Home તાજા સમાચાર gujrati ’18 કરોડનું ફાર્મહાઉસ, VIPની આવ-જા અને જાતીય શોષણના આરોપો’, મંદિર બનાવી લોકોને...

’18 કરોડનું ફાર્મહાઉસ, VIPની આવ-જા અને જાતીય શોષણના આરોપો’, મંદિર બનાવી લોકોને ઠગનાર બાબાની કહાણી

8
0

Source : BBC NEWS

અશોક ખરાત

ઇમેજ સ્રોત, UGC

(આ અહેવાલની કેટલીક વિગતો વિચલિત કરી શકે છે)

“ગણ્યા-ગાંઠ્યા લોકોને બાદ કરતાં કોઈને તેની નિકટ જવાની છૂટ નહોતી. તે મોટા લોકો સિવાય કોઈને પોતાની નજીક ફરકવા દેતો નહીં. વળી, મહિલાઓને તે પહેલાં બોલાવતો. આ બધું જોયા પછી અમે ત્યાં જવાનું બંધ કરી દીધું.” મીરગાંવના સંતોષ હિંગે અશોક ખરાત વિશે વાત કરી રહ્યા હતા.

મીરગાંવ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સિન્નર તાલુકામાં આવેલું 2,500 લોકોની વસ્તી ધરાવતું ગામ છે. અશોક ખરાત દ્વારા સ્થાપવામાં આવેલું ‘શિવનિકા સંસ્થાન’ આ ગામમાં જ આવેલું છે. પોલીસે મહિલાઓનું જાતીય શોષણ કરવા બદલ અશોક ખરાતની ધરપકડ કરી છે. નાસિક જિલ્લા અને સેશન્સ કોર્ટે 29મી માર્ચ સુધી તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.

અમે જ્યારે મીરગાંવ પહોંચ્યા, ત્યારે ગામના લોકો અશોક ખરાત વિશે વાત કરવાનું ટાળી રહ્યા હતા. કેટલાક લોકોએ કહ્યું, ‘અમારો ઇન્ટરવ્યૂ ન લેશો, અમને બીક લાગે છે.’ લોકો એમ પણ કહેતા હતા કે જો અશોક ખરાતને અટકાયતમાંથી મુક્ત કરવામાં આવ્યો, તો તે નવી મુસીબત ઊભી કરશે.

અશોક ખરાત મૂળ સિન્નરના કહંદલવાડી ગામનો વતની છે. શિવનિકા સંસ્થાનની પુસ્તિકામાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અશોક ખરાત B.Sc.ની ડિગ્રી ધરાવે છે અને તેણે મર્ચન્ટ શિપિંગ તથા સબમરીન વિભાગમાં કૅપ્ટન તરીકે 22 વર્ષ સુધી કામ કર્યું છે.

અશોક ખરાત વિશે વાત કરતાં મીરગાંવના સંતોષ હિંગે કહે છે, “ખરાત 15-16 વર્ષથી અમારા ગામમાં રહે છે. પહેલાં તેણે અહીં 17-18 એકર જમીન ખરીદી. તે પછી તેણે ‘ઈશાન્યેશ્વર મહાદેવ મંદિર’ની સ્થાપના કરી અને ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. તેણે મંદિરને આકર્ષક બનાવ્યું, તેના કારણે મહાશિવરાત્રિ તથા શ્રાવણ માસના સોમવારે લોકોનાં ટોળે-ટોળાં આવવા માંડ્યાં અને યાત્રામાં ભીડ વધવા માંડી.”

‘વાવરમાં આવેલી વસાહત છોડવી પડી’

અશોક ખરાતનું ફાર્મહાઉસ

ઇમેજ સ્રોત, Kiran Sakale

અશોક ખરાત આંકડાઓની ગણતરી કરીને ભવિષ્યની આગાહી કરતો હતો. તે લોકોને તેમના ભૂતકાળ વિશે જે વાતો કરતો તે લોકોને સાચી લાગતી, આથી લોકો માનવા માંડ્યા કે આ માણસ તેમની ભાવિ સમસ્યાઓ ઉકેલી દેશે.

ખરાત ભક્તો પાસે પૂજા અને ધાર્મિક વિધિઓ કરાવતો હતો. તે મામૂલી કચૂકાને ‘પવિત્ર’ ગણાવી 10,000થી 1 લાખ રૂપિયામાં વેચતો હતો. ફરિયાદીએ પોલીસ સમક્ષ નોંધાવેલી FIRમાં કહ્યું હતું કે તે લાખો રૂપિયામાં કાંકરા વેચતો હતો. FIRમાં એમ પણ જણાવ્યું છે કે અશોક ખરાત મીરગાંવના મંદિરમાં નકલી સાપ અને નકલી વાઘ રાખીને લોકોને ડરાવતો હતો.

અશોક ખરાતનું ફાર્મહાઉસ મીરગાંવથી અંદાજે દોઢ કિલોમીટર દૂર આવેલું છે. અગાઉ અહીં ઝૂંપડી જેવો એક રૂમ જ હતો, પણ હવે ત્યાં ત્રણ કે ચાર માળનું ફાર્મહાઉસ બનાવાયું છે. સ્થાનિકોનું કહેવું છે કે આ ફાર્મહાઉસ 16 એકરમાં પથરાયેલું છે અને તેની પાછળ 18 કરોડનો અધધધ ખર્ચ કરવામાં આવ્યો છે. અશોક ખરાત દર આઠ દિવસે અહીં આવતો હતો અને તે આવતો ત્યારે તેની સાથે મોટી-મોટી કારોનો કાફલો રહેતો હતો.

ફાર્મહાઉસ જામનદી નદીના કિનારે આવેલું છે. અહીં જ શિવનિકા સંસ્થાનનું ઈશાન્યેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. ગામનાં લોકો કહે છે કે અશોક ખરાતે નદીના પટ પર અતિક્રમણ કર્યું છે. મીરગાંવના રહેવાસી ભગવત શેલ્કે કહે છે, “દોઢ વર્ષથી અશોક ખરાતે મંદિરની ચારે બાજુ વાડ લગાવી દીધી છે. તેણે અમારા પિતરાઈ ભાઈ પાસેથી પાંચ એકર જમીન લીધી હતી. તેણે નદીના પટની જમીન લઈ લીધી, ત્યાં એક સંકુલ બનાવ્યું અને અમારો રસ્તો બંધ કરી દીધો. તેના કારણે અમારે વાવરની વસ્તી છોડીને ગામમાં આવી જવું પડ્યું.”

સરકારની રહેમ નજર?

શિવનિકા સંસ્થાન ખાતે પાણીની ટાંકી

ઇમેજ સ્રોત, Kiran Sakale

2020માં મહારાષ્ટ્ર સરકારે 48 કિલોમીટર દૂર આવેલા ડારના ડૅમમાંથી અશોક ખરાતના શિવનિકા સંસ્થાનને 39 લાખ લીટર પીવાનું પાણી પૂરું પાડવાનો નિર્ણય કર્યો હતો. હાલ આ જળ પુરવઠો બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સ્થાનિકો કહે છે કે ખરાત ખેતી માટે આ પાણીનો ઉપયોગ કરતો હતો.

અગાઉ, રાજ્ય સરકારે અશોક ખરાતના ઈશાન્યેશ્વર દેવસ્થાનના વિકાસલક્ષી કાર્યો માટે 1 કરોડ 5 લાખ રૂપિયા મંજૂર કર્યા હતા. સાથે જ સરકારે 2017-18માં અહીં જુદાં-જુદાં કાર્યો માટે 25 લાખ રૂપિયાની ફાળવણી મંજૂર કરી હતી.

અશોક ખરાત જમીનના સોદાઓમાં પણ સંડોવાયેલો હતો. ગામના લોકો કહે છે કે તેણે એકલા મીરગાંવમાં જ 50થી 55 એકર જમીન ખરીદી હતી. અત્યાર સુધી થયેલી તપાસમાં માલૂમ પડ્યું છે કે અશોક ખરાત કુલ 40 કરોડ 87 લાખ રૂપિયાની મિલકતો ધરાવે છે. રાજ્યના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસે વિધાનસભાને તે વિશે જાણકારી આપી હતી.

ધમકી આપીને થતું જાતીય શોષણ

અશોક ખરાતની ઑફિસ

ઇમેજ સ્રોત, Kiran Sakale

સ્થાનિક કાર્યકરોના જણાવ્યા પ્રમાણે, અશોક ખરાતનાં ભક્તોમાં ક્લાસ વન ઓફિસરથી લઈને રાજનેતાઓ, બિઝનેસમૅન અને ડૉક્ટરો જેવા હાઇ-પ્રોફાઇલ લોકોનો સમાવેશ થાય છે. તેમણે આપેલી જાણકારી પ્રમાણે, અશોક ખરાતની ઍપોઇન્ટમેન્ટ મેળવવા માટે 10,000 રૂપિયા ચૂકવવા પડતા હતા અને તે માટે બે મહિના સુધી રાહ જોવી પડતી હતી.

અશોક ખરાતની ઓફિસ નાસિકના કૅનેડા સેન્ટરમાં આવેલી છે. ઓફિસના શટર ઉપર મોટા અક્ષરે ‘ઓકસ પ્રોપર્ટી ડીલર્સ એન્ડ ડેવલપર્સ’ લખેલું છે. ઓફિસને હાલ તાળું લાગેલું છે અને ત્યાં કોઈ ફરકતું નથી. અમે જ્યારે અહીંના અમુક લોકો સાથે વાત કરી, ત્યારે તેમણે જણાવ્યું કે આ જગ્યાએ આવા બનાવો બની રહ્યા હોવાનો કે મહિલાઓનું જાતીય શોષણ થતું હોવાનો તેમને અંદાજ પણ નહોતો.

અશોક ખરાત સામે પહેલી ફરિયાદ નોંધાવનારી મહિલાએ કહ્યું હતું, “તેને વારંવાર આ ઓફિસમાં બોલાવાઈ હતી. પહેલાં લગ્ન નક્કી કરવાના બહાને અને પછી તેના લગ્નજીવન આડેનાં વિઘ્નો દૂર કરવાના નામે તથા ધાર્મિક વિધિઓના નામે વારંવાર તેની સતામણી કરવામાં આવી હતી.”

અશોક ખરાતની આ જ મોડસ ઓપરેન્ડી રહી હોવાનું જણાય છે. તેની સામે ફરિયાદ નોંધાવનારી મહિલાઓએ કહ્યું છે કે તેઓ તેમની સાથે જે બન્યું તે વિશે બહાર કોઈને ન જણાવે, તે માટે અશોક ખરાત તેમને ધમકાવતો હતો.

એક પીડિત મહિલાએ તેમની ફરિયાદમાં કહ્યું હતું કે, “અશોક ખરાતે તેને ડરાવી હતી કે જો તે બહાર કોઈને આ વિશે જાણ કરશે, તો તેનો પતિ મરી જશે.” જ્યારે અન્ય એક મહિલાએ કહ્યું હતું કે અશોક ખરાતે તેને તેનાં બાળકો સાથે કશુંક ખરાબ થવાની બીક બતાવી હતી.

‘8 મહિલાઓના 35 વીડિયો’

આક્ષેપોને લઈને અશોક ખરાતનો પક્ષ જાણવા માટે અમે તેના ઘરે ગયા, પણ ત્યાં ટિપ્પણી કરવા માટે કોઈ ઉપલબ્ધ નહોતું. અમે અશોક ખરાતના સંબંધીઓનો પણ સંપર્ક કર્યો, પણ તેમના ફોન બંધ હતા.

બીબીસીના નાસિકસ્થિત સહયોગી પત્રકાર પ્રવીણ ઠાકરેએ ખરાતના વકીલ સચીન ભાટેની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ઍડવોકેટ ભાટેએ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં અશોક ખરાતને લઈને કેટલીક ગંભીર બાબતો સામે આવી છે. મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસે 24મી માર્ચના રોજ અશોક ખરાત કેસ વિશે વિધાનસભામાં જણાવ્યું હતું, “પોલીસ તપાસમાં 8 મહિલાઓના 35 વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં અશોક ખરાતે પાખંડ અને મેલી વિદ્યાથી ઘણી મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હોવાનું અને તેમનું જાતીય શોષણ કર્યું હોવાનું જોવા મળ્યું હતું.”

મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ હ્યુમન સેક્રિફાઇસ ઍન્ડ વિચક્રાફ્ટ ઍક્ટ તથા જાતીય હુમલા અંતર્ગત અશોક ખરાત સામે જુદા-જુદા પાંચ કેસ દાખલ કરવામાં આવ્યા છે. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ કેસની વધુ તપાસ થઈ રહી છે. જોકે, મહારાષ્ટ્ર ઍન્ટિ-વિચક્રાફ્ટ ઍક્ટનો અસરકારક રીતે અમલ ન થયો હોવાનું નાસિકસ્થિત મહારાષ્ટ્ર ઍન્ટિ-વિચક્રાફ્ટ ઍક્ટના સ્ટેટ ઇન-ચાર્જ ક્રિષ્ના ચંદગુડેએ જણાવ્યું હતું.

શિવનિકા સંસ્થા

ઇમેજ સ્રોત, kiran sakale

તેઓ કહે છે, “ઍન્ટિ-વિચક્રાફ્ટ ઍક્ટનો અસરકારક રીતે અમલ નથી થઈ રહ્યો. તે અધિનિયમના નિયમો હજુ ઘડાયા નથી. એટલું જ નહીં, પણ અધિનિયમ હેઠળ દરેક પોલીસ સ્ટેશનમાં વિજીલન્સ ઓફિસરની નિયુક્તિ કરવાની તાકીદ કરવામાં આવી છે, પણ હજી સુધી એક પણ પોલીસ સ્ટેશનમાં વિજીલન્સ ઓફિસરની નિમણૂક કરાઈ નથી. મહત્ત્વની વાત એ છે કે આ કાયદાને લઈને પોલીસ વર્તુળમાં ગૂંચવણ પ્રવર્તે છે. ઘણા કિસ્સાઓમાં પોલીસ અમારી મદદ માગે છે. અમે તેમના માટે તાલીમ શિબિરનું આયોજન પણ કરીએ છીએ, પણ અમને લાગે છે કે સરકારે આ કાયદાનો અસરકારક અમલ કરવાની અને તેનો પ્રચાર-પ્રસાર કરવાની જરૂર છે.”

અશોક ખરાત કેસની અન્ય પીડિતાઓની શોધ ચાલી રહી છે અને આરોપીની સંપત્તિ અંગેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. સરકારી અધિકારીઓ અને અશોક ખરાત વચ્ચે મિલીભગત હતી કે કેમ, તેની પણ તપાસ ચાલી રહી છે.

આ દરમિયાન, અશોક ખરાતને આકરી સજા ફટકારવાની માગણી પણ ઊઠી રહી છે. મીરગાંવના સંતોષ હિંગેએ પોતાની ઈચ્છા પ્રગટ કરતાં કહ્યું હતું, “અમારા ગ્રામજનોનું કહેવું છે કે આ મામલાનો અંત આવવો જોઈએ. અશોક ખરાતને આકરી સજા થવી જોઈએ, જેથી આપણા વિસ્તારમાં બીજો કોઈ આવો દગાબાજ ન પાકે.”

અશોક ખરાત સામે મહાભિયોગ ચલાવવાના સરકારના નિર્ણય અને તેની તસવીરોને પગલે તે રાજકીય પીઠબળ ધરાવે છે કે કેમ, તેને લઈને પણ સવાલો ઊઠી રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS