Home તાજા સમાચાર gujrati અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકરોએ ખ્રિસ્તી પ્રાર્થનાસભામાં કરેલી ‘ધમાલ’નો સમગ્ર મામલો શું...

અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકરોએ ખ્રિસ્તી પ્રાર્થનાસભામાં કરેલી ‘ધમાલ’નો સમગ્ર મામલો શું છે?

3
0

Source : BBC NEWS

ઓઢવા અમદાવાદ, ખ્રિસ્તી પ્રાર્થનાસભામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઘૂસ્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Laxmi Patel/UGC

2 કલાક પહેલા

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જય શ્રી રામ અને હરહર મહાદેવના નારા સાથે લાકડીઓ લઈને એક પ્રાર્થનાસભામાં પ્રવેશી ગયા હોવાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ ધર્માંતરણના ભાષણના આક્ષેપ કર્યા હતા.

જોકે આ પ્રાર્થનાસભાનું સંચાલન કરનાર ખ્રિસ્તી ધર્મના અનુયાયીએ ધર્માંતરણના આક્ષેપો ફગાવ્યા છે. તેમને કહેવું છે કે તેઓ ઇસ્ટરની પ્રાર્થના માટે જ ભેગા થયા હતા.

આ ઘટના અંગે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

નોંધનીય છે કે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાએ પણ ઓઢવ પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં આક્ષેપ કર્યા છે કે આ જગ્યા પર ધર્માંતરણની પ્રક્રિયા થાય છે.

જ્યાં આ પ્રાર્થનાસભા આયોજિત કરવામાં આવી હતી તે બિલ્ડિંગની આસપાસ રહેતા લોકોનો આક્ષેપ છે કે આ પ્રાર્થનાસભામાં વધારે અવાજ કરવામાં આવે છે તેમજ માત્ર દિવસ જ નહીં પરંતુ રાત્રે પણ ક્યારેક મોટા મોટા અવાજે સ્પીકર ચાલુ રાખવામાં આવે છે.

ઘટના ક્યાં બની હતી?

અમદાવાદ,ઇસ્ટર, પ્રાર્થના સભા ખ્રિસ્તી, વિશ્વ હિંદુ પરિષદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL

અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા પાસે સંતોષીનગરમાં એક બિલ્ડિંગ આવેલું છે.

આ કર્મશિયલ અને રહેણાક બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો આવેલી છે. અને પ્રથમ માળ પર ઘર છે જ્યાં લોકો રહે છે.

આ બિલ્ડિંગમાં બીજા માળ પર હૉલ આવેલો છે. આ હૉલમાં ખ્રિસ્તી ધર્મના પેન્ટે કોસ્ટલ સંપ્રદાયના અનુયાયીઓ દર રવિવારે સવારે પ્રાર્થના કરવા આવે છે.

આ જગ્યાનું સંચાલન ઇમુભાઈ નામના અનુયાયી કરે છે. આસપાસના લોકોએ ઘટના અંગે વાત કરવાનું ટાળ્યું હતું.

ઇમુભાઈ અનુસાર આ જગ્યા પર છેલ્લાં અઢી વર્ષથી તેઓ પ્રાર્થના કરે છે. આ રવિવારે સવારે તેઓ ઇસ્ટરની પ્રાર્થના માટે ભેગા થયા હતા.

ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ આવીને ધમાલ કરી હતી. સંચાલકનું કહેવું છે કે અગાઉ આ પ્રકારની કોઈ ઘટના બની નથી.

ફરિયાદીએ શું કહ્યું?

વાયરલ વિડીયોમાં લાકડીઓ હાથ લઈને આવેલા કાર્યકર્તાઓ

ઇમેજ સ્રોત, UGC

ખ્રિસ્તી ધર્મના અનુયાયી ઇમુભાઈ વણકરે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ઘટના અંગે ફરિયાદ દાખલ કરી છે. ઇમુભાઈ તેમના પરિવાર સાથે આ બિલ્ડિંગમાં પ્રથમ માળ પર રહે છે.

ઇમુભાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “અમે શાંતિમાં માનનારા લોકો છીએ. અમે દર રવિવારે પ્રાર્થના માટે પ્રાર્થનાસભામાં મળીએ છીએ.”

“આ રવિવારે અમે ઇસ્ટરની પ્રાર્થના કરી રહ્યા હતા. અચાનક જ 15 જેટલા લોકો પોતાના હાથમાં લાકડીઓ લઈને પ્રાર્થનાસભમાં જય શ્રી રામના નારા સાથે ઘૂસી આવ્યા હતા.”

“અમે લોકો કંઈ સમજીએ તે પહેલાં જ તેઓ પ્રાર્થનામાં આવેલા લોકોને ધમકાવા લાગ્યા હતા. 15 જેટલા લોકોનું ટોળું હાથમાં દંડા અને લાકડીઓનાં હથિયાર સાથે પ્રાર્થનાસભામાં ઘૂસી આવ્યા હતા અને 50 જેટલા લોકોનું ટોળું બિલ્ડિંગની નીચે ઊભું હતું.”

“પ્રાર્થનાસભામાં મહિલાઓ, બાળકો સહિત લગભગ 150 જેટલા લોકો હતા.આ પ્રકારે અચાનક ટોળું ઘૂસી આવતાં મહિલાઓ અને બાળકો ડરી ગયાં હતાં.”

ઇમુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, “અમારી સામે ધર્મપરિવર્તન કરાવવાના આક્ષેપ કરવામાં આવે છે તે તદ્દન ખોટા છે અમે સૌ ભેગા થઈને માત્ર પ્રાર્થના જ કરતા હતા. અમે આ પ્રકારની કોઈ જ પ્રવૃત્તિ કરતા નથી.”

આ જ બિલ્ડિંગની એક દુકાનમાં કામ કરતી યુવતીએ નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “ઘટના બની તે સમયે હું પણ પ્રાર્થનાસભામાં હાજર હતી. ટોળામાં આવેલા લોકો જયશ્રી રામના નારા સાથે બૂમો પાડી રહ્યા હતા.”

“તેઓ એ પણ બૂમો પાડી રહ્યા હતા કે કોઈ હિન્દુ ધર્મના લોકો હોય તો ઊભા થઈ જાવ. જોકે કોઈ ઊભું થયું ન હતું.”

ઇમુભાઈ જણાવ્યું કે, “પ્રાર્થનામાં હિન્દુ ધર્મના લોકો પણ હાજર હતા. તેઓ પોતાની આસ્થાથી પ્રાર્થના કરવા માટે આવ્યા હતા. અમે કોઈને બોલાવવા માટે ગયા ન હતા. કોઈ પણ ધર્મના લોકો આવે તો તેને હાથ પકડીને કોઈ કાઢી શકે નહીં.”

વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા શું કહે છે?

અમદાવાદ, ઓઢવ, ખ્રિસ્તી પ્રાર્થનાસભા

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL

વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા દર્શન જોશીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.

દર્શન જોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા પાસે એક બિલ્ડિંગમાં લોકોને ભેગા કરીને હિન્દુત્વ વિરુદ્ધ ભાષણ આપીને ધર્મપરિવર્તન માટે લોકોને સમજાવવામાં આવી રહ્યા હોવાની અમને માહિતી મળી હતી.”

“આ અગાઉ સ્થાનિક લોકો દ્વારા પણ અમને આ અંગે જાણ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોનું કહેવું હતું કે અહીંયા રવિવારે જ નહીં પરંતુ અન્ય દિવસોમાં પણ લોકોને ભેગા કરવામાં આવે છે. તેમને ખાવાનું આપવામાં આવે છે. તેમજ રાશન પણ આપવામાં આવે છે. તેમને ધર્મપરિવર્તન માટે તૈયાર કરવામાં આવે છે.”

જોકે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં ઉલેખ્ખ કર્યો છે કે તેમને સ્થળ પરથી ધર્મપરિવર્તન અંગે કોઈ પુરાવા મળ્યા ન હતા. ભવિષ્યમાં પુરાવા મળશે તો જમા કરાવશે.

દર્શન જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે અમારા કાર્યકર્તાઓ સાથે ત્યાં પહોંચ્યા હતા. અમે કોઈને ધમકાવ્યા નથી. અમે તપાસ કરવા માટે જ ગયા હતા. અમે જ પોલીસને બોલાવી હતી.”

અમદાવાદ પોલીસે શું કહ્યું?

ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી એન ઝિંઝુવાડિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “ઘટના અંગે જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.”

“આ જગ્યાએ ચર્ચ ન હતું પરંતુ પ્રાર્થનાસભા હતી. જ્યાં લોકો ભેગા થઈને પ્રાર્થના કરતા હતા. આ જગ્યાનું સંચાલકે ઘટના અંગે વીએચપીના કાર્યકરો સામે ફરિયાદ દાખલ કરી છે.”

“વિશ્વ હિન્દુ પરિષદના પાંચ કાર્યકર્તાઓ સામે ભારતીય દંડ સંહિતાની 329(2) ગેરકાયદેસર રીતે ઘૂસવું અને 135 દંડા અને લાકડીઓ લઈને જવું અનુસાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે હજુ કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ફરિયાદ અંગે પોલીસ તપાસ કરી રહી છે.”

પી એન ઝિંઝુવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, “વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓનું કહેવું હતું કે ત્યાં ધર્માંતરણના આશંકાએ તેઓ ગયા હતા. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ આ અંગે અરજી આપી છે. જે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.”

પડોશીઓનો શું આક્ષેપ છે?

રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા પાસે રહેતા વિઠ્ઠલભાઈએ મીડિયા સાથે વાત કરતાં આક્ષેપ કર્યા હતા કે, “આ જગ્યા પર માત્ર રવિવારે જ નહીં પરંતુ અન્ય દિવસોએ પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.”

“કાર્યક્રમ દરમિયાન ખૂબ જ જોર જોરથી બૂમો પાડવામાં આવે છે. આસપાસના લોકોએ આ અંગે તેમને રજૂઆત પણ કરી છે. પરંતુ તેઓ માનતા નથી. પ્રાર્થના શાંતિથી કરવાની હોય તે માટે બૂમો પાડવાની હોતી નથી.”

આસપાસના લોકોના આક્ષેપ સામે ઇમુભાઈ કહ્યું હતું કે, “અમે શાંતીથી પ્રાર્થના કરીએ છીએ. પહેલાં અમે સ્પીકર રાખતાં હતાં. પરંતુ અમારા પડોશમાં એક વૃદ્ધને તકલીફ હતી તે અંગેની રજૂઆત કરતાં અમે સ્પીકર પણ બંધ કરી દીધાં છે.”

વાઇરલ વીડિયોમાં શું છે?

વિએચપી કાર્યકર્તાઓનો વાયરલ વિડીયો

ઇમેજ સ્રોત, UGC

ઘટના અંગે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે.

વાઇરલ વીડિયોમાં દેખાય છે કે વિશ્વ હિન્દુ પરિષદ કેટલાક કાર્યકર્તાઓ હાથમાં લાકડીઓ સાથે હૉલમાં પ્રવેશે છે તેઓ હર હર મહાદેવ અને જય જય શ્રી રામના નાર લગાવી રહ્યા છે. તેમજ તેઓ લોકોને કહી રહ્યા છે કે “જેટલા પણ હિન્દુ હોય તે સાઇડમાં જ આવી જાવ.”

એક કાર્યકર્તા કેટલાક લોકો સામે હાથ કરીને બોલી રહ્યો છે કે “સિંદૂર તિલક અને માથે ઓઢવાની પ્રથા હિન્દુમાં જ હોય છે. આ બધા હિન્દુ જ છે.”

વીડિયો નાનાં બાળકો રડતાં જોઈ શકાય છે અને મહિલાઓ એકબીજાને કહી રહી છે કે “ડરવાનું નહીં.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS