Source : BBC NEWS
ઇમેજ સ્રોત, SHAFEQNA
ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં આયતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુ પછી ઈરાનમાં વચગાળાની લીડરશિપ કાઉન્સિલનું ગઠન થયું છે.
ત્રણ સભ્યોની આ કાઉન્સિલમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ગુલામ-હુસૈન મોહસની એજઈ અને ગાર્ડિયન કાઉન્સિલના સભ્ય અલી રઝા અરાફીનો સમાવેશ થાય છે.
ગાર્ડિયન કાઉન્સિલના સભ્ય અલી રઝા અરાફીને વચગાળાની લીડરશિપ કાઉન્સિલના જ્યૂરિસ્ટ પદે ચૂંટવામાં આવ્યા છે.
ઈરાની બંધારણની કલમ 111 મુજબ સર્વોચ્ચ નેતાનું મૃત્યુ થાય, તેઓ રાજીનામું આપે અથવા પદભ્રષ્ટ કરવામાં આવે તો કામચલાઉ લીડરશિપ કાઉન્સિલનું ગઠન કરવામાં આવે છે.
આ કાઉન્સિલમાં રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના વડા અને ગાર્ડિયન કાઉન્સિલના સભ્યોમાંથી એક સભ્યને લેવામાં આવે છે.
વચગાળાની લીડરશિપ કાઉન્સિલ શું કરશે?
ઈરાનમાં હવે સર્વોચ્ચ નેતા ચૂંટવાનું કામ લીડરશિપ કાઉન્સિલ સંભાળશે. જોકે, આ કાઉન્સિલ પાસે તમામ અધિકારો નથી. કેટલાક મામલામાં સુપ્રીમ લીડરની સલાહકાર પરિષદના ત્રણ ચતુર્થાંશ સભ્યોની મંજૂરી લેવી જરૂરી છે.
આ મામલામાં સામેલ છેઃ
- સિસ્ટમની સામાન્ય નીતિઓ નક્કી કરવી
- જનમત સંગ્રહની જાહેરાત
- યુદ્ધ અથવા શાંતિની જાહેરાત
- રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા
- જૉઇન્ટ ચીફ ઑફ સ્ટાફ, રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડર અથવા ટોચના સૈન્ય અને પોલીસ અધિકારીઓની નિમણૂક અથવા બરખાસ્તગી
રિવૉલ્યુશનરી ગાર્ડ્સના મુખ્ય કમાન્ડર, સશસ્ત્ર દળોના ચીફ ઑફ સ્ટાફ અને બીજા ટોચના મિલિટરી અધિકારીઓ માર્યા ગયા હોવાથી વચગાળાની લીડરશિપ કાઉન્સિલ આ અંગે ત્રણ ચતુર્થાંશ બહુમતથી નિર્ણય લેશે એવું માનવામાં આવે છે.
અલી રઝા અરાફી કોણ છે?
ઇમેજ સ્રોત, LEADER.IR
ઈરાનના મીડિયા મુજબ અલી રઝા અરાફીનો જન્મ 1959માં યઝ્દ પ્રાંતના મેબદ શહેરમાં થયો હતો.
તેમના પિતા મોહમ્મદ ઇબ્રાહીમ અરાફી એક ધર્મગુરુ હતા અને પહલવીના શાસનનો વિરોધ કરતા હતા. તેઓ આયતુલ્લાખ ખુમૈનીના નજીકના ધર્મગુરુઓ સાથે સંપર્ક ધરાવતા હતા. તેમનાં માતા શેખ કાઝિમ મલિક-અફઝલ અર્દકાનીનાં પુત્રી હતાં.
અલી રઝા અરાફીએ બાળપણમાં પોતાના પિતા અને બીજા શિક્ષકો પાસેથી ધર્મનું શિક્ષણ મેળવ્યું હતું. પ્રાથમિક શિક્ષણ માટે તેઓ કુમ ગયા અને ત્યાર પછી મદરેસામાં અભ્યાસ કર્યો હતો.
અરાફીએ કેટલાક શિયા ધાર્મિક વિદ્વાનો, જેમ કે મોર્તેઝા હૈરી યઝદી, મોહમ્મદ ફાઝલ લંકરાની, હુસૈન વાહિદ ખોરાસાની, જાવદ તબરીઝી અને હસન હસનઝાદેહ અમોલી હેઠળ પણ અભ્યાસ કર્યો હતો. તેમણે મોહમ્મદ તાકી મિસ્બાહ યઝદી પાસેથી ફિલોસોફીનો અભ્યાસ પણ કર્યો હતો.
અરાફીને મદરેસા અને યુનિવર્સિટીઓમાં શિક્ષણ આપવાનો અનુભવ છે અને તેમણે અનેક સંશોધન પ્રોજેક્ટ્સમાં સલાહ આપી છે.
તેઓ નાનપણથી જ રાજકીય રીતે સક્રિય હતા અને પહલવી શાસન વિરુદ્ધ ચળવળમાં તેમના પિતા સાથે જોડાયા હતા. 16 વર્ષની ઉંમરે, તેમની ધરપકડ કરવામાં આવી હતી અને થોડા સમય માટે જેલમાં પણ રાખવામાં આવ્યા હતા.
1979માં કુમના એક મદરેસામાં “કાઉન્સિલ ફોર ધ સુપરવિઝન ઑફ નૉન-ઇરાનિયન સ્ટુડન્ટ્સ” નામે સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. 1986માં સંગઠનના માળખામાં ફેરફાર અને તેની પ્રવૃત્તિઓના વિસ્તરણ પછી, તેનું નામ બદલીને “વર્લ્ડ સેન્ટર ફૉર ઇસ્લામિક સાયન્સ” રાખવામાં આવ્યું હતું.
1993માં આ સંસ્થા ઈરાનના સર્વોચ્ચ નેતાની દેખરેખ હેઠળ આવી અને 2002માં ખામેનીએ અરાફીને તેનું નેતૃત્વ સોંપ્યું હતું. આરાફી 2008 સુધી તેના વડા તરીકે રહ્યા હતા.
અરાફી યુનિવર્સિટી ઑફ હોલી કુરાન સાયન્સ ઍન્ડ એજ્યુકેશનના ટ્રસ્ટી બોર્ડના સભ્ય છે.
તેમણે મેબાદમાં શુક્રવારની નમાઝના ઇમામ અને 2014માં કુમના ઇમામ તરીકે સેવા આપી હતી.
તેઓ સાંસ્કૃતિક ક્રાંતિના સુપ્રીમ કાઉન્સિલના સભ્ય છે. 2016માં તેમને કુમ સેમિનરીના ડિરેક્ટર અને ઈરાની સેમિનરીના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
તેઓ કુમ સેમિનરીના શિક્ષક સંગઠનના સભ્ય છે.
ખામેનીના આદેશ પર અરાફી 2019માં ગાર્ડિયન કાઉન્સિલના સભ્ય બન્યા હતા.
ખામેનેઈના વિશ્વાસુ છે અરાફી
કેટલાક વર્ષો પહેલાં સુધી અલી રઝા અરાફીનું નામ ઓછા લોકો જાણતા હતા. અગાઉ તેમને ‘હુજ્જત અલ-ઇસ્લામ’ કહેવામાં આવતા હતા અને હવે તેમને ‘આયાતુલ્લાહ’ કહેવામાં આવે છે.
ખામેનેઈને અરાફી પર સંપૂર્ણ ભરોસો હતો અને તેમના નજીકના લોકોમાં ગણવામાં આવતા હતા.
આ ભરોસાના કારણે ધીમે ધીમે તેમનું કદ વધવા લાગ્યું. તેઓ ખામેનેઈના ઉત્તરાધિકારીના સંભવિત દાવેદારોમાં પણ ગણાવા લાગ્યા.
પોતાનાં ભાષણો અને જાહેર વલણમાં તેઓ ઘણી વખત ઇસ્લામી રિપબ્લિકના નેતાના વિચારોને જાહેર કરતા રહે છે.
વર્ષ 2016માં તેમણે એવા ‘વિચાર’ની જરૂરિયાત પર ભાર મૂક્યો જે ‘પશ્ચિમી વિચારો’નો મુકાબલો કરી શકે અને સાથે સાથે તેમાં વાતચીત, વિરોધ, જિહાદ અને ક્રાંતિ જેવા સિદ્ધાંતો સમાવિષ્ટ હોય.
વિદેશનીતિ અને ઘરેલુ મુદ્દા પર તેમના વિચારો સુપ્રીમ લીડરની જાહેર નીતિઓ મુજબ રહ્યા છે.
તેમણે ઈરાનનો ડિફેન્સ કાર્યક્રમ ચાલુ રાખવા, અમેરિકાના વલણનો જવાબ આપવા અને વસતિવૃદ્ધિની નીતિઓ પર ભાર મૂક્યો છે.
જુલાઈ 2017માં કુમની જુમ્માની નમાઝ દરમિયાન તેમણે અમેરિકાને “દુનિયામાં માનવાધિકાર ઉલ્લંઘનના કેન્દ્ર” તરીકે ગણાવ્યું હતું.
અરાફીની આગેકૂચથી એ સ્પષઅટ છે કે તાજેતરનાં વર્ષોમાં તેઓ ઈરાનના ધાર્મિક અને રાજકીય માળખામાં એક પ્રભાવશાળી વ્યક્તિત્વ તરીકે ઊભરી આવ્યા છે.
વચગાળાની લીડરશિપ કાઉન્સિલમાં તેમને સોંપવામાં આવેલી જવાબદારીને ધ્યાનમાં લેતા એવું લાગે છે કે ઈરાનમાં હવે જે થશે તેમાં અરાફીની એક મહત્ત્વની ભૂમિકા હોઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



