Home તાજા સમાચાર gujrati MI vs DC: બે ગુજરાતી કૅપ્ટનો વચ્ચે આજે પ્લેઑફમાં પહોંચવા માટે કાંટાની...

MI vs DC: બે ગુજરાતી કૅપ્ટનો વચ્ચે આજે પ્લેઑફમાં પહોંચવા માટે કાંટાની ટક્કર, કોણ કેટલા પાણીમાં?

2
0

Source : BBC NEWS

ipl 2025, MI vs DC, મુંબઈ ઇન્ડિયન્સ વિ. દિલ્હી કૅપિટલ્સ, હાર્દિક પંડ્યા વિ. અક્ષર પટેલ, ગુજરાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીબીસી ગુજરાતી ખેલ સમાચાર,

ઇમેજ સ્રોત, Getty Images

21 મે 2025, 16:26 IST

અપડેટેડ 6 કલાક પહેલા

આજે આઈપીએલ-2025ની પ્લેઑફમાં સ્થાન મેળવવા માટે અક્ષર પટેલ તથા હાર્દિક પંડ્યા એમ બે ગુજરાતીઓના નેતૃત્વમાં ટીમનો રસાકસીભર્યો મુકાબલો થવાનો છે.

ઇન્ડિયન પ્રિમિયર લીગની 18મી સિઝનનો 63મો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે થશે, જેમાં યજમાન મુંબઈ ઇન્ડિયન તથા દિલ્હી કૅપિટલ્સની ટીમો ટકરાશે.

આ મૅચમાં જો એક ટીમ હારશે, તો પ્લેઑફ સુધી પહોંચવાનું તેનું સપનું રોળાઈ જશે અને જો બીજી ટીમ હારશે, તો તેના માટે આગળનો માર્ગ કપરો થઈ જશે.

ગુજરાત ટાઇટન્સ, પંજાબ કિંગ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુની ટીમો અગાઉથી જ પ્લેઑફ સુધી પહોંચી ગઈ છે, હવે ચોથી ટીમે સ્થાન મેળવવાનું છે.

બુધવારની મૅચ દરમિયાન અપેક્ષિત વિઘ્ન નડવાની શક્યતા છે. આ પરિબળ બંનેમાંથી કઈ ટીમ વિરુદ્ધ જશે, તેના ઉપર ચાહકોની નજર રહેશે.

ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રવર્તમાન તણાવને પગલે વર્તમાન સિઝનને મોકૂફ કરી દેવામાં આવી હતી. એ પછી સ્થિતિ સામાન્ય થતાં વર્તમાન સિઝનને ફરી શરૂ કરવામાં આવી છે.

ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ ત્રીજી જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

બે ગુજરાતી કપ્તાનોની ટીમો વચ્ચે મુકાબલો

ipl 2025, MI vs DC, મુંબઈ ઇન્ડિયન્સ વિ. દિલ્હી કૅપિટલ્સ, હાર્દિક પંડ્યા વિ. અક્ષર પટેલ, ગુજરાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીબીસી ગુજરાતી ખેલ સમાચાર,

ઇમેજ સ્રોત, ANI

ક્રિકેટના સમાચારો માટેની વેબસાઇટ ઈએસપીએનક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, પૉઇન્ટ્સ ટેબલ પ્રમાણે, મુંબઈ ઇન્ડિયન્સ (14 અંક) સાથે ચોથા અને દિલ્હી કૅપિટલ્સ (13 પૉઇન્ટ) પાંચમા ક્રમે છે. બુધવારના મૅચ બાદ બંને ટીમ પંજાબ કિંગ્સ સાથે ટકરાશે, આ બંને મૅચ જયપુર ખાતે રમાશે.

દિલ્હી અને મુંબઈની એમ બંનેની ટીમની બે-બે મૅચ રમવાની બાકી છે. ત્યારે જોઈએ કે કઈ ટીમ કઈ રીતે પ્લેઑફમાં પહોંચી શકે છે.

  • જો મુંબઈની ટીમે દિલ્હીની ટીમને હરાવી તો મુંબઈ પ્લેઑફમાં પહોંચી જશે.
  • જો દિલ્હીએ મુંબઈ અને પંજાબ એમ બંને ટીમને હરાવી તો દિલ્હી પ્લેઑફમાં પહોંચી જશે.
  • જો દિલ્હીએ મુંબઈની ટીમને હરાવી અને પંજાબ સામેની મૅચ હારી તથા મુંબઈ પોતાની પંજાબ સામેની મૅચ જીતી ગઈ તો મુંબઈ પ્લેઑફમાં પહોંચી જશે.
  • જો મુંબઈ દિલ્હી અને પંજાબ એમ બંને ટીમ સામે હારી ગઈ અને દિલ્હી માત્ર પંજાબ સામે હારી ગઈ તો દિલ્હી જ પ્લેઑફમાં પહોંચશે.

લખનઉની ટીમ તેની મૅચ હૈદરાબાદ સામે હારીને ટુર્નામેન્ટની બહાર જતી રહી છે તેથી મુંબઈની રાહ થોડી આસાન બની છે. પરંતુ આજની મૅચ બંને ટીમ માટે મહત્ત્વની છે કારણકે પ્લેઑફમાં પ્રવેશવા માટે આજની મૅચ બંને ટીમ માટે ફાઇનલથી કમ નથી.

મૅચનો મૂડ બગડશે?

ipl 2025, MI vs DC, મુંબઈ ઇન્ડિયન્સ વિ. દિલ્હી કૅપિટલ્સ, હાર્દિક પંડ્યા વિ. અક્ષર પટેલ, ગુજરાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીબીસી ગુજરાતી ખેલ સમાચાર,

ઇમેજ સ્રોત, Getty Images

બુધવારની મૅચ મુંબઈ ઇન્ડિયન્સની હોમપિચ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાનારી છે, આમ હાર્દિક પંડ્યાની ટીમ પાસે મનોવૈજ્ઞાનિક સરસાઈ હશે.

બીજી બાજુ, આ મૅચમાં વરસાદ વિલનની ભૂમિકા ભજવી શકે છે. ભારતીય હવામાન ખાતાએ મુંબઈ, થાણે અને રાયગઢ સહિત મુંબઈના કેટલાક વિસ્તારોમાં બુધવાર સુધી મધ્યમ મેઘગર્જના અને પવન સાથે હળવો કે મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે.

હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની સંભાવનાને જોતા તા. 17 થી 24 મે દરમિયાનનું ‘યેલો ઍલર્ટ’ આપવામાં આવ્યું છે.

મૅચ પહેલાં વરસાદ પડશે કે મૅચ દરમિયાન તે મૅચનાં પરિણામને અસર કરી શકે છે. વળી, ગુજરાત ટાઇટન્સ સામેની મુંબઈ ઇન્ડિયન્સની મૅચ દરમિયાન વરસાદે ક્રિકેટચાહકોને નખ ચાવવા માટે મજબૂર કરી દીધા હતા. એ મૅચ છેલ્લી ઓવર સુધી અનિર્ણયિત રહી હતી.

ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ના રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઈના (ક્રિકેટ કંટ્રૉલ બોર્ડ ઑફ ઇન્ડિયા) સચિવ દેવજીત સાકિયાએ આ જાહેરાત કરી હતી.

આ સિવાય બીજી ક્વૉલિફાયર મૅચ પણ અમદાવાદના સ્ટેડિયમ ખાતે (તા. 30મી મે) રમાશે. પહેલી ક્વૉલિફાયર મૅચ તા. 29મી મેના રોજ ચંદીગઢના પી.સી.એ. સ્ટેડિયમ ખાતે રમાશે.

શરૂઆતમાં આઈપીએલની ફાઇનલ 25 મેના રોજ યોજાવાની હતી. હવે તે 3 જૂને રમાશે.

ભારત પાકિસ્તાન વચ્ચે પ્રવર્તમાન તણાવને કારણે ટુર્નામેન્ટ લગભગ એક અઠવાડિયા માટે મોકૂફ રહી હતી, એ પછી ક્રિકેટ, સુરક્ષા તથા ગુપ્તચરતંત્રના હિતધારકો વચ્ચેની બેઠક બાદ સિરીઝને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

સંભવિત 11 ખેલાડીઓ

ipl 2025, MI vs DC, મુંબઈ ઇન્ડિયન્સ વિ. દિલ્હી કૅપિટલ્સ, હાર્દિક પંડ્યા વિ. અક્ષર પટેલ, ગુજરાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીબીસી ગુજરાતી ખેલ સમાચાર,

ઇમેજ સ્રોત, Getty Images

બંને ટીમોના તમામ ખેલાડીઓ ઉપલબ્ધ છે, એટલે બુધવારની મહત્ત્વપૂર્ણ મૅચમાં તેઓ કોઈ ફેરફાર કરે તેવી શક્યતા નથી જણાતી. તેમનાં સંભવિત પ્લેઇંગ ઇલેવન ખેલાડીઓ આ મુજબ હોય શકે છે.

દિલ્હી કૅhfટલ્સ : કે.એલ. રાહુલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ (કપ્તાન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ફાફ ડુ પ્લેસિસ, સમીર રિઝવી, વિપ્રજ નિગમ, અભિષેક પોરેલ (વિકેટકિપર), મુસ્તફિઝુર રહેમાન, દુષ્મંથા ચમીરા અને ટી. નટરાજન. ઇમ્પૅક્ટ ખેલાડી – આશુતોષ શર્મા

મુંબઈ ઇન્ડિયન્સ: રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કૅપ્ટન), જસપ્રીત બુમરાહ, નમન ધીર, રયાન રિકેલ્ટન (વિકેટકિપર), વિલ જૅક્સ, કૉર્બિન બૉશ, દીપક ચાહર અને ટ્રૅન્ટ બૉલ્ટ. ઇમ્પૅક્ટ ખેલાડી – કર્ણ શર્મા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS