Source : BBC NEWS
ઇમેજ સ્રોત, AFP/Getty
અપડેટેડ એક કલાક પહેલા
વાંચવાનો સમય: 2 મિનિટ
અફઘાનિસ્તાને આરોપ લગાવ્યો છે કે સોમવારે પાકિસ્તાને કાબુલ પર હવાઈ હુમલા કર્યા છે જેમાં સેંકડો લોકોનાં મોત થયાં છે.
બીબીસી પશ્તોના રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક નશામુક્તિ હૉસ્પિટલ પર થયેલા હવાઈ હુમલામાં કેટલાક લોકોનાં મોત અને કેટલાક ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે. તાલિબાન સરકારે આ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠરવ્યું છે.
અફઘાન તાલિબાન સરકારના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જણાવ્યું કે સોમવાર સાંજે હૉસ્પિટલ પર હુમલો થયો જેમાં કેટલાક લોકોનાં મોત થયાં અને કેટલાક ઘાયલ થયા છે.
પાકિસ્તાનના સૂચના મંત્રાલયે હૉસ્પિટલને નિશાન બનાવ્યાનો ઇનકાર કર્યો છે. મંત્રાલય અનુસાર હુમલામાં કાબુલ અને પૂર્વ અફઘાનિસ્તાનના પ્રાન્ત નંગરહારમાં સૈન્ય મથકો અને ‘આતંકવાદી ઠેકાણાં’ને નિશાન બનાવાય છે.
અફઘાનિસ્તાન તાલિબાન સરકારના ઉપપ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે ઍક્સ પર માહિતી આપી કે, “પાકિસ્તાન સેનાએ આજે સાંજે (સોમવારે) લગભગ નવ વાગ્યે ઓમિદ નશામુક્તિ હૉસ્પિટલ પર હવાઈ હુમલા કર્યા છે. આ 2000 બેડની હૉસ્પિટલ છે જ્યાં નશાની લત ધરાવતા દરદીઓની સારવાર કરવામાં આવે છે.”
તેમણે આગળ લખ્યું કે, “હુમલામાં હૉસ્પિટલનો એક મોટો ભાગ તબાહ થઈ ગયો છે અને મોટી સંખ્યામાં જાનહાનિની આશંકા છે. અત્યાર સુધી લગભગ 400 લોકોનાં મોત અને લગભગ 250 લોકોના ઈજાગ્રસ્ત થવાની સૂચના છે. રાહત દળો ઘટનાસ્થળે હાજર છે. તેઓ આગ પર કાબૂ મેળવવા અને કાટમાળમાંથી મૃતદેહો કાઢવાનું કામ કરી રહ્યા છે.”
ઇરાકના બગદાદમાં આવેલા અમેરિકાના દૂતાવાસ પર ડ્રોન હુમલો
ઇમેજ સ્રોત, Photo by various sources / AFP via Getty Images
ઇરાકના બગદાદમાં આવેલા અમેરિકાના દૂતાવાસ પર ડ્રોન અને રૉકેટથી હુમલો થયો છે.
સમાચાર એજન્સી રૉઇટર્સ અને એએફપીએ આ હુમલાના અહેવાલો આપ્યા છે.
ઇરાકી સુરક્ષા સૂત્રોએ જણાવ્યું છે કે, “આ ક્ષેત્રમાં ફાટી નીકળેલા યુદ્ધ પછી સૌથી તીવ્ર હુમલો છે.”
આ હુમલાની છ કલાક પહેલાં જ અમેરિકાના દૂતાવાસે ઇરાકમાં રહેલા પોતાના નાગરિકો માટે સુરક્ષા માટેનો ઍલર્ટ જાહેર કર્યો હતો.
આ સિવાય યુનાઇટેડ આરબ અમીરાતે પણ તેના ઍરસ્પેસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઈરાન તરફથી વધુ હુમલા થવાની આશંકાને કારણે યુએઈએ આ નિર્ણય લેવો પડ્યો છે.
એશિયામાં ક્રૂડ ઑઇલનો ભાવ વધીને 103.08 ડૉલર સુધી પહોંચ્યો
ઇમેજ સ્રોત, Getty Images
એશિયામાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 2.8 ટકાના ઉછાળા સાથે 103.08 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. જ્યારે અમેરિકાના બજારમાં ક્રૂડ ઑઇલનો ભાવ 3 ટકાના વધારા સાથે 96.25 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો છે.
બીબીસી બિઝનેસ સંવાદદાતા ઓસમાન્ડ ચિઆએ આ માહિતી આપી છે.
સમગ્ર દુનિયાના વેપારીઓની નજર હોર્મુઝની સામુદ્રધુની પર મંડાયેલી છે કે ત્યાંથી ઑઇલ ભરેલાં જહાજોનો રસ્તો ખુલી શકે છે કે નહીં.
કેટલાંક જહાજો ત્યાંથી બહાર નીકળી રહ્યાં હોવાના સમાચારો પછી ગઈકાલે 16 માર્ચે ક્રૂડ ઑઇલના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
એશિયાઈ દેશોમાં વહેલી સવારે શેરબજારમાં પણ જરાક ઉછાળો જોવા મળ્યો છે. જાપાન અને દક્ષિણ કોરિયાના શેરબજારોમાં થોડો ઉછાળો જોવા મળ્યો છે. આ બંને દેશો ખાડીદેશોના ઑઇલ પર નિર્ભર છે.
જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સમાં 0.25 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પી ઍક્સચેન્જમાં 2.5 ટકા કરતાં વધારેનો ઉછાળો જોવા મળ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



