Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
131મો બંધારણીય સુધાર કરવા માટેનો ખરડો શુક્રવારે લોકસભામાં રજૂ થયો હતો, જેની ઉપર મતદાન થયું, ત્યારે તે સંસદના નીચલાગૃહમાંથી પસાર નહોતો થઈ શક્યો.
કોઈપણ બંધારણીય સુધારને લોકસભામાંથી પસાર કરાવવા માટે હાજર સભ્યોમાંથી બે-તૃતીયાંશ બહુમતીની જરૂર રહે છે, જેને મેળવવામાં એનડીએ (નૅશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સ) ગઠબંધન નિષ્ફળ રહ્યું છે.
ખરડાને પસાર થવા માટે 362 મતની જરૂર હતી, ત્યારે બિલના સમર્થનમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા હતા.
આ તમામ બિલનો હેતુ લોકસભા તથા વિધાનસભાઓમાં 33 ટકા મહિલા અનામત સંબંધિત કાયદો લાગુ કરવાની, વર્ષ 2026ની પહેલાં થયેલી વસ્તીગણતરી (વર્ષ 2011ના આધારે) સીટોના પુનઃસીમાંકનને મંજૂરી આપવાની તથા લોકસભાની બેઠક સંખ્યાને 543થી વધારીને વધુમાં વધુ 815 કરવાની હતી.
કેટલાકે આ બિલનાં ટાઇમિંગ અને સરકારની મંછા ઉપર વિપક્ષે સવાલ ઊઠાવ્યા છે. સરકારને ખબર હતી કે તેની પાસે બે-તૃતીયાંશ બહુમતી નથી, છતાં આ બિલ શા માટે લાવી? આ બિલ લાવવા પાછળ સરકારની શું ગણતરી હતી?
મોદી સરકારની બિલ લાવવા પાછળ શું ગણતરી હતી?
ઇમેજ સ્રોત, X/INCIndia
બંધારણીય સુધારના ખરડા ઉપર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે વિપક્ષ મહિલા અનામતની વિરુદ્ધ છે.
લોકસભામાં બિલ પસાર ન થઈ શક્યું, એ પછી શાહે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર પોસ્ટમાં લખ્યું, “આજે લોકસભામાં ખૂબ જ વિસ્મયજનક દૃશ્ય જોવા મળ્યું. નારી શક્તિ વંદન અધિનિયિમ માટે જરૂરી બંધારણીય સુધારનું બિલ કૉંગ્રેસ, ટીએમસી (તૃણમુલ કૉંગ્રેસ), ડીએમકે અને સમાજવાદી પાર્ટીએ પસાર ન થવા દીધું. મહિલાઓને 33 ટકા અનામત આપતા બિલને પસાર ન થવાવું અને તેના માટે જયનાદ કરવોએ ખરેખર ટીકાપાત્ર અને કલ્પના બહારની વાત છે.”
અમિત શાહે લખ્યું, “દેશની લોકસભા અને વિધાનસભામાં 33 ટકા અનામત એ દેશની મહિલાઓનો હક્ક હતો, જે હવે તેમને નહીં મળી શકે. કૉંગ્રેસ અને તેમના સાથી પક્ષોએ આ પહેલી વખત નથી કર્યું, પરંતુ વારંવાર કર્યું છે. તેમની આ માનસિકતા ન તો મહિલાઓનાં હિતમાં છે કે ન તો દેશનાં હિતમાં.”
જોકે, વિપક્ષનું કહેવું છે કે સરકારે બંધારણની ઉપર કુઠારાઘાત ગણાવ્યો હતો. મીડિયા સાથે વાત કરતાં કૉંગ્રેસના સંસદસભ્ય અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “આ બંધારણ ઉપરનો હુમલો હતો, જેને અમે હરાવી દીધો, તે સારી વાત છે.”
રાહુલ ગાંધીએ કહ્યું, “અમે સ્પષ્ટપણે કહ્યું કે આ મહિલા (અનામત) બિલ નથી. ભારતનું જે ચૂંટણી માળખું છે, તેને બદલવાનો પ્રયાસ છે. હું વડા પ્રધાનને કહું છું કે જો તમે મહિલા બિલ લાવવા માંગતા હો, તો વર્ષ 2023નું મહિલા બિલ લઈ આવો. તેને આજથી જ લાગુ કરો. સમગ્ર વિપક્ષ તમને 100 ટકા ટેકો આપશે.”
રાજકીય વિશેષજ્ઞ આદેશ રાવલ કહે છે, “વર્ષ 2023માં જે બિલ પસાર થઈ ગયું છે અને બંધારણના ભાગરૂપ છે અને આપણને ખબર હતી કે તે 10 વર્ષ પછી લાગુ થશે, તો વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે જ તેને ફરીથી લાવવામાં આવ્યું. સ્પષ્ટ છે કે સરકાર આ રીતે વિપક્ષને દેશની અડધી વસતિ, એટલે કે મહિલાઓની વિરુદ્ધ દેખાડવાનો પ્રયાસ કરી રહી છે.”
બિલના ટાઇમિંગ અંગે સવાલ
ઇમેજ સ્રોત, Getty Images
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ ઍક્સ ઉપર લખ્યું કે કૉંગ્રેસ પાર્ટીએ ગુનો કર્યો છે. મીડિયા સાથે વાત કરતી વેળાએ તેમણે વિપક્ષ ઉપર નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યું, “કૉંગ્રેસ ઉપર આખી જિંદગી માટે કાળો ડાઘ લાગી ગયો છે. મહિલાવિરોધી કૉંગ્રેસ પાર્ટીને ભારતની જનતા, વિશેષ કરીને ભારતની મહિલાઓ ક્યારેય માફ નહીં કરે.”
આદેશ રાવલનું માનવું છે કે વિધાનસભાની ચૂંટણીઓની વચ્ચે આ બિલ લઈ આવવા પાછળનો હેતુ તેનો વિપક્ષ વિરુદ્ધ હથિયાર તરીકે ઉપયોગ કરવાનો હોય શકે છે.
આદેશ રાવલે બીબીસી હિંદી સાથે વાત કરતાં કહ્યું, “આ બંધારણીય સુધાર પસાર નથી થયો, પરંતુ તેની પાછળ બંગાળની ચૂંટણીની ગણતરી છે, તે સ્પષ્ટપણે દેખાય છે. તેમને (ભાજપ) લાગે છે કે બંગાળની મહિલાઓ વધારે પ્રૉગ્રેસિવ છે. તમામ બાબતોમાં અગ્રેસર રહીને ભાગીદારી કરે છે. એ જ કારણથી ટીએમસી મહિલાઓને સૌથી વધુ ભાગીદારી આપે છે.”
“આવનારી તમામ વિધાનસભા તથા લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન વારંવાર કહેશે કે મહિલાઓ માટે અનામત લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષી દળો ન માન્યાં.”
બીબીસી હિંદીએ આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદી સાથે વાત કરી. તેમણે કહ્યું, “સરકારને ખબર હતી કે તેની પાસે બિલને પસાર કરાવવા માટે જરૂરી બે-તૃતીયાંશ બહુમતી નથી, પરંતુ રાજકારણ એ શક્યતાઓની રમત છે. સરકારે કદાચ શક્યતાઓ તપાસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે સરકાર એવું નૅરેટિવ ઊભું કરવા માંગે છે કે વિરોધપક્ષો મહિલાવિરોધી છે.”
દક્ષિણ ભારતનાં રાજ્યોની ચિંતા
ઇમેજ સ્રોત, Getty Images
હાલ તો દક્ષિણ ભારતનાં રાજ્યો – આંધ્ર પ્રદેશ, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને તામિલનાડુમાં લોકસભાની કુલ 129 બેઠક છે. જ્યારે ઉત્તર પ્રદેશના બે રાજ્ય ઉત્તર પ્રદેશ અને બિહારમાં કુલ 120 લોકસભા બેઠકો છે.
દક્ષિણ ભારતનાં રાજ્યોના રાજકારણીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે પુનઃસીમાંકન પછી આ તફાવત વધી જશે.
તામિલનાડુના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિને મંગળવારે પ્રદર્શનોની ચેતવણી આપતાં કહ્યું હતું કે જો સરકાર પુનઃસીમાંકન મુદ્દે આગળ વધી અને તેના કારણે ઉત્તર ભારતના રાજ્યોને વધુ પડતી રાજકીય શક્તિ મળી, તો સમગ્ર રાજ્ય થંભી જશે.
તેમણે કહ્યું હતું, “હું આંબેડકરનું નામ લઈને કહું છું. જો તામિલનાડુને અસર થઈ, તો અમે ભારતનું ધ્યાન ખેંચીશું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તમારા માટે તામિલનાડુથી છેલ્લી ચેતવણી છે. તામિલનાડુ લડશે, તામિલનાડુ જીતશે.”
આદેશ રાવલ કહે છે, “દક્ષિણ ભારતના રાજનેતાઓને ચિંતા છે કે પુનઃસીમાંકન પછી ઉત્તર ભારતની બેઠકોની સંખ્યા એટલી બધી વધી ન જાય કે સરકાર બનાવવા માટે દક્ષિણ ભારતની જરૂર જ રહે અને આ બાબત દેશ માટે વિભાજનકારક બની શકે છે.”
વિજય ત્રિવેદી કહે છે, આ બિલ પસાર નથી થયું, એટલે મને લાગે છે કે તે તામિલનાડુમાં બહુ મોટો મુદ્દો નહીં બને, કારણ કે ત્યાં મુખ્ય મુદ્દો પુનઃસીમાંકનનો હતો. બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી એક મહિલા નેતા તરીકે કામ કરી રહ્યાં છે અને મહિલા મતદારો સાથે જોડાયેલાં છે.”
“ભાજપ તેમને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરશે. એક રાજકીય પક્ષ તરીકે આમ કરવું એ મારા હિસાબે ખોટું પણ નથી. એમાં ભાજપ કેટલો સફળ થશે, એ આવનારો સમય જ કહેશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



