Home તાજા સમાચાર gujrati અમેરિકા આટલા દિવસમાં ઈરાનમાંથી બહાર નીકળી જશે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યા યુદ્ધ બંધ...

અમેરિકા આટલા દિવસમાં ઈરાનમાંથી બહાર નીકળી જશે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યા યુદ્ધ બંધ કરવાના સંકેત

7
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, ઈરાન

ઇમેજ સ્રોત, EPA/Shutterstock

2 કલાક પહેલા

વાંચવાનો સમય: 3 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે અમેરિકા ‘બે કે ત્રણ અઠવાડિયાં’માં ઈરાનમાંથી બહાર નીકળી જશે.

તેમણે કહ્યું તેમનું ‘એક જ લક્ષ્ય’ હતું – ઈરાન કોઈ પણ સ્થિતિમાં પરમાણુ હથિયાર હાંસલ ન કરી શકે, અને તેમના પ્રમાણે આ લક્ષ્ય ‘હવે હાંસલ કરી લેવાયું છે.’

તેમણે કહ્યું, “અમે ઈરાનમાં અમારા કામને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છીએ,” અને કહ્યું કે અમેરિકા “કદાચ બે અઠવાડિયાંની અંદર, કે કામ પૂરું કરવા માટે તેનાથી થોડું વધુ રોકાઈને” ઈરાનમાંથી નીકળી જશે.

ટ્રમ્પે કહ્યું, “અમે તેમની દરેક વસ્તુને સંપૂર્ણપણે ખતમ કરવા માગીએ છીએ, જોકે, એ પણ શક્ય છે કે એ પહેલાં કોઈ સમાધાન થઈ જાય.”

તેમણે એવું પણ કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલની સંભાવના જળવાયેલી છે, પરંતુ જો ઈરાન વાતચીતના ટેબલ પર આવે તો પણ, “તેનાથી કોઈ ફરક નથી પડતો.”

‘ઈરાનમાં સત્તાપરિવર્તન થઈ ચૂક્યું છે’

ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે ઈરાનમાં ‘સત્તાપરિવર્તન થઈ ચૂક્યું છે.’ તેમના પ્રમાણે, ઈરાનના નવા નેતા પહેલાંના નેતાઓની સરખામણીએ ‘ઘણા ઓછા કટ્ટરપંથી’ અને ‘વધુ તર્કસંગત’ છે.

તેમણે આગળ કહ્યં કે જો ફ્રાન્સ કે કોઈ અન્ય દેશ ક્રૂડઑઇલ ઇચ્છતો હોય, તો એ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈને જઈ શકે છે અને જાતે પોતાનું ક્રૂડઑઇલ લઈને આવી શકે છે. અમેરિકાના તેની સાથે કોઈ લેવાદેવા નથી.

તેમણે ઈરાનમાં ચાલી રહેલાં સૈન્ય ઑપરેશન્સ અંગે કહ્યું કે અમેરિકા ‘સંપૂર્ણપણે કોઈ જાતની રોકટોકર વગર’ કાર્યવાહી કરી રહ્યું છે અને ‘બધું તબાહ કરી દેવાયું છે.’

તેમણે કહ્યું કે ઈરાની શાસન પાસે હવે હવાઈ સુરક્ષા (ઍન્ટિ-ઍરક્રાફ્ટ) પણ નથી બચી.

ટ્રમ્પે દાવો કર્યો, “તેઓ કોઈ મુકાબલો નથી કરી રહ્યા. તેઓ અમારા પર ફાયરિંગ સુધ્ધાં નથી કરી રહ્યા.” અને તેની પાછળનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે “તેમનાં સૈન્ય શસ્ત્રસરંજામ સંપૂર્ણપણે તબાહ થઈ ચૂક્યાં છે” અને હવે તેમની પાસે “છોડવા માટે કંઈ નથી બચ્યું.”

તેમણે ફરી એક વાર કહ્યું કે ઈરાન પાસે હવે ન તો નૌસૈન્ય બચ્યું છે કે ના અસરકાર સૈન્ય તાકત.

ટ્રમ્પે કહ્યું, “તેઓ હારી રહ્યા છે, તેઓ ખુદ માની રહ્યા છે કે હારી રહ્યા છે. તેઓ સમાધાન કરવાની વિનંતી કરી રહ્યા છે.”

પેઝેશ્કિયાને લડાઈ રોકવા માટે શરતો મૂકી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, ઈરાન

ઇમેજ સ્રોત, Fatemeh Bahrami/Anadolu via Getty Images

આ પહેલાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું કે અમેરકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે ઈરાન પાસે “જરૂરી ઇચ્છાશક્તિ” છે, શરત એ છે કે કેટલીક શરતો પૂરી કરવામાં આવે.

ઈરાનની સરકારી સમાચાર એજન્સી આઇઆરએનએ પ્રમાણે પેઝેશ્કિયાને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા સાથે થયેલા એક ફોન કૉલમાં આ વાત જણાવી.

પેઝેશ્કિયાન પ્રમાણે ઈરાનને એ વાતની અનિવાર્ય ગૅરંટી મળવી જોઈએ કે ભવિષ્યમાં તેની પર કોઈ પણ પ્રકારની આક્રમક કાર્યવાહી ન થાય.

તેમણે કહ્યું, “અમે ક્યારેય તણાવ કે યુદ્ધનો પ્રયાસ ન કર્યો,” અને સાથે જ કહ્યું કે “સ્થિતિને સામાન્ય બનાવવાનું સમાધાન એ જ છે કે અમારી વિરુદ્ધ થઈ રહેલા આક્રમક હુમલા રોકવામાં આવે.”

અમેરિકન કંપનીઓને નિશાન બનાવવાની ધમકી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, ઈરાન

ઇમેજ સ્રોત, EPA/Shutterstock

તેમજ ઈરાનના ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (આઇઆરજીસી)એ મધ્ય પૂર્વમાં કામ કરી રહેલી 18 કંપનીઓને ચેતવણી આપી છે કે તેઓ ટૂંક સમયમાં પોતાની ઑફિસો ખાલી કરી દે, નહીંતર તેઓ તેમને નિશાન બનાવશે.

આઇઆરજીસી પ્રમાણે તેમની આ ચેતવણી તહેરાનના સ્થાનિક સમયાનુસાર બુધવારે રાત્રે આઠ વાગ્યાથી લાગુ થઈ ચૂકી છે. આ જાણકારી ઘણા આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટોમાં પણ સામે આવી છે.

રિવૉલ્યૂશનરી ગાર્ડ પ્રમાણે અમેરિકન ટૅક કંપનીઓ અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં તેમની મદદ કરી રહી છે અને તેમના ટાર્ગેટ્સને ટ્રૅક કરી રહી છે.

યાદીમાં વિશ્વની સૌથી મોટી અને ધનિક કંપનીઓ સામેલ છે, જેમ કે, માઇક્રોસૉફ્ટ, ઍપ્પલ, ગૂગલ, મૅટા, ટેસ્લા અને એનવીડિયા.

આ સિવાય સિસ્કો, ઇન્ટેલ, ઓરેકલ, આઇબીએમ, જનરલ ઇલેક્ટ્રિક જેવી કંપનીઓનાં નામ પણ આ યાદીમાં સામેલ છે.

આઇઆરજીસીએ નિવેદનમાં કહ્યું છે કે, “અમે તેમના કર્મચારીઓને સલાહ આપીએ છીએ કે તેઓ પોતાના જીવની સુરક્ષા માટે તરત ઑફિસ ખાલી કરી દે.”

સાથે જ ચેતવણી અપાઈ છે કે મધ્ય પૂર્વના તમામ દેશોમાં આ ‘આતંકવાદી સંગઠનો’ની આસપાસ રહેનારા લોકો પણ એક કિલોમિટરના વિસ્તારથી બહાર નીકળીને સુરક્ષિત સ્થળે જતા રહે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS