી કુલ 35.8 કરોડ ડૉલરનાં ડ્રાય-ફ્રૂટ્સની આયાત થઈ હતી.”

તેમના કહેવા પ્રમાણે પ્રીમિયમ ગણવામાં આવતી મામરા બદામનો ભાવ 1,800 રૂપિયા આસપાસ ચાલતો હતો જે હવે વધીને 2,800 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ભારતમાં કાળાં કિસમિસની 95 ટકા આયાત અફઘાનિસ્તાનથી થાય છે અને તે મધ્યપૂર્વના માર્ગેથી આવે છે.

અહેવાલ પ્રમાણે ઈરાનના ઍપ્રિકોટ (જરદાળુ)નો ભાવ 750 રૂપિયે કિલો હતો જે હાલમાં 1,400 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ઈરાનના પિસ્તાનો ભાવ 1,650થી 2,400 રૂપિયા પ્રતિ કિલો હતો જે મધ્યપૂર્વની કટોકટી વચ્ચે 3,400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે.

ભારતે અટારી બૉર્ડર પરથી ડ્રાયફ્રૂટની આયાત બંધ કરી હોવાથી દુબઈનું જબેલ અલી સૌથી મહત્ત્વનું બંદર હતું જેને તાજેતરમાં મધ્યપૂર્વની કટોકટીની અસર થઈ છે.

અખાતના દેશોમાંથી ભારત ખજૂરની પણ મોટા પાયે આયાત કરે છે. તે મુખ્યત્વે યુએઈ, ઈરાન, ઇરાક, સાઉદી અરેબિયા અને ઓમાનથી ઇમ્પૉર્ટ કરવામાં આવે છે.

અન્ય કયા ઉદ્યોગોને અસર થશે

બીબીસી ગુજરાતી ઈરાન અમેરિકા યુદ્ધ પેટ્રોલ ડીઝલ એલપીજી ગેસ મોંઘવારી ખાદ્યતેલ

ઇમેજ સ્રોત, Getty Images

પ્લાસ્ટિકનું ઉત્પાદન પણ ક્રૂડઑઇલમાંથી થાય છે અને તેના ભાવમાં લગભગ 10 ટકાનો વધારો થઈ ગયો છે.

રૉયટર્સના એક અહેવાલ મુજબ પ્લાસ્ટિક બનાવવા માટે જરૂરી પૉલિમર્સનો ભાવ વધ્યો હોવાથી પ્લાસ્ટિકની બૉટલ અને ઢાંકણાના ભાવ વધી ગયા છે. તેના કારણે પૅકેજ્ડ બૉટર ઉત્પાદકો પણ મુશ્કેલીમાં છે અને તેમનું માર્જિન ઘટી ગયું છે. આવા મિનરલ બૉટર્સે રિસેલર્સ માટે પાણીનો ભાવ 18 ટકા વધારી દીધો છે.

ભારતમાં એલપીજીની અછતના કારણે ઘણા ઉદ્યોગોને ફટકો પડ્યો છે જેમાંથી એક ડેરી ઉદ્યોગ પણ છે. ડેરી પ્રોડક્ટના ભાવ વધશે તેવી અટકળો વચ્ચે અમૂલ ફેડરેશનના એમડી જયેન મહેતાએ મીડિયાને જણાવ્યું છે કે “હાલમાં એલપીજી ગૅસની અછત પ્રવર્તે છે છતાં ડેરી પ્લાન્ટમાં બૉઇલર અને બીજી વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે.”

તેમણે દાવો કર્યો હતો કે “હાલમાં દૂધ અને દૂધની બનાવટોનાં ઉત્પાદન કે વેચાણ પર કોઈ વિપરીત અસર નહીં થાય.”

ફર્ટિલાઇઝરના ભાવનો સીધો સંબંધ ગૅસની ઉપલબ્ધતા અને તેના પુરવઠા સાથે છે. હાલમાં જે રીતે એલએનજીના પુરવઠાની સમસ્યા છે તેને ધ્યાનમાં લેતા આગામી દિવસોમાં રાસાયણિક ખાતરના ભાવ વધી શકે છે. ઍગ્રિકલ્ચર કન્સલ્ટન્ટ દીપક પરીખે ઇકૉનૉમિક ટાઇમ્સને જણાવ્યું હતું કે “યુરિયાનાં ઉત્પાદનનો ખર્ચ 30થી 40 ટકા વધી શકે છે. તેના કારણે સબસિડીનો બોજ પણ વધશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS