Source : BBC NEWS

લગભગ 50 વર્ષ પછી ફરી એક વાર માનવ ચંદ્ર પર જઈ રહ્યા છે. આ વખતે, નવું મિશન તેમને એવાં સ્થળોએ લઈ જશે જ્યાં પૃથ્વી પર રહેનાર કોઈ માનવે પહેલાં ક્યારેય મુસાફરી નથી કરી.
ચારેય અંતરિક્ષયાત્રીઓ ચંદ્રની આસપાસ 8 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપીને પૃથ્વી પર પાછા આવશે. આ સફર માત્ર એક ચમત્કાર જ નહીં, પરંતુ જોખમી કાર્ય પણ છે.
જો હવામાન સહિતની બધી પરિસ્થિતિઓ અનુકૂળ રહી, તો 1 એપ્રિલે અંતરિક્ષમાં જનારું આ મિશન માત્ર ચંદ્રનાં અદ્ભુત દૃશ્યો જ નહીં, પરંતુ ચંદ્રની આસપાસના વાતાવરણ વિશે નવી માહિતીઓ પણ આપશે.
આ એક એવું મિશન છે જે ભવિષ્યમાં ચંદ્ર પર ઉતરાણ અને ત્યાં વસાહતો સ્થાપવાના ભવિષ્યના પ્રયાસોનો માર્ગ મોકળો કરશે.
આ મિશન, મનુષ્ય માટે બીજા ગ્રહ પર કેવી રીતે જીવવું તે શીખવાનું પ્રથમ પગલું છે.
આ મિશનમાં અંતરિક્ષયાત્રીઓ એક એવા અંતરિક્ષયાનમાં પ્રવાસ કરશે, જેનો ઉપયોગ માનવ દ્વારા ક્યારેય કરવામાં નથી આવ્યો.
વ્યક્તિગત રીતે, અંતરિક્ષયાત્રીઓ માટે પણ આ પ્રયાસમાં ઘણા પડકારો છે. ચારેય અંતરિક્ષયાત્રીઓને લગભગ એક મિનિબસ જેટલા નાના કદના અંતરિક્ષયાનમાં 10 દિવસ વિતાવવા પડશે.
આ ખતરનાક મિશન કઈ રીતે પૂરું થશે?
ચંદ્રની યાત્રા
ઇમેજ સ્રોત, NASA
નાસાના અંતરિક્ષયાત્રીઓ સ્પેસ લૉન્ચ સિસ્ટમ (એસએલએસ) નામથી ઓળખાતા મેગા-લુનર રૉકેટ દ્વારા આ મિશન લૉન્ચ કરશે, જે નાસા દ્વારા તૈયાર કરાયેલું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રૉકેટ છે. તેને ફ્લૉરિડાના કેપ કેનેવરલમાં આવેલા કૅનેડી સ્પેસ સેન્ટર ખાતેથી લૉન્ચ કરાશે.
322 ફૂટ (98 મીટર) ઊંચા આ રૉકેટે આર્ટિમિસ I મિશનના ભાગરૂપે 2022માં માત્ર એક જ વાર ઉડાન ભરી હતી. જોકે, આ ઉડાન અંતરિક્ષયાત્રીઓ વિના કરવામાં આવી હતી.
તેમાં બે મોટાં બૂસ્ટર અને ચાર એન્જિન છે. જે રૉકેટને ઊડવા માટેની ઊર્જા પૂરી પાડે છે.
નારંગી દેખાતો મુખ્ય ભાગ એક વિશાળ ઈંધણ ટૅન્ક છે. તેમાં 30 લાખ લીટરથી વધુ પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઑક્સિજનનો સંગ્રહ કરી શકાય છે. આ એસએલએસની મુખ્ય જવાબદારી ઓરિયન અંતરિક્ષયાન, એટલે કે, એ યાન જેમાં અંતરિક્ષયાત્રીઓ બેસે છે, તેને અંતરિક્ષમાં લઈ જવાની છે.
જો મિશનની શરૂઆતમાં કોઈ સમસ્યા આવી જશે, તો રૉકેટના સૌથી ઉપરના ભાગે રહેલી લૉન્ચ એબોર્ટ સિસ્ટમ અંતરિક્ષયાત્રીઓને સલામત રીતે બહાર કાઢશે.
આ મિશનમાં પ્રારંભિક તબક્કો સૌથી મહત્ત્વનો અને ખતરનાક છે. જેમાં દરેક કાર્ય એકદમ યોગ્ય રીતે કરવું પડશે. નહીંતર મોટી દુર્ઘટના થઈ શકે છે. તેથી જ અંતરિક્ષયાત્રીઓએ તેમના પરિવારના સભ્યો સાથે બેસીને અભિયાનનાં સંભવિત જોખમો અને પડકારો વિશે અગાઉથી ચર્ચા કરી લીધી હતી.
મિશનના પાઇલટ તરીકે કામ કરી રહેલા વિક્ટર ગ્લોવરે જણાવ્યું, “જ્યારે અમારા પરિવારના સભ્યો આ મિશન જોતા હશે, ત્યારે તેમની સાથે એક અંતરિક્ષયાત્રી હશે. આ એક અદ્ભુત ક્ષણ છે, પરંતુ તે એક ભયાનક ક્ષણ પણ હોઈ શકે છે.”
આ મિશન પર જતા અંતરિક્ષયાત્રીઓ કોણ છે?
ઇમેજ સ્રોત, NASA
વિક્ટર ગ્લોવર એ ચાર અંતરિક્ષયાત્રીઓમાંના એક છે, જેઓ આર્ટિમિસ-IIમાં ભાગ લેશે. તેઓ આ મિશનના પાઇલટ તરીકે કામ કરે છે.
રીડ વાઇઝમૅન કમાન્ડર તરીકે, ક્રિસ્ટીના કોચ મિશન નિષ્ણાત તરીકે અને જેરેમી હૅનસેન નિષ્ણાત તરીકે સેવા આપશે.
આ ક્રૂ સભ્યોમાં ત્રણ અમેરિકન અને એક કૅનેડિયનનો સમાવેશ થાય છે. આ મિશનની તૈયારી માટે તેમણે બે વર્ષ કરતાં વધુ સમય સુધી સખત તાલીમ લીધી છે.
આર્ટિમિસ II મિશનમાં આ અંતરિક્ષયાત્રીઓ ઓરિયન ક્રૂ કૅપ્સ્યૂલમાં 10 દિવસ વિતાવશે. આ કૅપ્સ્યૂલનું માત્ર 5 મીટર પહોળી અને 3 મીટર ઊંચી (15 ફૂટ x 9 ફૂટ) છે. આ ચાર લોકોએ ખૂબ જ સાંકડી જગ્યામાં એકસાથે મુસાફરી કરવી પડશે.
જેરેમી હૅનસેન એક કૅનેડિયન નાગરિક છે અને આ મિશનમાં તેઓ મિશન સ્પેશિયલિસ્ટ તરીકે કામ કરશે. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું, “મને હકીકતમાં મારા શરીરના કદને લઈને ચિંતા છે. આ મિશન માટે મારી પસંદગી કરીને કૅનેડાને તેના હક કરતાં વધુ જગ્યા મળી છે.”
અંતરિક્ષયાનની અંદરનો ભાગ કેવો છે?

જોકે ઓરિયન ક્રૂ મૉડ્યુલ 50 વર્ષ પહેલાં એપોલો મિશનમાં ઉપયોગમાં લેવાતાં મૉડ્યુલો જેવું જ છે, તેનું આંતરિક માળખું સંપૂર્ણપણે અલગ છે.
તેની સીમિત જગ્યામાં ચાર અંતરિક્ષયાત્રીઓએ કામ કરવું, કસરત કરવી, ખાવું અને ઊંઘવું પડશે. લોન્ચિંગ સમયે અંદર ચાર બેઠકો હશે, પરંતુ એક વાર તેઓ ભ્રમણકક્ષામાં પહોંચી જશે, પછી તેમણે વધુ જગ્યા બનાવવા માટે આ બેઠકોને હઠાવી દેવી પડશે.
અંતરિક્ષયાનનો ઉપયોગ વજનવિહીન વાતાવરણમાં થઈ શકે તે માટે કંટ્રોલ પેનલને છત પર લગાડી છે. પીવા અને ખોરાકના ઉપયોગ માટે પાણી પુરવઠાની એક વ્યવસ્થા પણ છે. બધા જ અંતરિક્ષયાત્રીઓએ આ પ્રવાસ માટે તેમની પસંદગીનો ખોરાક નક્કી કરી લીધો છે.
હૅચની નીચે એક નાનકડા પગથિયા જેવું છે, જેનો ઉપયોગ એક્સરસાઇઝ મશીન તરીકે કરી શકાય છે. અંતરિક્ષયાત્રીઓએ આખા દિવસમાં 30 મિનિટ કાર્ડિયો અને રેજિસ્ટન્સ ટ્રેનિંગ જેવી એક્સરસાઇઝ કરવી જરૂરી છે.
પરંતુ, નીચે એક સૌથી મહત્ત્વની વસ્તુ છે. તે શૌચાલય છે. તે 50 વર્ષ પહેલાં તે એપોલો અંતરિક્ષયાત્રીઓ માટે ઉપલબ્ધ ન હતું. અંતરિક્ષમાં શારીરિક જરૂરિયાતોને પૂરી કરવાના પડકારોને પહોંચી વળવા માટે તેને ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે.
જોકે, આ ખૂબ ખાનગી બાબત નથી.
વાસ્તવિક પ્રયાણ ખરેખર કેવું હશે?
ઇમેજ સ્રોત, NASA
ચંદ્ર પર જવા અને પાછા આવવામાં લગભગ 10 દિવસનો સમય લાગી શકે છે. અમે ‘લગભગ’ એટલા માટે કહીએ છીએ કેમ કે, તે મિશન લૉન્ચ થવાના સમય અને પૃથ્વી અને ચંદ્રની એકબીજા સાપેક્ષ સ્થિતિ પર આધાર રાખે છે.
આ મિશન હેઠળ, અંતરિક્ષયાત્રીઓ પહેલા દિવસે પૃથ્વીની પરિક્રમા કરશે. તેઓ ખૂબ ઊંચાઈએ, પૃથ્વીથી લગભગ 70,000 કિલોમીટરની ઊંચાઈએ હશે. આ અંતરનો અંદાજ મેળવવા માટે સમજો કે, ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પૃથ્વીથી માત્ર 400 કિમી દૂર આવેલું છે.
તેમણે અંતરિક્ષમાં ભારવિહીન વાતાવરણની ટેવ પાડવી પડશે. અને પહેલી વખત અંતરિક્ષમાં જઈ રહેલા જેરેમી હૅનસેન માટે આ મુશ્કેલ અભ્યાસ સાબિત થઈ શકે છે.
હૅનસેને કહ્યું, “મને લાગે છે કે ત્યાં પહોંચ્યા પછી બધી વસ્તુઓની આદત પાડવામાં થોડો સમય લાગશે. મારે ઝીરો ગ્રેવિટીમાં તરતા અને ઊડતા શીખવું પડશે. બની શકે કે હું ત્યાંની કોઈ વસ્તુ સાથે અથડાઈ જોઉં, તેથી મારે થોડી મદદની જરૂર પડી શકે છે.”
અંતરિક્ષયાનમાં રહેલી જીવનરક્ષક પ્રણાલીઓ એટલે કે લાઇફ સપોર્ટિંગ સિસ્ટમ્સને પણ તપાસવાની જરૂર છે. શૌચાલય પણ તેમાંનું એક છે.
અંતરિક્ષયાત્રીઓને પ્રથમ વખત ઓરિયનનું પરીક્ષણ કરવાની તક પણ મળશે.
લૉન્ચિંગના લગભગ 3 કલાક પછી, રૉકેટનો ઉપલો ભાગ, જેને ઇન્ટરિમ ક્રાયૉજેનિક પ્રોપલ્શન સ્ટેજ (આઇસીપીએસ) તરીકે ઓળખવામાં આવે છે તે, ઓરિયન અંતરિક્ષયાનથી અલગ થઈ જશે.
ત્યાર પછી, અંતરિક્ષયાત્રીઓ ઓરિયનના પ્રદર્શનનું નિરીક્ષણ કરવા માટે આઇસીપીએસ પર જશે અને પાછા ફરવા માટે ઓરિયનને જાતે (મેન્યુઅલી) ચલાવશે. આ ભવિષ્યનાં મિશનો માટે ડૉકિંગની પ્રેક્ટિસ કરવાની એક તક છે.
ત્યાર પછી, આર્ટિમિસ ટીમે એક મહત્ત્વનો નિર્ણય લેવો પડશે.
અંતરિક્ષયાત્રીઓ પૃથ્વીની નજીક હોવાથી મિશન દરમિયાન કોઈ એવી સમસ્યા આવી જાય કે જેને હલ કરવી અશક્ય હોય, તો પાછા આવવાનું સરળ છે.
ત્યાર પછી, ટ્રાન્સ-લુનર ઇન્જેક્શન બર્ન તરીકે ઓળખાતી મહત્ત્વની પ્રક્રિયાને મંજૂરી આપતાં પહેલાં મિશન સંપૂર્ણ નિયંત્રિત છે કે કેમ તેની ખાતરી કરવી જરૂરી છે.
આ પ્રક્રિયામાં, ઓરિયન તેનું મુખ્ય એન્જિન ચાલુ કરે છે, ગુરુત્વાકર્ષણ શક્તિથી મુક્ત થાય છે અને ચંદ્ર તરફનો પોતાનો માર્ગ નક્કી કરે છે.
એક વાર તેઓ તેમની મુસાફરી શરૂ કરે, પછી પૃથ્વી પર પાછા આવવાનું કામ સરળ નથી. આ તબક્કામાં, અંતરિક્ષયાત્રીઓ ચંદ્રની પરિક્રમા કરવા અને પાછા આવવા માટે લાંબી મુસાફરી કરે છે.
આ દરમિયાન, અંતરિક્ષયાત્રીઓ અંતરિક્ષયાનની તમામ સિસ્ટમ પર નજર રાખે છે, જેથી ખાતરી કરી શકે કે તેઓ યોગ્ય કાર્ય કરી રહ્યા છે; સાથોસાથ, તેઓ પોતાની શારીરિક સ્થિતિ પર પણ નજર રાખે છે.
તેનાથી ક્રૂના સભ્યેને પ્રયોગો કરવા માટે વિષયના ભાગરૂપે ઉપયોગ કરવાની તક મળે છે. અંતરિક્ષયાન પર કરાતા પ્રયોગથી એ જાણવા મળશે કે અંતરિક્ષમાં દૂરના વાતાવરણમાં તેમના શરીર પર કેવી અસર થાય છે.
ઇમેજ સ્રોત, NASA
કિરણોત્સર્ગ એક મોટી ચિંતાનો વિષય છે, કારણ કે સૂર્ય હાનિકારક, ઉચ્ચ ઊર્જા કણોનું ઉત્સર્જન કરે તેવી સંભાવના છે.
તેમને કેટલી માત્રામાં રેડિયેશનનો સામનો કરવો પડે છે, તે માપવા માટે અંતરિક્ષયાત્રીઓ પોતાની સાથે ડોસિમીટર નામનું એક ઉપકરણ રાખે છે. અંતરિક્ષયાનમાં ફ્લૉર પર બનેલા રેડિએશન શેલ્ટરનો ઉપયોગ કરવાની પણ પ્રેક્ટિસ કરે છે.
સૌર તોફાનની સ્થિતિમાં, અંતરિક્ષયાત્રીઓને ખબર હોવી જોઈએ કે તેમણે કેટલી ઝડપથી શેલ્ટરમાં પ્રવેશ કરવાનો છે.
અણધારી પરિસ્થિતિઓનો સામનો કરવાના ભાગરૂપે, ઓરિયન ક્રૂ સર્વાઇવલ સિસ્ટમ (ઓસીએસએસ) તરીકે ઓળખાતો નારંગી રંગનો સ્પેસ સૂટ ઝડપથી પહેરવાની પ્રેક્ટિસ કરે છે.
મિશનના લૉન્ચ અને પાછા આવવાના તબક્કા દરમિયાન સુરક્ષા માટે ક્રૂના સભ્યો આ સૂટ પહેરે છે. તેના ઉપરાંત, જો કૅપ્સ્યૂલમાં કોઈ સમસ્યા ઊભી થાય, તો સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પણ તે એક નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
લાઇફ સપોર્ટ સિસ્ટમ્સથી સજ્જ અને દબાણને નિયંત્રિત કરવા માટે ડિઝાઇન કરાયેલા આ સૂટ નાના અંતરિક્ષયાન જેવા છે, જેને ઝડપથી પહેરી શકાય છે.
ચંદ્રની યાત્રા દરમિયાન કે પાછા આવવાની યાત્રા દરમિયાન જો કોઈ કટોકટીભરી સ્થિતિ ઊભી થાય, તો અંતરિક્ષયાત્રી તરત જ આ સૂટ પહેરી લે છે. આ સ્પેસ સૂટને એવી રીતે ડિઝાઇન કરાયો છે કે પૃથ્વી પર પાછા આવવાની યાત્રા દરમિયાન છ દિવસ સુધી તેમના જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે.
અંતરિક્ષયાત્રીઓ એવાં પરીક્ષણોમાં ભાગ લે છે, જેને તેમના શરીરના સંતુલન, સ્નાયુઓની કાર્યપ્રણાલી અને માઇક્રોબાયોમમાં થતાં પરિવર્તનોની સાથે જ આંખ અને મગજના સ્વાસ્થ્યનો અભ્યાસ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
જોકે, અંતરિક્ષમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યૂન સિસ્ટમ) નબળી પડી જવાની આશંકા રહે છે, તેથી પ્રવાસ પહેલાં, મિશન દરમિયાન અને પાછા આવી ગયા પછી, એક ખાસ પ્રકારના કાગળ પર તેમની લાળના નમૂના એકત્ર કરવામાં આવે છે.
ચંદ્રની મુખોમુખ

આખરે એ ક્ષણ આવી ગઈ છે, જેની દુનિયા અડધી સદી કરતાં વધુ સમયથી રાહ જોતી હતી. આ એ સમય છે જ્યારે માનવતા ફરી એક વાર ચંદ્ર પર જઈ રહી છે.
અંતરિક્ષયાત્રીઓ ચંદ્રની આસપાસ, સપાટીથી લગભગ 6,500થી 9,500 કિલોમીટર દૂર યાત્રા કરશે અને એ પણ ચંદ્રની બીજી બાજુએ, જે આપણને પૃથ્વી પરથી દેખાતી નથી.
ઓરિયનને ચંદ્ર તરફ એવી રીતે રાખવામાં આવશે, જેથી તેનો ઝીણવટભર્યો અભ્યાસ કરી શકાય. અંતરિક્ષયાત્રીઓ પાસે ચંદ્રને જોવા, તેની તસવીરો લેવા અને તેના ભૂસ્તરવિજ્ઞાન (જીઑલોજી) સાથે સંકળાયેલી વધારેમાં વધારે માહિતી એકત્ર કરવા માટે ત્રણ કલાકનો સમય હશે. તેનાથી ચંદ્ર પર ઊતરવા માટેની ભવિષ્યની યોજનાઓ અને તૈયારીઓમાં ઘણી મદદ મળશે.
ત્યાંથી, ઓરિયન બારીઓ દ્વારા તેઓ એક જ સમયે ચંદ્રને નજીકથી અને પાછળની તરફ દૂર થતી પૃથ્વીને જોઈ શકશે.
દરેક અંતરિક્ષયાત્રીને તેમના મિશનમાં આ ખાસ ક્ષણ માટે તેમની સાથે કેટલીક વિશેષ વસ્તુઓ લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. વિક્ટર ગ્લોવર તેમની સાથે એક બાઇબલ અને પરિવારની કેટલીક જૂની યાદગાર વસ્તુઓ લઈને જઈ રહ્યા છે. ક્રિસ્ટીના કોચ તેના પ્રિયજનો દ્વારા લખેલા પત્રો લઈ જાય છે, જ્યારે જેરેમી હૅનસેન તેમનાં પત્ની અને ત્રણ પુત્રીઓનું ચંદ્ર આકારનું પેન્ડેન્ટ લઈને જઈ રહ્યા છે.
રીડ વાઇઝમૅન પોતાની સાથે ઘણી બધી સામાન્ય વસ્તુઓ લઈ જઈ રહ્યા છે.
તેમણે કહ્યું, “મારી પાસે એક કોરો કાગળ, એક પેન અને એક પેન્સિલ છે. જ્યારે પણ મને યોગ્ય સમય મળશે, હું તેના દ્વારા મારા અનુભવો અને વિચારો લખવા માટે આતુર છું. મને ખબર નથી કે તે કેવું હશે; હું કોઈ પૂર્વધારણા સાથે ત્યાં જવા નથી માગતો.”
પરંતુ, અંતરિક્ષયાત્રીઓ જેમ જેમ ચંદ્રની નજીક પહોંચે છે અને આશ્ચર્ય અને વિસ્મયથી તેને જુએ છે, તો બીજી તરફ, જે લોકો આ મિશનની દેખરેખ રાખી રહ્યા હોય તેમના માટે—અને સાચું કહું તો તેમાં રસ ધરાવતા દરેક વ્યક્તિ માટે—આ અનુભવ ખૂબ જ રોમાંચક અને તણાવપૂર્ણ હોય છે.
અંતરિક્ષયાત્રીઓ જેવા ચંદ્રની બીજી બાજુ (જે પૃથ્વી પરથી દેખાતી નથી) મુસાફરી કરે છે, ત્યારે લગભગ 30થી 50 મિનિટ માટે પૃથ્વી સાથેનો તેમનો સંપર્ક તૂટી જાય છે.
વિક્ટર ગ્લોવરે કહ્યું, “ભલે અમે પૃથ્વી પર કે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર રહેલા અમારા મિત્રો સાથે વાત ન કરી શકીએ, પરંતુ એ કેટલું સારું રહેશે કે જો આખી દુનિયા આશા રાખે અને પ્રાર્થના કરે કે અમારાં સિગ્નલ પાછાં આવી જાય, જેથી અમે બધા સાથે ફરીથી સંપર્ક કરી શકીએ.”
એક વાર જ્યારે સંચાર વ્યવસ્થા સફળતાપૂર્વક પુનઃસ્થાપિત થઈ જાય, પછી મિશનની દેખરેખ રાખનારા લોકો રાહતનો શ્વાસ લેશે અને ત્યારે અંતરિક્ષયાત્રીઓનો પાછા ફરવાની યાત્રાનો સમય આવી જશે.
ખતરનાક વળતો પ્રવાસ
ઇમેજ સ્રોત, NASA
પાછા આવવાના પ્રવાસમાં વધુ ચાર દિવસનો સમય લાગશે. જોકે, મિશનનો અંતિમ તબક્કો સૌથી જોખમી છે.
આ અંતિમ તબક્કામાં, ક્રૂ મૉડ્યુલ બાકીના અંતરિક્ષયાનથી અલગ થઈ જાય છે. કૅપ્સ્યૂલ ફરવા લાગે છે અને જ્યારે તે પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશે છે ત્યારે ઉત્પન્ન થતા આત્યંતિક તાપમાનનો સામનો કરીને અંદર રહેલા અંતરિક્ષયાત્રીઓને સુરક્ષિત રાખે છે.
આ અંતરિક્ષયાન 40,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે અને તે દરમિયાન લગભગ 2,700 ડિગ્રી તાપમાનનો સામનો કરે છે. આ તાપમાન સૂર્યની સપાટી પર જોવા મળતા તાપમાન કરતાં અડધું છે.
પહેલાં, માનવરહિત આર્ટિમિસ મિશન દરમિયાન ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયા પછી હીટ શીલ્ડ પર જ સૌથી વધારે ધ્યાન આપવામાં આવ્યું. જોકે, એન્જિનિયરોને વિશ્વાસ છે કે તેમણે પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશના કોણને સમાયોજિત કરીને આ સમસ્યાનું નિવારણ કરી લીધું છે.
અંતરિક્ષયાન જેવું પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશે છે, તેની ગતિ ધીમી કરવા માટે ઘણા તબક્કામાં પૅરાશૂટ ખૂલે છે.
અંતરિક્ષયાત્રીઓને કૅલિફૉર્નિયાના દરિયાકાંઠાથી નજીક પેસિફિક મહાસાગરમાં ધીમી ગતિએ ઉતારવામાં આવશે. તે જગ્યાએ એક રિકવરી ટીમ પણ હાજર રહેશે.
આ કૅપ્સ્યૂલ સીધી, ઊંધી કે એક તરફ નમેલી પણ ઊતરી શકે છે. નારંગી રંગની બૅગ કૅપ્સ્યૂલને સીધી કરવામાં મદદ કરે છે, જેથી તેમાં રહેલા ક્રૂ સલામત રીતે બહાર નીકળી શકે છે.
ઇમેજ સ્રોત, NASA
વિક્ટર ગ્લોવરે કહ્યું કે મિશનનું સૌથી રોમાંચક પાસું ઘરે પાછા ફરવાનું છે, જેની તેઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે.
મિશન પૂર્ણ થયા પછી, અંતરિક્ષયાત્રીઓ પૃથ્વી પર પાછા આવશે. ધરતી પર ફરી એક વાર પગ મૂકવો એવી પળ હશે, જેને તેઓ પોતાના જીવનની સૌથી મોટી યાત્રા તરીકે યાદ રાખશે.
તેઓ એક મહાન ટીમના સભ્ય બની જશે, કેમ કે અત્યાર સુધીમાં માત્ર 24 અંતરિક્ષયાત્રીઓએ જ ચંદ્રની પરિક્રમા કરી છે.
જોકે, આ આર્ટિમિસ મિશનોની માત્ર શરૂઆત છે. ત્યાંથી એકત્ર કરવામાં આવેલા ડેટા અને વૈજ્ઞાનિક તથ્યોનું ગહન વિશ્લેષણ કરવામાં આવશે. કારણ કે ત્યાર પછીનાં મિશનો ઘણા વધુ પડકારજનક છે. આ વખતે, મુખ્ય ઉદ્દેશ માત્ર મનુષ્યોને ચંદ્રની સપાટી પર લઈ જવાનો નથી, પરંતુ તેમને ત્યાં રહેવા માટે સક્ષમ બનાવવાનો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



