Home તાજા સમાચાર gujrati IND vs PAK : ભારત સામેની કારમી હારે પાકિસ્તાન ક્રિકેટની કઈ દુ:ખતી...

IND vs PAK : ભારત સામેની કારમી હારે પાકિસ્તાન ક્રિકેટની કઈ દુ:ખતી નસ દબાવી દીધી?

13
0

Source : BBC NEWS

ભારત-પાકિસ્તાન, ક્રિકેટ, સ્પૉર્ટ્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ જ્યારે પણ કોઈ ટૂર્નામેન્ટમાં ભારત સામે હારે છે ત્યારે તે એક નવું જખમ લાગે છે, પરંતુ હકીકતમાં દરેક નવી હાર‌ જૂનાં જખમોને ફરીથી તાજા કરી દે છે.

ટી20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પાકિસ્તાનની ટીમ ભારત સામે 13 મૅચ હારી ચૂકી છે. જ્યાં સુધી ટી20 વર્લ્ડકપની વાત છે, તો હારનો આ ઘટનાક્રમ 8 મૅચ સુધી લંબાઈ ચૂક્યો છે. તેની સામે પાકિસ્તાનના ખાતામાં ફક્ત એક જીત દેખાય છે.

કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ પોતાના ત્રીજા સૌથી ઓછા સ્કોરે આઉટ થઈને 61 રનની કારમી હારથી નાસીપાસ થયેલી પાકિસ્તાન ટીમના પર્ફૉર્મન્સે ઘણા સવાલો ઊભા કરી દીધા છે.

રમતમાં હાર-જીત તો થતી રહે છે, પરંતુ પાકિસ્તાનની ટીમ હવે જે પ્રકારે ભારતની સામે હારતી જાય છે, તેનાથી એ હકીકત સ્પષ્ટ થાય છે કે બંને ટીમ વચ્ચે હવે એક મોટો તફાવત આવી ગયો છે.

માત્ર એટલું જ નથી કે ભારત આંતરરાષ્ટ્રીય રૅન્કિંગમાં પહેલા અને પાકિસ્તાન છઠ્ઠા નંબરની ટીમ છે, બંને ટીમની માનસિક પરિપક્વતા અને મજબૂતીમાં આસમાન-જમીનનો ફરક દેખાય છે. વિકટ પરિસ્થિતિમાં હિંમત જાળવી રાખવાનો અને જુસ્સો ગુમાવી દેવાનો તફાવત આપણને કોલંબોની આ મૅચમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યો.

કયા ખેલાડીઓએ હવે જવું જોઈએ?

ભારત-પાકિસ્તાન, ક્રિકેટ, સ્પૉર્ટ્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઉસ્તાદ કમર જલાલવીની પ્રખ્યાત ગઝલ ‘કબ મેરા નશીમન અહલ-એ-ચમન…’, જેને હબીબ વલીમોહમ્મદે ગાઈ હતી, તેનો એક મિસરો મને આ પ્રસંગે યાદ આવી રહ્યો છે: “જબ કશ્તી ડૂબને લગતી હૈ તો બોઝ ઉતારા કરતે હૈં.”

તાજેતરના દિવસોમાં પાકિસ્તાનના પ્રદર્શનને જોઈને તો એવું જ લાગે છે કે ટીમ પર બોજ બનનારા ખેલાડીઓને હાંકી કાઢ્યા સિવાય હવે કંઈ સારું નહીં થાય.

જો તમે કહો તો એવા ખેલાડીઓનાં નામ જણાવવામાં હું સહેજ પણ ખચકાટ નહીં અનુભવું, કેમ કે માત્ર હું જ નહીં, આખી દુનિયા એ નામો જાણે છે જેણે ઘણા સમયથી, મોટી ટીમો સામે પોતાનું અસંતોષજનક પર્ફૉર્મન્સ હોવા છતાં, ટીમમાં સ્થાન જાળવી રાખ્યું છે; ખાસ કરીને ટી20 ઇન્ટરનૅશનલમાં.

શાહીનશાહ આફરીદી પર સવાલ

ભારત-પાકિસ્તાન, ક્રિકેટ, સ્પૉર્ટ્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પહેલું નામ શાહીનશાહ આફરીદીનું આવે છે, જેમની સુંદર કમર્શિયલ (વિજ્ઞાપન) બની. એમાં તેમને એમ કહેતા બધાએ જોયા કે તેઓ પાકિસ્તાનના પ્રીમિયમ ફાસ્ટ બૉલર છે; પરંતુ, તેમનું અત્યારનું ફૉર્મ તેમના આ દાવાને ખોટો સાબિત કરી રહ્યું છે.

તેમાં કશી શંકા નથી કે થોડા સમય પહેલાં સુધી શાહીનશાહ આફરીદીની ધાક છવાયેલી હતી અને તેઓ કોઈ પણ બૅટિંગ લાઇન માટે મોટું જોખમ હતા, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ચૂકી છે.

શાહીન ફિટનેસની સમસ્યાઓના કારણે પોતાની અસર ગુમાવી ચૂક્યા છે અને તેમની ઝડપ ઘટી ગઈ છે. તેમનામાં પહેલાં જેવી, બૉલને સ્વિંગ કરવાની, આવડત પણ જોવા નથી મળતી.

તાજેતરની બિગ બૅશમાં આપણે જોયું કે એક મૅચમાં તેમણે ત્રણ અધૂરી ઓવરમાં 43 રન આપી દીધા અને પછીની જ મૅચમાં તેમની ચાર ઓવરમાં 49 રન બન્યા.

ભારત વિરુદ્ધ આ ટી20 વર્લ્ડ કપની અગત્યની મૅચમાં શાહીનના નિરસ પર્ફૉર્મન્સ પછી તેમના સસરા શાહિદ આફરીદી પણ એમ બોલવા માટે મજબૂર થઈ ગયા છે કે શાહીનને બાબર આઝમ અને શાદાબખાનની સાથે નામીબિયા સામેની મેચથી ડ્રૉપ કરી દેવા જોઈએ અને બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને તક આપવી જોઈએ.

પૂર્વ ટેસ્ટ ક્રિકેટર મોહમ્મદ યુસુફનું પણ એ જ કહેવું છે કે શાહીન, બાબર અને શાદાબનો સમય પૂરો થઈ ગયો છે. માત્ર નબળી ટીમો સામે સારું રમનારની નહીં, પરંતુ ટી20 ટીમને હવે સારું પ્રદર્શન કરનારા નવા ખેલાડીઓની જરૂર છે.

બાબર આઝમ: સમયની ગતિમાં પાછળ

ભારત-પાકિસ્તાન, ક્રિકેટ, સ્પૉર્ટ્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સમય ક્યારેય એકસરખો નથી રહેતો. દરેક ખેલાડીનો ખરાબ સમય આવે છે, પરંતુ તે પરિસ્થિતિને જોઈને પોતાના વિશે નિર્ણય કરે છે.

બાબર આઝમ હાલના સમયે ત્રણે ફૉર્મેટ્સમાં રમે છે, પરંતુ બધા જોઈ રહ્યા છે કે ટી20 ફૉર્મેટમાં તેઓ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે.

એક ફૉર્મેટ સાથે જોડાયેલા રહેવા માટે તેમણે પોતાનાં બાકીનાં બે ફૉર્મેટને પ્રભાવિત ન કરવાં જોઈએ, જેમાં તેમના માટે સારા પ્રદર્શનની શક્યતા રહેલી છે.

એમાં કશી શંકા નથી કે ભૂતકાળમાં બાબરે ટી20માં શાનદાર પ્રદર્શન કર્યું છે અને અત્યારે તેઓ ટી20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ રન કરનાર બૅટ્સમૅન છે, પરંતુ હવે ટી20 ક્રિકેટ જે ઝડપે આગળ વધતી નવી શૈલી અપનાવતી જાય છે, બાબર એ આવશ્યકતાઓને પૂરી કરતા દેખાતા નથી.

પહેલાં તેઓ ઓપનિંગ બૅટ્સમૅન તરીકે રમીને સફળ ચોક્કસ થયા, પરંતુ એ સમયે પણ તેમની એ બાબતે ટીકા થતી હતી કે તેઓ આક્રમક અંદાજમાં બૅટિંગ નથી કરતા અને તેમના સ્ટ્રાઇક રેટ સામે પ્રશ્ન ઊભા થતા હતા.

આ દોરમાં પણ પાકિસ્તાન ટીમના ડ્રેસિંગ રૂમમાં મિડલ ઑર્ડર બૅટ્સમૅન એવું કહેતા રહ્યા કે બાબર અને રિઝવાન ‘સેન્ચૂરી પાર્ટનરશિપ’ જરૂર કરે છે, પરંતુ જ્યારે બંને 15મી–16મી ઓવરમાં આઉટ થઈ જાય છે, તો મિડલ ઑર્ડર બૅટ્સમૅનો પાસે રમવા માટે બચે છે જ શું?

અહીં એ જણાવવું પણ જરૂરી છે કે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને ટી20 ઇન્ટરનૅશનલમાં કુલ 10 સદીની ભાગીદારી નોંધાવી છે. હવે જ્યારે બાબરનો બૅટિંગ ઑર્ડર બદલાયો છે ત્યારે, તેમની રમવાની શૈલી આ નવી પૉઝિશન પ્રમાણેની નથી.

તેમના માટે જરૂરી છે કે તેઓ ત્રીજા કે ચોથા નંબરે (વન ડાઉન કે સેકન્ડ ડાઉન) આવીને ઝડપી બૅટિંગ કરે, પરંતુ તેઓ સેટ થવામાં થોડો સમય લે છે, એટલા માટે તેઓ આ ફેરફાર સાથે તાલમેળ નથી કરી શક્યા.

જેમ કે, ભારત સામેની મૅચમાં આપણે જોયું, બાબરની સામે હંમેશાં એક સમસ્યા રહી છે, અને સમયની સાથે તે ગાઢ બનતી ગઈ છે; તે એ કે, તેઓ આસાનીથી સ્પિનર્સનો શિકાર થઈ જાય છે.

જો આપણે આંકડા જોઈએ, તો બાબર ટી20 ઇન્ટરનૅશનલમાં 25 વખત સ્પિનર્સ દ્વારા આઉટ થયા છે. તેમને સૌથી વધુ—પાંચ—વાર ઑસ્ટ્રેલિયાના ઍડમ ઝમ્પાએ આઉટ કર્યા છે, જ્યારે માઇકલ બ્રેસવેલ અને આદિલ રશીદ તેમને ચાર-ચાર વાર આઉટ કરી ચૂક્યા છે. સોઢીએ તેમને ત્રણ વાર આઉટ કર્યા છે.

બાબર ચાર ટી20 વર્લ્ડ કપમાં 20 મૅચ રમી ચૂક્યા છે, જેમાં તેઓ માત્ર પાંચ અર્ધસદી જ કરી શક્યા છે.

શાદાબ–સાઇમ મહત્ત્વપૂર્ણ પરીક્ષામાં નિષ્ફળ

ભારત-પાકિસ્તાન, ક્રિકેટ, સ્પૉર્ટ્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આમ જુઓ તો, ભારત સામેની મૅચમાં ઘણા ખેલાડીઓનું ખરાબ પ્રદર્શન ચર્ચામાં છે, પરંતુ સીનિયર હોવાના કારણે શાદાબખાનની ખૂબ વધારે ટીકા થઈ રહી છે.

શાદાબ અનફિટ હોવાના લીધે થોડો સમય ટીમમાંથી બહાર રહ્યા, પરંતુ પાછા આવ્યા પછી એક ઑલરાઉન્ડર અને લેગ-સ્પિનર તરીકે તેમની પાસેથી એવી અપેક્ષા હતી જે ટીમને મદદ કરે.

શાદાબખાને શ્રીલંકા સામે દાંબુલા ટી20માં ‘પ્લેયર ઑફ ધ મૅચ’ એવૉર્ડ જીત્યો અને ઑસ્ટ્રેલિયા સામે પણ બે મૅચમાં સારું પ્રદર્શન કર્યું. અમેરિકા સામેનું પ્રદર્શન પણ ઠીક રહ્યું, પરંતુ જ્યારે વાત ધુરંધર ટીમની આવી તો તે બૅટિંગ અને બૉલિંગ બંનેમાં કંઈ ખાસ–સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા.

શાદાબખાન હોય કે અબરાર અહમદ, બંને એવા બૉલર છે, જેમણે મિડલ ઓવર્સમાં વિકેટ લેવી ખૂબ જરૂરી છે. અબરાર અહમદે પણ ભારત સામેની મૅચમાં નિરાશ કર્યા. તેમની ‘મિસ્ટ્રી બૉલિંગ’ની સૌ કોઈ રાહ જ જોતા રહ્યા.

પાકિસ્તાન ટીમના હેડ કોચ માઇક હેસને સાઇમ અય્યૂબને ઑલરાઉન્ડર તો બનાવી દીધા છે, પરંતુ બધા ઓપનર સાઇમ અય્યૂબને શોધી રહ્યા છે. સાઇમનો સ્પિન ઑપ્શન ટીમને લાભ કરાવે છે, પરંતુ એક ઓપનર તરીકે તેમનું ‘ક્યારેક સારું, તો ક્યારેક ખરાબ’ પ્રદર્શન સૌની સામે છે.

સાઇમ અય્યૂબે ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં એક હાફ-સેન્ચૂરી કરી, જ્યારે આ વર્લ્ડ કપની ત્રણ મૅચમાં તેમનો સૌથી મોટો સ્કોર માત્ર 24 રન જ રહ્યો છે. છેલ્લી 15 ઇનિંગ્સમાં તેમનું બૅટ માત્ર બે અર્ધસદી ફટકારી શક્યું છે.

ટૅલેન્ટ બગાડો નહીં

શાહીન આફરીદી, બાબર આઝમ અને શાદાબખાન ચાર-ચાર ટી20 વર્લ્ડ કપ રમી ચૂક્યા છે. મને નથી લાગતું કે આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ ત્રણેયને આ ફૉર્મેટમાં વધુ રમાડવા જોઈએ. જો એવું ન થાય, તો તે કોઈ પણ સંજોગોમાં સમજદારી નહીં ગણાય.

પાકિસ્તાન પાસે ટૅલેન્ટેડ બૅટ્સમૅનો અને બૉલરોની અછત નથી, બસ યોગ્ય સમયે તક આપીને તેમની ક્ષમતાનો લાભ લેવાની જરૂર છે.

સૂફિયાન મુકીમ, સલમાન મિર્ઝા, માઝ સદાકત, શામિલ હુસૈન અને બીજા ઘણા સારા ખેલાડી તક મળવાની રાહ જોઈ રહ્યા છે. એની પહેલાં કે સમય સરી જાય, આ પ્રતિભાશાળી ખેલાડીઓને મેદાનમાં ઉતારી દેવા જોઈએ.

મોટાં નામ બહુ જોઈ લીધાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS