Home તાજા સમાચાર gujrati આંતરજ્ઞાતીય લગ્ન : ‘મારા પિતાએ મારા પતિને મારી નાખ્યો અને મને જીવતી...

આંતરજ્ઞાતીય લગ્ન : ‘મારા પિતાએ મારા પતિને મારી નાખ્યો અને મને જીવતી લાશ બનાવી દીધી’

15
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બિહાર, આંતરજ્ઞાતીય લગ્ન, હત્યા

ઇમેજ સ્રોત, @Tanumahi042006

(આ અહેવાલની કેટલીક વિગતો વાચકોને વિચલિત કરી શકે છે)

બપોરના 11 વાગી રહ્યા હતા. હું સુપૌલના પિપરાના તુલાપટ્ટી ગામે પહોંચી હતી. હળવો તડકો હતો અને લોકો પોતાના ઘરની બહાર બેસીને તેની મજા માણી રહ્યા હતા.

પરંતુ તુલાપટ્ટીમાં જ એક નાનકડા અંધારા રૂમમાં એક 20 વર્ષીય છોકરી ચાદરમાં સમેટાઈને સૂવાનો પ્રયાસ કરી રહી હતી. તેના સસરા તેના નામની બૂમ પાડે છે, “તનુ બેટા, તને કોઈ મળવા આવ્યું છે.”

બે-ત્રણ વખત બોલાવ્યા બાદ એ ચાદર હઠાવે છે. તેમની આંખમાં આંસુ છે અને હાથમાં ટૅબ્લેટ, જેના પર તેમના જૂના ખુશનુમા દિવસોના વીડિયો ચાલી રહ્યા છે.

આ યુવતી તનુપ્રિયા છે, જેમના પતિ રાહુલની ગોળી મારીને હત્યા કરવાનો આરોપ તનુના પિતા પર છે.

તનુપ્રિયા એક દુબળી-પાતળી યુવતી છે, જેમની મોટી-મોટી આંખો તેમના જીવનની હાલની પીડાનો પુરાવો પૂરો પાડે છે. તેઓ સવારે જલદી નથી ઊઠવા માગતાં. એ મોડે સુધી સૂતાં રહેવા માગે છે, જેથી જીવનનો વધુ એક દિવસ કોઈક પ્રકારે પસાર થઈ જાય.

તનુપ્રિયાની કહાણી ભારતમાં એક છોકરીના ખુદના જીવનના નિર્ણય લેવાની, જ્ઞાતિપ્રથાની ગૂંગળામણ અને પિતૃસત્તાની પકડમાં ગૂંચવાયેલા સમાજની કહાણી કહે છે.

તનુપ્રિયા અને રાહુલની પ્રેમકહાણી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બિહાર, આંતરજ્ઞાતીય લગ્ન, હત્યા

ઇમેજ સ્રોત, Shahnawaz Ahmed/BBC

તનુપ્રિયા બિહારના સહરસાના બનગાંવનાં રહેવાસી છે, તેમજ રાહુલ સુપૌલના તુલાપટ્ટી ગામના રહેવાસી હતા.

તનુપ્રિયાનું પ્રારંભિક શિક્ષણ સહરસામાં જ થયું હતું. ભણવામાં હોશિયાર તનુપ્રિયા, પ્રેમશંકર ઝા અને ગુંજનકુમારીનાં સૌથી મોટાં દીકરી છે.

પ્રેમશંકર ઝાની દવાની દુકાન છે અને ગુંજનકુમારી સરકારી સ્કૂલમાં સંસ્કૃત ભણાવે છે. તનુપ્રિયાના બે નાના ભાઈ છે.

તનુપ્રિયાની રાહુલકુમાર સાથે મુલાકાત દરભંગા મેડિકલ કૉલેજ ખાતે થઈ હતી.

રાહુલ સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા હતા. દસમા સુધી ભણેલા તેમના પિતા ગણેશ મંડલ ખેતીકામ કરે છે અને બારમા સુધી ભણેલાં માતા અનીતાદેવી ગૃહિણી છે.

‘મંડલ’ બિહારમાં અતિ પછાત જાતિ વર્ગમાં આવે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બિહાર, આંતરજ્ઞાતીય લગ્ન, હત્યા

ઇમેજ સ્રોત, @Tanumahi042006

રાહુલ અને તનુપ્રિયા બંને દરભંગા મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં બીએસસી નર્સિંગનો અભ્યાસ કરી રહ્યાં હતાં.

તનુ જણાવે છે કે, “રાહુલ મારાથી એક વર્ષ સિનિયર હતો. મેડિકલ પ્રોફેશનમાં સિનિયર જુનિયરની વાતચીત વધુ થતી હોય છે, તેથી મારી રાહુલ સાથે મિત્રતા થઈ ગઈ. એ મારો સૌથી સારો મિત્ર હતો. કૉલેજમાં તમામ લોકો એ જોઈને આશ્ચર્યચકિત રહેતા કે અમારી વચ્ચે ક્યારેય કોઈ ઝઘડો કેમ નથી થતો.”

રાહુલ, તનુપ્રિયાને ભણવામાં મદદ કરતા, પરંતુ બંને વચ્ચેની નિકટતા ખરેખર તો બુલેટને કારણે વધી.

રાહુલ પાસે બુલેટ હતી અને તનુને બુલેટ ચલાવવાનો શોખ હતો. આજે પણ તનુના ઇન્સ્ટાગ્રામ પર રાહુલ સાથે બુલેટ ચલાવતા ઘણા વીડિયો છે.

તનુપ્રિયા એ વીડિયો બતાવતાં રાજી થઈ જાય છે. એ કહે છે કે, “અમે બંને એક સાથે ભણતાં અને ફરતાં. ડેટિંગ જેવું કંઈ નહોતું. અમે બુલેટ લઈને મંદિરે જતાં. હું એક બ્રાહ્મણ પરિવારમાંથી આવું છું અને મારા પતિ ઇબીસી (અતિ પછાત)માંથી આવતા હતા. કૉલેજના ઘણા લોકોને આ વાત પસંદ ન પડી. મારા પિતા પ્રેમશંકર ઝા સુધી મારો અફેર કહેવાતી નીચલી જ્ઞાતિના છોકરા સાથે ચાલી રહ્યો હોવાની વાત પહોંચાડી દેવાઈ.”

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બિહાર, આંતરજ્ઞાતીય લગ્ન, હત્યા

ઇમેજ સ્રોત, @Tanumahi042006

તનુપ્રિયા અને રાહુલ વચ્ચે મિત્રતાની વાત પરિવાર સુધી પહોંચી ચૂકી હતી.

તનુપ્રિયા જણાવે છે કે પાછલા વર્ષે (2025) 27 માર્ચના રોજ તેઓ બનગાંવ ખાતેના પોતાના ઘરે ગયાં તો પરિવારજનોએ તેમના પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું.

તનુપ્રિયાએ કહ્યું, “તેમણે મારા પર રાહુલ પર રેપ કેસ ફાઇલ કરવાનું દબાણ કર્યું. પણ જ્યારે એણે મને ખોટી રીતે અડકી પણ ન હોય તો હું આવું કેવી રીતે કરી શકું. તમે કોઈની સાથે મિત્રતા કરો તો તેનો એ અર્થ તો નથી કે તમારા પર જ્યારે કોઈ દબાણ આવે તો તમે તમારા મિત્રની કારકિર્દી સમાપ્ત કરી દો.”

તનુપ્રિયા કહે છે કે, “હું રાજી ન થઈ, તેથી મારા પરિવારજનોએ મને મારવાનું શરૂ કરી દીધું. જ્યારે મારી સહનશક્તિની હદ આવી ગઈ ત્યારે મેં ઇન્સ્ટા મારફતે રાહુલને મૅસેજ કર્યો કે એ મને બચાવી લે. મારી પાસે ફોન નહોતો અને લૅપટૉપ ઇન્સ્ટા જ એક માત્ર રીત હતી, જેના થકી હું રાહુલ સાથે સંપર્ક સાધી શકતી હતી.”

તનુપ્રિયાએ રાહુલની મદદ વડે પોતાનું ઘર છોડી દીધું. બંનેએ પોતાના જીવન વિશે વિચાર્યું અને સમજી-વિચારીને લગ્નનો નિર્ણય કર્યો.

તનુપ્રિયા જણાવે છે કે, “અમે લખીસરાયના અશોકધામમાં લગ્ન કર્યાં અને સુપૌલ કોર્ટમાં શપથપત્ર વગેરે પણ બનાવડાવ્યું. બાદમાં બનગાંવ પોલીસ સ્ટેશનમાં પણ 161 અને 164 અંતર્ગત મારું નિવેદન લેવાયું કે મેં આ લગ્ન મરજીથી કર્યાં છે.”

તેઓ કહે છે કે, “લગ્ન બાદ હું ડીએમસીએચ આવી ગઈ. હું ત્યાં બીએસસી નર્સિંગની સાથોસાથ યુપીએસસીની તૈયારી કરવા લાગી. રાહુલે મારા માટે ટૅબ્લેટ ખરીદ્યું અને કહ્યું, બસ ભણ. 5 ઑગસ્ટના રોજ પણ તેણે કહેલું કે તું રાજ્યશાસ્ત્રનો પાઠ પૂરો કરી લેજે. મેં કહેલું કે હું સાંજે કરી લઈશ, પરંતુ એ સાંજ ક્યારેય પડી જ નહીં.”

પાંચ ઑગસ્ટના રોજ શું થયું હતું?

પાંચ ઑગસ્ટના રોજ શું બનેલું?

આ પ્રશ્નના જવાબમાં તનુ પ્રિયા થોડું થંભીને બોલે છે, “એ દિવસે મંગળવાર હતો. સોમવારે મારો વ્રત હતો અને અમે મંદિર ગયાં હતાં. સવાર-સવારમાં પ્રસાદ ખાઈને મેં ઉપવાસ છોડ્યો. અમે એક સાથે નાસ્તો કર્યો અને ભોજન લઈને હું કૉલેજ ગઈ. સાંજ હું કૅન્ટીનમાં જઈ રહી હતી ત્યારે અમે બંનેએ એકબીજાની સામે જોયું. મેં જોયું કે એક વ્યક્તિ માસ્ક પહેરીને આવી છે. એ રાહુલને વારંવાર પૂછી રહ્યો હતો કે આ કોની બુલેટ છે.”

તેઓ કહે છે કે, “રાહુલ તેને માસ્ક હઠાવવાનું કહી રહ્યા હતા. ત્યારે જ તેણે કટ્ટો કાઢ્યો અને તેને શૂટ કરી દીધો. રાહુલ મારી તરફ ભાગ્યો અને હું એની તરફ. એ મારા ખોળામાં આવીને પડી ગયો. અમે લોકો તેમને ઇમર્જન્સી વૉર્ડમાં લઈ ગયા. પ્રેમશંકર ઝાને બીજા વિદ્યાર્થીઓએ પકડી લીધા હતા. તેમનો માસ્ક હઠ્યો તો જોયું કે એ તો મારા પપ્પા છે. માય ફાધર કિલ્ડ માય હસબન્ડ.”

નર્સિંગ કૉલેજમાં આ ઘટના બાદ અફરાતફરી મચી ગઈ. ત્યાં હાજર વિદ્યાર્થીઓએ પ્રેમશંકર ઝા એટલે કે તનુપ્રિયાના પિતાને પકડ્યા અને તેમની ધોલાઈ કરી નાખી.

બાદમાં સ્થાનિક પોલીસે તેમને ઇલાજ માટે પટણા મેડિકલ કૉલેજ હૉસ્પિટલ મોકલી દીધા.

તનુપ્રિયા એ સમયને યાદ કરતાં કહે છે કે, “જેમને (તનુપ્રિયાના પિતા) તમે પ્રેમ કરો છો, એ જ આવીને તમારા પતિને મારી નાખે. એટલા માટે કે એ તમારી જ્ઞાતિનો નથી. શું જ્ઞાતિ જ સર્વસ્વ હોય છે. જે ઉચ્ચ જાતિના છે, એ જ સારા છે? અને બાકીનાનું રક્ત અશુદ્ધ. આવું જ હોય તો હૉસ્પિટલમાં કેમ નથી જોતા કે કઈ જાતિની વ્યક્તિનું લોહી ચડાવાઈ રહ્યું છે. કોઈ કેમ એવું નથી કહેતું કે માત્ર તેના ગોત્રવાળી વ્યક્તિનું જ લોહી જોઈએ?”

દરભંગામાં આ ઘટના બેંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. રાહુલકુમારના પિતા ગણેશ મંડલે નોંધાવેલી એફઆઇઆરમાં ચાર આરોપી છે. પ્રેમશંકર ઝા, ગુંજનકુમારી અને તેમના બંને દીકરા.

દરભંગા જેલમાં બંધ પ્રેમશંકર ઝાની જામીન અરજી ગત નવેમ્બર માસમાં સેશન્સ ન્યાયાધીશ શિવ ગોપાલ મિશ્રની કોર્ટે ખારિજ કરી દીધી હતી.

સરકારી વકલી અમરેન્દ્ર નારાયણ ઝાએ બીબીસીને જણાવ્યું કે, “પ્રેમશંકર ઝાની નિયમિત જામીન અરજીને ખારિજ કરી દેવાઈ હતી અને આ મામલામાં ચાર્જશીટ પણ દાખલ કરી દેવાઈ છે.”

તેમજ આ મામલામાં અન્ય આરોપીઓ વિશે પૂછતાં બેંતા પોલીસ સ્ટેશનના ઇનચાર્જ હરેન્દ્ર કુમારે બીબીસીને જણાવ્યું કે, “આ મામલામાં ગુંજનકુમારને પટણા હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે અને અન્ય બે આરોપીઓની સામેલગીરીની તપાસ ચાલી રહી છે.”

તનુપ્રિયા કહે છે કે, “યોગ્ય રીતે તપાસ નથી થઈ રહી. ગુંજનકુમારીને જામીન મળી ગયા. બંને ભાઈ આવી રીતે છૂટા ફરી રહ્યા છે. તમે ઠીકથી તપાસ કરશો તો જ ખબર પડશેને કે આ કાવતરામાં કોણ કોણ સામેલ હતું. કોઈ પણ આવીને કૉલેજ કૅમ્પસમાં ગોળી ચલાવી દે. આપણે કેવી બર્બર વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ, જ્યાં બંધારણ, કાયદા નામની કોઈ ચીજ નથી.”

‘હવે આ જ મારો દીકરો છે’

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બિહાર, આંતરજ્ઞાતીય લગ્ન, હત્યા

ઇમેજ સ્રોત, Shahnawaz Ahmed/BBC

રાહુલના મોત બાદ તુલાપટ્ટીસ્થિત તેનું ઘર પણ એક જ ઝાટકે વિખેરાઈ ગયું છે. ઘરમાં એક વિચિત્ર મૌન છવાયેલું છે.

તનુપ્રિયાના રૂમના દરવાજાની સાંકળ પર તાળું મારી દેવાયું છે, જેથી એ પોતાની રૂમ અંદરથી લૉક ન કરી શકે.

તનુપ્રિયા કહે છે કે, “આ લોકોને બીક છે કે હું કંઈક કરી લઈશ. તેથી અંદરથીય દરવાજો બંધ નથી કરવા દેતા. મને માત્ર ચા બનાવતા જ આવડે છે. આ લોકો આખો દિવસ હું કંઈક ખાઈ લઉં એ માટે મારી પાછળ જોતરાયેલા રહે છે, આજ દિન સુધી આ લોકોએ ક્યારેય મારી સાથે ખરાબ વ્યવહાર નથી કર્યો. કોઈ એવું નથી કહેતું કે મારા કારણે તેમનો દીકરો જતો રહ્યો. બિહારના આવા અંતરિયાળ ક્ષેત્રમાં તમે કોઈ વહુને શર્ટ-પૅન્ટ પહેરેલી જોઈ છે ખરી?”

રાહુલના પિતા ગણેશ મંડલ વધુ વાત નથી કરતા, પરંતુ મા અનીતાદેવી વાત કરે છે.

તેઓ કહે છે કે, “પોતાના જ જમાઈને મારી નાખે એવો પિતા મેં આજ સુધી ક્યાંય નથી જોયો. મારો દીકરો (રાહુલ) જતો રહ્યો, પરંતુ હવે આ જ મારો દીકરો છે. આને જ દીકરો માનીને આગળનું જીવન જીવી લઈશું.”

પરંતુ તનુપ્રિયા સામે લાંબું જીવન બાકી પડ્યું છે.

અનીતાદેવી કહે છે કે, “ઠીક છે, પરંતુ હવે આ દીકરો બનીને મારી પાસે રહેશે. આ હોય છે તો બાબુ-બાબુ કરીને આખો દિવસ પસાર થઈ જાય છે. બાકી સરકાર અમને શું આપશે? મારો દીકરો પરત કરી દેશે. અમે એ લોકો માટે ફાંસી ઇચ્છીએ છીએ.”

ઑગસ્ટ માસમાં આ ઘટના બાદ તનુપ્રિયાએ ફરી પુસ્તક નથી પકડ્યું.

તેમની રૂમમાં બે બૅગ લટકેલી છે, જે પૈકી એક કદાચ રાહુલની હશે.

તનુપ્રિયા કહે છે કે, “મેં કોઈ સપનું એકલું જોયું જ નહોતું. જે હતું રાહુલ સાથે હતું. હવે એ નથી રહ્યો તો ભણવાનો શો અર્થ? હું માત્ર મારા પતિને ન્યાય અપાવવા માટે પોતાની જાતને જીવિત રાખી રહી છું. રાત પડે તો તેને એવી જ રીતે પસાર કરવાનો પ્રયાસ કરું છું, જેથી સવારે મોડે સુધી ઊંઘી રહું. બપોરે 11-12 વાગ્યે ઊઠું છું. તેનાથી આશા મળે છે કે વધુ એક દિવસ જીવિત રહીને પસાર કરી દીધો.”

“મારા પિતાએ મારા પતિને મારી નાખ્યો અને મને જીવતી લાશ બનાવીને મૂકી દીધી. હું નથી ઇચ્છતી કે કોઈ મને મર્ડરરની દીકરી કહે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS