Home તાજા સમાચાર gujrati ઈરાને અમેરિકાનું ફાઇટર જેટ તોડી પાડ્યું હોવાનો દાવો, અત્યાર સુધી શું સામે...

ઈરાને અમેરિકાનું ફાઇટર જેટ તોડી પાડ્યું હોવાનો દાવો, અત્યાર સુધી શું સામે આવ્યું? – ન્યૂઝ અપડેટ

18
0

Source : BBC NEWS

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

3 એપ્રિલ 2026, 07:50 IST

અપડેટેડ એક કલાક પહેલા

વાંચવાનો સમય: 8 મિનિટ

અમેરિકાનું એક ફાઇટર જેટ એફ-15 ઈરાનના દક્ષિણ ભાગમાં પાડી દેવાયું હોવાના સમાચાર છે. તેના ક્રૂ મૅમ્બર્સને શોધવા માટે સર્ચ અને રૅસ્ક્યૂ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

બીબીસીના અમેરિકી પાર્ટનર સીબીએસ ન્યૂઝ અનુસાર, આ ઘટનાની બે સૂત્રોએ પુષ્ટિ કરી છે.

અત્યાર સુધીમાં શું સામે આવ્યું છે?

આ સમાચાર સૌપ્રથમ ઈરાની મીડિયામાં આવ્યા હતા, જેમાં તસ્નીમ ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો હતો કે અમેરિકા તેના ક્રૂ મૅમ્બર્સને શોધી રહ્યું છે.

એક્સિઓસ, રૉઇટર્સ અને ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સે પણ એક અમેરિકન અધિકારીને ટાંકીને આ સમાચાર આપ્યા છે. અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખીને માહિતી આપી હતી પરંતુ વધુ વિગતો આપી ન હતી.

આ પહેલાં ગુરુવારે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ કેશ્મ ટાપુ પર વિમાનને તોડી પાડવામાં આવ્યું હોવાના દાવાઓને નકાર્યા હતા.

હજુ શું અસ્પષ્ટ છે?

સેન્ટકોમનું અગાઉનું નિવેદન આ તાજેતરના અહેવાલો સાથે સંબંધિત છે કે કેમ તે સ્પષ્ટ નથી.

ક્રૂ મેમ્બરનું શું થયું, તેઓ ક્યાં છે અને વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે અંગે કોઈ માહિતી નથી.

સીબીએસ અનુસાર, અમેરિકા એક ક્રૂ-મૅમ્બરને બચાવવામાં સફળ રહ્યું છે.

વધુ માહિતી માટે બીબીસીએ સેન્ટકોમનો સંપર્ક કર્યો છે, પરંતુ આ લખાય છે ત્યાં સુધી કોઈ જવાબ મળ્યો ન હતો.

ઑપરેશન સિંદૂરઃ ભારતના નિવેદન સામે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ જવાબ આપ્યો

બીબીસી ગુજરાતી રાજનાથસિંહ ભારત પાકિસ્તાન ખ્વાજા આસિફ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે “પાકિસ્તાન ફરીથી કોઈ દુઃસાહસ કરશે તો ભારતીય સેના અભૂતપૂર્વ કાર્યવાહી કરશે.” તેમણે કહ્યું કે “ઑપરેશન સિંદૂર હજુ ચાલુ છે.”

બીજી તરફ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે “વારંવાર કરવામાં આવતાં નિવેદનો એ શક્તિ નહીં, પરંતુ પહલગામ હુમલાની વર્ષગાંઠ નજીક આવતી હોવાથી રણનીતિક બેચેની દેખાડે છે.”

અગાઉ બુધવારે મુંબઈમાં ભારતીય નેવીના વડા એડમિરલ દિનેશકુમાર ત્રિપાઠીએ કહ્યું કે, ગયા વર્ષે મે મહિનામાં પાકિસ્તાને જ્યારે યુદ્ધવિરામનો અનુરોધ કર્યો હતો, ત્યારે ભારતીય નેવી સમુદ્રના માર્ગે પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાથી ‘માત્ર અમુક મિનિટ’ દૂર હતી.

25 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકોને નિશાન બનાવીને હુમલો કરાયો હતો જેમાં 26 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

ત્યાર પછી 6 અને 7 મેની રાતે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં કટ્ટરપંથી કેમ્પો પર હુમલા કર્યા હતા. આ અભિયાનને ઑપરેશન સિંદૂર નામ અપાયું હતું. ત્યાર પછી ભારત-પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ થયો હતો.

રાજકોટ : એઇમ્સના દલિત વિદ્યાર્થીના આત્મહત્યા કેસમાં પાંચેય આરોપીઓને જામીન મળ્યા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રાજકોટ રાજકોટ : એઇમ્સના દલિત વિદ્યાર્થીના આત્મહત્યા કેસમાં પાંચેય આરોપીઓને જામીન મળ્યા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ગત મહિને રાજકોટની એઇમ્સમાં એમબીબીએસમાં ભણતા દલિત વિદ્યાર્થીની કથિત આત્મહત્યા બાદ આત્મહત્યાના દુષ્પ્રેરણ અને ઍટ્રોસિટી ઍક્ટની કલમ-3 અંતર્ગત પકડાયેલા પાંચ સહાધ્યાયીઓના જામીન ગુરુવારે સેશન્સ કોર્ટે મંજૂર કર્યા હતા.

નોંધનીય છે કે મૃતક વિદ્યાર્થી રતનકુમાર મેઘવાલે રાજકોટના માધાપર ગામ પાસે રેલવે ટ્રૅક પર કથિત રીતે આત્મહત્યા કરી લેતાં સમગ્ર કેસ ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે 26 વર્ષના રતનકુમાર રાજસ્થાનના જેસલમેર જિલ્લાના ફલસુંડ ગામના વતની હતા અને એમબીબીએસના પાંચમા વર્ષમાં એઇમ્સ, રાજકોટ ખાતે અભ્યાસ કરી રહ્યા હતા.

રતનકુમારે એક કથિત સુસાઇડ નોટમાં આક્ષેપ કર્યો હતો કે આ વર્ષે જાન્યુઆરી માસમાં તેમના પાંચ સહાધ્યાયીઓએ ભેગા મળીને હૉસ્ટેલમાં તેમને માર માર્યો હતો અને તેમણે આ બાબતે કૉલેજને ફરિયાદ કરી હતી, પરંતુ કૉલેજે તેમની સામે કોઈ કાર્યવાહી ન કરતાં તેઓ અંતિમ પગલું ભરી રહ્યા છે.

પોલીસે પાંચેય આરોપીઓની 14 તારીખે જ ધરપકડ કરી લીધી હતી અને 15 તારીખે તેમને એક સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આરોપી પક્ષના વકીલે આરોપીઓ વતી મૃત્યુ પામનાર છાત્રના અંતિમ પત્રમાં લખેલાં નિવેદનો અને મૃતકના ‘માનસિક સ્વાસ્થ્ય’ને કેન્દ્રમાં રાખી દલીલો કરી હતી. સામે પક્ષે ફરિયાદી અને પોલીસ દ્વારા જામીન અરજીનો વિરોધ કરી આરોપીઓ સામે પ્રથમ દર્શનીય રીતે મજબૂત કેસ હોવાની વાત કહી હતી.

જોકે, સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી પાંચેય આરોપીઓના જામીન મંજૂર કરી દીધા હતા.

કોર્ટે જામીન અંગેનો હુકમ કરતાં નોંધ્યું કે, “આરોપી અને મૃતક વચ્ચે 30 જાન્યુઆરી 2026થી કોઈ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સંપર્ક સ્થાપિત થયો નથી. તેથી મૃતકને આત્મહત્યા માટે સતત દુષ્પ્રેરણા કરી હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાતું નથી.”

(નોંધ: આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની ‘જિંદગી હેલ્પલાઇન 1096’ પર કે ભારત સરકારની ‘જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330’ પર ફોન કરી શકો છો. આ સિવાય આસરા વેબસાઇટ અથવા તો વૈશ્વિક સ્તર પર બીફ્રૅન્ડર્સ વર્લ્ડવાઇડ પાસેથી પણ સહયોગ મેળવી શકો છો.)

પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ 450 રૂપિયા પહોંચ્યો, ડીઝલના ભાવો કેટલા વધ્યા?

પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ 450 રૂપિયા પહોંચ્યો, ડીઝલના ભાવો કેટલા વધ્યા? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ઉર્દૂના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભારે વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો ગુરુવાર શુક્રવારની મધ્યરાતથી અમલમાં આવી ગઈ છે.

ગુરુવાર રાત્રે પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિક અને નાણાં મંત્રી મહંમદ ઔરંગઝેબે એક પ્રેસ કૉન્ફરન્સમાં જાણકારી આપી હતી કે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 137.23 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 184.49 રૂપિયા વધારવામાં આવશે.

આ પછી હવે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 458.41 પાકિસ્તાની રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 520.35 પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

અર્થાત ભારતીય રૂપિયાના હિસાબે, પાકિસ્તાનમાં પેટ્રોલ લગભગ 152 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ લગભગ 173 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.

(નોંધ: એક ભારતીય રૂપિયા પાકિસ્તાનના ત્રણ રૂપિયાના બરાબર છે)

ઈરાન યુદ્ધ શરૂ થયા બાદથી પાકિસ્તાન સરકારે છેલ્લા એક મહિનામાં બીજી વાર પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યો છે. તે પહેલાં, ચાર માર્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 55 55 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના ઉપ નેતાપદેથી હઠાવ્યા બાદ રાઘવ ચડ્ડાએ શું કહ્યું?

રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના ઉપનેતાપદેથી હઠાવ્યા બાદ રાઘવ ચડ્ડાએ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

આમ આદમી પાર્ટી (આપ)એ રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડરની જવાબદારી રાઘવ ચડ્ડાના બદલે અશોક કુમાર મિત્તલને સોંપી દીધી છે.

આ પછી શુક્રવારે રાઘવ ચડ્ડાએ એક વીડિયો જાહેર કરીને આ નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું, “મને ચૂપ કરાવવામાં આવ્યો છે, હું હાર્યો નથી.”

તેમણે કહ્યું, “મને જ્યારે જ્યારે સંસદમાં બોલવાની તક મળે છે, ત્યારે હું જનતાના મુદ્દા ઉઠાવું છું અને કદાચ એવા મુદ્દા ઉઠાવું છું જે સામાન્ય રીતે સંસદમાં ઉઠાવવામાં નથી આવતાં. પરંતુ શું જનતાના મુદ્દા ઉઠાવવા, જનતાની સમસ્યાઓ પર વાત કરવી, એ કોઈ અપરાધ છે?”

રાઘવ ચડ્ડાએ આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને કહ્યું છે કે રાજ્યસભામાં તેમના ‘બોલવા પર રોક લાગી દેવામાં આવે’.

તેમણે કહ્યું, “મારા બોલવા પર કોઈ રોક શા માટે મૂકવા માંગે છે?”

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદે આગળ કહ્યું, “મેં જે મુદ્દા ઉઠાવ્યા, તેનાથી આમ આદમીને તો ફાયદો થયો. પરંતુ આમ આદમી પાર્ટીને શું નુકસાન થયું? ભલા, કોઈ મને બોલવાથી શા માટે રોકવા માંગશે? કોઈ મારી અવાજ શા માટે બંધ કરવા માંગશે?”

આમ આદમી પાર્ટીની તરફથી આ બદલાવ પર કોઈ અધિકૃત માહિતી આપવામાં આવી નથી.

ગુરુવારે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીત દરમિયાન અશોકકુમાર મિત્તલે કહ્યું હતું, “રાજ્યસભા અથવા લોકસભામાં પાર્ટીના જે લીડર અથવા ડેપ્યુટી લીડર હોય છે, સમય સમય પર તેમાં બદલાવ થતો રહે છે. રાઘવજી પહેલા એન. ડી. ગુપ્તાજી ડેપ્યુટી લીડર હતા, આજે હું બન્યો છું, કાલે કોઈ બીજા આવશે.”

તેમણે કહ્યું, “અમારી પાર્ટી લોકતાંત્રિક પાર્ટી છે અને તે સમય સમય પર પાર્ટીના લોકોને તાલીમ પણ આપવા માંગે છે અને સૌની પ્રતિભાને પ્રોત્સાહિત કરવાની કોશિશ પણ કરે છે. આ જ કડીમાં પાર્ટીએ આ નિર્ણય લીધો છે જેથી હું આ જવાબદારી નિભાવું અને વધુ શીખી શકું.”

તેમણે કહ્યું કે પાર્ટીમાં બધું ઠીક છે.

ઈરાન યુદ્ધ : અમેરિકા રોજ કેટલો ખર્ચ કરે છે?

ઈરાન યુદ્ધ : અમેરિકા રોજ કેટલો ખર્ચ કરે છે? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

ઈરાન યુદ્ધને કારણે અમેરિકાને ભારે ખર્ચો ઉઠાવવો પડી રહ્યો છે.

અમેરિકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા મહિનામાં યુદ્ધના છ દિવસ બાદ પેન્ટાગોને અમેરિકાના સાંસદોને જણાવ્યું હતું કે આ યુદ્ધ પર ત્યાર સુધી 11.3 અબજ ડૉલરનો ખર્ચ થઈ ચૂક્યો હતો.

રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ યુદ્ધમાં સેંકડો ટૉમહૉક મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો તથા એક ટૉમહૉક મિસાઇલની કિંમત 35 લાખ ડૉલર એટલે કે લગભગ 32 કરોડ રૂપિયા થાય છે.

જેમ જેમ યુદ્ધ લંબાતુ ગયું, અમેરિકા માટે યુદ્ધનો ખર્ચો અલગ-અલગ રહ્યો.

અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે ઈરાન નબળું પડતાં ડિફેન્સ સિસ્ટમને કારણે ખર્ચામાં ઘટાડો થયો છે. પરંતુ વિશેષજ્ઞોનું અનુમાન છે કે આ સંઘર્ષમા હજુ રોજ લગભગ 385 મિલિયન ડૉલર એટલે કે લગભગ 3500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચો થઈ રહ્યો છે.

અમેરિકાના સંરક્ષણ વિભાગનું પણ કહેવું છે કે ઈરાની ડ્રૉન તથા મિલાઇલ હુમલામાં 90 ટકા ઘટાડો થયો છે.

અમેરિકા : ટ્રમ્પ પ્રશાસને આર્મી ચીફ ઑફ સ્ટાફને પદ પરથી હઠાવ્યા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ, ઈરાન યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકન સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે આર્મી ચીફ ઑફ સ્ટાફ રેન્ડી જ્યૉર્જને તેમના પદ પરથી રાજીનામું આપવાનું કહ્યું છે.

પેન્ટાગનના મુખ્ય પ્રવક્તતા સીન પાર્નેલે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે જ્યૉર્જ “અમેરિકન સૈન્યના 41માં ચીફ ઑફ સ્ટાફના પદથી તાત્કાલિક અસરથી નિવૃત્ત થઈ રહ્યા છે.”

આર્મી ચીફનો કાર્યકાળ સામાન્યપણે ચાર વર્ષનો હોય છે.

રેન્ડી જ્યૉર્જે વેસ્ટ પૉઇન્ટ મિલિટરી ઍકેડેમીથી શિક્ષણ મેળવ્યું છે. તેમને 2023માં પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડને આ પદ માટે પસંદ કર્યા હતા.

આ લેટેસ્ટ ફેરબદલ એવા સમયે થઈ છે જ્યારે ટ્રમ્પે રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે ઈરાન સાથે અમેરિકા-ઇઝરાયલ યુદ્ધ ‘ખૂબ જલદી’ સમાપ્ત થવાની આશા છે.

જ્યૉર્જે પ્રથમ અખાતના યુદ્ધ અને બાદમાં ઇરાક અને અફઘાનિસ્તાનમાં હાલના સંઘર્ષોમાં એક ઇન્ફેન્ટ્રી અધિકારી તરીકે સેવા આપી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાનના ‘સૌથી મોટા પુલ’ પર હુમલાના દાવા પર ઈરાને શું પ્રતિક્રિયા આપી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ, ઈરાન યુદ્ધ

ઇમેજ સ્રોત, X/@araghchi

અમેરિકાએ ઈરાનના ‘સૌથી મોટા પુલ’ પર હુમલો કર્યો છે. આ વાતની જાણકારી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એખ વીડિયો પણ શૅર કર્યો છે, જેમાં વિસ્ફોટના સ્થળેથી કાળો ધુમાડો ઊઠતો દેખાઈ રહ્યો છે.

તેમણે કહ્યું, “ઈરાનનો સૌથી મોટો પુલ તોડી પડાયો છે, હવે તેનો ફરી ક્યારેય ઉપયોગ નહીં કરી શકાય.”

આ સાથે જ અમેરિકન રાષ્ટ્રપતિએ ઈરાનને ફરી ચેતવણી આપી છે. તેમણે કહ્યું, “એ પહેલાં કે ખૂબ મોડું થઈ જાય અને ત્યાં કંઈ પણ ન બચે, ઈરાન માટે આ સમાધાન કરવાનો સમય છે, જે હજુ પણ એક મહાન દેશ બની શકે છે.”

ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ આ હુમલાની પુષ્ટિ કરી છે અને નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવાયા બાદ કડક પ્રતિક્રિયા આપી છે.

અરાઘચીએ કહ્યું, “અધૂરા બનેલાં પુલો સહિત નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા ઈરાનીઓને સરેન્ડર કરવા માટે મજબૂર નહીં કરે. આ માત્ર અવ્યવસ્થામાં ફસાયેલા એક દુશ્મની હાર અને નૈતિક પતનને બતાવે છે.”

તેમણે કહ્યું, “દરેક પુલ અને ઇમારતને ફરીથી વધુ મજબૂતી સાથે બનાવાશે, પરંતુ અમેરિકાની શાખને થયેલ નુકસાન ક્યારેય રિકવર નહીં થઈ શકે.”

ડોનાલ્ડ ટ્રમ્પે ઍટર્ની જનરલ પૅમ બૉન્ડીને પદ પરથી હઠાવ્યાં

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ, ઈરાન યુદ્ધ

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઍટર્ની જનરલ પૅમ બૉન્ડીને તેમના પદ પરથી હઠાવી દીધાં છે. બૉન્ડી લાંબા સમયથી ટ્રમ્પના સહયોગી અને તેમના પ્રશાસનનાં મજબૂત સમર્થક રહ્યાં છે.

અમેરિકામાં ઍટર્ની જનરલ દેશના ટોચના કાયદાના અમલીકરણ માટેના અધિકારી હોય છે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં પૅમ બૉન્ડીની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ પ્રાઇવેટ સેક્ટરમાં નવી ભૂમિકામાં જોવા મળશે.

ન્યાય વિભાગમાં પણ બૉન્ડીના કાર્યકાળ દરમિયાન જેફ્રી ઍપ્સ્ટીનને લગતી ફાઇલો જાહેર કરવા અને યૌન અપરાધી ઍપ્સ્ટીનની તપાસ અંગે વિવાદ હંમેશાં જળવાયેલો રહ્યો.

હાલનાં અઠવાડિયાંમાં ટ્રમ્પ પ્રશાસનનાં તેઓ એવાં બીજાં અધિકારી છે, જેમને પદ પરથી હઠાવાયાં છે. આ પહેલાં 1 માર્ચના રોજ ક્રિસ્ટી નોએમને હોમલૅન્ડ સિક્યૉરિટીના પ્રમુખપદેથી હઠાવી દેવાયા હતા. બૉન્ડીના પૂર્વ ડેપ્યુટી ટૉડ બ્લેન્ચ તેમનું સ્થાન લેશે.

બૉન્ડીએ કહ્યું કે તેઓ પોતાનું કામ બ્લૅન્ચને સોંપવા માટે “સતત કામ કામ કરશે.” તેમણે કહ્યું કે આ પદ તેમના જીવનનું “સન્માન” રહ્યું છે.

તેમણે એવું પણ કહ્યું કે પ્રાઇવેટ સેક્ટરમાં પોતાની નવી ભૂમિકામાં પણ તેઓ “રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને આ તંત્ર માટે લડાઈ ચાલુ રાખશે.” જોકે, તેમણે એ ન જણાવ્યું કે પ્રાઇવેટ સેક્ટરમાં તેમની નવી ભૂમિકા શું હશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS