Home તાજા સમાચાર gujrati આદિમાનવનો ‘ઇતિહાસ’ એક ટને હજાર રૂપિયામાં વેચાય છે, રાખ વેચીને લોકો કેવી...

આદિમાનવનો ‘ઇતિહાસ’ એક ટને હજાર રૂપિયામાં વેચાય છે, રાખ વેચીને લોકો કેવી રીતે કમાણી કરે છે?

5
0

Source : BBC NEWS

જવાલાપુરમ, ભારત, માનવ, 74,000 વર્ષ, બીબીસી

  • લેેખક, બલ્લા સતીશ
  • પદ,
  • 19 એપ્રિલ 2025, 21:14 IST

    અપડેટેડ એક કલાક પહેલા

આંધ્રપ્રદેશમાં એક ચમત્કારિક સ્થળ આવેલું છે, જ્યાં આદિમાનવ વિચરતા હોવાનું મનાય છે.

ભારતમાં માણસના આગમનના મુખ્ય પુરાવા અને માનવજાતના ખંડો પાર કરવાના જીવંત પુરાવા નાંદયાલ જિલ્લામાં આવેલા રાખના ઢગલામાં સચવાયેલા પડ્યા છે.

જોકે, જે લોકો આ ઐતિહાસિક સ્થળથી અજાણ છે તેઓ અહીંયાં અસ્થિઓ પ્રતિ ટન 1,000 રૂપિયામાં વેચી રહ્યા છે.

માનવ ઇતિહાસના પુરાવાઓને બંડલોમાં પૅક કરીને ટનબંધ વેચવામાં આવે છે તેવું જાણીને તમે આશ્ચર્ય પામશો નહીં. આ ખરેખર આંધ્રપ્રદેશના નાંદયાલ જિલ્લામાં બની રહ્યું છે.

બેતનચરા યાગંતી પાસે જ્વાલાપુરમ નામનું એક ગામ છે. જે પહેલાં કુર્નૂલ જિલ્લામાં હતું અને હવે તે નાંદયાલ જિલ્લો છે. આ ગામમાં એક પ્રકારની દુર્લભ રાખ જોવા મળે છે.

ઇન્ડોનેશિયામાંથી રાખ ઊડતી ઊડતી ભારતમાં કેવી રીતે આવી હશે?

આંધ્રપ્રદેશ, નાંદયાલ, બીબીસી

ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, “લગભગ 74,000 વર્ષ પહેલાં સુમાત્રા ટાપુ પર (જે હવે ઇન્ડોનેશિયામાં છે) ટોબા નામનો જ્વાળામુખી ફાટ્યો હતો. આ વિસ્ફોટની અસરો લગભગ એક દાયકા સુધી રહી હતી. વિસ્ફોટમાંથી નીકળતો લાવા સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. આનાથી રાખે એક સ્તર બનાવી લીધું જે સૂર્યપ્રકાશને પૃથ્વી પર આવતા અટકાવતું હતું.”

“સૂર્યપ્રકાશ વિના આના લીધે એક પ્રકારનો હિમયુગ સર્જાયો. આ ફટકાથી માનવજાતિ લગભગ નાશ પામી હતી. આ આપત્તિમાં ખૂબ ઓછા લોકો બચ્યા હતા.”

આ લાવાની રાખ ભારતમાં પણ કેટલીક જગ્યાએ પડી હતી. જ્વાલાપુરમમાં મોટી માત્રામાં આવી લાવાની રાખ પણ મળી આવી હતી. આટલી મોટી માત્રામાં આવી રાખ મળવી ખૂબ જ દુર્લભ છે.

રવિ કોરીશેટ્ટર નામના વૈજ્ઞાનિકે જ્વાલાપુરમ ખાતે આ લાવાની રાખ જોઈ અને ત્યાં ખોદકામ શરૂ કર્યું.

રાખના સ્તરની ઉપર અને નીચે માનવીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા પથ્થરનાં સાધનોનાં નિશાન જોઈને વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા.

કારણ કે વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે માનવજાત લગભગ 60,000 વર્ષ પહેલાં આફ્રિકાથી ભારતમાં આવી હતી. પરંતુ જ્વાલાપુરમે આ ધારણા સામે પડકાર ફેંક્યો છે.

આ જ્વાળામુખીએ એક નવી સંભાવના રજૂ કરી છે કે માનવજાત અહીં 74,000 વર્ષ પહેલાં પણ હતી, વૈજ્ઞાનિકો કહે છે તેમ 60,000 વર્ષ પહેલાં નહીં.

એક રીતે આ પુરાતત્ત્વીય સ્થળે ભારતના પાષાણયુગના ઇતિહાસની દિશા બદલી નાખી છે.

જ્વાલાપુરમને 2009માં બીબીસી 2 પર પ્રસારિત થયેલી દસ્તાવેજી શ્રેણી ‘ધ ઇનક્રેડિબલ હ્યુમન જર્ની’માં દર્શાવવામાં આવ્યું હતું.

રવિ કોરીશેટ્ટર અને ઑક્સફૉર્ડ યુનિવર્સિટીના માઇકલ પેટ્રાગ્લિયા સહિત અન્ય ઘણા વૈજ્ઞાનિકોએ આ સ્થળ પર સંશોધન કર્યું છે.

માનવજાત 90,000 વર્ષ પહેલાં અહીં આવી હશે?

જવાલાપુરમ, બેલ્લારી,રોબર્ટ બ્રુસ ફોર્ટ સંગનકલ્લુ મ્યુઝિયમ, બીબીસી

રવિ કોરિશેટ્ટરે જણાવ્યું કે જ્વાલાપુરમ ખાતે થયેલા ખોદકામથી ભારતીય ઇતિહાસને બે મોટા ફાયદા થયા છે.

“એક તો ભારતમાં પેલેઓલિથિક વસાહતોનો ક્રમ યોગ્ય નથી. પણ આ રાખ આ ક્રમમાં ખૂટતી ખાલી જગ્યા ભરે છે. તે 74,000 વર્ષ પહેલાં અને પછીના સમયનો સંકેત આપે છે. બીજું તે તારણ આપે છે કે માનવીઓ 60,000 વર્ષ પહેલાં નહીં, પરંતુ 74,000 વર્ષ પહેલાં ભારતમાં આવ્યા હતા અને અહીં રહેતા હતા.”

વધુમાં ટોબા વિસ્ફોટથી સમગ્ર માનવતાનો નાશ થયો ન હતો. અમે દલીલ કરી શક્યા કે મધ્ય પાષાણયુગ આ વિસ્ફોટ પહેલાં અને પછી ચાલુ જ રહ્યો હતો.

આફ્રિકામાં મળતા ઓજારો અને જ્વાલાપુરમમાં મળતા ઓજારો વચ્ચે પણ ઘણી સમાનતા છે. તેથી એવું પણ કહી શકાય કે માનવજાત 90,000 વર્ષ પહેલાં અહીં આવી હશે.

“વધુમાં માનવજાત આફ્રિકાથી માઇક્રોલિથિક સાધનો લાવ્યાં તે સિદ્ધાંત પણ ખોટો હોઈ શકે છે,” એમ રવિ કોરીશેટ્ટરે બીબીસીને જણાવ્યું.

એકંદરે જ્વાલાપુરમ આધુનિક માનવોની ઉત્ક્રાંતિ અને ભારતમાં પૂર્વ પાષાણયુગના ઇતિહાસનો પુનર્લેખનનો એક નોંધપાત્ર પુરાવો છે.

પરંતુ આ બધું ભૂતકાળ બની જશે, કારણ કે આ રાખ પાછળ હજારો વર્ષનો માનવ ઇતિહાસ છુપાયેલો છે. તે ટન દીઠ હજાર રૂપિયામાં વેચાઈ રહી છે.

નેવું ટકાથી વધુ રાખ ખોદકામ કરીને વેચી દેવામાં આવી છે અને હજુ પણ વેચાણ ચાલુ જ છે. હવે અહીંયાં આદિમ માનવનાં નિશાન લગભગ લુપ્ત થઈ ગયાં છે.

એક ટન રાખની કિંમત એક હજાર રૂપિયા

આંધ્રપ્રદેશ, નાંદયાલ, બીબીસી

પુરાતત્ત્વીય સ્થળો કે જ્યાં માનવીઓ દ્વારા કાળજીપૂર્વક ખોદકામ થવું જોઈએ ત્યાં બુલડોઝરનો ઉપયોગ થઈ રહ્યો છે. તેનાથી રાખને દૂર કરાઈ રહી છે અને પ્રાચીન વૃક્ષોના અવશેષો અને માનવીઓ દ્વારા ઉપયોગમાં લેવાતાં શસ્ત્રોને ચારણીથી રાખમાંથી અલગ કરાઈ રહ્યાં છે અને બેગમાં ભરીને વેચાઈ રહ્યાં છે.

સ્થાનિક લોકો કહે છે કે આ રાખનો ઉપયોગ ડિટર્જન્ટ પાવડર અને ડીશ વૉશિંગ પાવડરમાં થાય છે.

કેટલાક ગ્રામજનોએ બીબીસીને જણાવ્યું કે તેઓ એક ટન રાખ સૌથી સસ્તા ભાવે એટલે કે 1,000 રૂપિયામાં વેચતા હતા.

જોકે બીબીસીએ સ્વતંત્ર રીતે કોઈ પુષ્ટિ કરી નથી કે કઈ કંપની આને ખરીદી રહી છે અથવા તેનો ઉપયોગ શા માટે થઈ રહ્યો છે.

જ્યારે બીબીસીએ ત્યાં કામ કરતા કામદારોને આ ખોદકામ વિશે પૂછ્યું, ત્યારે તેઓએ કહ્યું કે તેમને કંઈ ખબર નથી અને તેઓ હમણાં જ કામ પર આવ્યા છે. પરંતુ તેમણે બીબીસીને જણાવ્યું કે રાખનું વેચાણ ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે.

બીબીસીએ તે જગ્યાના માલિક સાથે પણ વાત કરી. તેઓ કહે છે, “અહીં દરેક વ્યક્તિ પોતાનાં ખેતરોમાં રહેલી રાખ ખોદીને વેચી રહી છે. તેથી જ મેં આ પણ વેચી દીધું. મને આ વિશે વધારે કંઈ ખબર નથી.”

અહીંના જમીનમાલિકોએ તેમની જમીન પર ખોદકામ પૂર્ણ કરી દીધું છે અને રાખ વેચી દીધી છે.

જ્વાળામુખીની રાખ હોવાની ખબર કેવી રીતે પડી?

જ્વાલાપુરમ, રવિ કોરિસેટ્ટર, બીબીસી

કુર્નૂલ જિલ્લામાં આવેલા બિલસર ગામની ગુફાઓ કાર્બનિક ઉત્ક્રાંતિના સિદ્ધાંત માટે ખૂબ મહત્ત્વની છે.

ભારતીય પુરાતત્ત્વશાસ્ત્રના પિતા ગણાતા રૉબર્ટ બ્રુસ ફોર્ટે સૌપ્રથમ આ ગુફાઓ વિશે લખ્યું હતું.

જ્યારે પુરાતત્ત્વવિદ્ રવિ કોરીશેટ્ટરની ટીમ ગુફાઓમાં માનવ અવશેષો શોધી રહી હતી ત્યારે તેમને સ્થાનિક લોકો પાસેથી જ્વાલાપુરમ વિશે ખબર પડી. રવિ કોરિશેટ્ટરે 2004-05માં બે વર્ષ સુધી જ્વાલાપુરમ ખાતે ખોદકામ કર્યું હતું.

તેઓ કહે છે, “સામાન્ય રીતે જ્યારે આપણે સંશોધન માટે જૂનાં સ્થળોએ જઈએ છીએ, ત્યારે નવી વસ્તુઓ પ્રકાશમાં આવે છે. જે વસ્તુઓ પહેલાં શોધાઈ ન હતી તે પણ શોધાશે. હું કંઈક નવું શોધી રહ્યો હતો તેવું મને લાગ્યું. હું કુર્નૂલ ગયો અને સર્વે ઑફ ઇન્ડિયા ટોપોગ્રાફી શીટમાં જ્વાલાપુરમનું નામ જોઈને મને ઉત્સુકતા થઈ, તેથી મેં એના વિશે પૂછપરછ કરી.”

અમે સ્થાનિક લોકો સાથે પણ વાત કરી અને તેમણે અમને ઘણી નવી વાતો જણાવી.

જ્યારે અમે યાગંતી વિસ્તારના ખેડૂત ચેંગલા રેડ્ડીને જ્વાલાપુરમ અને પટાપડુ વિશે પૂછ્યું કે શું નજીકમાં ક્યાંય સફેદ, નરમ રાખ જેવું કંઈ છે. તો તેઓ અમને જ્વાલાપુરમ તરફ દોરી ગયા.

જ્યારે હું પહેલી વાર જ્વાલાપુરમ ગયો ત્યારે મેં દૂરથી હવામાં ધૂળ ઊડતી જોઈ અને વિચાર્યું કે અહીં કંઈક છે.

જ્યારે હું નજીક ગયો અને જોયું કે શું ખોદવામાં આવી રહ્યું હતું ત્યારે મને ખ્યાલ આવ્યો કે એ તો જ્વાળામુખીની રાખ હતી.

જોકે, ગામલોકો પહેલાંથી જ ત્યાં ખોદકામ કરી રહ્યા હતા. જાણવા મળ્યું કે ગામલોકો જાણતા નહોતા કે આ જ્વાળામુખીની રાખ છે. પરંતુ તેઓ તેને ડિટર્જન્ટ ઉદ્યોગોને વેચી રહ્યા હતા.

આ સાથે રવિએ બિલાસપુરમાં ખોદકામ કરવા ગયેલી ટીમના કેટલાક સભ્યોને જ્વાલાપુરમમાં મોકલ્યા. આ ખાનગી માલિકીની જમીન હોવાથી તેમણે ત્યાંના ખેડૂતોને કેટલાક પૈસા આપ્યા અને ખોદકામનું કામ કરાવ્યું હતું. લગભગ એક વર્ષ સુધી ત્યાં ખંતપૂર્વક કામ કર્યા પછી ઘણી રસપ્રદ બાબતો પ્રકાશમાં આવી.

તેઓ કહે છે, “જ્વાલાપુરમ ખોદકામ દરમિયાન એક મધ્યયુગીન પોલિઓલિથિક પથ્થર મળી આવ્યો હતો. નજીકમાં એક પ્રારંભિક પોલિઓલિથિક પથ્થર પણ મળી આવ્યો હતો. જુરેરુ નદીના કિનારે માઇક્રોલિથિક વસ્તુઓ મળી આવી હતી. યાગંતી પેઇન્ટેડ ખડક આશ્રયસ્થાનોની નજીક જમીન પર માઇક્રોલિથિક સાધનો મળી આવ્યાં હતાં. એકંદરે લગભગ 2,000 એકર વિસ્તારમાં પેલિઓલિથિકથી મેગાલિથિક સુધી માનવ વસવાટના ઘણા પુરાવા ફેલાયેલા છે.”

જ્વાલાપુરમનું મહત્ત્વ સમજાવતા તેમણે કહ્યું, “પૂર્વ આફ્રિકામાં પણ આવા જ પુરાવા મળ્યા છે.”

સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો

રવિ કોરીશેટ્ટર, પુરાતત્વવિદ્, જ્વાલાપુરમ

હાલમાં જ્વાલાપુરમ ખોદકામ દરમિયાન મળેલી બધી વસ્તુઓ કર્ણાટકમાં સચવાયેલી છે. રવિએ કર્ણાટકના બેલ્લારીમાં રૉબર્ટ બ્રુસ ફોર્ટ સંગાનક્કલ્લુ મ્યુઝિયમમાં પથ્થરના ઓજારો અને અન્ય મહત્ત્વપૂર્ણ અવશેષો સાચવ્યા છે.

“જ્યારે હું ત્યાં ગયો ત્યારે તેઓ રાખ વેચી રહ્યા હતા.” કદાચ કોઈએ તેનું મહત્ત્વ પહેલાંથી જ જાણી લીધું હતું અને તેને સાચવવાને બદલે, તેને વ્યાપારી રીતે વેચવાનું શરૂ કર્યું.

તેઓ કહે છે, “અમે સ્થાનિક લોકોને આ વિસ્તારના સંરક્ષણના મહત્ત્વ વિશે શિક્ષિત કરવાનો પ્રયાસ કર્યો. અમે ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં તે 50 ટકા તો તે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. હું છેલ્લાં દસ વર્ષથી ત્યાં જાઉં છું. હું ત્યાં જઈ રહ્યો છું એ આશા સાથે કે મને કંઈક બીજું મળશે. પણ એક વાર તમે કંઈક ખોદીને ફરીથી ઢાંકી દો પછી તમને બીજું કંઈ મળશે નહીં.”

“અમે ઘરે ઘરે ગયા, પત્રિતા વહેંચી અને ગામલોકોને તે સમજાવ્યું. અમે શાળાઓમાં પ્રયોગો કર્યા. અમે બાળકોને શિક્ષણ આપ્યું. પણ હવે તેને સાચવવાનો કોઈ ફાયદો નથી. તે મોટે ભાગે ક્ષતિગ્રસ્ત છે”, એમ રવિ કોરીશેટ્ટરે નિસાસો નાખતા કહે છે.

જ્વાલાપુરમમાં પથ્થરના ઓજારો મળી આવ્યા હતા. પણ આપણે જાણવાની જરૂર છે કે આ કોણે કર્યું હતું. કારણ કે આ સાધનો આંશિક પુરાવા છે. જો માનવ હાડકાં મળી આવે તો તે નક્કર પુરાવા હશે.

આપણે જાણવાની જરૂર છે કે આ ઉપકરણો કોણે બનાવ્યાં. આ માટે વધુ સંશોધન કરવાની જરૂર છે. પરંતુ ત્યાં રાખ નિકાસનો વ્યવસાય આ સ્થળને સંશોધન લાયક બનાવી રહ્યો નથી.

સ્થાનિક વહીવટીતંત્રમાંથી કોઈએ આને રોકવાનો પ્રયાસ કર્યો નથી.

જ્યારે બીબીસીએ આ અંગે નાંદયાલ જિલ્લા કલેક્ટર રાજા કુમારીનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે કહ્યું કે આ સ્થળને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રાખવા માટે પગલાં લેવામાં આવશે.

જ્વાલાપુરમ નામ કેવી રીતે પડ્યું?

જવાલાપુરમ, આદિમાનવ, રાખ, બીબીસી

સંસ્કૃતમાં જ્વાલાનો અર્થ અગ્નિ થાય છે. ઘણા લોકો માને છે કે આ ગામનું નામ જ્વાળામુખીની રાખ પરથી પડ્યું છે. જોકે, કેટલાક લોકો કહે છે કે ગામનું મૂળ નામ જોલા હતું, જેનો અર્થ “ભરતી” થાય છે અને તે ધીમેધીમે ઝાવા બન્યું.

આ ગામની નજીકની ટેકરીઓની ગુફાઓમાં આદિમ માણસ દ્વારા બનાવેલાં ચિત્રો પણ મોજુદ છે. આને પેઇન્ટેડ રોક કે આશ્રયસ્થાનો કહેવાય છે.

ફક્ત આ ગામની નજીક જ નહીં પણ યગંતીની આસપાસ પણ બિલ્લાસરગામ ગુફાઓમાં પ્રાણીઓના અવશેષો છે. આ બધું આપણને માનવજાતના ઇતિહાસની મુખ્ય ઘટનાઓને સમજવા માટે ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.

રવિ કોરીશેટ્ટર કહે છે, “યાગંતી, બેતનચરા અને બિલ્લાસરગામની આસપાસ સેંકડો રંગીન ખડકોનાં આશ્રયસ્થાનો મળી આવ્યાં હતાં. યાગંતીની આસપાસ આવી ઘણી ગુફાઓ છે.”

કુર્નૂલ જિલ્લાની આસપાસના વિસ્તારમાં માનવજાતના પ્રાગૈતિહાસિક ઇતિહાસ અને ભારતના પાષાણયુગના ઇતિહાસના સમૃદ્ધ પુરાવા છે. પરંતુ આ સ્થળોનો વિનાશ હજુ ચાલુ જ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS