Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
મે 2009માં સિચ્યુએશન રૂમમાંની બેઠક જેવી પૂરી થઈ કે રાષ્ટ્રપતિ ઓબામા તેમના કેટલાક સલાહકારોને વ્હાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં લઈ ગયા અને દરવાજો અંદરથી બંધ કરી દીધો.
તેમાં વ્હાઇટ હાઉસના ચીફ ઑફ સ્ટાફ રાહ્મ ઇમૅન્યુઅલ, સીઆઇએના ડાયરેક્ટર લિયોન પનેટા અને નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ટૉમ ડાનિલન સામેલ હતા.
ઓબામાએ એ લોકોને કહ્યું કે તેઓ ઇચ્છે છે કે ઓસામા બિન લાદેનને શોધવાના કામને સૌથી વધારે પ્રાથમિકતા આપવામાં આવે અને દર ત્રણ દિવસે આ અભિયાનનો પ્રોગ્રેસ રિપોર્ટ તેમના ટેબલ પર પહોંચાડવામાં આવે.
બરાક ઓબામા તેમની આત્મકથા ‘અ પ્રૉમિસ્ડ લૅન્ડ’માં લખે છે, “9/11ની નવમી પુણ્યતિથિના આગળના દિવસે સીઆઇએના ડાયરેક્ટર લિયોન પનેટા અને તેમના નંબર બે ગણાતા માઇક મૉરેલે મને મળવા માટેનો સમય માગ્યો.
લિયોને કહ્યું, “મિસ્ટર પ્રેસિડેન્ટ, ઓસામા બિન લાદેન વિશે અમને હજુ માત્ર પ્રાથમિક સંકેત મળ્યા છે.”
“આપણા જાસૂસોએ અબુ અહમદ અલ કુવૈતી નામની એક વ્યક્તિને શોધી કાઢી છે, જે અલ-કાયદા માટે સંદેશવાહકનું કામ કરે છે અને ઓસામા બિન લાદેન સાથે તેમના નજીકના સંબંધ છે.”
“આપણા જાસૂસોએ તેમના ફોન અને રોજિંદી પ્રવૃત્તિઓ પર નજર રાખી છે અને તેઓ આપણને પાકિસ્તાનમાં ઇસ્લામાબાદથી 35 કિલોમીટર દૂર આવેલા એબટાબાદ શહેરના બહારના વિસ્તારના એક મોટા પરિસર સુધી લઈ ગયા છે.”
“માઇકે જણાવ્યું કે આ પરિસરનું ક્ષેત્ર અને આકાર દર્શાવે છે કે ત્યાં અલ-કાયદા સાથે સંકળાયેલી કોઈ મોટી વ્યક્તિ રહે છે.”
પરિસરમાં આંટા મારતા ‘ધ પેસર’
ઇમેજ સ્રોત, NurPhoto
બે મહિના પછી, 14 ડિસેમ્બર 2009એ લિયોન અને માઇકની જોડી ફરી એક વાર બરાક ઓબામાને મળવા ગઈ.
આ વખતે તેમની સાથે સીઆઇએના એક અધિકારી અને એક વિશ્લેષક પણ હતા. આ અધિકારી સીઆઇએના કાઉન્ટર ટેર્રિઝમ સેન્ટર અને અમેરિકાના બિન લાદેન અભિયાનના પ્રમુખ હતા.
આ બે લોકોએ ઓબામાને એ બધાં તથ્યોની માહિતી આપી જેના દ્વારા તેઓ એબટાબાદના એ પરિસર સુધી પહોંચ્યા હતા.
સીઆઇએના પૂર્વ ડાયરેક્ટર લિયોન પનેટાએ તેમની આત્મકથા ‘વર્દી ફાઇટ્સ’માં આનું વર્ણન કરતાં લખ્યું છે, “આ પરિસર, આજુબાજુના પ્લૉટ્સમાં સૌથી મોટું હતું. બાજુના પ્લૉટથી લગભગ આઠ ગણું મોટું.”
“તેના માલિક ઇબ્રાહિમ અને તેમના ભાઈ હતા. તેમની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે તેઓ એક કરોડ રૂપિયાની કિંમતની આ પ્રૉપર્ટીના માલિક બની શકે.”
“આશ્ચર્યજનક વાત એ હતી કે માલિક હોવા છતાં પણ ઇબ્રાહિમ ઇમારતના મુખ્ય ભાગમાં ન રહેતાં પરિસરમાં જ ગેસ્ટ હાઉસમાં રહેતા હતા.”
ઇમેજ સ્રોત, Getty Images
“આ મકાનમાં ત્રણ માળ હતા. ઉપરના માળે એક બાલ્કની હતી, પરંતુ એ બાલ્કનીને એક દીવાલથી ઢાંકી દેવામાં આવી હતી.”
“બાલ્કનીની સામે દીવાલ કોણ બનાવે? એ ઘરમાં ન તો ઇન્ટરનેટ કનેક્શન હતું અને ન તો લૅન્ડલાઇન ફોન.”
“અમારી દેખરેખમાં જોવા મળ્યું છે કે એક વ્યક્તિ, ક્યારેક ક્યારેક, ઘરમાંથી બહાર નીકળીને પરિસરની અંદર જ ખૂબ ઝડપથી આંટા મારતો હતો.”
“અમે તેનું નામ ‘ધ પેસર’ પાડ્યું હતું. એ ઘરની બહાર કચરો લઈ જનાર લોકો આવતા હતા, પરંતુ ઘરના લોકો પોતાનો કચરો કચરાવાળાને નહોતા આપતા અને પરિસરની અંદર જ સળગાવી દેતા હતા.”
સીઆઇએના જાસૂસોનું માનવું હતું કે ‘ધ પેસર’ ઓબામા બિન લાદેન હોઈ શકે છે.
હવાઈ હુમલાથી પરિસરને નષ્ટ કરવાનો વિકલ્પ
ઇમેજ સ્રોત, Getty Images
ઓબામાનો મત હતો કે પાકિસ્તાની સરકાર અમેરિકા સાથે સહયોગ કરતી હતી અને અફઘાનિસ્તાનમાં તેના અભિયાનમાં મદદ કરતી હતી, પરંતુ એ વાત કોઈનાથી અજાણી નહોતી કે પાકિસ્તાનની સેના અને જાસૂસી એજન્સીમાંનાં કેટલાંક તત્ત્વો તાલિબાન અને કદાચ અલ-કાયદા સાથે પણ સહાનુભૂતિ ધરાવતાં હતાં.
ઓબામાના મતે, એબટાબાદ પરિસર પાકિસ્તાની મિલિટરી અકાદમીની આટલું નજીક હોવાના કારણે, એ વાતની ખૂબ જ શક્યતા હતી કે જો પાકિસ્તાનીઓને આ અંગે કંઈ પણ કહેવામાં આવ્યું, તો એ માહિતી તરત જ એ વ્યક્તિ સુધી પહોંચી જશે જેને તેઓ ટાર્ગેટ કરવા માગતા હતા.
ઓબામા લખે છે, “અમારી પાસે બે વિકલ્પ હતા. પહેલો વિકલ્પ એ કે, પરિસરને હવાઈ હુમલા દ્વારા નષ્ટ કરી દેવામાં આવે. તેનો પહેલો ફાયદો એ હતો કે એમાં પાકિસ્તાનની ધરતી પર કોઈ અમેરિકનના મૃત્યુનું બિલકુલ જોખમ નહોતું. સાર્વજનિક રીતે અમે તેનું ખંડન કરી શકતા હતા કે આ હુમલામાં અમારો કોઈ હાથ છે.”
“પરંતુ તેનું નુકસાન એ હતું કે જો પરિસરને નષ્ટ કરવામાં અમે સફળ થઈ પણ જઈએ, તો એની ખાતરી કઈ રીતે થશે કે તેમાં લાદેન હાજર હતા? અને જો અલ-કાયદાએ તેનું ખંડન કરી નાખ્યું, તો અમે કઈ રીતે સાબિત કરી શકીશું કે લાદેનને મારી નંખાયા છે?”
“બીજું, એવા જોખમનો પણ ઇનકાર નહોતો કરી શકાતો કે પરિસર સિવાય તેની આસપાસ રહેતા લોકો પણ મૃત્યુ પામે.”
“મેં જૉઇન્ટ ચીફ ઑફ સ્ટાફના વાઇસ ચેરમૅન હૉસ કાર્ટરાઇટને સ્પષ્ટ કહી દીધું હતું કે, જ્યાં સુધી એ વાતની સો ટકા ખાતરી ન હોય કે ઓસામા એ પરિસરની અંદર રહે છે, ત્યાં સુધી હું આ અભિયાનની મંજૂરી ન આપી શકું, જેમાં 30-40 લોકોનાં મૃત્યુની સંભાવના હોય.”
અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાનમાં પ્રવેશવાની યોજના
ઇમેજ સ્રોત, The White House/Getty images
ઓબામા આગળ લખે છે, “અમારી પાસે બીજો વિકલ્પ હતો કે હું સ્પેશિયલ-ઑપ્સ મિશનની મંજૂરી આપું, જેમાં પસંદ કરાયેલા સૈનિકો હેલિકૉપ્ટર દ્વારા પાકિસ્તાનમાં પ્રવેશીને પરિસર પર એટલી ઝડપથી હુમલો કરે કે પાકિસ્તાની પોલીસ કે સેનાને વળતો જવાબ આપવાની તક જ ન મળી શકે.”
“તેથી મેં વાઇસ એડમિરલ વિલિયમ મૅકરેવનને બોલાવ્યા, જેથી તેઓ અમને જણાવી શકે કે આ હુમલો કઈ રીતે કરાશે.”
ઉપરથી લેવામાં આવેલી ઇમેજિસના આધારે સીઆઇએએ એબટાબાદ પરિસરની થ્રી ડાયમેન્શનલ પ્રતિકૃતિ બનાવી અને વાઇસ એડમિરલ મૅકરેવને રાષ્ટ્રપતિ ઓબામાને આ હુમલા વિશે સંક્ષિપ્તમાં માહિતી આપી.
નક્કી થયું કે સીલ્સના પસંદ કરાયેલા સૈનિકો અફઘાનિસ્તાનમાં જલાલાબાદથી એક કે બે હેલિકૉપ્ટર્સમાં રાતના અંધકારમાં ઊડીને પાકિસ્તાનમાં લક્ષ્યવાળા પરિસરમાં લૅન્ડ કરશે.
29 માર્ચે બોલાવવામાં આવેલી બેઠકમાં ઓબામાએ મૅકરેવેનને સવાલ પૂછ્યો કે જો આપણાં હેલિકૉપ્ટર્સને ઘૂસતાં કે પાછા વળતા સમયે પાકિસ્તાનનાં યુદ્ધવિમાનો ઇન્ટરસેપ્ટ કરે, તો આપણે કયું વલણ અપનાવીશું?
જો બિન લાદેન પરિસરમાં કોઈ સલામત રૂમમાં છુપાયેલા હોય અને તેમને શોધવામાં નક્કી કરાયેલા સમય કરતાં આપણી ટીમને વધારે સમય લાગી જાય, તો આપણે શું કરીશું?
અને જો હુમલા દરમિયાન પાકિસ્તાની દળોએ પરિસરને ચારેબાજુથી ઘેરી લીધું, તો આપણે કઈ રીતે તેનો સામનો કરીશું?
ઓબામા લખે છે, “એડમિરલ મૅકરેવને એ વાત પર ભાર મૂક્યો કે તેમની યોજના એ આધારે બનાવવામાં આવી છે કે તેઓ પાકિસ્તાની સૈન્યદળો સાથે સંઘર્ષથી બચશે અને જો પાકિસ્તાનીઓએ આપણને ઘેરી પણ લીધા, તો આપણા સીલ્સ પરિસરનો કબજો નહીં છોડે.”
“એ દરમિયાન આપણા રાજદ્વારીઓ તેમને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવા માટે પાકિસ્તાની સરકાર સાથે વાતચીત શરૂ કરી દેશે.”
આ દરમિયાન હૉર્સ કાર્ટરાઇટરે એક બીજો વિકલ્પ સૂચવ્યો… જ્યારે ‘ધ પેસર’ પોતાની ડેઇલી વૉક પર નીકળ્યા હોય, એ જ સમયે ડ્રોન દ્વારા 13 પાઉન્ડની મિસાઇલ પરિસર પર છોડી હોય તો!
ઓબામાએ કોઈ પણ વિકલ્પ માટે અંતિમ હા ન કહી, પરંતુ એવું જરૂર કહ્યું કે યોજના બનાવવા માટે એમ માનીને ચાલો કે મારા તરફથી ‘હા’ છે.
ઓબામાના સલાહકારોમાં મતભેદ
ઇમેજ સ્રોત, Getty Images
ઓબામાના નિકટતમ લોકોમાંથી લિયોન પનેટા, જૉન બ્રેનેન અને માઇક મુલેને આ રેડનું સમર્થન કર્યું.
હિલેરી ક્લિન્ટનને ચિંતા હતી કે તેનાથી અમેરિકા અને પાકિસ્તાનના સંબંધ બગડી જશે. તેમને પાકિસ્તાની સેના સાથે અમેરિકન સીલ્સનો આમનોસામનો થઈ જવાની વાતનો પણ ડર હતો.
સુરક્ષા મંત્રી રૉબર્ટ ગેટ્સે રેડનો વિરોધ કર્યો.
તેમની દલીલ હતી કે એપ્રિલ 1980માં ઈરાનમાં 53 અમેરિકન બંધકોને છોડાવવાનો આ જ રીતનો પ્રયાસ નિષ્ફળ થયો હતો અને અમેરિકાની ઘણી આકરી ટીકા થઈ હતી.
આ અભિયાનમાં અમેરિકાનું એક હેલિકૉપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું અને તેના આઠ સૈનિક મૃત્યુ પામ્યા હતા અને કદાચ તેના કારણે જ ત્યાર પછી જીમી કાર્ટર રાષ્ટ્રપતિપદની ચૂંટણી હારી ગયા હતા.
ઉપરાષ્ટ્રપતિ જો બાઇડેન પણ આ હુમલાના વિરોધી હતા. તેમની દલીલ હતી કે તે નિષ્ફળ થવાનાં પરિણામ ખૂબ ઘાતક હશે.
તેમનું માનવું હતું કે આ રેડને ત્યાં સુધી સ્થગિત રાખવામાં આવે, જ્યાં સુધી જાસૂસી સૂત્રને ઓસામા બિન લાદેન ત્યાં રહેતા હોવાની પાકી ખાતરી ન થઈ જાય.
હુમલા માટે ઓબામાનો આદેશ
ઇમેજ સ્રોત, Getty Images
28 એપ્રિલની રાત્રે ડાઇનિંગ ટેબલ પર ઓબામાનાં પત્ની મિશેલ અને પુત્રીઓએ તેમની તેમનાં જૂનાં ચપ્પલ વિશે મજાક કરી જેને તેઓ હંમેશાં ઘરમાં પહેરતા હતા. તેમણે એ વાતની પણ મજાક ઉડાવી કે બરાકને ગળ્યું બિલકુલ ગમતું નથી.
પોતાની પુત્રીઓને સુવડાવી દીધા પછી બરાક ઓબામા ટ્રીટી રૂમમાં આરામ કરવા જતા રહ્યા અને ટેલિવિઝન પર બાસ્કેટબૉલની મૅચ જોવા લાગ્યા.
બીજા દિવસે ઓબામાને અલાબામામાં ટુસાલૂસામાં તોફાનથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા જવાનું હતું અને સાંજે તેમણે મિયામીમાં ભાષણ કરવાનું હતું.
વચ્ચેના સમયમાં તેમણે મિશેલ અને પુત્રીઓને સ્પેસ શટલ ‘એન્ડેવર’નું લૉન્ચ જોવા લઈ જવાનાં હતાં.
જતાં પહેલાં ઓબામાએ ટૉમ ડૉનિલન, ડેનિસ મેકડૉનો, બિલ ડેલી અને જૉન બ્રેનરને ઈ-મેઇલ મોકલ્યો કે તેઓ તેમને રાજદ્વારી સ્વાગત ખંડમાં મળે.
ઓબામા લખે છે, “મારો પરિવાર સાઉથ લૉન તરફ જઈ રહ્યો હતો, જ્યાં ‘મરીન વન’ હેલિકૉપ્ટર ઊડવા માટે તૈયારી કરતું હતું.”
“હેલિકૉપ્ટરના એન્જિન, સાશા અને માલિયાની મજાકોના અવાજ વચ્ચે મેં એબટાબાદ મિશન માટે મારી મંજૂરી આપી.”
“મેં એ સ્પષ્ટ કરી દીધું કે આ અભિયાનનું નેતૃત્વ એડમિરલ મૅકરેવન કરશે અને તેઓ જ નક્કી કરશે કે હુમલો ક્યારે કરાશે.”
અભિયાનનું સૅટેલાઇટ મૉનિટરિંગ
ઇમેજ સ્રોત, Getty Images
2 મે 2011ની સવારે વ્હાઇટ હાઉસના ઑપરેટર જગાડે તે પહેલાં જ ઓબામાની આંખ ખૂલી ગઈ. તેમણે નક્કી કર્યું કે તેઓ માર્વિન નિકલસનની સાથે થોડી વાર ગોલ્ફ રમશે, જેવું તેઓ ઘણી વાર રવિવારે કરતા હતા.
ઓબામા લખે છે, “વ્હાઇટ હાઉસમાં પાછા ફર્યા પછી હું ઓવલ ઑફિસમાં કેટલાક કાગળ જોઈ રહ્યો હતો, પરંતુ મારું ધ્યાન કેન્દ્રિત નહોતું થઈ શકતું.”
“થોડી વાર પછી મેં મારા સહયોગીઓ રેગી લવ, માર્વિન નિકલસન અને પીટ રાઉજને ઓવલના ડાઇનિંગ રૂમમાં બોલાવી લીધા અને અમે લોકો ‘સ્પેડ્સ’ રમવા લાગ્યા.”
“ઈસ્ટર્ન સ્ટાન્ડર્ડ ટાઇમ પ્રમાણે બરાબર 2:00 વાગ્યે બે બ્લૅક હૉક હેલિકૉપ્ટર્સે જલાલાબાદ ઍરબેઝ પરથી એબટાબાદ પરિસર જવા માટે ઉડ્ડયન કર્યું. તેમાં સીલ દળના 23 સભ્યો બેઠા હતા.”
“એમની સાથે એક પાકિસ્તાની અનુવાદક અને સૈનિક ડૉગ કાએરો પણ હતો.”
ઇમેજ સ્રોત, Getty Images
ઓવલ ઓફિસમાંથી ઊભા થઈને ઓબામા સિચ્યુએશન રૂમમાં ગયા, ત્યાં લિયોન પનેટા સીઆઇએના મુખ્યમથક લૅંગલી સાથે વીડિયો કૉન્ફરન્સ લાઇનથી જોડાયેલા હતા.
એડમિરલ મૅકરેવન જલાલાબાદમાં હતા અને સીલ્સ સાથે સતત સંપર્કમાં હતા. કૉન્ફરન્સ ટેબલ પર ટૉમ, હિલેરી, જો બાઇડેન, ડેનિસ મેક્ડાનો, ગેટ્સ, મલેન અને ઍન્ટની બ્લિંકેન બેઠા હતા.
ઓબામાને સંક્ષિપ્તમાં માહિતી આપવામાં આવી કે અભિયાનની સફળતા કે નિષ્ફળતા પછી પાકિસ્તાન અને બીજા દેશોને કઈ રીતે જાણ કરવામાં આવશે.
ઓબામા થોડીક વાર માટે ઉપર જતા રહ્યા, પરંતુ ત્યારે જ પનેટાએ જાહેરાત કરી કે બ્લૅક હૉક્સ થોડીક જ વારમાં એબટાબાદના પરિસરમાં ઊતરશે.
ઓબામાએ લાઇવ ફીડ જોઈ
ઇમેજ સ્રોત, Getty Images
ઓબામા લખે છે, “હેલિકૉપ્ટર જેવાં લક્ષ્ય પર ઊતરવા લાગ્યાં, હું મારી ખુરશીમાંથી ઊભો થઈ ગયો. મેં કહ્યું કે હું આ જોવા માગું છું. હું બાજુના રૂમમાં ગયો, જ્યાં આ અભિયાનની લાઇવ ફીડ આવતી હતી.”
“ત્યાં વાદળી વર્દીમાં ઍરફોર્સના બ્રિગેડિયર જનરલ બ્રૅડ વેબ એક ટેબલ પર રાખેલા કમ્પ્યૂટરની સામે બેઠા હતા.”
“તેમણે મને તેમની ખુરશી આપવાની ઇચ્છા દર્શાવી, પરંતુ મેં તેમનો ખભો દબાવીને તેમને બેસી રહેવા કહ્યું.”
“વેબે તરત મૅકરેવનને જાણ કરી કે હું કૉન્ફરન્સ રૂમમાંથી તેમના રૂમમાં આવી ગયો છું અને લાઇવ ફીડ જોઈ રહ્યો છું.”
“થોડીક વારમાં મારા સાથી પણ તે નાનકડા રૂમમાં એકઠા થઈ ગયા.”
‘જેરોનિમો – એનિમી કિલ્ડ ઇન ઍક્શન’
ઇમેજ સ્રોત, Publication house
હજુ તો ઓબામા ત્યાં બેઠા તેને એક જ મિનિટ થઈ હતી કે ઊતરી રહેલું એક બ્લૅક હૉક હેલિકૉપ્ટર થોડુંક હલબલ્યું; અને તેઓ કંઈક સમજી શકે તે પહેલાં મૅકરેવને તેમને જણાવ્યું કે હેલિકૉપ્ટરની એક પાંખ પરિસરની દીવાલ સાથે અથડાઈ ગઈ છે.
ઓબામા લખે છે, “એક ક્ષણ માટે તો હું ખૂબ ડરી ગયો અને મારું માથું ચકરાવા લાગ્યું કે કંઈક ખરાબ થવાનું છે. એ જ સમયે મારા કાનમાં મૅકરેવનનો અવાજ ગુંજ્યો, ‘બધું બરાબર થશે.'”
“તેમના અવાજ પરથી લાગતું હતું કે જાણે તેઓ કહી રહ્યા હોય કે શૉપિંગ મૉલમાં શૉપિંગ ટ્રૉલી સાથે એક કારની સામાન્ય ટક્કર થઈ હોય.”
“તેમણે કહ્યું, આ આપણા સર્વશ્રેષ્ઠ પાઇલટ છે. તેઓ હેલિકૉપ્ટરને સુરક્ષિત નીચે લઈ જશે. અને એવું જ થયું.”
“20 મિનિટ સુધી મૅકરેવનને પણ બરાબર દેખાતું નહોતું કે ત્યાં શું થઈ રહ્યું છે. એવામાં અચાનક મૅકરેવન અને પનેટા બંને એકસાથે એ શબ્દ બોલ્યા જેની અમે આતુરતાથી રાહ જોતા હતા – ‘જેરોનિમો ઈકેઆઇએ’ (એનિમી કિલ્ડ ઇન ઍક્શન).”
“રૂમમાં હાજર બધા લોકોના ગળામાંથી એક આહભર્યો અવાજ નીકળ્યો. મારી આંખો વીડિયો ફીડ પર જ મંડાયેલી હતી. મેં ધીમા અવાજે કહ્યું, ‘વી ગૉટ હિમ’.”
સૈનિકને સુવડાવીને લાદેનની હાઇટ માપી
ઇમેજ સ્રોત, Getty Images
ત્યાર પછીની 20 મિનિટ સુધી કોઈ પોતાની જગ્યાએથી હલ્યું પણ નહીં.
હેલિકૉપ્ટર્સે પાછા આવવા માટે જેવું ઉડ્ડયન કર્યું, જો બાઇડેને ઓબામાનો ખભો દબાવીને કહ્યું, “કૉન્ગ્રેચ્યુલેશન્સ બૉસ.”
ઓબામાએ ઊભા થઈને ત્યાં હાજર લોકો સાથે હાથ મિલાવ્યા. પરંતુ જ્યાં સુધી હેલિકૉપ્ટર પાકિસ્તાનની સીમામાં રહ્યાં ત્યાં સુધી બધા લોકો ચૂપ જ રહ્યા.
છ વાગ્યે, જ્યારે હેલિકૉપ્ટર્સ જલાલાબાદમાં લૅન્ડ થયાં, ત્યારે ઓબામાને શાંતિ થઈ.
મૅકરેવને વીડિયો કૉન્ફરન્સમાં તેમને કહ્યું, “હું જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું, લાદેનનો મૃતદેહ મારી સામે પડ્યો છે. મેં મારી ટીમના એક સભ્ય, જેની હાઇટ 6 ફૂટ 2 ઇંચ છે, લાદેનના મૃતદેહની બાજુમાં સુવડાવીને જોયું છે; મૃત વ્યક્તિનું કદ 6 ફૂટ 4 ઇંચ છે.”
ઓબામાએ બિલ મૅકરેવનને મજાકમાં કહ્યું, “તમે પણ બિલ. આટલા મોટા અભિયાન પર ગયા અને પોતાની સાથે મેઝર ટેપ લઈ જવાનુંયે ભૂલી ગયા!”
લાદેનને સમુદ્રમાં દફનાવાયા
ઓસામા બિન લાદેનને પહેલાંથી નક્કી યોજના પ્રમાણે સમુદ્રમાં દફનાવાયા. તેમના મૃતદેહને અમેરિકન યુદ્ધજહાજ કાર્લ વિન્સન પર લઈ જવાયો. તેને સફેદ કપડામાં લપેટવામાં આવ્યો અને પછી ભારે કાળા થેલામાં નાખી દેવાયો.
સીઆઇએના પૂર્વ ડારેક્ટર લિયોન પનેટાએ તેનું વર્ણન કરતાં તેમની આત્મકથા ‘વર્દી ફાઇટ્સ’માં લખ્યું છે, “લાદેનના મૃતદેહના થેલામાં 150 કિલોની લોખંડની સાંકળ રાખવામાં આવી, જેથી મૃતદેહ સમુદ્રમાં ડૂબી જાય તેની ખાતરી કરી શકાય.”
“ત્યાર પછી એ થેલાને યુદ્ધજહાજની રેલિંગને અડીને પડેલા ટેબલ પર રાખવામાં આવ્યો.”
“લાદેનના મૃતદેહનો થેલો એટલો ભારે હતો કે જ્યારે તેને સમુદ્રમાં ફેંકવામાં આવ્યો ત્યારે તે પોતાની સાથે ટેબલ પણ લેતો ગયો.”
“થોડી વારમાં લાદેનનો મૃતદેહ સમુદ્રના ઊંડાણમાં જતો રહ્યો, પણ એ સફેદ ટેબલ ડૂબ્યું નહીં અને સમુદ્રની લહેરો પર તરતું જોવા મળ્યું.”
સૈનિકોએ ઓબામાને ભેટ આપી
બીજા દિવસે ઓબામા કૅન્ટકીમાં ફોર્ટ કૅમ્પબેલ ગયા, જ્યાં મૅકરેવને તેમની અને બાઇડેનની મુલાકાત સીલની એ ટીમ સાથે કરાવી જેમણે આ અભિયાનમાં ભાગ લીધો હતો.
ઓબામાએ એ બધાની સાથે હાથ મિલાવ્યો. તેમણે ઓબામાને એક ભેટ આપી.
તેમણે એ અમેરિકન ઝંડા પર પોતાના હસ્તાક્ષર કર્યા જેને તેઓ પોતાની સાથે એબટાબાદ લઈ ગયા હતા અને તેને ફ્રેમ કરાવીને રાષ્ટ્રપતિ ઓબામાને ભેટ આપ્યો.
આ મુલાકાત દરમિયાન કોઈએ પણ એ ન જણાવ્યું કે લાદેનને કોણે ગોળી મારી હતી અને ઓબામાએ પણ તેમને એ ન પૂછ્યું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



