Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Madhuraj/Kochi Biennale Foundation
(ચેતવણી: આ અહેવાલમાં કેટલીક તસવીરો વાચકોને વિચલિત કરી શકે છે)
વિકૃત થઈ ગયેલાં અંગો અને સૂજી ગયેલાં માથાં સાથેનાં બાળકોની આ ભયાનક તસવીરો તાજેતરમાં ચાલી રહેલા કોચી-મુઝિરિસ દ્વિવાર્ષિક ઍક્ઝિબિશનમાં દર્શાવવામાં આવી છે.
આ ઍક્ઝિબિશન કેરળમાં આયોજિત થાય છે અને સમકાલીન કલાઓનું મોટું પ્રદર્શન ગણાય છે.
ફોટોજર્નલિસ્ટ મધુરાજે આ તસવીરો ખેંચેલી છે. આ તસવીરો 1990 અને 2000ના દાયકામાં કેરળના કાસરગોડ જિલ્લામાં સેંકડો બાળકો પર એક સસ્તા, પરંતુ અતિશય ઝેરી એવા ઍન્ડોસલ્ફાન કીટનાશકની કેવી ભયંકર અસર થઈ હતી એ દર્શાવે છે.
1970ના દાયકાની શરૂઆતથી લગભગ 20 વર્ષ સુધી કેરળના પ્લાન્ટેશન કૉર્પોરેશને ઍન્ડોસલ્ફાનનો કાજુના છોડ પર લગભગ બે-ત્રણ વર્ષ સુધી છંટકાવ કર્યો હતો. ત્યાર બાદ આ કીટનાશકનો ચા, કેરી અને અનાજના અન્ય પાકો પર પણ છંટકાવ થવા લાગ્યો હતો.
ઇમેજ સ્રોત, Madhuraj/Kochi Biennale Foundation
1990ના દાયકામાં સ્થાનિકોએ પ્રાણીઓ અને બાળકોમાં વિચિત્ર પ્રકારના જન્મજાત વિકારો તરફ ધ્યાન દોર્યું હતું. બાળકોમાં શારીરિક અને માનસિક બંને પ્રકારના વિકારો, જેમ કે સેરેબ્રલ પાલ્સી, ઍપિલેપ્સી અને હાઇડ્રોસેફાલસ (મગજમાં પ્રવાહી જામી જવું) સામેલ હતા.
સ્થાનિકોએ ચામડી પર ચકામાં, હોર્મોનલ તકલીફો, અસ્થમા અને કૅન્સર જેવી ફરિયાદો પણ કરી હતી. આગળ જતાં કેટલાક પર્યાવરણીય સંગઠનો અને કેરળ સરકારે તેને ઍન્ડોસલ્ફાનને કારણે થયેલી ઝેરી અસરો ગણાવી હતી.
જોકે, ભારતમાં કેટલાક વૈજ્ઞાનિકોએ ઍન્ડોસલ્ફાનને આ રોગો સાથે જોડવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આના માટે પૂરતાં કારણો નથી, પરંતુ 2004માં કેરળ પ્રદૂષણ નિયમન બોર્ડે આ કીટનાશકને વાપરવાનું બંધ કરી દીધું હતું.
2011માં ‘સ્ટૉકહોમ કન્વેન્શન ઑન પરસિસ્ટન્ટ ઑર્ગેનિક પૉલ્યુટન્ટ્સે’ વૈશ્વિક સ્તરે ઍન્ડોસલ્ફાનના ઉપયોગ અને ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો હતો. એ જ વર્ષે ભારતની સુપ્રીમ કોર્ટે પણ તેનાં ઉપયોગ, ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો.
ઇમેજ સ્રોત, Madhuraj/Kochi Biennale Foundation
2017માં સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને કુલ પાંચ હજાર પીડિત પરિવારોને પ્રતિ પરિવાર પાંચ લાખનું વળતર આપવાનો આદેશ કર્યો હતો, પરંતુ મધુરાજનું કહેવું છે કે હજુ ઘણા પરિવારોને આ વળતર મળ્યું નથી.
બીબીસીએ આ મુદ્દે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ પાસેથી જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો છે.
મોટા ભાગના પીડિતો ગરીબ મજૂરો હતા અને તેમના પરિવારો વંચિત જાતિઓ અને આદિવાસી પરિવારોમાંથી આવે છે. તેમની પાસે પોષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ મેળવવાની ખૂબ ઓછી તક છે.
મધુરાજે કેરળના કાસરગોડમાં છેલ્લા બે દાયકાથી ઍન્ડોસલ્ફાનનું દસ્તાવેજીકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે એ પરિવારોની મુલાકાત લીધી છે જેઓ માને છે કે તેમના સ્વજનોને ઍન્ડોસલ્ફાનને કારણે ગંભીર અસરો થઈ છે.
મધુરાજે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “મેં પીડિતો પર કેવી વિનાશકારી અસરો થઈ એ મારી આંખે જોયું છે. આ કીટનાશકે કેવી રીતે પરિવારો વિખેરી નાખ્યા એ મેં જોયું છે.”
તેઓ કહે છે, “ઘણા ઘરમાં તો એકથી વધુ બાળકો એવાં હતાં જેમને શારીરિક કે માનસિક વિકલાંગતા હોય. આવા પરિવારો માટે તો તેમનો ઉછેર જ સૌથી મોટો પડકાર બની ગયો હતો. મેં ઘણા વૃદ્ધ લોકોને પણ જોયા છે જેમને તેમના લાઇફ પાર્ટનરની વિશેષ કાળજી લેવી પડતી હોય. આ બધી વ્યક્તિઓ પર પણ પેસ્ટિસાઇડની લાંબા ગાળાની અસર થઈ હતી.”
મધુરાજે ખેંચેલી આ તસવીરો છેલ્લા અઢી દાયકાની છે.
ઇમેજ સ્રોત, Madhuraj/Kochi Biennale Foundation
1990 અને 2000ના દાયકામાં સિવિલ સોસાયટી ગ્રૂપ્સ, પર્યાવરણ સંગઠનો અને સ્થાનિક લોકોએ ઍન્ડોસલ્ફાન પર પ્રતિબંધ મૂકવા માટે ઉગ્ર વિરોધપ્રદર્શનો કર્યાં હતાં.
વર્ષો સુધી જે માતાપિતા તેમનાં બાળકો સાથે આ વિરોધપ્રદર્શનોમાં ભાગ લેતાં રહ્યાં. તેઓ માનતાં હતાં કે તેમનાં બાળકો પર આ કીટનાશકની અસર થઈ છે. આથી, તેઓ સરકાર પાસે તબીબી મદદ અને વળતરની માગ કરી રહ્યાં હતાં.
મધુરાજનું કહેવું છે કે આ વાલીઓએ જાહેર સ્તરે વર્ષો સુધી લડાઈ લડી છે, પરંતુ આ સાથે જ તેઓ તેમનાં બાળકોને જીવિત રાખવા માટેની લડાઈ પણ જાણે કે લડી રહ્યા હતા.
તેઓ કહે છે, “કેરળમાં આનાથી પ્રભાવિત વિસ્તારોની મેં જેટલી મુલાકાતો લીધી તેનાથી એ વાત સાથે હું સહમત થયો હતો કે જે રાજ્યે સ્વાસ્થ્ય સુવિધાઓમાં સારું કામ કર્યું છે તેણે ઍન્ડોસલ્ફાન ટ્રેજેડીના પીડિતો સાથે ન્યાય નથી કર્યો.”
ઇમેજ સ્રોત, Madhuraj/Kochi Biennale Foundation
વિમળા અને તેમનાં પુત્રી રેશમાની અતિશય દર્દનાક કહાણી છે. રેશમાનું જ્યારે મૃત્યુ થયું ત્યારે તેમની ઉંમર માત્ર 28 વર્ષની હતી. તેનાથી એ વાતનો ખ્યાલ આવે છે ઍન્ડોસલ્ફાન ટ્રેજેડી એ કેટલી ભયાનક હશે.
મીડિયા અહેવાલો અનુસાર રેશમાનો જન્મ માનસિક વિકલાંગતા સાથે થયો હતો. તેમનાં માતા જ્યારે કામ પર જતાં હતાં ત્યારે તેમનાં દાદીમા તેમનું ધ્યાન રાખતાં હતાં. તેમના પિતાનું તો જ્યારે તેઓ બાળક હતાં ત્યારે જ મૃત્યુ થઈ ગયું હતું. 2014માં તેમનાં દાદીમાનું પણ મૃત્યુ થઈ ગયું.
2019માં કોરોનાકાળામાં એ સ્પેશિયલ શાળા પણ બંધ થઈ ગઈ જ્યાં રેશમા જતાં હતાં.
2022માં પોલીસે કહ્યું હતું કે વિમળાએ પોતાનો જીવ લીધો એ પહેલા કથિતપણે તેમની દીકરી રેશમાને પણ મારી નાખી હતી. પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે વિમળા તેમની દીકરીની એકલાં સારસંભાળ લઈ શકતાં નહોતાં.
મધુરાજ કહે છે કે તેમણે કોચીમાં યોજાતા આ ઍક્ઝિબિશનમાં તેમની તસવીરો દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી ઍન્ડોસલ્ફાન ટ્રેજેડી વિશે વધુ લોકોને જાણ થાય.
તેઓ કહે છે, “આવી ભયાનક ટ્રેજડી અને તેમાં લોકોના ગયેલા જીવ, આ બધી બાબતો ક્યારેય ભુલાઈ ન જવી જોઈએ.”
ઇમેજ સ્રોત, Madhuraj/Kochi Biennale Foundation
ઇમેજ સ્રોત, Madhuraj/Kochi Biennale Foundation
ઇમેજ સ્રોત, Madhuraj/Kochi Biennale Foundation
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS


