Source : BBC NEWS
ઇમેજ સ્રોત, ANI
અપડેટેડ 10 મિનિટ પહેલા
વાંચવાનો સમય: 4 મિનિટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઇપીએલની 19મી સિઝનની નવમી મૅચમાં રાજસ્થાન રૉયલ્સે ગુજરાત ટાઇટન્સની ટીમને એક રસાકસીભર્યા મુકાબલામાં છ રનથી હરાવી દીધી હતી.
ગુજરાત ટાઇટન્સના બૅટર્સના દમદાર પર્ફૉર્મન્સ અને છેલ્લી ઓવર સુધી લડત આપ્યા છતાં મૅચમાં જીત રાજસ્થાન રૉયલ્સના ખાતમાં જ ગઈ.
રાજસ્થાન રૉયલ્સની ટીમે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય તેમને ફળ્યો હોય એમ ટીમ સારી ઓપનિંગ પાર્ટનરશિપ અને મજબૂત મિડલ ઑર્ડર પર્ફૉર્મન્સના દમ પર છ વિકેટના નુકસાને 210 રનનો સારો એવો સ્કોર ખડકી દીધો હતો.
જેના જવાબમાં ગુજરાતની ટીમના બૅટર્સે પણ પોતાનો દમ બતાવતાં ટીમ 20 ઓવરમાં ટાર્ગેટથી માત્ર સાત રન દૂર રહી ગઈ હતી. ટીમને સારી શરૂઆત મળ્યા છતાં મિડલ ઑર્ડર બૅટ્સમૅનો ટકીને ન રમી શક્યા અને જેથી પૂંછડિયા ખેલાડીઓ પર વધુ જવાબદારી આવી પડી હતી.
રાજસ્થાન રૉયલ્સના રવિ બિશ્નોઈને તેમના ચાર ઓવરમાં 41 રન આપી ચાર વિકેટ ખેરવવાના શાનદાર પ્રદર્શન બદલ પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.
આ સાથે જ ગુજરાત ટાઇટન્સની ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી રમેલી બંને મૅચો ગુમાવીને સાતમા ક્રમે છે, જ્યારે રાજસ્થાન રૉયલ્સની ટીમ બંને મૅચોમાં જીત હાંસલ કરીને 2.233ના નેટ રનરેટ સાથે ટોચ પર છે.
રાજસ્થાનનું મજબૂત બૅટિંગ પ્રદર્શન ચાવીરૂપ સાબિત થયું
ઇમેજ સ્રોત, ANI
રાજસ્થાનની ટીમ વતી યશસ્વી જાયસવાલ અને તોફાની બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી ઑપનિંગ કરવા ઊતર્યા હતા.
આ બંને ખેલાડીઓએ પોતાની ઓળખ પ્રમાણેની એવી તો ફટકાબાજી કરી કે ટીમનો સ્કોર માત્ર છ ઓવરમાં 11.50ના રનરેટ સાથે 69 સુધી પહોંચી ગયો હતો. જોકે, સાતમી ઓવર નાખવા ખ્યાત સ્પિન બૉલર અને ગુજરાત ટાઇટન્સના કપ્તાન રાશીદ ખાન આવ્યા ત્યારે તેમણે ક્રીઝ પર જામેલા દેખાતાં વૈભવ સૂર્યવંશી ફિલિપ્સના હાથે કૅચઆઉટ થઈ ગયા અને જાયસવાલ અને સૂર્યવંશીની ખતરનાક જણાતી આ પાર્ટનરશિપ તૂટી ગઈ હતી.
વૈભવ સૂર્યવંશી 172ના સ્ટ્રાઇક રેટ સાથે 18 બૉલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 31 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
એ બાદ ક્રીઝ પર આવેલા ધ્રુવ જુરેલે બંને ઓપનરોએ અપાવેલી શરૂઆતનો લાભ લેતા હોય તેમ શરૂઆતમાં તો ટકીને રમ્યા બાદ પોતાના હાથ ખોલવાનું ચાલુ કર્યું હતું.
જુરેલ અને જાયસવાલ વચ્ચે સારી પાર્ટનરશિપ ચાલી રહી હતી ત્યારે જ 13મી ઓવરમાં પોતાની અર્ધ સદી પૂરી કરી ચૂકેલા ઑપનર યશસ્વી જાયસવાલ કગિસો રબાડાના બૉલ પર બૉલ્ડ થઈ ગયા. તેઓ ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારી 36 બૉલમાં 55 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયા.
બંને ઓપનરો આઉટ થયા છતાં ધ્રુવ જુરેલે એક છેડેથી જબરદસ્ત ફટકાબાજી ચાલુ રાખી અને સામે છેડેથી વિકેટો પડતી હોવા છતાં બિલકુલ દબાણમાં આવ્યા વગર તેઓ ક્રીઝ પર ટકેલા રહ્યા હતા.
છેક અંતિમ ઓવરમાં તેઓ મોહમ્મદ સિરાજના બૉલ પર જોસ બટલરને કૅચ દઈ બેઠા અને 42 બૉલમાં 75 રનની શાનદાર ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યા હતા. તેમણે ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
આમ, આ ત્રણેય બૅટ્સમૅનોના દમદાર પ્રદર્શનના દમ પર રાજસ્થાન રૉયલ્સની ટીમ 20 ઓવરમાં છ વિકેટના નુકસાને 211 રનનો ટાર્ગેટ ખડકવામાં સફળ રહી હતી.
ગુજરાત ટાઇટન્સના બૉલિંગ પ્રદર્શનની વાત કરીએ તો કગિસો રબાડાને બે વિકેટ મળી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ, અશોક શર્મા, પ્રસિદ્ધ ક્રિષ્ના અને રાશિદ ખાનને એકેક વિકેટ મળી હતી.
ગુજરાત ટાઇટન્સ લડાયક પ્રદર્શન છતાં જીતથી દૂર રહી ગઈ
ઇમેજ સ્રોત, ANI
211 રનના સન્માનજનક સ્કોરનો પીછો કરવા ઊતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમને ઓપનર સાઈ સુદર્શન અને કુમાર કુશાગ્રની જોડીએ પ્રમાણસર સારી શરૂઆત અપાવી હતી.
બંને વચ્ચે 78 રનની ઓપનિંગ પાર્ટનરશિપ જોવા મળી હતી, જોકે, આઠમી ઓવરના અંતિમ બૉલ પર આ પાર્ટનરશિપ તૂટી હતી. રિયાન પરાગના બૉલ પર કુમાર કુશાગ્ર શિમરોન હેટમાયરને કૅચ દઈ બેઠા અને 14 બૉલ પર 18 રન બનાવીને આઉટ થઈ ગયા.
આ તબક્કા સુધી સાઈ સુદર્શન ગજબ ફટકાબાજીનું પ્રદર્શન કરતાં માત્ર 34 બૉલમાં જ 54 રન પૂરા કરી ચૂક્યા હતા.
જોકે, 11મી ઓવરમાં જબરદસ્ત ફૉર્મમાં જણાઈ રહેલા બૅટ્સમૅન સાઇ સુદર્શન 44 બૉલમાં 73 રનના વ્યક્તિગત સ્કોરે રવિ બિશ્નોઈના બૉલ પર તુષાર દેશપાંડેને કૅચ દઈ બેઠા. આ તબક્કા સુધી ટીમનો સ્કોર બે વિકેટના નુકસાન પર 107 રનનો હતો.
એ બાદ રવિ બિશ્નોઈએ 13મી ઓવરના પ્રથમ અને ત્રીજા બૉલે ગ્લેન ફિલિપ્સ અને વૉશિંગટન સુંદરની મહત્ત્વપૂર્ણ વિકેટો ખેરવીને જાણે ગુજરાત ટાઇટન્સની ટીમની કમર જ તોડી નાખી. એક પછી એક વિકેટ પડતી ગઈ અને ટીમ મુશ્કેલીમાં દેખાવા લાગી હતી.
જોકે, ટૉપ અને મિડલ ઑર્ડર ગુમાવ્યા બાદ કપ્તાન રાશિદ ખાન અને બૉલર કગિસો રબાડાએ ક્રીઝ પર ટકેલા રહી આક્રમક બૅટિંગ કરવાના પ્રયાસો ચાલુ રાખ્યા. તેમના પ્રયાસો થકી એક સમયે મોટા અંતરથી હારતી દેખાઈ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ લક્ષ્યની ખૂબ નજીક સુધી પહોંચવામાં સફળ રહી, છતાં જીતથી સાત ડગલાં દૂર જ રહી ગઈ.
મુકાબલો છેલ્લી ઓવર સુધી ખેંચાયો હતો અને ઘણો રોમાંચક રહ્યો હતો. છેલ્લી ઓવરમાં ગુજરાત ટાઇટન્સને જીત માટે 11 રનની જરૂર હતી. પરંતુ ઝડપી બૉલર તુષાર દેશપાંડેએ એ ઓવરમાં કમાલ કરી દેખાડી. તેમણે ન માત્ર ચાર જ રન આપ્યા પરંતુ ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન રાશિદ ખાનની વિકેટ પણ લીધી. રાશિદ ખાન અને કગિસો રબાડા રમતમાં જામી ગયા હતા પરંતુ તુષારે બંનેને તેની શાનદાર બૉલિંગ વડે બાંધી રાખ્યા અને રાજસ્થાન રૉયલ્સને જીત અપાવી.
ગુજરાતની ટીમ આઠ વિકેટના નુકસાને 204 રન બનાવી શકી.
રાજસ્થાન રૉયલ્સના બૉલિંગ પ્રદર્શન અંગે વાત કરીએ તો રવિ બિશ્નોઈ ટીમનો ટ્રમ્પ કાર્ડ સાબિત થયા અને તેમણે 41 રન આપી ચાર મહત્ત્વપૂર્ણ વિકેટો ખેરવી. આ ઉપરાંત તુષાર દેશપાંડે, રિયાન પરાગ અને નાંદ્રે બર્જર એકેક વિકેટ લઈ શક્યા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



