Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Graeme Sloan/Bloomberg via Getty
અપડેટેડ 43 મિનિટ પહેલા
વાંચવાનો સમય: 4 મિનિટ
ન્યૂ યૉર્ક ટાઇમ્સ, રૉયટર્સ અને ઇઝરાયલની ચૅનલ 12ના રિપોર્ટ અનુસાર, અમેરિકાએ પાકિસ્તાન મારફતે ઈરાનને 15 સૂત્રીય પ્લાન સોંપ્યો છે.
આ રિપોર્ટ્સમાં અજ્ઞાત સૂત્રોના હવાલેથી આમ કહેવાયું છે. બીબીસીએ આ દસ્તાવેજ જોયો નથી. આ સમાચારની પુષ્ટિ કરવાની બીબીસી કોશિશ કરી રહ્યું છે.
પાકિસ્તાને આ પહેલા યુદ્ધમાં સામેલ દેશો વચ્ચે શાંતિ માટે વાતચીતની મધ્યસ્થતા પેશ કરી હતી.
ચૅનલ 12 પ્રમાણે, અમેરિકાએ ઈરાન સામે જે માંગ રાખી છે, તેમાં હોર્મુઝ સામુદ્રધુનીને ખુલ્લી રાખવાની તથા તેને એક મુક્ત સમુદ્ર ક્ષેત્ર ઘોષિત કરવાની વાત પણ સામેલ છે.
ઇઝરાયલે ઈરાન પર નવા હુમલા શરૂ કર્યા
ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે તેણે ઈરાનની રાજધાની તહેરાનમાં ‘નવા હુમલા’ શરૂ કરી દીધા છે.
ઇઝરાયલની સેનાના જણાવ્યા પ્રમાણે, આ હુમલામાં તહેરાનમાં ‘ઈરાની આતંકવાદી શાસન’ સાથે જોડાયેલી માળખાગત સુવિધાને નિશાન બનાવવામાં આવી રહી છે.
બીબીસીએ તહેરાનની અંદર રહેલાં સૂત્રોએ જણાવ્યું છે કે તહેરાનના પૂર્વ, ઉત્તર અને મધ્ય ભાગોમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો છે.
આ બધા વચ્ચે તહેરાનથી કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં ઇમારતોમાંથી ધુમાડો નીકળતો જોઈ શકાય છે.
ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત થવા અંગે આ માહિતી આપી
ઇમેજ સ્રોત, Graeme Sloan/Bloomberg via Getty
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેમની સરકાર ઈરાનમાં ‘યોગ્ય લોકો’ સાથે વાટાઘાટો કરી રહી છે અને ‘તેઓ સમાધાન કરવા માટે આતુર છે.’
ટ્રમ્પના કહેવા પ્રમાણે, અમેરિકાના રાષ્ટ્રપતિ જેડી વેન્સ તથા વિદેશ મંત્રી માર્કો રૂબિયો વાટાઘાટો કરી રહ્યા છે.
વ્હાઇટ હાઉસમાં યોજાયેલી પત્રકારપરિષદ દરમિયાન જણાવ્યું હતું કે ઈરાન તેનો પરમાણુ હથિયાર નહીં બનાવવા માટે સહમત થઈ ગયું છે. તેઓ અગાઉ પણ આવો દાવો કરી ચૂક્યા છે.
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ઈરાન સાથેનો શાંતિકરાર સફળ રહે, તેના માટે તેઓ કેટલા આશાસ્પદ છે? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, “અમે આ યુદ્ધ જીતી લીધું છે.”
બીબીસીના વ્હાઇટ હાઉસ સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે, પ્રેસ કૉન્ફરન્સમાં યુદ્ધ ખરેખર કેવી રીતે સમાપ્ત થશે, તેના વિશે બહુ થોડો ઉલ્લેખ કર્યો હતો.
બીજી બાજુ, ચીનના વિદેશ મંત્રી વાંગ યી તથા ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી વચ્ચે વાટાઘાટો થઈ હતી.
ચીનના સરકારી મીડિયાના જણાવ્યા પ્રમાણે, અરાગચીએ વાંગ યીને કહ્યું, “ઈરાન માત્ર હંગામી યુદ્ધવિરામ નથી ઇચ્છતું, પરંતુ સંપૂર્ણપણે યુદ્ધને પૂરું કરવા માંગે છે.”
અરાગચીએ એમ પણ જણાવ્યું હતું, “હોર્મુઝની સામુદ્રધુની બધાને માટે ખુલ્લી છે અને જહાજ સલામત રીતે નીકળી શકે છે, પરંતુ જે દેશો યુદ્ધમાં સામેલ છે, તેમના જહાજ પસાર નહીં થઈ શકે.”
વાંગ યીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે “યુદ્ધ કરતાં વાટાઘાટોનો રસ્તો જ સારો” છે. ચીને તમામ પક્ષકારોને શાંતિ બહાલ કરવા અપીલ કરી હતી.
આ પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ઈરાન તથા અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરવાની તૈયારી દાખવી હતી.
રાજકોટ પેટ્રોલ-ડીઝલની તંગી વિશે અફવા ફેલાવવાના આરોપસર એફઆઇઆર
ઇમેજ સ્રોત, Bipini Tankaria/BBC
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની ચર્ચા સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચૅનલોમાં થઈ હતી, જેના પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટથી બીબીસી ગુજરાતીના સહયોગી બિપીન ટંકારિયા જણાવે છે, “સમગ્ર મામલે ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનના (આઇઓસીએલ) રિજનલ સૅલ્સ હેડ અમિત જયસ્વાલ દ્વારા રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડિલર ઍસોસિયેશનના વડા ગોપાલ ચુડાસમા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવી છે.”
“ગોપાલ ચુડાસમા વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ-1955 તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધાઈ છે. જેના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.”
“આ અંગે અમિત જયસ્વાલનો સંપર્ક કરવામાં આવતા, તેમણે જણાવ્યું હતું કે આ અંગે વાતચીત કરવા માટે તેઓ અધિકૃત નથી.”
એફઆઇઆરમાં જણાવ્યા પ્રમાણે, આઇઓસીએલ પાસે પૂરતા પ્રમાણમાં જથ્થો હોવાની માહિતી આપવા છતાં સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચૅનલોને પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી ગયો હોવાની માહિતી આપવામાં આવી હતી, જેના કારણે લોકોએ પેટ્રોલપમ્પો પર લાઇનો લગાવી હતી.
બીબીસી દ્વારા ગોપાલ ચુડાસમાનો સંપર્ક સાધવાનો પ્રયાસ થયો હતો, પરંતુ તેઓ ઉપલબ્ધ બન્યા ન હતા.
આઇપીએલ ફ્રૅન્ચાઇઝી આરસીબી વેચાઈ
ઇમેજ સ્રોત, Getty Images
આદિત્ય બિરલા બિરલા ગ્રૂપનાં નેતૃત્વવાળા સમૂહે આઇપીએલની (ઇન્ડિયન પ્રિમિયર લીગ) ફ્રૅન્ચાઇઝી આરસીબી (રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ) ખરીદી લીધી છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, “એક અબજ 78 કરોડ ડૉલરમાં (લગભગ રૂ. 16 હજાર 706 કરોડ) આ સોદો થયો છે. એબીજીના નેતૃત્વવાળા સમૂહમાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયા જૂથ, અમેરિકાની રોકાણકાર કંપની બ્લૅકસ્ટૉન તથા અમેરિકન રોકાણકાર ડેવિડ બ્લિત્ઝરની કંપની પણ ભાગીદાર છે.”
યુનાઇટેડ સ્પિરીટ્સે વિજ્ઞપ્તિ બહાર પાડીને જણાવ્યું હતું કે કંપનીના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સે પેટા કંપની રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુની પૂરેપૂરી ઇક્વિટી વેચવાને મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2025માં આરસીબીએ પ્રથમ વખત આઇપીએલ ટ્રૉફી જીતી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



