Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Russian FM Press Service/Anadolu via Getty Images
અપડેટેડ 6 મિનિટ પહેલા
વાંચવાનો સમય: 3 મિનિટ
અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં થયેલી વાતચીત નિષ્ફળ રહ્યા બાદ પાકિસ્તાની વિદેશ મંત્રી ઇસહાક ડારનું એક નિવેદન આવ્યું છે.
ઇસહાક ડારે અમેરિકા અને ઈરાનને અપીલ કરતા કહ્યું છે કે “આ અનિવાર્ય છે કે બંને પક્ષ યુદ્ધવિરામ પર પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખે.”
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના ઍક્સ હૅન્ડલ પરથી કરવામાં આવેલી પોસ્ટમાં કહેવાયું છે કે “અમને આશા છે કે બંને પક્ષ સકારાત્મક ભાવના સાથે આગળ વધશે, જેનાથી આખા ક્ષેત્રમાં આગળ જઈને સ્થાયી શાંતિ અને સમૃદ્ધિ હાંસલ કરી શકાય.”
પોસ્ટના અંતમાં પાકિસ્તાને કહ્યું કે તેઓ આવનારા દિવસોમાં પણ અમેરિકા અ ઈરાન વચ્ચે વાતચીત આગળ વધારવામાં પોતાની ભૂમિકા ભજવતું રહેશે.
જેડી વેન્સે જણાવ્યું, ટ્રમ્પ સાથે યુએસ-ઈરાન વાટાઘાટો દરમિયાન કેટલી વખત વાતચીત કરી
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ઈરાનના પ્રતિનિધિમંડળ સાથે વાટાઘાટો કરવા માટે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પહોંચ્યા હતા.
જ્યાં વેન્સે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટોમાં સહમતિ સાધી શકાય નથી.
વેન્સે જણાવ્યું હતું કે ઈરાન સાથેની વાટાઘાટો દરમિયાન તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સતત સંપર્કમાં હતા.
વેન્સે કહ્યું કે ઈરાન સાથેની વાતચીતમાં ટ્રમ્પ સામેલ થયા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે આ ગાળામાં રાષ્ટ્રપતિએ “અડધો ડઝન” થી લઈને “એક ડઝન વખત” વાત કરી.
વેન્સે કહ્યું કે અમેરિકાએ એક ખૂબ જ સરળ પ્રસ્તાવ આપ્યો છે. એ જ “છેલ્લી અને બેસ્ટ ઑફર” છે.
તેમણે કહ્યું, “અમે જોઈશું કે ઈરાન તેને સ્વીકારે છે કે નહીં.”
પત્રકાર પરિષદ બાદ વેન્સ અને તેમની ટીમ ઍરફોર્સ 2માં બેસીને અમેરિકા જવા રવાના થઈ હતી.
ટ્રમ્પના જમાઈ જેરેડ ક્રુશ્નર તથા મધ્યપૂર્વ એશિયા માટે ટ્રમ્પના વિશેષ દૂત સ્ટિવ વિટકૉફ પણ આ વાટાઘાટોમાં સામેલ થયા હતા. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેઓ વેન્સની પાછળ ઊભા હતા.
લેબનોનના વડા પ્રધાને યુએન-યુએસનો પ્રવાસ મોકૂફ રાખ્યો
ઇમેજ સ્રોત, Manon Roca / Middle East Images / AFP via Getty Images
લેબનોનના વડા પ્રધાન નવાફ સલામે તેમનો સંયુક્ત રાષ્ટ્રો (યુએન) તથા અમેરિકાનો પ્રવાસ મોકૂફ કર્યો છે.
સલામે લખ્યું, “લેબનોના લોકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા અને એકતા પ્રત્યેની મારી ફરજને બજાવવા” તેમણે પ્રવાસ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.
નવાફ સલામે લખ્યું કે તેઓ રાજધાની બૈરુતમાં જ રહેશે અને સરકારી કામકાજ કરશે.
બીજી બાજુ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાને ટાંકતા ઈરાનની ન્યૂઝ એજન્સી ફાર્સે કહ્યું કે તેઓ સતત પણે લેબનોન સાથે સંપર્કમાં છે અને લેબનોનમાં પણ યુદ્ધવિરામનું પાલન થાય, તે સુનિશ્ચિત કરી રહ્યા છે.
ભારતીય સમય પ્રમાણે, રવિવારે સવારે પાકિસ્તાનમાં ચાલી રહેલી ઈરાન તથા અમેરિકા વચ્ચેની વાટાઘાટો પડી ભાંગી હતી. તેની લેબનોનના મોરચે શું અસર થાય છે, તે જોવું રહ્યું.
બીજી બાજુ, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જાહેરાત કરી છે કે ઈરાન અને લેબનોન સામેનું તેમનું અભિયાન પૂર્ણ નથી થયું.
એસ જયશંકર યુએઈના પ્રવાસે પહોંચ્યા
ઇમેજ સ્રોત, ANI
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર યુએઈની (સંયુક્ત આરબ અમીરાત) યાત્રાએ અબુધાબી પહોંચ્યા છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ લખે છે કે શનિવારે યાત્રાના પહેલા દિવસે તેમણે ત્યાં વસતા ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો હતો. એસ. જયશંકર બે દિવસની યાત્રા ઉપર યુએઈ પહોંચ્યા છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એસ. જયશંકરે લખ્યું, “ભારતીય સમુદાય સાથે ચર્ચા દ્વારા મેં મારા યુએઈ પ્રવાસની શરૂઆત કરી. મેં મધ્યપૂર્વ એશિયાના સંઘર્ષ દરમિયાન ભારત સરકારના ક્ષેમ-કુશળ તથા સુરક્ષા માટેના પ્રયાસો વિશે જાણકારી આપી.”
એસ. જયશંકરે કપરા સમયમાં ત્યાં ભારતીય સમુદાયે કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી તથા ભારતીય સમુદાયના કલ્યાણનું ધ્યાન રાખવા બદલ ત્યાંની સરકારનો આભાર માન્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



