Home તાજા સમાચાર gujrati ‘Y’ અને ‘U’ અક્ષરે ઉકેલ્યો પોલીસ અધિકારીની હત્યાનો કેસ, ઇન્સપેક્ટરે જ મૃત્યુ...

‘Y’ અને ‘U’ અક્ષરે ઉકેલ્યો પોલીસ અધિકારીની હત્યાનો કેસ, ઇન્સપેક્ટરે જ મૃત્યુ નિપજાવીને લાશના ટુકડા કર્યા હતા

3
0

Source : BBC NEWS

અશ્વિની બિદ્રે ગોરે મર્ડર કેસ, કેવી રીતે ઉકેલાયો પોલીસ ઇન્સ્પેક્ટર અભય કુરુંદકર, મહારાષ્ટ્ર મુંબઈ પોલીસ મર્ડર ચકચાર, મુંબઈ ક્રાઇમ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Facebook/ashwini.gore.338

તા. 11 એપ્રિલ 2016. આ દિવસે મહારાષ્ટ્ર પોલીસનાં મહિલા અધિકારી અશ્વિની બિંદ્રે-ગોરે ગુમ થઈ ગયાં હતાં. એ પછી જે વિગતો બહાર આવી તેણે સમગ્ર મહારાષ્ટ્રને હચમચાવી નાખ્યું, કારણ કે તેમની નૃશંસ હત્યાનો આરોપ સહકર્મી પોલીસ ઇન્સ્પેક્ટર અભય કુરુંદકર ઉપર લાગ્યો હતો.

અભય પ્રતિષ્ઠિત પોલીસ અધિકારી હોવાને કારણે ચકચાર મચી જવા પામી હતી. અભયને તેની સેવાઓ બદલ રાષ્ટ્રપતિ પદક પણ એનાયત કરવામાં આવ્યો હતો.

જેણે અશ્વિનીના શરીરના ટુકડેટુકડા કરીને તેને ટ્રંક ભરીને વસઈની ક્રિકમાં નાખી દીધી હતી. તપાસ કરનારી પોલીસ હત્યા માટે વપરાયેલું હથિયાર અને મૃતદેહ શોધી શકી ન હતી, છતાં અદાલતે અભય કુરુંદકરને દોષિત જાહેર કર્યો છે.

અશ્વિની ગુમ થયાંના બરાબર નવ વર્ષ પછી તા. 11 એપ્રિલના રોજ અભય કુરુંદકર તથા અન્ય બે સહઆરોપીઓને પનવેલની કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે.

અશ્વિની સાથે અણબનાવ હોવા છતાં તેને ન્યાય મળે તે માટે સંઘર્ષ કરનાર પતિ અને પરિવારજનો, નિયમિત ફી ન મળવા છતાં કેસ રજૂ કરનાર સરકારી વકીલની અસરકારક અને ધારદાર દલીલો તથા તપાસનીશ મહિલા પોલીસ અધિકારીને કારણે કોર્ટે અભય કુરુંદકરને દોષિત જાહેર કરેલ છે.

અશ્વિની બિદ્રે-ગોરેની હત્યા કેવી રીતે થઈ હતી અને પોલીસે કેવી રીતે તપાસ હાથ ધરી તથા કેવી રીતે વૉટ્સઍપ મૅસેજમાં ‘Y’ અને ‘U’ એમ બે અક્ષરના ઉપયોગે પોલીસને કેસ ઉકેલવામાં મદદ કરી હતી.

અશ્વિની બિદ્રે-ગોરે હત્યા કેસની વિગતો

અશ્વિની બિદ્રે ગોરે મર્ડર કેસ, કેવી રીતે ઉકેલાયો પોલીસ ઇન્સ્પેક્ટર અભય કુરુંદકર, મહારાષ્ટ્ર મુંબઈ પોલીસ મર્ડર ચકચાર, મુંબઈ ક્રાઇમ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Alpesh Karkare

અશ્વિનીનો જન્મ કોલ્હાપુરના એક ગામડાંમાં થયો હતો. વર્ષ 2005માં રાજૂ ગોરે સાથે તેમનાં લગ્ન થયાં. અશ્વિની લગ્ન પહેલાંથી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતાં હતાં. લગ્નનાં એક જ વર્ષની અંદર તેમને પોલીસની પરીક્ષા પાસ કરી અને સબ-ઇન્સ્પેક્ટર બન્યાં.

પ્રારંભિક પોસ્ટિંગ્સ દરમિયાન અશ્વિનીની મુલાકાત વરિષ્ઠ પોલીસ અધિકારી અભય કુરુંદકર સાથે થઈ હતી. વર્ષ 2013માં અશ્વિનીને પ્રમોશન મળ્યું અને તેમને રત્નાગિરિમાં પોસ્ટિંગ મળ્યું. આ ગાળામાં અશ્વિની અને અભયની વચ્ચે નિકટતા વધી હતી.

અભય વારંવાર અશ્વિનીને મળવા આવતા, એટલે અશ્વિનીના પતિ અને તેમના પિતાને સમગ્ર ઘટના જાણમાં આવી હતી.

ટૂંક સમયમાં તેઓ લાપતા થયાં હતાં અને તેમની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું.

અશ્વિની બિદ્રે-ગોરે નવી મુંબઈના કલંબોલીમાંથી ગુમ થયાં હતાં. તેમના પરિવારજનોએ આરોપ મૂક્યો હતો કે વરિષ્ઠ પોલીસ અધિકારી અભય કુરુંદકરે તેમને ગુમ કર્યાં છે. શરૂઆતમાં પરિવાજનોએ આરોપ મૂક્યો હતો કે આરોપી વિભાગનો જ અધિકારી હોવાને કારણે પોલીસ યોગ્ય રીતે તપાસ નથી કરી રહી.

ઇન્સ્પેક્ટર અભય કુરુંદકરના નાનપણના મિત્ર મહેશ ફલસીકરે અશ્વિનીની હત્યાની વાત કબૂલી હતી.

અશ્વિવનીની હત્યા કર્યા બાદ તેમના મૃતદેહના લાકડાં કાપવાની આરીથી કટકા કરી નાખવામાં આવ્યા હતા એ પછી તેમનાં મૃતદેહને વસઈની ખાડીમાં ફેંકી દેવાયો હતો.

લૅપટૉપમાંથી ખુલ્યાં રહસ્યો

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અશ્વિનીનો સંપર્ક નહીં થઈ શકતા રાજૂ અને તેમનાં દીકરી સિદ્ધિ ચિંતિત થઈ ગયાં હતાં. અશ્વિની એ સમયે કલંબોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યાં હતાં એટલે રાજૂ તપાસાર્થે ત્યાં ગયા હતા.

જોકે, ત્યાંથી સંતોષજનક માહિતી ન મળતા રાજૂએ તેમનાં પત્ની અશ્વિની જ્યાં નોકરી કરતાં હતાં એ પોલીસ સ્ટેશનમાં જ ગુમ થયાં હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી.

અશ્વિની જે ફ્લૅટમાં રહેતાં હતાં, તેનું તાળું તૂટેલું હતું. એમનાં મોબાઇલ ફોન અને લૅપટૉપની તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર અભય અને અશ્વિની વચ્ચેનાં સંબંધો અંગે ઘણી બધી વિગતો સામે આવી હતી.

ફરિયાદ બાદ ઇન્સ્પેક્ટર કુરુંદકર, ઉપરાંત રાજૂ પાટિલ, મહેશ ફલસીકર તથા કુંદન ભંડારીની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

બિદ્રે અને ગોરે પરિવારનું કહેવું છે કે તેમની ઉપર ભારે રાજકીય દબાણ હતું. આમ છતાં રાજૂ ગોરે દર અઠવાડિયે પનવેલથી મુંબઈ જતા અને સુનાવણીમાં હાજરી આપતા. રાજૂએ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અને રાજ્યપાલને પણ રજૂઆતો કરી.

અભય કુરુંદકરે કથિત રીતે તેમના પદનો દુરુપયોગ કરીને પોતાના ગુનાને છુપાવવાનો પ્રયાસ કર્યો. દરમિયાનમાં સ્થાનિક અદાલતે મંથર ગતિએ ચાલતી તપાસ સામે અસંતોષ વ્યક્ત કર્યો.

હાઇકોર્ટના આદેશ બાદ ખરા અર્થમાં તપાસ ચાલુ થઈ. તારીખ પહેલી જાન્યુઆરી 2017ના કેસ દાખલ થયો અને એક વર્ષ બાદ અભય કુરુંદકરની ધરપકડ કરવામાં આવી.

‘Y’ અને ‘U’ અક્ષરે તપાસને દિશા આપી

અશ્વિની બિદ્રે ગોરે મર્ડર કેસ, કેવી રીતે ઉકેલાયો પોલીસ ઇન્સ્પેક્ટર અભય કુરુંદકર, મહારાષ્ટ્ર મુંબઈ પોલીસ મર્ડર ચકચાર, મુંબઈ ક્રાઇમ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Alpesh Karkare

અશ્વિનીની હત્યા થઈ એના ગણતરીના કલાકો પહેલાં તેમણે આરોપી અભય સાથે થાણેમાં મુલાકાત કરી હતી. બંનેએ થાણે રેલ્વે સ્ટેશનની સામે આવેલી હોટલમાં સાથે મળીને ચા પીધી હતી.

બિદ્રે અને કુરુંદકરના મોબાઇલ લૉકેશનના આધારે પોલીસને માલૂમ પડ્યું હતું કે અહીંથી બંને કુરુંદકરના મીરા રોડસ્થિત ઘરે એક જ કારમાં ગયાં હતાં. તા. 11 એપ્રિલ 2016ની રાત્રે અશ્વિનીની હત્યા કરી નાખવામાં આવી હતી.

કુરુંદકરે બીજા દિવસે કુંદન ભંડારીની મદદથી મૃતદેહનો નિકાલ કરી નાખ્યો હતો. આરોપીઓના મોબાઇલનાં સિમકાર્ડના લૉકેશનના આધારે આ વાતની પૃષ્ટિ થઈ હતી. અન્ય આરોપીના મોબાઇલ લોકેશન પણ એજ વિસ્તારમાં હતા.

અશ્વિની જીવિત છે એવું દેખાડવા માટે અભયે ખૂબ જ પ્રયાસ કર્યા હતા. આ માટે તેણે અશ્વિનીના મોબાઇલમાંથી ચૅટિંગ કર્યું હતું, જેના કારણે અભય કુરુંદકરની સંડોવણી પુરવાર થઈ હતી.

અશ્વિનીના મોબાઇલમાંથી ‘હાઉ આર યૂ’ પૂછવા માટે અભયે ‘ Y(Y)’ અક્ષરનો ઉપયોગ કર્યો હતો. આ ચૅટે પોલીસનું ધ્યાન ખેંચ્યું હતું અને અભય ઉપર ગાળિયો કસાયો હતો.

અશ્વિનીના મોબાઇલમાંથી ચૅટ કરતી વેળાએ અભયે દરેક વખતે એમ પૂછવા માટે ‘U’ના બદલે ‘ Y’નો ઉપયોગ કર્યો હતો. આ વાત અભયની આદત હોવાની વાતની તેના અભયના પરિવારજનો અને મિત્રો સહિત ચાર-પાંચ લોકોએ આ વાતની પુષ્ટિ કરી હતી.

અશ્વિની બિદ્રે ગોરે મર્ડર કેસ, કેવી રીતે ઉકેલાયો પોલીસ ઇન્સ્પેક્ટર અભય કુરુંદકર, મહારાષ્ટ્ર મુંબઈ પોલીસ મર્ડર ચકચાર, મુંબઈ ક્રાઇમ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Alpesh Karkare

બીજી બાજુ, અશ્વિની ‘યૂ’ લખવા માટે ક્યારેય ‘Y’ અક્ષરનો ઉપયોગ નહોતાં કરતાં. આ અરસામાં અશ્વિનીના બનેવી અવિનાશ ગંગાપુરેને વૉટ્સઍપ પરથી મૅસેજ મળ્યો હતો કે ‘બીમાર માનસિક સ્થિતિને કારણે હું (અશ્વિની) ઉત્તરાંચલ કે હિમાચલ પ્રદેશ જવા માગું છું અને ત્યાં પાંચથી છ મહિના સારવાર લઈશ.’

ગુમ થયાં તે પહેલાં અશ્વિની અને અભય સાથે હતાં એ વાત પોલીસે સાબિત કરી હતી. એ સિવાય અભયે જ જાણે કે અશ્વિની જીવિત હોય અને તેઓ જ ચૅટિંગ કરી રહ્યા હોય એવું દેખાડવાનો પ્રયાસ કર્યો હતો.

મહેશ ફલસીકરે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે અભય કુરુંદકરે અશ્વિનીના માથા ઉપર બૅટથી પ્રહાર કરીને તેમની હત્યા નિપજાવી હતી.

સાયબર ઍક્સપર્ટ રોશન બંગેરાએ અશ્વિની અને અભયના મોબાઇલ ફોન, તેમના ફેસબુક, વૉટ્સૅપ, સોશિયલ મીડિયા ઍપ્લિકેશન્સ તથા લૅપટૉપમાંથી મહત્ત્વપૂર્ણ ડેટા મેળવવામાં મદદ કરી હતી.

ગૂગલ મૅપ્સ, ઓશિયનોગ્રાફી વિભાગની મદદથી અંડરવૉટર સ્કૅનિંગ તથા સૅટેલાઇટ ઇમેજ જેવી ટેક્નિકલ બાબતોને પણ રજૂ કરવામાં આવી હતી.

હત્યા કરવા માટે વપરાયેલું હથિયાર અને મૃતદેહ ન મળવા છતાં ટેકનિકલ અને સાંયોગિક પુરાવા આ કેસમાં મહત્ત્વપૂર્ણ બની રહ્યા હતા.

બરાબર નવ વર્ષ બાદ સજા

અશ્વિની બિદ્રે ગોરે મર્ડર કેસ, કેવી રીતે ઉકેલાયો પોલીસ ઇન્સ્પેક્ટર અભય કુરુંદકર, મહારાષ્ટ્ર મુંબઈ પોલીસ મર્ડર ચકચાર, મુંબઈ ક્રાઇમ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Alpesh Karkare

શનિવારે પનવેલ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ કે.જી. પાલદેવારે અશ્વિની બિદ્રે-ગોરે હત્યા કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો અને ડિસમિસ કરી દેવાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર અભય કુરુંદકરને કલમ 302 હેઠળ હત્યાનો અને 218 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

મહેશ પાટિલ તથા કુંદન ભંડારી નામના સહઆરોપીઓને પણ અદાલતે દોષિત ઠેરવ્યા છે. તેમની ઉપર અશ્વિનીના મૃતદેહનો નિકાલ કરવામાં અભયને મદદ કરવાનો આરોપ પુરવાર થયો હતો. આ કેસમાં આરોપી રાજેશ પાટિલ ઉર્ફે રાજૂ પાટિલ ઉર્ફે જ્ઞાનેશ્વર દત્તાત્રેય પાટિલને અદાલતે નિર્દોષ જાહેર કર્યા છે.

પોલીસે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ નીમી હતી, જેણે 80 જેટલા લોકોની જુબાની લીધા બાદ કુરુંદકર તથા અન્ય ત્રણ આરોપીઓ સામે કેસ દાખલ કર્યો હતો.

પનવેલ સેશન્સ કોર્ટના ચુકાદા બાદ રાજૂ ગોરેએ મીડિયા અને અદાલતનો આભાર માન્યો હતો. રાજૂના કહેવા પ્રમાણે, મીડિયાના દબાણને કારણે જ આ મુદ્દો વિધાનસભામાં ચર્ચાયો હતો અને આ કેસમાં પોલીસે તપાસ કરી હતી તથા દોષિત પકડાયો હતો.

અશ્વિની ગુમ થયાના બરાબર નવ વર્ષ બાદ તા. અગિયારમી એપ્રિલને શુક્રવારના રોજ આરોપીઓને સજા સંભળાવવામાં આવશે. આ દિવસે અદાલતે અશ્વિના પતિ તથા પુત્રીને કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે.

રાજૂ ગોરેએ સરકારી વકીલ પ્રદીપ ઘરત તથા તપાસનીશ મહિલા પોલીસ અધિકારી સંગીતા અલ્ફાન્સોનો પણ આભાર માન્યો હતો. પ્રદીપ ઘરતના કહેવા પ્રમાણે, “જે પોલીસ અધિકારીઓએ તપાસમાં ઢીલ દાખવી હતી, તેમની સામે કેસ ચાલવો જોઈએ.”

સંગીતા અલ્ફાન્સોનાં કહેવા પ્રમાણે, “મેં આ કેસ ઉપર છ-સાત વર્ષ કામ કર્યું હતું. અમે ટેક્નિકલ અને સાંયોગિક પુરાવા એકઠા કર્યા હતા. મૃતદેહ મળ્યો ન હોવા છતાં અમે સાંયોગિક પુરવા થકી ગુનો સાબિત કરવામાં સફળ રહ્યા હતા.”

અદાલતે આ કેસને ‘રૅરેસ્ટ ઑફ રૅર’ ગણ્યો છે એટલે બરાબર નવ વર્ષ બાદ અશ્વિનીને કેવો ન્યા મળે છે, તેના ઉપર લોકો ઉપરાંત પોલીસ વિભાગની મીટ મંડાયેલી રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS